મોદી : ધ ગેઇમ ચેંજર અને સર્જીકલ સ્ટ્રાઇક્સ – 2

શ્રીમદ ભગવદ ગીતામાં પ્રભુ શાસકની ફરજો વર્ણવે છે.. ‘શાસકની સર્વપ્રથમ ફરજ શત્રુવિહીન રાજ્યની રચના છે.’

અહિંસાના માર્ગે આઝાદી મળી એવું સમજતા ખાદીધારી શાસકોએ વીરભૂમિની એક નબળા રાષ્ટ્ર તરીકે આંતરરાષ્ટ્રીય છબી ઉપસાવી હતી. શહીદ સૈનિકોની ચિતાઓની અગનજવાળાઑ પર બિરાજી આપણાં શાંતિદૂત નેતાઓ પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણાઓનો દોર ચલાવતાં હતા.

સંખ્યાબળમાં વિશ્વમાં બીજા ક્રમે અને સૈન્યશક્તિમાં સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે ક્રમાંકિત ભારતીય સેનાને પરાક્રમમાં કોઈ પહોંચી શકે તેમ નથી. પરંતુ, આંતરિક શક્તિહીન, પંગુ નેતૃત્વને લીધે સૈનિકોનાં વીરત્વને અને અમોઘ શસ્ત્રોને જાણે કાટ ચડવા માંડ્યો હતો.

સામ દામ અને ભેદ નો લગાતાર આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારત દ્વારા ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ દેશના દુશ્મનો વિરુદ્ધ ‘દંડ’ ઉર્ફે ડંડાનાં વિધિવત ઉપયોગની અનિચ્છા કે પછી અણઆવડતને કારણે આપણા રાષ્ટ્રને વિશ્વ એક સોફ્ટ સ્ટેટ, માયકાંગલા રાષ્ટ્ર તરીકે ઓળખતું હતું.


શાસન બદલાવાની સાથે સાથે ભારતની સોફ્ટ નબળી પાકિસ્તાની નીતિઓમાં બદલાવ અવશ્મ્ભાવી હતો. ઉરી હુમલા બાદ આતંકીઓને યોગ્ય જવાબ આપવા માટે પ્રધાનમંત્રીજી પાસે લોકોની અપેક્ષાઓ આકાશે હતી. હ્રદય અત્યંત આનંદિત છે જે રીતે છેલ્લા થોડા દિવસોમાં ભારતીય શાસકોએ પ્રતિઘાત આપ્યા છે. ત્રણેય સેના પ્રમુખો સાથે પ્રધાનમંત્રીની વોર રૂમમાં બેઠક બાદ જવાબદાર વિવિધ વિભાગોનું સંકલન અને એ વ્યક્તિવિશેષની નિર્ણયક્ષમતા માટે તેમને સેલ્યુટ છે. ખાસ કરીને રાજકીય, કૂટનીતિક અને સૈન્ય મામલાઓમાં ભારત સરકારના વિભાગો આટલા સહ સમન્વયથી ક્યારેય વર્ત્યા નથી, ઇતિહાસ ગવાહ છે.

ડાયરેક્ટર જનરલ મિલીટરી ઓપરેશને ઉરી હુમલા બાદ વિધાન કરેલું કે, ‘હમ તુમ્હે મારેંગે ઔર ઝરૂર મારેંગે, મગર વક્ત ઔર જગહ હમ તય કરેંગે..’ 18 સપ્ટેમ્બર 2016, ઉરી હમલાના માત્ર અગિયાર દિવસોની અંદર ઊંડે સુધીનું ઈંટેલિજન્સ એકઠું કરી, એક સફળતમ વીજળીક સૈન્ય હુમલા થકી ભારતીય સેનાએ પોતાની અપ્રતિમ પ્રતિકાર ક્ષમતાનો પરિચય વિશ્વને આપ્યો છે.

સેના દ્વારા ઇસરોના અત્યાધુનિક જાસૂસી ઉપગ્રહોએ આપેલી આતંકી કેમ્પોની માહિતીઓનું આકલન કરી સર્જીકલ ઓપરેશનમાં ડ્રોન અને સેટેલાઈટનો પ્રાથમિક ઉપકરણો તરીકે સચોટ ઉપયોગ કાબિલે તારીફ છે.
કાશ્મીરના વિશ્વાસઘાતી ભૂપ્રદેશમાં વિરોધી લક્ષ્યોને ઓળખીને તેના પર ઘાત લગાવવી અહીં લેખ લખવા કે આ વર્તમાનપત્રને વાંચી જવા જેટલું સહેલું નથી. જડબાતોડ પ્રતિકાર માટે આર્મીએ લીધેલ 11 દિવસનો સમય ઉપયુક્ત છે.

આર્મીએ સર્જીકલ સ્ટ્રાઈક વિષે શક્ય તેટલી પારદર્શક્તા દાખવી આપણને માહિતી આપી તેથી વિશેષ તેમણે કઇં જણાવવાની જરૂર નથી.

મોદીએ કોઝિકોડમાં પાકિસ્તાનની જનતાને કરેલું સંબોધન ગેઇમ ચેંજર બની રહ્યું. ભારતીય ચાણક્યનું કહેવુંકે એક બીજા સાથે લડવાને બદલે પાકિસ્તાને આર્થિક અને સામાજિક ભેદભાવો સામે લડવાની જરૂર છે. પાકિસ્તાનને આંતરખોજ કરવાની હાકલ કરી મોદીએ સમગ્ર ભારત-પાક મુદ્દાને એક નવો માનવીય આયામ આપ્યો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સુષ્મા સ્વરાજના શબ્દો ‘જિનકે ખુદ કે ઘર શિશેકે હો વોહ દૂસરો પર પથ્થર નહીં ફેંકા કરતે.’ અને બલૂચિસ્તાનના નાગરિકોના માનવધિકારને સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ઉઠાવ્યા બાદ, સિંધુ જળ સમજૌતા’ ની દશકો બાદ પ્રધાનમંત્રીએ કરેલી સમિક્ષા. શતરંજના ખેલમાં પાકિસ્તાની શાસકો અને મિલીટરી સત્તાધીશો ઊંઘતા ઝડપાયા.

ચતુર રાજનીતિ: પાણીના કુદરતી વહેણ વિષે સમજી શકતો કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે હિમાલયની ઊંચાઈઓ થી ધસમસતા સિંધુનદીના પ્રવાહને મોટા બાંધો બાંધ્યા સિવાય રોકી શકાય નહીં. મોટા બાંધો અને નહેરો નું નેટવર્ક કેટલા વર્ષો અને કેટલી સમસ્યાઓ લાવે છે તે આપણે સરદારસરોવર નર્મદાના કિસ્સામાં અનુભવી ચૂક્યા છીએ. પણ માઇન્ડ ગેઇમ્સમાં ચોતરફે ઘેરાયેલા પાકીઓ અવાચક હતા અને વારે ઘડીએ આણ્વિક હુમલાની ફિશિયારીઓ મારતા રહ્યા. આ કૂટનીતિક દબાણો અને પગલાઓ પ્રશંશનીય છે અને ચાલુ રહેવા જ જોઈએ.

ડાયરેક્ટર જનરલ મિલીટરી ઓપરેશને કરેલું સ્ટેટમેન્ટ લોકો ભૂલવા લાગ્યા હતા. ભારત સરકાર સાર્ક સિંધુ જળ સંધિ મોસ્ટ ફેવર્ડ નેશન જેવા અસૈનિક ઉપાયો અને મુદ્દાઓમાં મશગુલ થઈ ગઈ છે એવું દેશવાસીઓને લાગ્યું. ફરીવાર ભારતીય સફેદ કબૂતર શહીદ સૈનિકોની ચિતાઓ પરથી ઊડી રહ્યું હોય તેવું વાતાવરણ રચાવા લાગ્યું. પણ સેનાને ખુલ્લોદોર અપાઈ ચૂક્યો હતો.

દુશ્મન સેના આપણાં તરફથી હુમલા માટે સંપૂર્ણ સચેત હોય તેવા સમયે વીજળીક ત્વરાથી આટલો મોટો બદલો લેવો એ તો ખાંડાના ખેલ છે. સ્પેશ્યલ કમાન્ડો ફોર્સ અને પેરા કમાન્ડોની પ્રોફેશનલ સજ્જતાને દાદ દેવી પડે કે એક પણ કેઝ્યુયલ્ટી વિના દુશ્મન ને ગંધ પણ આવ્યા વગર સમગ્ર ઓપરેશન પાર પાડ્યું.

પાક આતંકવાદ વિરોધી ઓપરેશનનું સંકર અનુક્ષેત્ર વિવિધ રંગાવલીના વિકલ્પો ધરાવતું હતું. આંતરરાષ્ટ્રીય સમુદાયને પાક પ્રેરિત આતંકવાદના મુદ્દે અનેકગણું સંવેદિકરણ હાંસિલ કરાયું. સાર્ક દેશોનો વિશ્વાસ સંપાદન કરી પાકિસ્તાનને નામજોગ શર્મસાર કરી અલગ-થલગ પાડવું તે કઈ નાનીસૂની સિદ્ધિ નથી. પરંતુ આ સઘળી સંકર પ્રતિક્રિયાઓને જો સૈન્યકીય કાર્યવાઈ સાથે સાંકળવામાં ન આવે તો તેની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. ખાસકારીને જ્યારે તમે આટલી મોટી સંખ્યામાં જાનહાનિ સહન કરી હોય. આ ઊંચી કક્ષાના કૂટનીતિક અને આર્થિક પગલાંઓને ઉર્જા પૂરી પાડી અને ખરી અસર પહોંચાડી છે એલ ઓ સી ની પેલે પારના અસરદાર હુમલાએ. લોકો માં ઉત્સાહ છે. આર્મીએ સ્વાભિમાન અને ગર્વ પાછો મેળવ્યો છે. દેશવાસીઓ માટે ભારતીય સેનાનું ઉરીમાં થયેલું નુકસાન રાષ્ટ્રીય મનોબળને હાનિ પહોંચાડવા વાળું બની રહ્યું હતું. સેનાના જડબાતોડ જવાબે ગુમાવેલું કૈંક પાછું મેળવી દીધું છે.

ભારતે હવે એક લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે. દુશ્મનને નબળો ગણવાની ભૂલ કરી શકાય નહીં. પાકિસ્તાન પણ આપણી જેમ સમય અને સ્થાન પોતે નક્કી કરશે તે પાક્કું છે. પાકિસ્તાનનો પાછલો ટ્રેક રેકોર્ડ તેના અસૈન્ય, સિવિલિયન, સોફ્ટ ટાર્ગેટ પર આતંકી હુમલાઓની નાપાક વૃત્તિઓ દર્શાવે છે. ગુજરાતનો તટ તેમાય ખાસ કરીને જામનગરના વિશાળકાય ઉદ્યોગો પર જોખમ વધુ છે. નૌસેના અને તટરક્ષક બળોને સાવધ બની જવાની જરૂર છે. બાકી સરહદ પર આર્મી ચોક્કસ છે, અને પાક સેનાને લાઇન ઓફ કંટ્રોલની પેલે પાર જવાબ આપવા પૂરતી સક્ષમ છે.

સેનાનો એક નિયમ છે, ‘પહેલો વાર કરો, બળપૂર્વક વાર કરો, વારંવાર હુમલાઓ કરતાં રહો..

ચોતરફા હુમલાઓથી બદહવાસ બનેલું પાક તેના ભારતીય વસતિ માં છુપાયેલા સ્લીપર સેલ્સને એક્ટિવ કરી આપણાં પર આતંકી હુમલાઓ કરાવે અને તેવી દ્રઢ આશંકા રહેલી છે. આવે સમયે આપણે સર્વે આપણી આસપાસની શંકાસ્પદ ગતિવિધિઓ પર ધ્યાન આપીએ. કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે બિનવારસી સામાન દેખાય તો પોલીસ ને ત્વરિત જાણ કરીએ તે આવશ્યક છે.

દુશ્મનના કબજાના વિસ્તારમાં સચેત દુશ્મન પરના હુમલામાં ખુલ્લે આમ યુદ્ધ થાય અને પરિસ્થિતી કાબુ બહાર થઈ હાથમાંથી નીકળી જાય તેવી શક્યતાઓ રહેલી હતી. સર્જીકલ સ્ટ્રાઈક જો એસક્લેટ થઈ યુદ્ધમાં પરિણામે તો પરિણામાંતે મારા તમારા અને વિશ્વ સમુદાયની પ્રતિક્રિયાઓ અલગ અને મુશ્કેલ થઈ પડત. માત્ર એક રાત્રિએ ગણતરીના કલાકોમાં અંધારપટમાં ઓળાઓની જેમ ઓગળી ગયેલા સ્પેશ્યલ કમાન્ડો યુનિટે જે રીતે આ વ્યુહ પાર પાડ્યો તે હતી ‘સર્જીકલ સ્ટ્રાઈક’.

જાગ ને જાદવા ક્રુષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેનમાં કોણ જાશે? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ વહેશે? … હે જાગને…

લેખન : મનન ભટ્ટ

શેર કરો આ માહિતી દરેક ભારતીય મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી