ખુદનો સૂરજ ખુદ બનાવું.. – યોગાનુયોગ શબ્દનો પ્રયોગ વાંચીને તમે ગોટે ચઢી જશો…

ખુદનો સૂરજ ખુદ બનાવું…..!!!

“કોઈના પગલાં પર શું ચાલવું, ખુદનો રસ્તો ખુદ બનાવું..
ભલે ફેલાયે ચોમેર અંધકાર, ખુદનો સૂરજ ખુદ બનાવું….”

૧… તારી છબી મને ધૂંધળી દેખાય છે….
ચાલો હાથ જોડેલા આંખો બંધ….
આવું સૂચન પ્રાર્થના પૂર્વે થયું. બધાં બાળકો અનુસર્યા.. પરંતુ જાસ્મિનની આંખો આજે જુદા મૂડમાં હતી.. તેણીને માં શારદાની મૂર્તિ ધૂંધળી દેખાતી હતી.
થોડું રડી પડાયું…
આંસુથી સરી પડાયું..
કહું તો કોને કહું??
મારા પપ્પાએ કહ્યું છે કે આવતી કાલથી તારે શાળામાં નથી જવાનું.. કારણ, તારા નાનકડા ભઈલાને સાચવવા ઘરે રહેવાનું છે… આજે તારો શાળામાં છેલ્લો દિવસ…
પ્રાર્થના પૂરી થઇ.
મનોમન થતી આ વાત અધૂરી રહી…
ડૂમાને રોકાઈ જવું પડ્યું.
આંસુને લુસાઈ જવું પડ્યું..
રિસેસમાં સહેલીઓ સાથે નાસ્તો કરવા માટે બેઠી.. પરંતુ જસ્મિનને જરાય રસ નહોતો નાસ્તામાં.. સહેલીઓ તેની આંખો જોઈને પૂછ્યું કે “આજે તને શું થયું છે?” “સવારથી તું કેમ કોઈ સાથે બોલતી નથી?” “કોઈ વઢ્યુ છે?” “શું થયું છે?” “કહે તો ખરી?”
સહેલીઓના સવાલોએ જસ્મિનની આંખોને અનરાધાર વરસવાની મંજૂરી આપી. અને સાથે લાવેલા લંચ બોક્ષમાં આંસુઓ એ જગ્યા લીધી. જેથી લંચ બોક્ષનુ કઠોળ વધારે નમકીન બની ગયું.. અને પોતાના પપ્પાની કહેલી વાત જણાવી દીધી… આજે મારો છેલ્લો દિવસ છે… બસ પછી શું? બધી સહેલીઓને અત્યારે નાસ્તા કરતા જસ્મિનના ઘરે જઈને તેણીના પપ્પાને સમજાવવાનું ઉચિત લાગ્યું.. અને નાસ્તાના ડબ્બા થયાં બંધ. અને જસ્મિનના પપ્પા પાસે બધી બહેનપણીઓના મો થયાં ખુલ્લાં…
“મારે પણ નાનો ભાઈ છે, મારા પપ્પા મારી શાળા નથી છોડાવતા?” “તો તમે કેમ?”
“શું નાનો ભાઈ કે બેન હોઈ તેને બધાં શાળા માંથી ઉતારી લે?”
“અરે, મારે તો મોટો ભાઈની વધારે ફીસ ના મારી શાળા છોડવાનું કહેલું.. પણ હું એમ થોડી માનું?”
“અં…ક….લ…., જુઓ તમે જસ્મિનની શાળા નહી છોડવો.. પ્લીઝ… નહીતર જો જસ્મિન શાળામાં નહી આવે તો અમે પણ શાળામાં નહી જઈએ…!!” “શું સમજ્યા..??”
એક સાથે આટલા સવાલો..!! જસ્મિનના પપ્પા હતપ્રભ બની ગયા… અને બાળા રાજાઓની જીદ પાસે જુકી જવાયું… અને શાળામાં આવવાની સહમતી આપવામાં આવી. પિતાની સહમતીને કારણે જસ્મિન નામના પુષ્પ પર અણધાર્યા પાનખરને હટી જવું પડ્યું.

બીજા દિવસે પ્રાર્થનામાં માં શારદાની છબિ મલકી રહી છે.. છબિ ધૂંધળી હવે જણાતી નથી..
(પ્રારંભ પક્તિ રસીદ મીર)

૨. મોળી વાત નો કરતો…..!!

શેરડીના સાઠાં જેવું મીઠડું ઈ ગામડું. ઈ ગામડાની માલીપા મીઠડાં મહેનતકશ છોકરાઓ… આજે સવારે સાત વાગે શેર(શહેર) ભણી તગ્ગામાં બેહીને દોટ મૂકવાના છે… ઈવડા ઈ ત્રણ પગવાળા છકડાનો સારથી અત્યારે સોની માથે પાંત્રી થાય એવો એક માવો ડાબા ગલોફે ફીટ કરે છે, કારણ…. જમણાં ગલોફાને જાડો ચૂનો અડી ગયો છે. સારથી ગામડાથી ત્રણ ગાઉ દૂર શેરની મોટી નીશાળ પાહેં(પાસે) રથને ઉભો રાખે છે.

સર: “આપણી શાળામાં પ્રથમ નંબરે આકાશ આવે છે…. આ આકાશને ધોરણ નવમાં માત્ર બેતાલીશ(૪૨%) ટકા જ આવેલા.. જે આજે દસમાં ધોરણમાં બાણું(૯૨%)ટકા લાવ્યો છે. આકાશનું પરિણામ આકાશને આંબે છે આજે..!!! આકાશ બેટા, તારી સફળતાનું રહસ્ય કહીશ બધાને?”
આકાશ: “હું દસમાં ધોરણમાં આવ્યો ને મારા ઘરે બે નવા એન્રોઈડ ફોન આવ્યા.. એક પપ્પા માટે, એક મમ્મી માટે.. પછીથી મારા ઘરમાં શાંતિ રહેવા લાગી.. દૂરના અને અજાણ્યા સંબધો ફોનમાં સુધારવા મથ્યા કરતા મારા મમ્મી-પપ્પા…. અને હું આ શાંતિપૂર્ણ વાતાવરણનો લાભ લઈને વાંચતો.. માટે આ પરિણામ આવ્યું.”

પરિણામ મેળવી બધાં તગ્ગામાં ગોઠવાયા… રાજલો અને ભગલાને બાદ કરતા બધાં ખુશ હતાં…

ભગલો: “હાલને રાજલા આપડે આત્મહત્યા કરી લઈએ…..!!! ગામડે આપડે બધાને શું મોઢું દેખાડીશું? બધા તો મને ઘઘલાવશે હારે-હારે મને મારી ભેહુંય ભાંભરી ભાંભરીને મને ઉધડો લેશે હો…!!”

રાજલો : “એલા તું આ શેરના સોકારવ જેવી મોળી મોળી વાતું કાં કરે… આ દુનિયાની માલીપા શું આપડે બે જણા જ નાપાસ થયાં હઈસું…???!!! તારા બાપા સામું જો… ઈ અત્યારે હીરાની સો ઘંટી હલાવે છે. એના સા’બ કેતા કે આને સો એકડા પણ નથી આવડતા…. શું થાશે આનું…???!! શેઠ થઇ ગયાં છે…. અને જો તારે આત્મહત્યા કરવી હોઇ તો કરજે… મારે નથી કરવાની.. હું ફરી મહેનત કરી પરીક્ષા આપીશ…. બાકી જો ભાગલા આપડે આત્મહત્યા કરીએ ને એટલે નવો જનમ આપડો થાહે… અને બાલમંદિરથી ભણવું પડશે….
ભગલો : “હારું… હારું… હવે ઈ કે રીપીટરના ફોર્મ કયારે ભરાશે…..???” અને બંને હસી પડ્યા…

૩.યોગાનુયોગ

વિદ્યાર્થી અને સાહેબનો સંબંધ વિષે શું કહેવું? હમ આપ કે હૈ કોન…?? જેવી ફીલિંગ્સ આવે.. અને વર્ગમાં જઈએ તો કેટલાક સાહેબો એવા એવા સવાલો પૂછે કે તેનો જવાબ આ દુનિયાની માલીપા હજુ ઘડાયો જ નથી.. છતાં ખમતીધર બાળકો આળસ મરડીને બેઠાં થઇ ને આવા સવાલોનો જવાબ શોધી લાવે… એક વખત એક સાહેબે વર્ગમાં સવાલ પૂછ્યો કે…
“યોગનુંયોગ શબ્દનું કોઈ સુંદર ઉદાહરણ આપો?”
છેલ્લી બેંચે બેઠેલા બાબાને મિત્રે જગાડ્યો. મિત્રોને મુંજવણ આ બાબો દૂર કરે.. નામ ભલે બાબો પણ એને મૂછોનો દોરો ફૂટું ફૂટું થઇ રહ્યો છે.. એક વખત આને કોકે પૂછેલું કે “એ બાબા તારું નામ શું?” એટલે તેને કહ્યું “કે મારું નામ જ બાબો છે…” પેલો જવાબ ની ઉઘરાણી કરવા પણ ન રોકાયો.. બધાં મિત્રોએ બાબાને જગાડ્યો અને કહ્યું કે “આપણા પુસ્તકમાં ક્યાંય “યોગાનુયોગ” શબ્દનું ઉદાહરણ નથી. અને તારે આનો જવાબ આપીને સાહેબને સમજાવી દેવાના છે..” બાબલા યે આંખો ચોળીને બીડું જડપ્યું… ત્યારે સાહેબની મુખાકૃતિ સ્પષ્ટ જણાઈ. સાહેબ તેને હજુ મુંજવણમાં જણાતા હતા. કારણ વર્ગમાંથી કોઈએ પણ જવાબ નહોતો આપેલો..
બાબલો ઉવાચ : “સાહેબ યોગનું યોગ શબ્દનું ઉદાહરણ જણાવું તો અં.. અં.. અં.. અં.. અં… મારા પપ્પા અને મારા મમ્મીના લગ્ન એક જ દિવસે થયેલા.. લ્યો… બોલો…!! બાબલાને સાહેબ હજુ પણ અસમંજસમાં લાગ્યા એટલે વળી પાછો આપણા પૂછડિયા ક્રિકેટરની જેમ આગળ વધ્યો… સાહેબ એમ તો મારા દાદા દાદીના લગ્ન પણ યોગનુયોગ એક જ દિવસે થયેલા… અમારી સાત પેઢીના લગ્ન યોગાનુયોગ જ…..”

“બસ પછી શું?”
સાહેબ પાસે સોનામહોર જેમ સાચવેલી છેલ્લી રજાનો એ દિવસે ભોગ લેવાયો…!!

લેખન :નરેન્દ્ર જોષી.

તમને આ ત્રણમાંથી કઈ વાર્તા વધુ પસંદ આવી અચૂક કોમેન્ટમાં જણાવજો..

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ..

ટીપ્પણી