કલ્પવૃક્ષ – એવા શિક્ષકો જે વિદ્યાર્થીની મૂંઝવણ આપો આપ જાણી લે છે, આ વાર્તા કલ્પવૃક્ષ સમા સર્વ સારસ્વત મિત્રોને અર્પણ…!!

કલ્પવૃક્ષ….!!!

“ભગવાન મોરી નૈયા પાર લગા દેના..
અબ તક તો નિભાયા હૈ, આજ ભી નીભા લેના…!!”
“એ…..એ……એ…. આ સત્તર, આ અઢાર અને આ ઓગણીશ… હવે છ ચોકલેટ ઘટે..” સાતમા ધોરણમાં ભણતી નૈયાના ચહેરાં પરનું મુકાસ્કાન આ ચોકલેટ બની.. “હે ઈશ્વર…!! હવે મને જો છ ચોકલેટ મળી જાય ને તો સોમવારે હું દોડી દોડીને શાળામાં જાઉં.. અને વર્ગમાં બધાને કહીશ કે આજે મારો બર્થડે છે.. અને હું પણ બ…ધા…ને.. ચોકલેટ આપવાની છું.. તમે સાંભળો છોને મારા ભગવાન..?? મારા પપ્પા તો મારું કાંઈપણ નથી સાંભળતાં..!! એતો એમ કહે છે કે આપણાં બર્થડે ફર્થડે ન હોય…. આપણા જેવાં ગરીબો ને માટે રાત્રે થાળીમાં રોટલાં સાથે મરચું હોય તો ભયો ભયો…અને તારે નિશાળમાં બીજા છોકરાવની જેમ જનમ દિવસ ઉજવવો છે? એક કામ કર તું નૈયા, તું સોમવારે નિશાળે નહીં જાતી… અને મારી હારે કામે આવજે… મારા શેઠ તને એક દિવસની દાડી પૂરા પચાસ રૂપિયા આપશે. ‘ઈ પચાસ રૂપિયામાં તને અને તારા ભઈલાને ભાવતો આઈસક્રીમ ખવડાવીશ…!! અને એમ આપણે તારો જનમ દિવસ મનાવીશું..”
“પણ ભગવાન હું મારા પપ્પાને કેમ સમજવું કે મારે હવે છ ચોકલેટ જ ઘટે છે… અને આ ત્રણ દિવસમાં છ વિદ્યાર્થીઓના જન્મ દિવસ આવી જાય તો મને આપેલી ચોકલેટ હું નહી ખાઉં. અને ભેગી કરીને સોમવારે બધાને ચોકલેટ આપીશ. વીસ મારા વર્ગના વિદ્યાર્થીઓ અને પાંચ અમારા સાહેબને.. ભલે મારી માટે ચોકલેટ ન વધે… હું બધાયની સામે જોઈને હસ્યાં કરીશ, એટલે કોઈને ખબર નહી પડે કે મારા જન્મ દિવશે મને જ ચોકલેટ નથી મળી..!!પણ આ વખતે તો નિશાળે તો જવું જ છે અને મારો જન્મ દિવસ પણ ઉજવવો છે.. બધાય પોતાના જન્મ દિવસ મનાવે, અને હું કેમ નહી???”

“તમને ખબર છે ભગવાન…?? અમારી શાળામાં જન્મ દિવસ મનાવવાની રીત..? જેનો જન્મ દિવસ હોય તેને બધાની વચ્ચે“આજનો દીપક”એવું નામ આપીને તેનાં કોલર પર એક સુંદર ડીઝાઈનવાળી પીન લગાવવામાં આવે અને એના નામથી ગીત ગાવામાં આવે.. હવે તમે બોલો કે નિશાળમાં કેવી મજા આવે?”
“હવે જયારે બધાની વચ્ચે મને દીપક બનાવીને કોલરે પીન લગાવશે, તો મને ખૂબ ગમશે.. અને બધાં એક સાથે ગાશે કે હેપ્પી બર્થડે ટુ યું.. ડીયર નૈયા…!! ત્યારે તો મને ખૂબ મજા પડશે.. બસ ભગવાનજી તમારે એક કામ કરવાનું છે.. આ ત્રણ દિવસમાં કોઈકના જન્મ દિવસ લાવીને મને છ ચોકલેટ અપાવી દેજો..!! તમારી નાનકડી નૈયાની નૈયા પાર લગાવી દેજો..!!”

આમ કહીને સાતમાં ધોરણમાં ભણતી નૈયા નામની છોકરડી એક ડબામાં ચોકલેટ મૂકીને નિશાળે જવા ઉપડી..! નૈયા પોતાના મનનો સઘળો ભાર ઈશ્વરને સોંપીને હળવીફૂલ બની ગઈ.. તેની માટે છ ચોકલેટ મળી જાય એટલે કુબેરનો ખજાનો મેળવવા જેમ હતું…!!

“અબ સોંપ દિયા ઇસ જીવનકા સબ ભાર તુમ્હારેં હાથોમેં,
હૈ જીત તુમ્હારે હાથોમેં, હૈ હાર તુમ્હારે હાથોમેં…!!”
આજે શનિવાર… અને નૈયાનો કંપાસ ખુશ છે. દફતર નાચે છે અને નૈયા પોતે પણ હરખના હિલોળે ચડી છે..!! નૈયાને લાગ્યું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી અને મને છ ચોકલેટ અપાવી.. “ઓગણીસ વત્તા છ, બરાબર પચ્ચીસ.. હવે હું મારો જન્મ દિવસ મારા મિત્રોની જેમ જ ઉજવીશ..” નૈયા આજે ઘર તરફ ચાલતી નહોતી પરંતુ ઉડતી હતી… ઘરે આવીને ઉત્સાહથી પેલો ડબ્બો ખોલ્યો.. તેમાં છ ચોકલેટ ઉમેરી.. “થેં…ક…યું… મારા પ્યારા ભગવાન…!!મને મજા પડી ગઈ.. સોમવારે શાળામાં જઈશ હવે તો…!! હું જન્મ દિવસ ઉજવીશ ભગવાન ભઈ.. તાક થૈયા.. થૈયા.. તાક થૈ…!!!”

નૈયા ફટાફટ બધી ચોકલેટની ગણતરી પહેલેથી કરવા લાગી.. ત્યાં તો પચ્ચીસમાં બે ચોકલેટ ઘટી…!! ગણતરી પ્રમાણે પચ્ચીસ જ થવી જોઈએ.. શું મારી ગણતરીમાં ભૂલ હશે? કોઈ એ લીધી હશે? હવે સોમવારે…!!

“હવે મારો જ..ન..મ.. દિ..વ..સ?”

ઓ મારા ભગવાન? નૈયાનો રડમસ ચહેરો.. અને ફાટેલું મો.. ચોકલેટ શોધતી વિસ્મયી આંખો… !!

“દીદી… દીદી… તારા ડબામાં તો ચોકલેટનો ખજાનો છે.. એ..એ… મને તો આજે ખબર પડી.. તેમાંથી મને ભાવતી મેંગો અને સ્ટ્રોબેરીની બે ચોકલેટ હું ખાઈ ગયો..!! એ..એ… દીદી પકડાય ગઈ… દીદીનો ખજાનો પકડાય ગયો..” અને પછી નૈયાનો ભાઈ રૂમમાંથી બહાર જતો રહ્યો.. અને નૈયાને સોમવાર માટે વિચારોથી કેદ કરતો ગયો..
સોમવારની સવારનો પવન શાળાની દીવાલ પર આળસ મરડીને બેસી ગયો.. તો સૂરજના કિરણોએ પ્રાર્થનાહોલમાં સ્થાન લીધું.. બેતાબ બની શાળા બાગના પૂષ્પો નૈયાની રાહ જોઈ રહ્યા છે.. નૈયા આજે શાળામાં આવશે કે નહી?
બધાં બાળકો પ્રાર્થના સભામાં બેસી ગયાં.. જીણી આંખે શાળા પણ નૈયાના આવવાના રસ્તા પર જોતી હતી.. ત્યાં નૈયા આવતી જણાઈ… પણ ન તો પગમાં શાળામાં દોડીને આવવાનો ઉત્સાહ કે ન જન્મ દિવસનો કોઈ રંગ.. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મની જેમ નૈયા લાગતી હતી.. સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગયાં ત્યારે કેવાં લગતા હશે તે નૈયાને જોઈને સમજાય જાય…!!

શાળામાં પ્રવેશતા જ ગુલાબે મલકીને કહ્યું : “હેપ્પી બર્થડે ટુ યુ નૈયા…!!” કટી પતંગ જેવો ચહેરો ખુશ ન થયો.. નૈયાની પાછળથી ફરી વખત કોઈ અવાજ આવ્યો.. “નૈયાને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!” અરે આ મારા સાહેબનો અવાજ.. અને નૈયાએ રડમસ ચહેરે પાછું વળીને સાહેબ સામે જોયું.. નૈયા માત્ર એટલું બોલી “થેંકયું સર..” અને આંખો ચાડી ન ખાય તે માટે નૈયાની નજર આપોઆપ ઢળી પડી… પરંતુ સાહેબ તો હજુ ઉત્સાહમાં હતાં.. તેમને સંતાડેલું ચોકલેટનું પેકેટ નૈયાની સામે ધર્યું.. “મને ખબર હતી કે આજે મારી લાડલીનો જન્મ દિવસ છે.. મેં જોયું કે જેને ઘરેથી ચોકલેટ નથી લાવી આપતાં તે બાળકો શાળામાં જન્મ દિવસે નથી આવતાં. હું આ ચોકલેટ તારા માટે લાવ્યો છું.. બધાને વહેંચવાની છે..”
સુદામાના તાંદુલ સ્વીકારીને હરીવરે મહેલ ભેટમાં આજે નૈયાને પણ આપ્યો…. પ્રાર્થના સભામાંથી અવાજ આવી રહ્યો હતો… “હેપ્પી બર્થ ડે ડીયર નૈયા….!!!”

સંભારણું….!!!

પુસ્તકો વાંચી વાંચીને શિક્ષકની નોકરી કરતાં કેટલીય શાળાના સારસ્વત ભાઈઓ બહેનો કલ્પવૃક્ષ જેવાં છે. જે હવે પુસ્તકો નથી વાચતા.. વાંચે છે બાળકોની આંખો.. વાંચે છે બાળકોના આંખોના સ્વપ્નાઓ.. અને આપે છે એ સ્વપ્નોને પાંખો..

કલ્પવૃક્ષની સંક્પના છે કે બાળકોને પોતાની સમસ્યા કહેવી ન પડે.. શિક્ષક બાળકોના મનની સમસ્યાને ઓળખીને સમાધાન લાવી આપે.. આ વાર્તા કલ્પવૃક્ષ સમા સર્વ સારસ્વત મિત્રોને અર્પણ…!!

લેખક : નરેન્દ્ર જોષી.

આપના જીવનમાં પણ એક શિક્ષક આવા આવ્યા જ હશે તેમનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો, દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી