એક લાલ રંગની પેન આપજો… કોઈપણ વિદ્યાર્થી નબળો નથી હોતો બસ સમય જ એની કાબેલિયત બતાવે છે…

એક લાલ રંગની પેન આપજો…..

પેપર પૂર્ણ થયાના ત્રણ કલાક બાદ લાંબો બેલ વાગ્યો, અને પરીક્ષા ખંડમાંથી વિદ્યાર્થીઓ અને એ જ રૂમના ખૂણામાં રહેલ એક જાળામાંથી કરોળિયો સડસડાટ બહાર નીકળી ગયો…!! દરેક સાહેબના થેલાં અને દિમાગમાં ઉત્તરવહી એ સ્થાન લીધું. દરેક વિદ્યાર્થીઓ પોતાનું કર્મ કરીને છૂટી ગયાં; ફળની આશા વિના… અને સાહેબને હવે પેપર તપાસી-તપાસીને પાકવું પડશે. વિદ્યાર્થીઓને કર્મનું ફળ આપવા માટે…!!

પરિણામના દિવસે કોઈ વિદ્યાર્થી માર્કસનો ભરચક કરંડિયો ભરીને ભરબજારે નીકળી પડે. તો કોઈ વિદ્યાર્થી થેલીમાં એક-બે કિલો માર્ક્સ મેળવીને બચાવ પ્રયુક્તિના ઓથે ઘરે પ્રવેશ મેળવે…
શાહસર આ શાળામાં ગણિત-વિજ્ઞાન ભણાવે.. તેમને ગણિતના પેપર એકત્ર કરી સ્ટાફ રૂમમાં પેપર તપાસવાનું શરૂ કર્યું…
“આ પેલો મ..ની..ષ.. વાહ.. શું અંકોનો મરોડ…!! શું દાખલાઓની ગણતરી..!! સચોટ જવાબ..!! આફરીન.. આધુનિક અર્જુન છે, આ તો..!!” પેપરના અંતે શાહસરે લાલ રંગની પેનથી ઉત્તરવહીની સાથે-સાથે મનીષના ભાલે પણ વિજય તિલક કરી દીધું…!! પરિણામના દિવસે માર્ક્સરૂપી ભરચક કરંડિયો મળશે..

પ…ણ… પેલો લાલ રંગ દ્વિધામાં રહે છે. શુભ કાર્યોમાં મારી અચૂક હાજરી હોઈ. તો લોકો અશુભ કાર્યમાં પણ મને આમંત્રિત કરી દે છે. હવે લોકોને કેમ કરીને સમજાવવું? “વર્ગમાં પ્રથમ..” પરિણામમાં આવી નોંધ હું કરું તે ખૂબ ગમે.. પણ… ‘નાપાસ…’લખવાનું મને નથી ગમતું.. “નાપાસ લખવા માટે તમે બીજો કોઈ રંગને વાપરોને.. મને જ બલી…!!”
પણ અહીં બાળકોની જેમ લાલ રંગની ફરિયાદ કોણ સાંભળે??

આ બીજા નંબરનું પેપર આવ્યું રાજનું.. અને શાહસરની આંખો સામે રાજ ખડો થયો. ભારે ભરાડી..!! આ રાજ રિસેસમા બધાં પર એવો હૂકમ ચલાવે કે તેને જોઈને સરને લાગે કે આ ગયા જન્મનો રાજા જ હોવો જોઈએ.. અને આ જન્મે ઈશ્વરે તેની બધી સંપત્તિ જપ્ત કરીને મોકલ્યો છે. ખંડિયો રાજા બનાવીને.. પોતાની નોટબૂક સાથે રાજા જેમ જ વર્તાવ કરે છે. લેસન કરવાનું મન થાય તો કરવાનું નહીંતર જય સીયારામ….!!તમામ સીજનના ફ્રૂટ એ પેટભરીને ખાય શકતો.. અમીરીને કારણે નહી, પરંતુ એના પપ્પાની લારીના કારણે… આજે પણ પેપરમાં છૂટવાની ઉતાવળે કેટલાય પ્રશ્નો છોડી દીધાં છે…!! આ રાજા એ…
પાંચને ચાર નવ…. નવને ત્રણ બાર… ને પાંચ સત્તર..ને…… માંડ માંડ બત્રીસ માર્ક્સ થયાં.. રાજને પાસ કરવા માટે લાલ રંગને હવે કમને ના પાડવાની હતી. બાકી જો નફો-ખોટનો દાખલો સાચો ગણ્યો હોત તો પાંત્રીસ ગુણ થઇ જાત… રાજને નાપાસ કરવાનું મન પેનની જેમ શાહસરને પણ નથી.. સરે ફરી તપાસ્યું.. ટોટલ પણ બે વખત જોયો. છતાં ગાડી બત્રીસે જ ઉભી રહી. ખંડિયો રાજા….!!

“એ…શાહભાઈ… ચાલોને ગામમાં નાસ્તો લેવા.. ભૂખ્યા ભજન નહી થાય..” પંડ્યાસરની હાકલ પડી.. અને શાહસર તૈયાર થયા.. “હા..હા… ચાલો…!!”

રસ્તામાં જ પેલાં રાજને એના પપ્પા સાથે જોયો. “આ રાજ પણ.. ધોમધખતા તાપમાં પેપર પૂરું કરીને અહીં આવી ગયો..!! આ જમ્યો હશે કે કેમ? આવી ગરમીમાં તેના પગ નહી બળતા હોય? ખુલ્લાં માથે તડકો પણ નથી લાગતો..!! આવી ગરમી છતાં ગ્રાહકોને એરકન્ડીશનર જેવું સ્માઈલ આપવું એ પણ એક આવડત છે, આ રાજની. આટલી નાનકડી ઉંમરે આટલો પરિશ્રમ..?? છતાં ભાગ્યરેખા કેમ કઈં બોલતી નથી?? શાહસરના વિચારો ચાલતા રહ્યા, પરંતુ પંડ્યાસરે ગાડી ત્યાંજ ઉભી રાખી..
પંડ્યાસર: “અલ્યા રાજ… શું ભાવ છે તરબૂચનો?”

રાજ: “આવો આવો સાહેબ.. આ જુઓ એકદમ લાલ ચટ્ટાક અને ગળ્યાં સાકર જેવા પાક્કા મીઠાં તરબૂચ.. એક કિલોના

વીસ રૂપિયા..”

પંડ્યાસર : “એક કિલોના પંદર લેખે ગણજે. બે કિલો આપી દે..”

રાજ : “ના, સાહેબ. પંદરે ન પોસાય.. સત્તરે તો ઘરમાં પડે છે. છેલ્લા તમારા અઢાર ગણીશું સાહેબ.. બસ..”
તેમની વાતમાં વચ્ચે રાજના પપ્પા બોલ્યા:“રાજ, સાહેબને આવું ન કહેવાય. પંદર ગણીશું સા’બ.. તમતમારે. લઈ જાઓ..”

રાજ : “પણ પપ્પા આ તરબૂચની ખરાજાત? રીક્ષા ભાડે કરી ઈ નઈ ગણવાના? આપણને ત્રણ રૂપિયા ખોટ જશે.”
આ સમયે શાહસરની આંખોમાં ચમકાર થયો.. “આ પેપરમાં નફો-ખોટની ગણતરી નથી કરતો. પણ અહીં બોલીને પાક્કી ગણતરી કરી શકે છે.” રાજને ઘટતા ત્રણ ગુણ તો તેની લારી પર જ મળી ગયાં.. સાહેબને ગણિતનો પાક્કો ખેલાડી લાગ્યો..
પ…ણ… રાજની તેના પપ્પા સાથે કાર્ય કરવાની, આદર સાથે ગ્રાહક સાથે આદરપૂર્ણ વાત કરવાની ગુડ સેલ્સમેનશિપના ગુણોની નોંધ કયાં કરવાની? વિવેકી સજ્જનના ગુણોની નોંધ કયા પરિણામ પત્રકમાં કરવાની? શું આ પણ એક શિક્ષણ નથી? આમ વિચારતા શાહસરે રાજનું પેપર ખોલ્યું. નફો-ખોટનો દાખલો જોયો..

લાલ રંગની પેનથી નોંધ્યું કે “રૂબરૂ પરીક્ષણ દ્વારા માલુમ પડ્યું કે આ બાળકને નફો-ખોટનું પ્રકરણ સુપેરે આવડે છે, માટે ત્રણ ગુણ..”

લાલરંગ ઉવાચ : “રાજા; રાજા જ રહે છે..!!”

લેખન. નરેન્દ્ર જોષી..

દરરોજ આવી અનેક સમજવા જેવી નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી