જે મિત્રો હેલ્મેટ પહેરે છે તેમના માટે ખાસ વાત છે વાંચો…

સર સલામત તો સબ સલામત

હેલ્મેટને અપનાવવામાં ન કરો લેટ નથી લખાવવા દેવું સમય કરતા વહેલું તમારા નામ આગળ લેટ
જે સમજે હેલ્મેટનું મહત્વ એને વંદન …અભિનંદન

હેલ્મેટ પહેરવા માટેનો આગ્રહ કરતી જાહેરાત દુરદર્શનના સમયથી જોતો આવ્યો છું જેમાં એક છોલેલું નારિયલ બતાવવામાં આવે છે પછી શું થાય છે તે તમે આ લીંક પર ક્લિક કરી જોજો .

(યુ ટ્યુબ સૌજન્ય )

કોઈ તમને બળપૂર્વક તો કહેતું જ નથી કે તમે હેલ્મેટ પહેરો. તમને હેલ્મેટ પહેરવા માટે વિનતી જ કરવામાં આવે છે આખરે મરજી તો તમારી જ ચાલવાની છે કે તમારા માટે શું મહત્વનું છે. નક્કી તમારે કરવાનું છે. થોડી સાવચેતી કેટલું મોટું નુકશાન થતું અટકાવે છે. એ મોટું નુકશાન એટલે આપણું જીવન.

હેલ્મેટ શા માટે ….? એ માથા કરતા ડીકી કે બાઈકના સ્ટેન્ડ પર લટકેલું વધારે જોવા મળે છે..એક બાઈક ચાલક ડીકી પાસેના એન્કરમાં હેલ્મેટને લટકાવી લટકાવીને ફરે પણ ક્યારેય મેં એને એ હેલ્મેટ પહેરીને બાઈક ચલાવતા નથી જોયો. આવા અનેક ટુ-વ્હીલર ચલાવનારા ભાઈઓ અને બહેનો તમને જોવા મળશે. ઘણી બહેનો શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું આખું મોઢું ઓઢણીથી વીંટાળીને વ્હીકલ લઇને નીકળે પણ હેલ્મેટ વ્હીકલની ડીકીમાં સાચવીને મૂકે પણ ફેરે નહી. કેમ કે વાળ ખરાબ થાયને એટલે.પણ બધા એ કેમ નથી સમજતા કે માથા પર વાળ ત્યારે સલામત રહેશે જયારે માથું સલામત હશે. તમે પહેલા માથું બચાવો પછી બીજી બધી વાત.ટ્રાફિક પોલીસ કોઈને હેલ્મેટ ન પહેરવા માટે દંડ ફટકારે તો કેટલાક કહેવાતા સતર્ક લોકો રસ્તો બદલી નાખે અને સામે કોઈ વગર હેલ્મેટવાળી ટુ-વ્હીલર ચલાવનારી વ્યક્તિ મળે તો માથા પર ઈશારો કરી દર્શાવશે કે આગળ ચેકીગ છે માટે તમે જરા સાચવી લેજો નહી તો દંડાયા જ સમજો. પેલા વ્યક્તિને એમ જ હોય છે કે મેં બહુ પુણ્યનું કામ કર્યું છે!!!.
ઘણા લોકોને હેલ્મેટ ન પહેરવાનું તમે કારણ પૂછશો તો તમારી આગળ ઢગલો બહાના મૂકી દેશે. કહેશે “ વાળ ખરવા લાગે છે, ડોકી રહી જાય છે, એક કલાક પણ હેલ્મેટ પહેરું તો આખો દિવસ માથા પર ભાર જેવું લાગે છે વગેરે વગેરે. પણ જો તમે ભારતીય માનક બ્યુરો દ્વારા પ્રમાણિત હેલ્મેટ પહેરો તો એ નિયત ગુણધોરણ મુજબ બનાવવામાં આવે છે આથી તે તમને વજનદાર નહી લાગે. સાથે સાથે તમને ગુંગળામણ ન થાય એ માટે પણ એમાં છીદ્રો હોય છે જેથી મસ્તિકને જરૂરી હવા મળી રહેતી હોય છે.પણ ફૂટપાથ પર પસારો કરી બેસતા સસ્તા ભાવે વેચાતા હેલ્મેટ ખરીદવામાં જોખમી હોવાના ચાન્સીસ વધારે હોય છે. અને એ એટલા મજબૂત કવચ ધરાવતા નથી હોતા. આથી બને તો ભારતીય માનક બ્યુરો દ્વારા પ્રમાણિત હેલ્મેટ ખરીદવાનો આગ્રહ રાખો એ ઉત્તમ આચરણ છે.હેલ્મેટ પહેરવાના એક નહી અનેક ફાયદા છે. ઉનાળામાં તમને એ તાપથી , ઉડતી ધૂળ અને રજકણોથી, ગરમ ગરમ લુથી બચાવે છે. સાથે સાથે વાહનોના ઝેરી ધુમાડાથી પણ બચાવે છે. ઘણી વાર કોઈ મોટું વાહન આપણી પાસેથી પસાર થાય ત્યારે રોડ પરના પત્થર અચાનક ઉડીને આંખમાં કે માથામાં વાગતા બનાવો બનતા હોય છે તેમાંથી પણ આબાદ બચી જવાય છે. શિયાળામાં ઠંડી હવાથી બચી શકાય છે. વ્હીકલ ચલાવતી વેળાએ ક્યારેક હવાને કારણે આંખમાંથી પાણી નીકળે છે એનાથી બચી શકાય છે. ઠંડી હવાને કારણે થતી માથાની બીમારીથી બચી શકાય છે. એવું જ ચોમાસા પણ ફાયદાકારક જ છે.નવો નવો કાયદો જયારે અમલમાં આવ્યો ત્યારે માત્ર દંડથી બચવા માટે જ મોટાભાગનાઓએ આ હેલ્મેટ ખરીદવા દોડ્યા પછી થોડા દિવસ પહેર્યું અને ફરી હતા એવા ને એવા જ. શું આ કાયદો સરકારશ્રી દ્વારા લોકો પાસેથી દંડ વસુલ કરવા માટે ઘડાયો હતો ? જવાબ છે : “ના”

સરકારશ્રી દ્વારા લોકો પાસેથી દંડ વસુલ કરવા માટે કાયદો નહોતો ઘડ્યો પરંતુ એમની સલામતી માટે ઘડાયો હતો.જે કોઈ પણ એન્ગલથી જોશો તો એમાં આપણી સલામતી જ દેખાશે. અરે કાયદો ન પણ ઘડાયો હોય તો પણ હેલ્મેટ ફરવાથી આપણને ફાયદો જ છે એવું જયારે સૌને સમજાશે ત્યાં સુધીમાં ઘણું મોડું ન થઈ જાય એની ચિતા છે. ખાલી દંડથી બચવા આ રોકાણ ન કરો પણ એમાં જ તમારી જિંદગીની સલામતી છે એ વિચારો. અને બીજું એ વિચારો કે તમે સલામત ઘરે આવો એની રાહ જોતો પરિવાર જે તમારા પર નિર્ભર છે એનું પણ વિચારો અને હેલ્મેટ અપનાવો તો સારું.
હમણાં જ કોઈ સમાચાર પત્રમાં સમાચાર વાંચવા મળ્યા હતા કે આપણા ભારતની રાજધાની દિલ્હીમાં એક કોન્સ્ટેબલભાઈ છે સંદીપ કુમાર જેઓ પોતાનો અરધો પગાર લોકોને હેલ્મેટ ખરીદીને આપવામાં કરે છે. ધન્ય છે ભાઈને જે જન જાગૃતિ માટે આવું કાર્ય કરે છે અને એ પણ નિસ્વાર્થ રીતે. લોકો તેને હવે હેલ્મેટ મેન તરીકે ઓળખતા થયા છે. અમદાવાદમાં પણ એક સર્કલ હેલ્મેટ સર્કલના નામથી ઓળખાય છે.એવું કહેવામાં આવે છે કે પહેલ વહેલું હેલ્મેટ આથમી સદીમાં ઉપયોગમાં લેવામાં આવેલું હતું અને તે કઠણ ચામડામાંથી બનાવવામાં આવેલું. જેનો ઉપયોગ યુદ્ધમાં સૈનિકો કરતા હતા જે માથા સાથે ગરદનનો ભાગ પણ આવરી લેતું હતું કે જેથી કોઈ તલવારનો ઘા કરે તો ગરદન બચી જાય અને ગરદન બચે તો માથું બચે. પછી ધીમે ધીમે વિવિધ રીતે એનો ઉપયોગ થતો ગયો અને થઈ રહ્યો છે .

હેલ્મેટ ફક્ત વાહનો ચાલકો માટે જ પહેરવું જરૂરી નથી અન્ય લોકો જેઓ કારખાનામાં કામ કરે છે, ક્રિકેટ રમતા ખેલાડીઓ, રગ્બી રમતા ખેલાડીઓ, બેઝ બોલ રમતા ખેલાડીઓ, હોકીના ગો કીપર, આઈસ હોકી, સાયકલની રેસમાં ભાગ લેનારા, પર્વતારોહી , ખાણમાં કામ કરે છે, એવી જોખમી જગ્યાઓ જ્યાં કોઈ પણ અણધારી ઈજાઓ થવાની શક્યતાઓ છે ત્યાં હેલ્મેટ પહેરવું ખૂબ જ આવશ્યક છે. શહેરોમાં પણ ઘણા બાંધકામના થતાહોય છે. તે સ્થળેથી પસાર થતા પણ સાવચેતી રાખવી જોઈએ. કારીગરોએ હેલ્મેટ પહેરવા જોઈએ.

હવે તો વિવિધ ડીઝાઇન વાળા સલામતી બક્ષનારા હેલ્મેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે માત્ર સલામતી જ નથી આપતા પણ સાથે સાથે હેલ્મેટનો ઉપયોગ કરવાના નિયમોને પણ અનુસરવા માટે પ્રેરિત કરાય છે.મિત્રો , હેલ્મેટ એક એવી આધુનિક પાઘડી છે જે માથે રાખવાથી આપણી પોતાની સુરક્ષા તો થઈ જ જાય છે અને સાથે સાથે આપણા પરિવારની પણ. કેમ કે આપણા જીવનનું મહત્વ એમના માટે પણ એટલુ જ અગત્યનું પુરવાર થાય છે. યાદ રાખીને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ કારણસર વિસરાઈ જાય એ સમજાય પણ જો નિયમિત પહેરવાનું રાખવામાં આવે તો ધીમે ધીમે અનુકુળતા આવી જ જાય છે.

મિત્રો જેણે જેણે હેલ્મેટને માળિયામાં મૂકી દીધા હોય તેઓ જરૂર એને ઉપયોગમાં લે એવી વિનંતી. ધીરે ધીરે નિયમિત પહેરવાની શરૂઆત કરો. તમને જરૂર અનુકુળ થઈ જશે.

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી