જો તમને પણ એવું લાગતું હોય કે રીક્ષા અને વેનમાં જ વધારે સુરક્ષિત છે તો એ એક રીતે સાચું છે પણ ૧૦૦% સુરક્ષિત તો નથી જ.

ધીરે ધીરે બાળકો એ પણ ભૂલી જશે કે નિશાળ એટલે જ સ્કુલ.
તમને એવું નથી લાગતું કે આજનું બાળક ઘરેથી નિશાળમાં અને નિશાળેથી ઘરે એક માલસામાનની જેમ ઠલવાય છે!!

============================================

સાંજનો સમય હતો. વેક્શેન ચાલતું હોવું જોઈએ. કારણ બાગમાં ઘણા બાળકો રમી રહ્યા હતા. અનુજ બાગના બાંકડા પર બેસી આ બધો આનંદ અનુભવતો હતો. ત્યાં જ એની પાસે ગબડતો ગબડતો એક ફૂટબોલ આવ્યો અને એ બોલ લેવા પાછળ પાછળ એક આઠ વર્ષનો બાળક આવ્યો. બોલ અનુજ પાસે આવતા એણે ઉપાડી હાથમાં પકડ્યો. એટલે પેલો બાળક ઈશારાથી કહી રહ્યો હતો કે “લાવો મારો બોલ મારે રમવું છે !”
અનુજે એ બાળકને નજીક બોલાવી પૂછ્યું કે “ તું કઈ નિશાળમાં ભણે છે ? તો એ બાળક થોડીવાર તો ઉભું રહ્યું પછી માથું ખંજવાળવા માંડ્યું. એટલે ફરી વાર એ જ પૂછ્યું પણ કોઈ જ જવાબ ન મળ્યો. ત્યાં એના માતા-પિતા આવ્યા. એટલે એ વ્યક્તિએ એમને કહ્યું કે તમારા બાળકને એ પૂછ્યું કે “ તું કઈ નિશાળમાં ભણે છે ? તો કોઈ જ જવાબ ન આપ્યો. શું એ બોલતું નથી ? એટલે પેલા માતા –પિતા કહે એ તો આખો દિવસ બોલ બોલ કરે છે અમારે એને કેહવું પડે છે કે ચૂપથા !”

તો પછી એણે શું મારી ભાષા નહી સમજાતી હોય ? શું તમે ગુજરાતી નથી ?

“નાં નાં અમે તો પ્યોર ગુજ્જુ છીએ. બટ એ ઈંગ્લીશ મીડીયમમાં ભણે છે એટલે એને નિશાળ એટલે શું ? સમજાયું નહી હોય. તમે એને પૂછો “ તું કઈ સ્કુલમાં ભણે છે ? કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે તો ઓન ધી સ્પોટ જવાબ આપશે. એ બાળકના માતા પિતા એકદમ ગર્વ લઈ બોલ્યા.
ધીરે ધીરે બાળકો એ પણ ભૂલી જશે કે નિશાળ એટલે જ સ્કુલ. કોઈ પણ બાળકના વાલીને પણ તમે પૂછોને કે ક્યાં ગયો છે તમારો પુત્ર કે પુત્રી ? તો તમને જવાબ મળશે એ તો સ્કુલે ગયો છે. નિશાળે ગયો છે એવું સાંભળવા મળે તો પોતાની જાત અને માતૃ ભાષા ગુજરાતી પર જરૂર એકવાર ગર્વ કરી પોતાની પીઠ જાતે જ થાબડી લેજો.

આજનું બાળક ઘરેથી નિશાળે રીક્ષામાં કે વેનમાં જાય છે અને નિશાળેથી ઘરે પણ એ રીક્ષા કે વેનમાં જ પરત આવે છે. બીજા શબ્દોમાં કહું તો એ બાળક ઘરેથી નિશાળમાં અને નિશાળેથી ઘરે એક માલસામાનની જેમ ઠલવાય છે. એનાથી બીજું કઈ જ નહી. એ જયારે ઘરેથી નીકળે છે ત્યારે રીક્ષા કે વેનમાં એની જે નક્કી કરેલી જગ્યા હોય છે એમાં ગોઠવાઈ જાય છે. કેટલા બાળકોને તો જોખમ પણ સહન કરવું પડે છે કારણ રીક્ષા કે વેનનો માલિક નિયત ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડે છે જે જોખમકારક હોવા છતાં મા-બાપ પણ એની સામે વાંધો ઉઠાવે તો કહે “પોસાય તો બેસાડો નહી તો બીજી કોઈ રીક્ષા કે વેનમાં એની સગવડ કરી લેજો. આટલી દાદાગીરી કરતા હોય છે. અને એ માટે સ્કુલ પ્રશાસન પણ આંખ આડા કાન કરતું હોય છે.
પહેલા આવી સગવડ ઓછી હતી અને હતી તે પણ દૂરથી આવતા બાળકો માટે હતી. બાકી શાળા જો એક બે કિલોમીટર જેટલા અંતરે હોય તો મોટા ભાગના બાળકો પગપાળા કે સાયકલ પર જ નિશાળ જતા આવતા. ત્યારે તેઓ જયારે નિશાળે જતા ત્યારે રસ્તામાં વાતો, મસ્તી કરતા જતા સાથે સાથે તેઓને ચાલતા ચાલતા અન્ય મિત્રો સાથે વાતચીત કરવાનો સમય મળતો. તેઓની મૈત્રી ઉત્તમ અને મજબૂત બનતી હતી. ચાલતા ચાલતા તેઓને શહેરના ભૌગોલીક વિસ્તારની જણકારી મળતી, પોળ , મહોલ્લા શું છે એની ખબર પડતી.. ચાલતા ચાલતા તેઓને એમ પણ જાણવા મળતું કે ગામ કે શહેરમાં બીજા ક્યાં નવા પરિવર્તનો આવી રહ્યા છે. તેઓ અન્ય માહિતીથી વાકેફ થતા હતા. બીજું એ પણ થતું કે ચાલતા જતા હોવાથી તેઓની શારીરિક કસરત પણ આપોઆપ થઈ જતી હતી. તેઓ થાકીને ઘરે આવતા એટલે સારી રીતે ભોજન પણ લેતા અને તેઓનું આરોગ્ય નિયમિત રહેતું હતું. તેઓમાં એક હિમ્મત પણ રહેતી. ભેગા મળીને નિશાળે જતા આથી એકમેકનાં ગાઢ મિત્રો થઈ જતા જે તેમનામા સંગઠનની ભાવના જગવતા હતા. ચાલતા ચાલતા નવા વિચારોની આપલે થતી. હસતા રમતા તેઓ શાળાએ જતા આવતા હોવાથી તેઓને ભણવાનો પણ કંટાળો નહોતો આવતો.
ઘણાએ એવા મિત્રો હશે જેઓ નિશાળે જતા જતા આમલી, સેતુર, કાચી કેરી વગેરેના ઝાડ પરથી ફળો તોડવાનો આનંદ લૂટ્યો હશે. નિશાળેથી આવતા આવતા ભેગા મળીને બરફના ગોળા, લીબુનું શરબત, લખોટીવાળી સોડા, તીખી ટમટમતી પાણી પૂરી, આમલીનો રસ નાખી બનાવેલી તીખી ભેળ ખાધી જ હશે.

દુઃખ એ વાતનું છે કે આ જે નિશાળે જવાનો અને નિશાળેથી આવવાનો આનંદ જે જૂની પેઢીએ લીધો છે એવા બાળપણ અને કિશોરા વસ્થાના ખરા આનંદથી વંચિત આ રીક્ષા કે વેનમાં જતા બાળકો સાવ વંચિત છે. મા-બાપ ભલે એવું સમજે છે કે આજકાલ જે ભયંકર ટ્રાફિક છે તેના કારણે તેમનું બાળક રીક્ષા કે વેનમાં જ વધારે સુરક્ષિત છે તો એ એક રીતે સાચું છે પણ ૧૦૦% સુરક્ષિત તો નથી જ. કારણ ભૂતકાળમાં એવા બાળકોના યોન શોષણના બનાવો પણ આવી રીક્ષા કે વેનમાં જ થયાની ફરિયાદો થતી રહી છે.
પ્રસ્તુત લેખ દ્વારા એ જ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે બાળકનું એટલું બધું સુરક્ષિત પણ ન બનાવો કે એ “સમસ્યા” જેવું પણ કંઇક હોય છે એ વાતની એને ખબર જ ન હોય. જીવનના ઉતાર ચઢાવ વિષે પણ એને નાના મોટા અનુભવ થવા જોઈએ. ફટક નિશાળ થી ઘર અને ઘરની નિશાળ રીક્ષા કે વેનમાં ઠલવાતા બાળકો આજે એમનું નિખાલ બાળપણ અને કિશોરાવસ્થા સાવ ભૂલતા જઈ રહ્યા છે. એમનું જીવન માત્ર એક યંત્રવત જીવન ન બની જાય તેની કાળજી આપણ માતા-પિતાઓએ જ રાખવાની છે. તેઓને સાથે લઇ તેમની સાથે એવી વાતો પણ કરો જે આપણી ભાષા અને સંસ્કૃતિની ઓળખ છે. જો તેઓ આ બધું અત્યારે નહી ઓળખે તો પછી ક્યારેય નહી ઓળખી શકે. કારણ અત્યારે જ બાળકોની મૌલિકતાને અસર કરતા પરિબળો જોર પકડી રહ્યા છે તો હવે પછીની નવી પેઢીના બાળકો તો સંસ્કૃતિ શું છે એ પણ નહી જાણે કે નહી જાણવા માટે પ્રયત્ન કરશે.

આપણી સંસ્કૃતિથી અને માતૃભાષાથી તો આપણા બાળકોને અવગત કરાવવાના જ છે પણ પહેલા તેઓને આપણી આસપાસના વિસ્તાર, મહોલ્લા, ફળિયા, જોવાલાયક સ્થળો, પક્ષીઓ અને પ્રાણીઓને આપણી ભાષા થકી અવગત કરાવવાના છે. નહી તો પેલા બાળકને નિશાળ એટલે શું એ સમજવાની તૈયારી તો બધાએ કરવી જ રહી !

ઉપરની તસ્વીરમાં દેખાતો બાળક કદાચ આવું વિચારતો હશે
મારી નિશાળ કેટલી વિશાળ !
એ જ વિચરતો હશે મારો બાળ !

પપ્પા પણ આવી જ રીતે જતા હશે,
કેટલી દૂર હતી એમની નિશાળ !?

હું તો રીક્ષામાં જાઉં છુ મારી નિશાળ !
પપ્પા કહેતા અમે તો જતા પગપાળ !

રીક્ષા ઘરેથી સીધી જ મૂકી જાય નિશાળ !
ક્યાથી અમને લટકવા મળે ઝાડની ડાળ !

પીલુડી ને બોરસલ્લીના નથી જોયા ઝાડ,
નથી જોઈ સેતુરના ગુચ્છા ભરેલી ડાળ !

અફસોસ કે હવે અમે મોટા થઈ જઈશું !
પછી કોઈ નહી કહે મને બાળગોપાળ !

– નરેન કે સોનાર

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

વાહ શું વાત સમજાવી છે લેખકે, ખરેખર આપણા બાળકોની સેફટી અને ભવિષ્ય આપણા હાથમાં જ છે તો મિત્રો તમારા અભિપ્રાય જરૂર આપજો કોમેન્ટમાં અને દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી