ભાવનાત્મક દ્રશ્યકથા ન્યાયાલય સંકુલની બહારથી: કરે કોઈ ને ભોગવે કોઈ…

ભાવનાત્મક દ્રશ્યકથા કરે કોઈ ને ભોગવે કોઈ

ગુનાહિત કૃત્યો હેઠળ નાની મોટી સજા ભોગવી રહેલા ગુનેગારોના પરિવારની પીડાની વ્યથા કથા
કેટલાક દ્રશ્યો એવા હોય છે જેના ઊંડાણમાં જોવા જાવ તો ઘણા બધા લોકોની પીડા સ્પષ્ટ ઉપસી આવેલી દેખાતી હોય છે. આ પીડા પર બહુ જ જુજ લોકોનું એ તરફ ધ્યાન જતું હોય છે. બાકી આંખ સામેથી પસાર થઇ જતા દ્રશ્યોમાંએ બધી જ પીડા જે મોટી હોવા છતાં ગુનાહિત સ્થિતિ સામે દબાઈ જતી હોય છે. આપણનેએ દશ્યનો એક જ કિનારો દેખાતો હોય છે સામે પારની અપાર પીડાનો કોઈને અનુભવ થતો નથી.

રોજ છાપામાં ગુનાહિત કૃત્યોના સમાચાર છપાતા હોય છે જે સાવ સામાન્ય થઈ ગયું છે. ટીવી ન્યુઝ ચેનલોમાં મોટે ભાગે માર-કાપ અને ધાડના જ સમાચારો જોવા જાણવા મળે છે જે મોટેભાગે નકારાત્મકતા અને ધ્રુણાભાવ તરફ ઢસેડી જાય એવા હોય છે. આપણે આ બધાથી પણ બચવું જોએઈ. બધા એણે જોવે છે, સાંભળે છે, વાંચે છે અને ભૂલી જાય છે. લોકોને મન આ રોજનું થયું આથી ધીમે ધીમે આવા બનાવોના સમાચાર એમને રોજીંદા લાગવા માંડે છે. પણ આવું કંઇક અજ્ગજ્તું એમની સાથે બને છે ત્યારે જ એમને એ ભયાનકતાનો અનુભવ થાય છે. ત્યારે સમજાય છે કે પીડા ખરેખર શું છે ? બાકી હવે કોઈને કોઈ જ ફરક નથી પડતો. ફક્ત ફરક એને પડે છે જે પરિવાર આ ગુનાહિત કૃત્યનો ભોગ બન્યો છે તેણી પીડા અને આવું કૃત્ય કરનારના ઘર પરિવારની સ્થિતિ ખૂબ જ કપરી અને દયનીય બની જતી હોય છે. એક વ્યકિત જે આવેશમાં આવી કે ઈરાદાથી કોઈ ગુનો કરે છે ત્યારે તે એ નથી વિચારતો કે મારા આ કૃત્યથી સામેની વ્યક્તિ તો હતાહત થશે જ પણ સાથે સાથે મારો ખુદનો પરિવાર પણ એટલી જ તકલીફોમાં મુકાશે. છતાં એ કરે છે અને ગુનો કરી પસ્તાવો કરે છે એના કરતા ગુનો કરતા અટકી જવામાં શાણપણ છે એવું જો એ સમજી જાય તો ઘણા બધા ગુનાહ થતા અટકી જાય એમ બને.

તમને એ પીડા શું છે એ નીચેના દ્રશ્યમાં અનુભવવા મળશે. અંતરમનથી અનુભવેલી પીડા જે સમાજની એક એવી દારુણ પરિસ્થિતિ દર્શાવે છે જેમાં ફક્ત દુઃખ જ દુઃખ છે.

દ્રશ્ય -૧

બપોરના લગભગ એક વાગ્યાનો સમય. ન્યાયાલય સંકુલ પાસેથી હું પસાર થઈ રહ્યો હતો. ત્યાં મને એક દ્રશ્ય જોવા મળ્યું. એક ભૂરા રંગની પોલીસવાન આવીને ઉભી રહે છે . ત્યાં અમુક લોકો એ વાન તરફ દોડતા દેખાય છે જેમાં કેટલાક સ્ત્રીઓ અને ઉમરલાયક પુરુષો છે એ લોકો બીજું કોઈ નહી પણ એ ગાડીમાં બેસીને આવેલા અલગ અલગ ગુના હેઠળ જેલમાં સજા ભોગવી રહેલા અન્ડર ટ્રાયલ કેદીના પરિવારના જ સભ્ય હતા. એક ઝાડ પાસે જયારે એ ગાડી ઉભી રહી એટલે એમાંથી ચાર પાંચ પોલીસ કોન્સ્ટેબલ અને હથકડી પહેરાવેલા કેદી પણ ઉતર્યા.
કોઈ ગુનાહિત કૃત્યમાં પકડાયેલ આ વ્યક્તિઓમાંથી કેટલાક ગાડીમાં જ બેસેલા હતા અને તેઓ જાળીવાળી બારીમાંથી પોતાના પરિવારની વ્યક્તિની રાહ જોતા હોય એવું લાગતું હતું. જે વાનની બહાર ઉભેલા હતા એમાં દરેક વ્યક્તિના બંને હાથમાં હથકડી હતી, પાસે પોલીસવાળા હતા અને એક વકીલ પણ હતો. અનુમાન પરથી લાગતું હતુંકે હથકડી વાળો વ્યક્તિ એનો અસીલ હતો. એ વકીલ સાથે આવેલી માસી એ વ્યક્તિની માતા હતી અને આ દ્રશ્ય હતું તે ખૂબજ દારુણ પરિસ્થિતિ રજુ કરતું હતું. એક માજી પેલા વકીલભાઈને એની ગામઠી ભાષામાં કાકલુદી કરી કહી રહ્યા હતા કે “સાહેબ મારા છોકરાને ગમે તેમ કરીને પણ છોડવો. એને ગુનો નહી કઈરો… એવો એ તો હાવ નિદોષ છે. એના બેનાના પોઈરા અને એક પોઈરી છે. સાહેબ ઘર ગીરવે મૂકીને પણ તમારી ફી આલી દઈશ પણ એને જેલમાંથી છોડવો. ઘરમાં કશુંજ ખાવાનું નથી સાહેબ. એકનોએક કમાવનારો છે સાહેબ એ જો જેલ પડી રહેશે તો ભીખ માગીને ખાવાનો આવરો આવશે સાહેબ. હું ઘરડી એકલી શું કરું સાહેબ?. મેં નક્કી તમારી ફી આલી દેવા! પુત્રની મુક્તિ માટે કાકલુદી કરતી માતાને આ ઉમરે જે કષ્ઠ વેઠવું પડી રહ્યું હતું તેનો ચિત્કાર એકદમ શાંત હતો પણ એમાં લખલૂટ પીડા હતી. ગુનો કરનારને કેટલો પસ્તાવો થાય છે એ તો એનું મન જાણે પણ એના ગુનાહિત આચરણથી સામેનો અને પોતાનો પરિવાર શું પીડા ભોગવી રહ્યો છે એ કહેવું અને સાંભળવું પણ વ્યથિત કરી મુકનારું હોય છે.

દ્રશ્ય -૨
ત્યાં બીજી તરફ એક યુવાન સ્ત્રી કેડમાં છોકરું લઇ ઉભી હતી જે ભૂરી પોલીસવાનમાં બેસેલા એના પતિ સાથે વાત કરતી હતી અને એના બાળકને બતાવી રહી હતી જો આ તારા બાપુ. બાળક નાનું હોવાથી એ સમજી શકતું નહોતું કે એના બાપુ કેમ આવી જાળી વાળી બંધ બારીમાંથી મને હાથ કરે છે મને ઉચકી કેમ નથી લેતા? મને વ્હાલ કેમ નથી કરતા? આવા પ્રશ્નો એને થતા હોય તો એમ બને આજે તમે એ બાળકનુંજ વિચારો. એનો જન્મ થયો પણ પિતાનો પ્રેમ એ પામી નથી શક્યો. આ તારા પિતા છે એવી ઓળખ પણ એને આવી સ્થિતિમાં આપવી પડે છે. જયારે એ સમજતો થશે ત્યારે એ શું વિચારશે અને એના કુમળા માનસ પર એની શી અસર થશે એ પણ ચિંતાનો વિષય છે. પિતા હોવા છતાં એ પિતાનો પ્રેમ પામી નથી શકતો. એની માતાને એના પિતાની ભેટ કરાવવા આવી તારીખો પડે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આજેએ બાળકે પિતાનો પ્રેમ ગુમાવ્યો, માતાએ પતિનો પ્રેમ અને એની સાથેએ માણસના માતા–પિતા ભાઈ બંધુઓ તથા મિત્રોએ મિત્ર સાથેનો સમય ગુમાવ્યો. આતો ખરુંજ પણ એ જે ગુનાનાં આરોપમાટે સજા ભોગવી રહ્યો છે એના પીડિતોએ સ્વજન, ઈજ્જત, આબરૂ અને એવું ઘણું બધું ગુમાવ્યું તેનો તો કોઈ હિસાબજ નથી.

દ્રશ્ય -૩

ત્યાં ત્રીજું દ્રશ્ય હતું લગભગ ૫૦ વર્ષની ઉમરના માસી જેલમાં બંધ એના પતિ માટે ટીફીનમાં દૂધપાક અને દાળ-ભાત લઇ આવી હતી કે તારીખ પડી છે તો એમને દૂધપાક ભાવે છેને તો લઇ જાઉં. પણ રીઢા ગુનેગારોને પોલીસ આમ ન્યાયાલય સંકુલમાં પણ સલામતીના કારણથી છુટા નથી મુકતી આથી એ સ્ત્રી પોલીસવાળાને કાલાવાલા કરી રહી હતી કે અડધો કલાક હાથકડી છોડી આપો તો એ પોતાના હાથે પેટ ભરી ખાઈ લે. પણ પોલીસવાળો ભાઈ એની ફરજને આધીન હતો તેથી તે એમ ન કરીશક્યો આથી પેલી બાઈ ઉભીઉભીજ એના પતિને ઝટપટ કોળિયા ખવડાવતી હતી ‘હાજર હો’નું નામ બોલાય એ પહેલા એ જમી લે. એ માણસ ખૂબ જ ઉતાવળે એક પછી એક કોળીયો મોઢામાં નાખ્યે જતો હતો પણ ભોજન ચાવ્યુંનચાવ્યું ગળામાં ઉતારતો જતો હતો. ત્યાં જ પોલીસવાળાએ બુમ પાડી કે ખાવાનું અધૂરું છોડી એને એ પોલીસવાળા સાથે જવું પડ્યું એક સમય હતો જયારે એ વ્યક્તિ ઘરમાં શાંતિથી બેસી જમતો હતો. પણ પોતાની એક ભૂલને કારણે ગુનો કરી કાયમ માટે ઘર અને પરિવારથી દૂર રહેવાનો અને સજા ભોગવવાનો વારો આવ્યો.
આવા બીજા અનેક દ્રશ્યો આ ન્યાયાલ યસંકુલમાં રોજ જોવા મળે અને રોજ એ જોઈ મને થાયકે એક વ્યક્તિના ગુનાહની સજા માત્ર એ એકલો વ્યક્તિજ નથી ભોગવતો પણ એની સાથે કેટકેટલા લોકો ભોગવે છે એની તો તમે કલ્પના પણ ન કરી શકો. ગુનાના આરોપસર ધરપકડ થયા પછી જ્યાં સુધી ન્યાયાલય દ્વારા એ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી એને બંદી બની કારાગૃહમાં રહેવું પડે છે અને જ્યાં સુધી એને કાયદા દ્વારા દોશી કે નિર્દોષ ન જાહેર કરવામાં આવે ત્યાં સુધી એનો પરિવાર શું કરતો હશે એને કઈ કઈ તકલીફો સહન કરવી પડતી હશે એ જ હચમચાવી મુકે એવી હોય છે. જો એ ગુનો કરનાર વ્યક્તિ પર આખું પરિવાર નભતું હોય તો ખાવાના સાંસા પડી જાય એવી સ્થિતિ બની જતી હોય છે. એ વ્યક્તિના સંતાનોને સમાજમાં લોકોના કટાક્ષ ભરેલા વચનો મજબુરીથી સાંભળવા પડે છે, ગુમાનથી ફરનાર પરિવારને સમાજની શરમના ભોગ બની નીચું માથું રાખવાની ફરજ પડી જાય છે. કોઈ એમના પર વિશ્વાસ કરતું નથી. બધી બાજુથી એમને ધુત્કારવામાં આવે છે. જ્યાં માન-સન્માન મળતું હતું ત્યાં અપમાન સહન કરવાનો વારો આવે છે. ગુનો કરેલ પિતા, પતિ કે ભાઈને છોડાવવા માટે વકીલોના કાલાવાલા કરવા પડે છે. કેસ લડવા વકીલની ફી ભેગી કરવા માટે દેવું કરવું પડે છે, નાણા ઉછીના કે વ્યાજે લેવા પડે કે પછી કોઈ એવું કામ કરવું પડે જેને સમાજ હીન ગણે છે.
….ઓહ…માય ગોડ આટલું બધું આ ગુનેહગારોના પરિવારોને સહન કરવું પડે છે ? અરે ગુનો કરનાર કરતા તો જેલની બહાર રહેતો પરિવાર વધારે યાતના સહન કરતું હોય છે. પણ આપણા ભદ્ર સમાજને આ દારુણ પરિસ્થિતિ દેખાય છે છતાં તે આંખ આડા કાન કરી એમાંથી છટકી જવાનું વધારે પસંદ કરે છે. એક ફિલ્મમાં નાના પાટેકર એક ડાયલોગ બોલેછે ખૂબ પ્રચલિત થયેલો “સાલા એક મચ્છર આદમી કો કાયર બના દેતા હૈ (મર્યાદાને ધ્યાનમાં રાખી ડાયલોગનો છેવટનો શબ્દ બદલ્યો છે)” એવું જ આ ગુનેગારોના સંદર્ભમાં કહી શકાય કે સાલા એક ગુનાહ નજાને કિતને પરિવાર તબાહ કર દેતા હૈ”

દીવાર ફિલ્મનો એક ડાયલોગ છે “ચોરકા બેટા ચોર” ..જયારે આવા ગુનામાં સપડાયેલા કેદીઓના બાળકો આવા કોઈ આપમાન સહન કરવું પડતું હશે ત્યારે એમના કુમળા મગજમાં અસર થતી હશે એ વિચારવું રહ્યું.

હવે કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ આવા અન્ડર ટ્રાયલ કેદીઓના પરિવારના સભ્યોને આર્થિક ઉપાર્જનના હુન્નર શીખવે છે આથી તે પરિવાર એ હુન્નર થકી રોજગારી મેળવી બાળકો અને વડીલોનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ બને છે. આવું કાર્ય કરતી સંસ્થોને વંદન. તેઓ અવાર નવાર આ સજા ભોગવતા કેદીઓને પણ મળતા હોય છે અને તેમને જેલમાં સારું આચરણ કરવા માટે પ્રેરિત કરે છે અને જેલમાં જ તેમને હુન્નર શીખવામાં આવે છે કે જયારે તેઓ સજા પૂરી કરી બહાર આવે ત્યારે તેઓ એ આવડતના આધારે નાનો મોટો ધંધો કરી શકવા માટે સક્ષમ બને.

પ્રસ્તુત દ્રશ્યોની વાત સાચી છે જે અલગ અલગ સમયવારે જોવામાં આવ્યા છે અને એનું વર્ણન કરવાની મારી ભાવના સાવ નિસ્વાર્થ છે જેના થકી કોઈની લાગણીને ઠેસ પહોંચવાનો કોઈ આશય નથી.
આપણો કહેવતો ભદ્ર સમાજ ‘પાડાના વાકે પખાલીને ડામ’ કહેવતને સાર્થક કરવામાં વધારે રસ દાખવતો હોય છે. એ ગુનો કરનાર વ્યક્તિની સાથે સાથે એના નિર્દોષ પરિવારને પણ દોષી ગણવા માંડે છે અને એની સાથે અન્યાય આચરવાની તક ઝડપી લેતો હોય છે.એમને સતત કોશતો રહે છે એ વ્યક્તિના ગુનાને યાદ અપાવી માનસિક ત્રાસ આપવામાં પણ પાછળ પડતો નથી.

હવે તો જેલમાં પણ કેદીઓના સુધારણાનાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે જેનો એક જ આશય છે કે જયારે ગુનો આચરનાર વ્યક્તિ જેલમાંથી છુટી મુક્ત થાય ત્યારે તેને સમાજ સ્વીકારે અને ફરીથી ગુનો કરતા અટકાવે. આ માટે આપણા સમાજની પણ એટલી જ જવાબદારી બની જાય છે. ફક્ત આક્ષેપો કરવાથી કશું નથી થતું. સમાજનું કામ આક્ષેપો કરવાનું નહી પણ વ્યક્તિને સુધરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પડવાનું છે.

પ્રસ્તુત લેખ વાચી યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી અનેક અવનવી અને સાચી હકીકત દર્શાવતી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી