જયારે કોઈ હયાત ના હોય ત્યારે જ તે વ્યક્તિ વિષે લોકો અનેક વાતો કરતા હોય છે અને એ વાતો સારી પણ હોય અને નરસી પણ હોય…

આજના સંબંધો કેવળ વ્યાવહારી ગણતરી સુધી જ સીમિત રહી ગયા હોય એવું નથી લાગતું ?!.એક ગણતરીનો પર્યાય બની ગયા છે સંબંધો.

પ્રિય સાર્થક

તું જાય પણ હશે તારી પર્સનાલીટી મુજબ કુશળ જ હશે એની ગેરંટી છે મને.
આજે થોડું મન હતાશામાં ગરકાવ થઈ રડું રડું થઈ રહ્યું હતું એટલે થયું કે લાવ તારી સાથે વાત કરી થોડી હળવી થાવ એટલે તને લખીને કહેવા બેઠી છું. તું હાજર હોત તો તુરંત બોલત ‘રીના થાય હવે એવું. બહુ મન પર નહી લેવાનું’ ! આમ પણ તું ગયો એ ગયો પછી ક્યાં ગયો. પરમાત્મા શીવાય કોઈ નથી જાણતું કે તું ક્યાં ગયો. આ જગત જેને તું બહુ સારું કહેડાવે છે એ તો તારી હયાતીને ક્યારની નકારી ચુક્યું છે. પણ અસ્તિત્વ હજી પણ તારી રાહ જોતું રહેશે જ્યાં સુધી તું આવીને એમ નહી કહે કે બસ રીના હવે હું આવી ગયો છું. તું અહી હતો તો ઘણું બધું હતું. કારણ કે તું સૌના કામનો હતો. સૌને તારી ગરજ હતી. એમનું આવન-જાવન પણ એમની ગરજ પુરતું જ અને એ પણ તારા સુધી જ સીમિત હતું. હવે તું અહી નથી અને એમની ગરજ પૂર્ણ કરનાર તારું નિસ્વાર્થ વ્યક્તિત્વ નથી એટલે એમની ગરજ બીજે ફંટાઈ ગઈ છે અને એમની ઉપર છલ્લી માણસાઈ પણ.
કેવું કહેવાય નહી ઘરનો મોભી બીમાર હોય તો પણ એની હયાતીની અસર પડતી હોય છે. પણ એ ન હોય કે થોડા સમય માટે ગુમ થયો હોય તો બધું જ ખતમ ! ધીમેધીમેએ બધું જ ઓછુ થતું જાય છે. તારું માત્ર હોવું જ મારે મન તો સમસ્ત સંસારની જાહોજલાલી હતી. તારા વિના આ સ્થૂળ ભૌતિકતા મને ડંખી રહી છે. સામાન્ય કહી શકાય એવી આપણી આર્થિક સ્થિતિમાં તારી તારી નિખાલસતા, તારી નિષ્ઠા અને તારી કરુણા ઉમેરાતી એટલે તું મારે મન મુઠ્ઠી ઉચેરો મનુષ્ય બની જતો. તું કેવી રીતે આ બધું મેનેજ કરી લેતો હતો એ તો તું જ જાણે પણ હવે તું આવશે ત્યારે હું એ બધું જ સામટું પૂછી લેવાની છું માટે તું એટલી તો તૈયારી રાખજે જ.

લોકો સાથે સંબંધો જાળવવામાં તારી માસ્ટરી છે. પણ તારી ગેરહાજરીમાં તારા વગર મને એ સંબંધો કેળવવાનું બધું જ બહુ કઠીન થઈ પડ્યું છે. ન સહેવાય એવા અપમાનો પણ સહન કરવા પડ્યા. જે લોકો તારી હાજરીમાં તને દેવ અને મને દેવી સ્વરૂપ માનતા હતા એ લોકોની નજર ખોરી થતા વાર નથી લાગી. ઘણી એવી ભૂખી નજરો મને ડંખવાના કાવતરા રચી ચુકી છે પણ તારી ઉર્જા મને એમની સામે લડી લેવા માટે બળ આપતી રહે છે. અરે સમાજ પણ એની ચાલ રમવામાંકશી કસર નથી છોડતું. ઔપચારિક દયાબતાવી એ એવું સાબિત કરવા માંગે છે કે હું સાવ લાચાર છું.તે થી પણ હું હવે સંબંધીઓના કોઈ પણ પ્રસંગમાં જવાનું ટાળું છું.
ખરું કહું સાર્થક મને તારા વિનાનો આ બધા જ સંબંધોનો સંગાથ ભારરૂપ લાગી રહ્યા છે. તારા અહીંથી ગયા પછી લોકોનો વ્યવહાર એકદમ જ હવામાનમાં પલટો આવે અને વંટોળ ફૂંકાવવ લાગે એવું થઈ ગયું છે, જેને આપણે એકદમ અંગત માની ચુકેલા હતા એ બધા જ સંબંધો સાવ ભ્રામક પુરવાર થયા. કેટલાકે એમ માની સંબંધો કાપી નાખ્યા કે હું એમની પાસે તેઓએ ઉછીનીલીધેલી રકમ પાછી માંગીશ અને કેટલાકે એ માની સંબંધો કાપી નાખ્યા કે હું એમની પાસે ઉછીના નાણા લેવા એમના ઘરે પહોંચી જઈશ.

પેલું બદલતે રિસ્તેનું ગીત એકદમ બંધ બેસતું આવે છે “ના જાને કૈસે પલમેં બદલ જાતે હૈ ! એ દુનિયાકે બદલતે રિસ્તે“ એ ગીતને અનુરૂપ મેં ઘણા એવા સંબંધો બદલાતા જોયા છે જેઓ તારા વિના એક પણ પ્રસંગ શરુ નહોતા કરતા તેઓને જેવા પ્રસંગોમાં પણ યાદ ન કરાયા. એ તો સમજયા કે ઠીક છે. પણ આજકાલ મેં એક નવો બદલાવ જોયો છે. કહેવાતા આપણા આ ભદ્ર સમાજમાં ઘણું બધું બદલાઈ ગયું છે અને માત્ર એક રીત ભાત નિભાવવા પૂરતા જ સંબંધો જીવી નહી પણ જીવાડવામાં આવી રહ્યા છે. અરે આ જ સમાજના કોઈ એકમાંથી એમને ત્યાં પ્રસંગ હોય તો તેઓ ક્યાં વ્યક્તિને પ્રસંગમાં બોલાવવા અને કયાને નહી બોલાવવા એની યાદી તૈયાર કરે છે. એમાં ક્યાં પરિવારમાંથી કેટલા વ્યક્તિઓને બોલાવવા કે પછી સમસ્ત પરિવારને નિમંત્રિત કરવાની નોંધ લખાતી હોય છે. પછી બીજી એક યાદી એવી પણ તૈયાર કરાતી હોય છે કે એમને ત્યાં પ્રસંગ હતો ત્યારે તેઓએકેટલા લોકોને નિમંત્રિત કર્યા હતા અને કેટલો વ્યવહાર કર્યો હતો . એવું જ સામે પક્ષે પણ હોય નિમંત્રણને માન આપી તેઓ એમના પ્રસંગમાં જતા પહેલા એ પણ જોતા હોય છે કે તેઓએ કેટલો નાણાકીય વ્યવહાર કરેલો? બસ એટલો જ વ્યહાર આપણે પણ કરવાનો. અરે ઘણા તો એવું પણ વિચારતા હોય છે કે જેવું નિમંત્રણ અને જમણ એવો વ્યવહાર.

સાર્થક હું પુછુ છું કે આપણા કહેવાતા આ ભદ્ર લોકો આવી વિચાધારા ધરાવે છે?. આજના સંબંધો કેવળ વ્યાવહારી ગણતરી સુધી જ સીમિત રહી ગયા હોય એવું નથી લાગતું ?!.એમના અસ્તિત્વ પર પ્રેમ, કરુણા અને લાગણી એક મેકઅપ માત્ર છે બાકી અંદરથી તો તેઓ સાવ સુષ્કતા જ ધરાવે છે. તારા પ્રિય મિત્ર ઉન્નતના દીકરાના લગ્નમાં જવાનું નિમંત્રણ આવેલું એટલે હું અને ભયલુ એ આશયથી સવારે વહેલા પહોંચી ગયા કે આપણે તો ઘરના માણસ લગ્નની દોડધામમાં એમને કઈ કામ હોય તો કામ હાથમાં લઇ લેવાય. પણ મારી અપેક્ષા સાવ ખોટી નીકળી. મને સવાર સવારમાં આમ આવેલી જોઈ તેઓનાં ચહેરા પર નારાજગી દેખાઈ. ઉન્નતભાઈ પાસે આવીને બોલ્યા “ભાભી આમ શુભ પ્રસંગમાં સવાર સવારમાં ન અવાય. સાર્થક હયાત હતો ત્યાર સુધી વાત અલગ હતી.” પણ ઉન્નતભાઈ તમારા મિત્ર તો હયાત છે એ ….! બસ ભાભી બસ હવે તો સપના જોવાનું છોડો !સાર્થક હવે ક્યારેય નહી આવે.”

ઉન્નતના મુખે આ સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. તમે ઉન્નતભાઈને કેટલું માન આપતા હતા. શું આ જ મિત્રતા હતી? સારું છે કે તે આ વાત સાંભળી નહી. નહી તો તને કેટલો આઘાત લાગત.
સાર્થક હું તને દોષ ક્યારેય નથી આપવાની અને ક્યારેય નહી આપું પણ તારા માટે પેલી કહેવત “નેકી કર ઔર દરિયામેં ડાલ” થોડી અલગ રીતે કહેવી જોઈએ તે નેકી તો કરી પણ દરિયામાં નાખવાને બદલે તારાથી એ ખાબોચિયામાં નખાઈ ગઈ. અને તને તો ખબર છે ખાબોચિયું થોડું પણ છલકાય તો પોતાને દરિયાથી પણ વિશાળ સમજવા માંડે છે.
સાર્થક તું આવે એટલે તને ઘણી બધી વાત કરવી છે. પણ ત્યાં સુધી હું કેટલું યાદ રાખું ? એટલે લખેલું બોલે એમ લખી રહી છું. વાંચી લે જે. કદાચ એમ બને કે તું આવે પણ હું જ ન હોવ તો પણ તને મારી વાતો મારી ઉપસ્થિતિનો અનુભવ કરાવતી રહેશે.

અને હા બીજી વાત તારી ગેરહાજરી મને જે તકલીફો પડી એ એક સમાજનો આયનો હતો જેણે કહેવાતા પોતીકા અને પારકાઓથી મને પરિચિત કરાવવા સહાય કરી માટે એનું ઉપરાણું લઈ તું એમની સાથે ક્યારેય ઝગડતો નહી. અને તું નહી ઝગડે એ પણ મને ખાતરી છે પણ પાણી આવતા પહેલા પાળ બાંધેલી હોય તો સારું રહે.
વિરમું છું
તારી રીના

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર, આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો.

ટીપ્પણી