એક પતિએ પોતાની પત્નીને લખ્યો એક પત્ર અને સાથે મોકલાવ્યો મુક્તિપત્ર… વાંચો આ લાગણીસભર પત્ર…

સ્નેહ સંબંધોનો ભાવનાત્મક વિચ્છેદ કેવો હોય છે તે જાણવા આ પત્ર જરૂરથી વાંચો.

સર્વરી,

તારા જીવન ક્ષેત્રમાંથી કાયમ માટે જાઉં છું, જતા જતા થોડું જે મનમાં છે તે લખતો જાઉં છુ. ફુરસદે ઉપરછલ્લું પણ વાંચી જશે તો ચાલશે.

ગઈ કાલે મને આપણા પાડોશના જીગાની દીકરી ચંચી બોલાવવા આવી. કહે “ચાલો મહેંદી પાડવા. મેં પૂછ્યું કોના હાથ પર ? તો કહે મારી મોટી ફોઈનાં હાથે. મહેંદી તો પાડી આવ્યો પણ બીજા દિવસે એ જીગાની દીકરી અને એની ફોઈ મારી પાસે આવી મને થેંક્યું થેંક્યું થેંક્યું કહેતા થાકતી નહોતી. એના હાથે મહેંદીનો રંગ કેટલો ઘાટો ચઢ્યો છે તે વારે વારે બતાવી રહી હતી અને કહી રહી હતી કે “મોટા ભાઈ આ પહેલા ઘણી વાર મહેંદી પડાવી પણ આટલો રંગ આજ દિવસ સુધી નથી ચઢ્યો. શું વાત છે મોટા ભાઈ! ભાભીને બહુ વહાલ કરતા લાગો છો.? કેમ એમ કેમ? મેં પૂછ્યું. તો કહે “તમે મનથી પાડેલી મહેંદીનો આટલો રંગ જો મારા પર આટલો ખીલી ઉઠ્યો છે તો ભાભીનાં હાથે તો કેટલો ગાઢો ખીલી ઉઠતો હશે નહી? હું મૌન હતો.નિસ્વાર્થ ઉમળકા સાથે ચંચીની ફોઈ બોલી તો ગઈ પણ એ ક્યાં બધું જાણતી હતી? એ એનો નિરભિમાની ઉમળકો હતો. હકીકતમાં એવું ક્યાય કશું હતું આપણી વચ્ચે. મને સારી મહેંદી પાડતા આવડે છે એવું ઘણા બધા કહેતા અને એવું પણ કહેતા કે “ ભાભીને તો ઘર બેઠા જ મહેંદીથી રંગનાર મળી ગયો. મહેંદી રંગનારને આપવાના થતા રૂપિયાની બચત થાય એ અલગ!.પણ અહી મારું જ મન જાણતું હતું કે તને મારા હાથ મહેંદી જરાય ગમતી નહી. એની ભાત તને સાવ સામાન્ય લાગતી. માટે તું હમેશા બ્યુટી પાર્લરમાં જઈ મહેંદી પડાવી આવતી. પણ એનો રંગ પણ તને ચઢતો નહી ત્યારે તું ચુપચાપ રહેતી અને એ મહેંદીથી રંગનારને કોસતી રહેતી.
પણ તુંએ સ્વયંની પ્રકૃતિ તરફ તારું ક્યારેય ધ્યાન આપ્યું જ નહોતું. અરે મહેંદીનો રંગ બરાબર ચઢે તે માટે કોઈક અંશે શારીરિક પ્રકૃતિ પણ જવાબદાર હોય છે પણ તું એ વાત માનવા જ ક્યાં રાજી હતી. અને બીજી વાત એ કે જો મહેંદી પડાવનારનાં અંતરમનનો ઉમળકો જ સાવ નબળો હોય, હથેળીમાં ગરમાટો જ ન હોય તો ઉંચામાં ઊંચા દર્જાની મહેંદી પણ રંગ નથી પકડી શકતી. પછી ભાત ભલે ગમે એટલી અદભૂત હોય , કલાકારે એમાં જીવ રેડી દીધો હોય, સુક્ષ્મ કાળજી લીધી હોય,છતાં મહેંદી ફિક્કી તે ફિક્કી જ લાગશે કારણકે મહેંદીને માફક આવે એવું મેદાન જ ઉપલબ્ધ નથી. આમ પણ તને ક્યારેય કોઈના ભાવની કદર કરતા આવડ્યું નહી આક્ષેપો કરવા અને ફક્ત પોતાનો જ કક્કો તું સાચી છે એવું તું માનતી ગઈ જે ખરેખર તારો એક ભ્રમ હતો.

ખેર …વાત પર આવું છું. મને એવું લાગે છે કે આપણા આ સંબંધોનું પણઆ મહેંદીના જેવું જ જેમાં મને જેટલો રસ છે એટલો રસ તને નથી જ. આમ પણ મને ત્યારે પણ થતું કે તું મારા હાથે મહેંદી પડાવે પણ તને મારા કરતા અન્યની આવડત પર વધારે વિશ્વાસ હતો.તું એક ઔપચારીકતા પૂરી કરવા જ મારી સાથે જોડાઈ રહી છે એવું હું સતત અનુભવી રહ્યો છુ. આપણી બાજી સુધરી જાય એ માટે અને એને સતત જીવંત રાખવામાં ઘણા પ્રયત્ન કર્યા પણ એકતરફો પ્રયત્ન ક્યા સુધી કારગર નીવડે? જે સંબંધોને નવી ઉર્જા આપવામાં હું જેટલો સતત તત્પર હતો, લખલૂટ સપનાઓ સેવતો એને આત્મીય લાગણીથી સિંચતો હતો પણ સામે પક્ષે તું એતરફ જોવાની પણ તસ્દી લેતી નથી એવું થયું છતાં બધું સારું થઈ જશે એ વિચારી ચુપ રહ્યો. આમ પણ ઉમળકો તો તારામાં હતો જ નહી પણ મને થતું કે કંઇક તો એવું થશે કે તારામાં સ્વાર્થ સિવાયનો એકાદ ફણગો ફૂટશે પણ એની હું સતત ઉણપ અનુભવતો રહ્યો છું.

જો સર્વરી સંબંધ હોય કે રમત સામ સામે પક્ષે ખેલાડીઓ ઉત્તમ પ્રતિસાદ આપનારા હોવા જોઈએ તો જ ખેલ અને સંબંધ જામે. પણ જો સામા પક્ષે જ ઉત્સાહનો અભાવ હોય ને પરસ્પરનો સમર્પણભાવ જ ન હોય તો સંબંધોમાં માત્ર અને માત્ર ઔપચારિકતા જ સચવાતી હોય છે. બીજી રીતે કહું તો સત્યની આડમાં અસત્ય જ આચરાતું હોય અને આવા સંજોગોમાં ગમે તેટલા પોતીકા સંબંધો પણ પોતીકા નહી પણ પારકા જ લાગે એના મર્મનો ધર્મ મરું મરું થતો લાગે સંબંધો જાણે ભારની ભરમાર લાગે અને એક અસહનીય ઉપકાર નીચે દબાયેલા લાગે !મારા અથાગ પ્રયત્નો છતાં તારા પર મારા અસ્તિત્વની મહેંદીનો રંગ હું ચઢાવવામાં અસમર્થ રહ્યો હોવ એવું લાગ્યું. આમાં હું પણ એટલો જ જવાબદાર છું. પત્રમાં આલેખેલા તારા પ્રત્યેના દોષો મારા પણ એટલા જ છે માટે હિસાબ સરભર સમજજે.

હવે પછી ગરજ તો વધારે મને તારી પડવાની છે. તું હવે નિરાંત અનુભવી શકે છે. તારી હથેળી પણ નવી મહેંદી પણ રચાવી શકે છે. ને હવે આશા રાખું કે મહેંદીનો રંગ પણ તને નિરાશ નહી જ કરે એટલું તો હું મારી પ્રાર્થનામાં તારા પ્રત્યે કહી જ શકું છુ. આ પત્ર સાથે બીડાણ આપણા સંબંધોનું મુક્તિ પત્ર સહી કરી મૂકતો જાવ છું. એ પત્રને ડાયવોર્સ પેપર કહેવા કરતા મુક્તિ પત્ર એટલા માટે કહું છું કે તું મારા એક બંધનમાંથી મુક્ત થઈ નિજાનંદમાં ઉડી શકે છે. પણ મેં તને ક્યારેય બાંધી નથી રાખી એ પણ તું જાણે જ છે.

મકાન ભાડાનું હતું જે ઘર ન થઈ શક્યું. ચાલુ માસનું ભાડું પણ ચુકતે કરી દીધું છે. ડીપોઝીટનો વ્યવહાર તું સેવા કાર્યમાં કરી લેજે. બધું સરભર છે.હા એક ઈચ્છા તે મારી નહી પૂરી કરી એ વાતનો વસવસો રહેશે કે તે મને એક વાર પણ જો તારી હથેળી મહેંદી મુકવા માટે આપી હોત તો !?……

આવજે નહી કહું પણ ખુશીને પામજે એવું જરૂર કહીશ.

લિ,

એક અજાણી યાત્રાએ નીકળી પડેલો હું તીર્થ

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી અનેક લાગણી સભર વાર્તાઓ અને વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી