ભાભી અને નણંદની અનોખી વાર્તા આયુષી સેલાણીની કલમથી….સુતા પહેલા અચૂક વાંચજો…

“ક્યારા, જો તો જરા સુગ્મ્યા તને બોલાવે છે.. કદાચ કોઈ વસ્તુની જરૂર હશે.. પ્લીઝ તેને પહેલા એ આપી આવ ને.. પછી મારા માટે ચા બનાવજે..”

કર્તવ્ય તેની પત્ની ક્યારાને કહી રહ્યો હતો.. સુગ્મ્યા એટલે તેની વહાલી બહેન.. ક્યારા અને કર્તવ્યના લગ્નને એક વર્ષ થયું હતું. ઘરમાં કર્તવ્ય અને તેનીબહેન સુગ્મ્યા જ હતા… ક્યારાનાં માતા-પિતાએ કર્તવ્યના સંસ્કારો જોઈને પોતાની દીકરી તેને સોંપી હતી. જ્ઞાતિમાં હંમેશ દરેક કાર્યમાં અવ્વ્લ રહેતો કર્તવ્ય દેખાવે પણ રુઆબદાર હતો.. ક્યારા પણ ક્યાં તેનાથી ઉતરે તેવી હતી..!!!ઘઉંવર્ણો વાન અને નમણાશ તો જાણે નાગરવેલની.. જયારે તે હસતીત્યારે ઘર આખું રોશન થઇ ઉઠતું.. સ્વાભાવે ગુણિયલ અને સંસ્કારી તેમજ દેખાવે નમણી ક્યારા કર્તવ્યને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી.. જયારેલગ્નની વાત કરવા માટે સૌ ભેગા થયા ત્યારે કર્તવ્ય સુગ્મ્યાને લઈને જ આવ્યો હતો..

“અંકલ, મારા ઘરમાં હું અને મારી લાડકી બહેન સુગ્મ્યા જ છીએ.. મારે એક ખાસ ચોખવટ કરવાની કે સુગ્મ્યા આમ તો બહુ ડાહી અને વિવેકી છે.. પરંતુતેનું મગજ હજુ પણ નાના બાળક જેવું છે.. કદાચ મારા કરતા વધુ ધ્યાન ક્યારાને સુગ્મ્યાનું રાખવું પડે.. મને ક્યારા ઠંડો રોટલો જમાડશે તો પણ ચાલશેપરંતુ મારી સુગ્મ્યાને જે ખાવું હોય તે બનાવીને ખવડાવું પડશે..”

કર્તવ્યની વાત સાંભળી ક્યારાનાં પાપાએ તેની સામે જોયુ.. ક્યારાએ કહ્યું, “મને તો અત્યંત ખુશી થશે.. ત્રણ ભાઈઓ વચ્ચે ઉછરેલી હું સદાય એક નાની બેન ઝંખતી હતી.. જે મારી વાતો સાંભળે અને મારી સાથે રમે.. રમવાની આમારી તો ઉમર નથી હવે.. પરંતુ સુગ્મ્યાને જોઈને મને બહુ જ ખુશી થશે.. હું તેને અઢળક વહાલ કરીશ. તમે ચિંતા ના કરો.. આજથી તે મારી જવાબદારી..”

બસ તરત જ તેઓએ કોઈ જ પ્રકારની ઝાકઝમાળ વગર કોર્ટ મેરેજ કરી લીધા હતા.. લગ્ન બાદ ક્યારાએ સાસરિયાને પોતાની મુસ્કાન અને નિર્દોષતા વડે ભરી દીધું હતું. કર્તવ્ય આખો દિવસ ઓફિસ જાય પછી ક્યારા સુગ્મ્યા જોડે બેસે..ક્યારેક બંને બહાર જાય.. ક્યારેક બન્ને મસ્તી કરે ને ક્યારેક તો ક્યારા સુગ્મ્યાને રસોઈ બનાવતા પણ શીખવાડતી.. બાવીસ વર્ષની સુગ્મ્યાનું મગજ બારવર્ષના બાળક જેવું જ હતું. તેથી ક્યારેક તેને કાબુમાં કરવી અઘરી થઇ પડતી પણ કર્તવ્ય હંમેશા સુગ્મ્યાને સમજાવી લેતો!! કર્તવ્ય સુગ્મ્યાને બાથમાં લેતોત્યારે સુગ્મ્યા એકદમ ડાહી બની જતી…

આજે સવારથી જ સુગ્મ્યા જીદે ચડી હતી… તેને મેગી ખાવી હતી.. પરંતુ તેને ઉધરસ હોય ક્યારાએ નહોતી બનાવી… કર્તવ્યને ખબર પડી કે સુગ્મ્યાને મેગીખાવી છે તો પણ ક્યારાએ નથી બનાવી તે સાંભળીને તે ક્યારા પર ગુસ્સે થઇ ગયો. “ક્યારા, લગ્ન પહેલા જ મેં કહેલું મારી બહેનની આંખમાંથી આંસુ ના પડવા જોઈએ.. મેં તેની હરેક માંગણી પુરી કરી છે.. તે પછી ગમે તેવી હોય.. હું તેનામાટે તેનો બાપ છું, તેનો ભાઈ છું, તેની માઁ અને બહેનપણી બધું જ હું છું.. તને ખબર છે મારુ એના માટેનું વહાલ.. તો પણ તે કેમ તેને રડાવી..?!”

ક્યારા કર્તવ્યના મોઢેથી આ વાત સાંભળી ઓજપાઈ ગઈ.. હંમેશ તે સુગ્મ્યાનું પહેલા ધ્યાન રાખતી.. આજે કર્તવ્યે તેને આવું કહ્યું તેથી તેને ખુબ લાગીઆવ્યું.. તેણે કહ્યું, “કર્તવ્ય, તેને મેગી ખાવાથી ઉધરસ થાય છે.. તેથી મેં નહોતી આપી.. મને એમ કે તને વિશ્વાસ હશે કે હું પણ સુગ્મ્યાને તારા જેટલું જ ચાહું છું.. પરંતુ તેઆજે આવું કહીને મારી લાગણીને ઠેસ પહોંચાડી…” રડતા રડતા આવું કહીને ક્યારા ઓરડામાં જતી રહી.. સુગ્મ્યા બહાર ઉભા ઉભા આ જોતી હતી.. તેને પણ રડવું આવી ગયું. કર્તવ્યે તરત તેની પાસે જઈનેતેને ચૂમીને શાંત રાખી… અને ઓફિસ જતો રહ્યો..!

પછી તો ખબર નહિ આવું અવાર-નવાર થતું રહેતું.. રવિવારે સુગ્મ્યાને ફનવર્લ્ડમાં જવું હતું તેથી તબિયત સારી ના હોવા છતાં પણ ક્યારા તેને લઇ ગઈ..જેવા તેઓ ત્યાં પહોંચ્યા કે કર્તવ્યનો ફોન આવ્યો..”ક્યારા, ક્યાં છે તું??? આવી ભીડમાં છોકરીને લઇ જવાય..?! તને ખબર નથી પડતી? સ્વાઈન ફલૂ કે કંઈક થઇ જશે તો છોકરીને…?! સાવ બુદ્ધિ વગરનીછો તું..!” ક્યારાને થયું કોઈ વાર જીદ પુરી કરવાનું કહે છે ને કોઈ વાર આવું.. આ વખતે પણ તેને ખુબ જ દુઃખ થયું પરંતુ તે ગમ ખાઈ ગઈ..

પછી થોડા દિવસો બાદ ફરી કંઈક આવું બન્યું.. સુગ્મ્યા ઘરમાં સાવ કંટાળી ના જાય તેથી ક્યારાએ તેના ડ્રોઈંગ ક્લાસ શરૂ કરાવ્યા હતા.. જેથી તેનું માઈન્ડએન્ગેજ રહે અને કંઈક નવું શીખે.. તો એમાં તો કર્તવ્યે ક્યારાને સંભળાવી દીધું, “તને ક્યારા ઘરમાં નડે છે તેથી જ તું એને બહાર કાઢે છે.. મારા ઘરમાંમારી બહેન તને પોસાતી જ નથી..”

આ વખતે ક્યારાને બહુ જ ખોટું લાગ્યું હતું.. તે ઘર છોડીને પિયરે જતી રહી.. થોડા દિવસ સુધી તો કર્તવ્યને સુગ્મ્યાને સાચવવામાં વાંધો ના આવ્યો પરંતુદિવસો પસાર થતા ગયા તેમ તેમ તેને લાગ્યું કે ક્યારા સતત સુગ્મ્યાને સાચવતી હતી.. હંમેશ તેની પડખે રહેતી. કદાચ પોતાના કરતા પણ વધારે પ્રેમતેને કરતી હતી.. અને સુગ્મ્યા પણ ભાભીની હેવાઈ થઇ ગઈ હતી.. હંમેશા ચૂપ રહેતી સુગ્મ્યા હમણાંથી કર્તવ્યને ક્યારા વિશે પૂછવા લાગી હતી.. ભાભીભાભી કહીને તે કર્તવ્યને સતત યાદ કરાવતી કે તેને ક્યારાની જરૂર છે…

એક દિવસ કર્તવ્ય મંદિરે ગયો હતો.. ત્યાં જ તેને ક્યારા મળી ગઈ.. કર્તવ્યએ તેને સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ ક્યારા ના માની.. તેણે કહ્યું, “કર્તવ્ય તમે મને ખિજાયા તેનો મને જરાય અફસોસ નથી. પરંતુ જે રીતે તમે મને જતાવ્યું કે મને સુગ્મ્યાની પરવાહ નથી તેનાથી મને વધારે દુઃખ પહોંચ્યું…” આટલું બોલીને ક્યારા ત્યાંથી ચાલી ગઈ.. કર્તવ્ય તેને જોતો રહી ગયો.. થોડા દિવસો પછી કર્તવ્યે ક્યારાને ફોન કર્યો કે સુગ્મ્યાએ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને તે ઈચ્છે છે કે તું પણ આવે.. પ્લીઝ આવી જજે..”

ક્યારા બીજા દિવસે ડ્રોઈંગ કોંપીટીશનમાં ગઈ.. જે ડ્રોઈંગ બેસ્ટ હતું તે એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યું હતું.. ક્યારાએ તે ડ્રોઇંગમાં જોયું તો એક યુવતીબીજી યુવતીના માથે હાથ ફેરવતી હતી એવું તે હતું.. તેમાં નીચે લખ્યું હતું,”ક્યારાભાભી અને સુગ્મ્યા” ક્યારાને આ વાંચી રડવું આવી ગયું.. પાછળ ફરીને જોયું તો કર્તવ્ય અને સુગ્મ્યા ઉભા હતા.. ક્યારા બન્નેને ભેટી પડી.. અને પોતાના સાસરે પાછી ગઈ..

પછી તો હંમેશા ચૂપ રહેતી સુગ્મ્યા પણ બોલવા લાગી હતી.. ભાભી ભાભી કરીને તે પોતાના વહાલથી ક્યારાને નીચોવી દેતી.. ક્યારાએ હવે તેની ટ્રીટમેન્ટડોક્ટર પાસે કરવાનું શરૂ કર્યું હતું.. સુગ્મ્યાનું મગજ કેમ બાળક જેવું છે તે જાણવા તે જાતજાતના ડોક્ટરોને મળી હતી.. આખરે ક્યારાની પાંચ વર્ષની મહેનત રંગ લાવી.. સુગ્મ્યા એકદમ ઠીક થઇ ગઈ હતી…

આજે 28 વર્ષની સુગ્મ્યાના લગ્ન ક્યારા ધામધૂમથી કરાવી રહી હતી.. તેની વિદાય વખતે તેને ભેટીને ક્યારા અનહદ રડી.. યોગ્ય મુરતિયા સાથે નણંદને પરણાવાનો આંનદ કંઈક અલગ જ હતો ક્યારા માટે.. કર્તવ્યની આંખોમાં પણ ક્યારા માટે ગર્વ અને સન્માન છલકતા હતા.. ક્યારાને સુગ્મ્યાથી છુટ્ટાપડવાનું દુઃખ વલોવી રહ્યું હતું..

વિદાયવેળાએ ક્યારા બસ એટલું જ કહી શકી… “મારા વહાલા નણંદબા… હવે સંભાળજો…!!!!”

લેખક : આયુષી સેલાણી

ખુબ સુંદર સબંધ હોય છે ભાભી અને નણંદ નો. તમે વાંચી વાર્તા તમારા પરિવારજનો ને પણ વાંચવો. શેર કરો તમારા મિત્રો સાથે.