નાના બાળકોથી લઈને ઘરના વડીલ દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરશે ગાજરનું જ્યુસ…

ગાજરમાં ભરપુર વિટામીન, પોષકતત્વો અને ફાયબર હોય છે. જો તમને ગાજર એકલું ખાવું પસંદ નથી તો તમે તમારા રોજીંદા ભોજનમાં કે ડાયટમાં ગાજરનું જ્યુસ લઇ શકો છો. આવો જાણીએ પહેલા ગાજરના જ્યુસના ફાયદા.

ગાજરના જ્યુસમાં બહુ ઓછી કેલેરી હોય છે. સોડા અને બીજી ડ્રીંક પીવી એનાથી બેટર છે કે તમે ગાજરનું જ્યુસ પીવો. ગાજરનું જ્યુસ પીવાથી વજન વધતું નથી. ગાજરના સેવનથી મેટાબોલીઝમ સુધરે છે. મેટાબોલીઝમ એટલે કે જેનાથી શરીરમાં ઊર્જા બને છે. ગાજરના જ્યુસથી ચરબી ઓગાળવામાં પણ મદદ મળે છે. ૨૦૦૬માં ઉંદર પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આંખો માટે છે લાભદાયી, તમે નાનપણ થી સાંભળ્યું હશે કે ગાજર ખાવાથી આંખોની શક્તિ મજબુત બને છે. ખરેખર ગાજર એ આંખો માટે ફાયદાકારક છે. ગાજરમાં રહેલ બીટા કૈરોટીન એ વિટામીન એનો જ એક પ્રકાર છે આ એક પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટમાંથી એક છે.

સ્કીન માટે છે ફાયદાકારક, જે પણ વ્યક્તિને ચામડી સાથે જોડાયેલ સમસ્યા હોય તો તેમણે પણ ગાજરનું જ્યુસ પીવું જોઈએ. ગાજરમાં રહેલ વિટામીન સીથી ચામડીને હિલીંગ મળે છે અને કોઈ ઘાવ પણ થયો હશે તો તેમાં પણ ધીરે ધીરે ફાયદો થશે.

જે લોકો વારંવાર બીમાર થતા હોય કે પછી કોઈપણ ઋતુ બદલાવાથી તેમના શરીરને નુકશાન થતું હોય તો તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોઈ શકે છે. આવા મિત્રોએ દરરોજ પોતાના ખોરાકમાં ગાજરનું જ્યુસ સામેલ કરવું જોઈએ. આનાથી વ્યક્તિને અને નાના બાળકોને પણ કોઈપણ ઇન્ફેકશન સામે લડવાની શક્તિ મળશે.

કેન્સર સામે આપશે રક્ષણ, કેન્સર ત્યારે થાય છે જયારે શરીરની કોશિકાઓ અનિયમિત વૃદ્ધિ કરતી હોય. એન્ટીઓક્સીડેન્ટ એ કોશિકાઓનું ડેમેજ રોકે છે એટલા માટે ગાજરના જ્યુસનું નિયમિત સેવન કરવું જોઈએ.

જે મિત્રોને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં ના રહેતું હોય અને જો તેઓ દવા લીધા વગર પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો તેમણે ગાજરના જ્યુસનું સેવન કરવું જોઈએ. ગાજરમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં લાવવા માટે તે મદદ કરે છે. પણ કોઇપણ દવા બંધ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેજો.

ગર્ભવતી મહિલાઓ માટે પણ ગાજરનું જ્યુસ આશીર્વાદ સમાન છે. આમાં રહેલ કેલ્સિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને વિટામીન એ માતા અને બાળક બંનેને સુરક્ષિત રાખે છે. ઘણા ગાયનેકોલોજિસ્ટ ગર્ભવતી મહિલાને ગાજર અથવા તેનું જ્યુસ સેવન કરવાની પણ સલાહ આપે છે. ડીલીવરી પછી પણ માતાએ બાળકને સારું પોષણ આપવા માટે ગાજરના જ્યુસનું સેવન કરવું જોઈએ.

આવો તમને જણાવીએ ગાજરનું જ્યુસ બનાવવાની સરળ રીત.

આના માટે કશું જ વધારે નથી કરવાનું, માર્કેટમાંથી સારી ક્વોલિટીના ગાજર લઈને તેને ધોઈને અને છાલ કાઢી નાખીને મીક્ષરના જ્યુસ જારમાં થોડા પાણી સાથે ક્રશ કરો ત્યારબાદ તે મિશ્રણને એક કોટન કપડું કે પછી ગરણીથી ગાળી લો. તમારું જ્યુસ તૈયાર છે. તમને એકલું જ્યુસ ના ફાવે તો તેની અંદર તમને પસંદ હોય તેવું ફ્રુટ પણ ઉમેરી શકો છો અને કોઈપણ સારો મસાલો એડ કરીને પણ પી શકો છો.