નાન પનીર પીઝા – બાળકોની પીઝા ફરમાઇશ પર હવે બનાવી આપો આ ટેસ્ટી અને યમ્મી પીઝા…

બાળકો ને વેકેશન માં બનાવી આપો આ exotic પીઝા , જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં ખૂબ જ સરળ છે. બહુ ખાધા ભાખરી પીઝા અને પરોઠા પીઝા , હવે બનાવી જુઓ આ જોરદાર ટેસ્ટી પીઝા..

આ રીત માં મેં ઘઉં અને મેંદો મિક્સ કરી નાન બનાવી છે, આપ ચાહો તો ખાલી ઘઉં ની પણ બનાવી શકો. નાન અને પનીર ને અગાઉ થી બનાવી શકાય , પીરસતી વખતે બસ પિઝા બનાવો અને બેક કરો તૈયાર છે નાન પનીર પીઝા ..

સામગ્રી ::

નાન માટે

• 1 વાડકો ઘઉં નો લોટ

• 1 વાડકો મેંદો

• 1 tsp બેકિંગ પાવડર

• 1/4 tsp બેકિંગ સોડા

• મીઠું

• 1/2 વાડકો દહીં

• 2 ચમચી તેલ (લોટ માં નાખવા)

• ઘી

• થોડા કાળા તલ

• થોડી બારીક સમારેલી કોથમીર

પનીર સ્ટફિંગ::

• 250 gm પનીર

• 1/2 વાડકો દહીં

• 2 મોટી ચમચી લસણ આદુ ની પેસ્ટ

• 1.5 ચમચી લાલ મરચું

• 1 નાની ચમચી ગરમ મસાલો

• 1 મોટી ચમચી બારીક સમારેલી કોથમીર

• 1/2 વાડકો કેપ્સિકમ , મોટા કટકા કરેલા

• 1/4 વાડકો બારીક સમારેલી ડુંગળી

• 1 ચમચી લીલા મરચા , સમારેલા

• અડધા લીંબુ નો રસ

• મીઠું

• 1/2 વાડકો ડુંગળીના મોટા લેયર્સ

• 2 ચમચી તેલ

• 1/4 વાડકો ટામેટા ની પ્યુરી

• ખમણેલું ચીઝ , જરૂર મુજબ

રીત ::


સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ , મેંદા નો લોટ, દહીં , મીઠું , બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લો.. હાથ થી મસળો..

થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધો. ત્યારબાદ તેલ ઉમેરી સરસ કુણવી લો. ત્યારબાદ ઢાંકી ને રાખી દો. લોટ ને રેસ્ટ આપીએ ત્યાં સુધી બનાવીએ પનીર નો મસાલો..


એક બાઉલ માં પનીર ના કટકા લો. પનીર ને મધ્યમ સાઈઝ ના કટકા કરવા. એમાં આદુ લસણ ની પેસ્ટ , કેપ્સિકમ, ડુંગળી ના મોટા લેયર , કોથમીર , લીલા મરચા , લીંબુ નો રસ, દહીં , લાલ મરચું, ગરમ મસાલો , મીઠું બધું સરસ મિક્સ કરો.


કડાય માં તેલ ગરમ કરો. પનીર નો મિક્સ કરેલ મસાલો કડાય માં ઉમેરો.. મધ્યમ આંચ પર શેકો.


ત્યારબાદ એમાં ટામેટા ની પ્યુરી ઉમેરો અને વધુ થોડી વાર શેકો.. ગેસ બંધ કરી સાઈડ પર રાખી દો.


નાન ના તૈયાર કરેલ લોટ માથી એક લુવું લઇ લંબગોળ આકાર ની રોટલી વણો. એના પર કાળા તલ અને કોથમીર ભભરાવો અને ફરી એકાદ વેલણ ફેરવી દો.


નોનસ્ટિક લોઢી ગરમ કરો. એના પર નાન ને શેકો. થોડું ઘી મૂકી બંને બાજુ શેકો. નાન ને બહુ કડક કરવી નહીં.


તૈયાર થયેલ નાન ને પાટલા પર ગોઠવો. એના પર પનીર જો મસાલો ગોઠવો. ચારે બાજુ થોડી જગ્યા છોડી દેવી જેથી ઓવેન કે લોઢી પર બધું ઢોળાય નહીં.


એના પર સ્વાદાનુસાર ચીઝ ભભરાવો. મેં અહી અમુલ નું પ્રોસેસ ચીઝ વાપર્યું છે. આપ મોઝરલા પણ વાપરી શકો.. ચાહો તો થોડું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકાય.


આ તૈયાર કરેલ નાન પીઝા ને 180c પર 10 મિનિટ માટે બેક કરો. જો ઓવેન ના હોય તો લોખંડ ની લોઢી પર ધીમી આંચ પર ઢાંકી ને 5 થી 7 મિનિટ રાખો.. તૈયાર છે એકદમ ટેસ્ટી નાન પનીર પીઝા..

બાળકો ને વેકેશન માં ખુશ કરી દો. આશા છે તમને અને બાળકો ને પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ