ઘણી વખત આપણે પોતાના પ્રેમને મેળવવા માટે ધીરજ રાખવા ઉપરાંત આયોજન પણ કરવું પડે છે, લાગણીસભર વાર્તા…

“દર્શન તારો ચહેરો તો રોજ દર્શન કરવા જેવો હોય છે પરંતુ આજે તારો ચહેરો ઉતરી ગયો હોય અને તું કાંઇ મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે. શું છે દોસ્ત? તું મને નહીં કહે” તેમ દર્શનના મિત્ર રોહને પૂછ્યું. “છોડને રોહન. કાંઈ નથી થયું. આ તો પ્રેમ કરીએ તો ક્યારેક પસ્તાવું પણ પડે” તેમ દર્શને કહ્યું. રોહને તરત જ આશ્ચર્યથી પૂછ્યું કે “પ્રેમ અને વળી તું? કોના પ્રેમમાં પડી ગયો છે.”

“છે એક છોકરી જે મારા દિલ પર રાજ કરે છે પરંતુ તેના દિલમાં મારા માટે સહેજ પણ જગ્યા હોય તેમ લાગતું નથી” દર્શને જણાવ્યું. રોહને કહ્યું કે “તું આમ ગોળ ગોળ ન ફેરવીશ અને તારા મનમાં જે પણ હોય તે તું મને જણાવીશ તો શક્ય છે કે હું તારી મદદ કરી શકું.” દર્શન પોતાના મિત્ર રોહન પાસે પોતાનું મન હળવું કરી રહ્યો છે અને પોતાના સુખ દુઃખની બધી વાતો કરી રહ્યો છે. રોહને દર્શનના ખભા પર હાથ મૂકીને પૂછ્યું કે “આપણી કોલેજની કઈ એ છોકરી છે કે જે તને પ્રેમમાં પડવાની ના પાડી રહી છે.

આવી હિંમત કોનામાં આવી છે કે રોહનના ફ્રેન્ડને ના પાડે.” દર્શને તરત કહ્યું કે “તે આપણી કોલેજની છોકરી નથી.” “તો કોણ છે અને તે ક્યાં રહે છે. સરનામું આપ તો હું તેના ઘરે જઈને તારા લગ્નનો પ્રસ્તાવ તેના માતા-પિતા સુધી પહોંચાડી દઉં” તેમ રોહને કહ્યું. તરત જ દર્શને કહ્યું કે “તારે કંઈ કરવાની જરૂર નથી. એ મારા ઘરથી એકદમ નજીક રહે છે અને મારા દિલથી પણ સૌથી નજીક રહે છે.” “તારા દિલની નજીક રહેતી હોય તો પછી શું તકલીફ છે?” તેમ રોહને પૂછ્યું ત્યારે દર્શને કહ્યું કે “મારામાં હિંમત નથી કે હું તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકુ.

મને ડર લાગી રહ્યો છે કે જો નીલા મને ના પાડી દેશે તો હું એના વગર પાગલ થઈ જઈશ.” “જો તને ડર લાગતો હોય તો તું પ્રેમ કરવાનું છોડી દે અને જો તારામાં પ્રેમ કરવાની હિંમત હોય તો તું નીલાને જઈને પ્રપોઝ કરી આવ. તું પરિણામની ચિંતા ના કરીશ” તેમ રોહનને જણાવ્યુ અને ત્યાંથી નીકળી જાય છે. રોહનની વાત સાંભળીને દર્શન થોડી હિંમત એક્ઠી કરીને નીલા ને પ્રપોઝ કરવાનું નક્કી કરે છે અને તેને મળવા માટે જાય છે.

નીલાને ભરપૂર પ્રેમ કરી રહેલો દર્શન જ્યારે નીલા ને દૂરથી નિહાળે છે ત્યારે તો તે ખૂબ જ ખુશ થઈ જાય છે. પરંતુ જ્યારે નીલાની સાથે ગાડીમાંથી અક્ષય નામનો યુવક નીચે ઉતરે છે ત્યારે દર્શન નીલા સામે મુક્દર્શક બનીને જોયા કરે છે અને કંઈ જ બોલી શકતો નથી. નીલા અક્ષયની સાથે મસ્તી-મજાક કરવા લાગે છે અને સાથે બેસીને કેન્ટીનમાં નાસ્તો પણ કરે છે.

નીલાને અક્ષયની સાથે જોઈને દર્શન મૂંઝવણમાં મુકાઈ જાય છે કે નીલા ને આજે પ્રપોઝ કરું કે નહીં. નીલાની બાજુના ટેબલ પર દર્શન પણ નાસ્તો કરવા માટે બેસે છે અને જ્યારે વેઇટર બિલ લઈને આવે છે ત્યારે બન્ને ટેબલનું બિલ દર્શન ચૂકવી દે છે. થેન્ક યુ કહીને નીલા અક્ષયની સાથે પોતાની ગાડીમાં નીકળી જાય છે પરંતુ દર્શન અહીં બેસીને નીલાના વિચારોમાં ખોવાઈ જાય છે. થોડીવારમાં જ ત્યાં દર્શનનો મિત્ર રોહન આવે છે અને તે દર્શન ને આશ્વાસન આપતા કહે છે કે “જો તને તારા પ્રેમ પર વિશ્વાસ હોય તો તને નીલા અવશ્ય મળશે જ. પરંતુ તેના માટે પ્રપોઝ તો તારે જ કરવું પડશે.” “હું પ્રપોઝ કઈ રીતે કરૂ તે મને કાંઈ સમજાતું નથી. હું નીલાને પ્રેમ કરી રહ્યો છું પરંતુ લીલા તો અક્ષયને પ્રેમ કરી રહી છે”

તેમ દર્શને કહ્યું ત્યારે રોહને જણાવ્યું કે “આના માટે તું જ જવાબદાર છે. હું જ્યાં સુધી તારી નીલા ને ઓળખું છું ત્યાં સુધી તે ખૂબ જ મસ્તીખોર અને જિદ્દી યુવતી છે. પરંતુ મનથી સાવ ભોળી છે. પણ જો તું પ્રેમથી પ્રેમનો એકરાર કરીશ તો તે ચોક્કસ તેનો સ્વીકાર કરશે જ.” “હવે મારામાં કોઈ હિંમત રહી નથી અને મારે શું કરવું તેની પણ મને ખબર પડતી નથી. માત્ર તું એક જ વ્યક્તિ છે કે જે મને અને નીલાને એક કરી શકે છે” તેમ કહીને દર્શન રોહનના ખોળામાં મસ્તક મૂકી નાના બાળકની જેમ ધ્રુસકે ને ઘ્રુસકે રડવા લાગે છે. આ જોઈને રોહનની આંખોમાંથી પણ આંસુ નીકળી જાય છે પરંતુ રોહન હિંમત કરીને આંખોમાંથી વહી રહેલા આંસુને રોકે છે. રોહન દર્શનનુ મન હળવું કરવા અને પ્રફુલ્લિત રાખવા માટે ફિલ્મ જોવા સાથે લઈ જવાનું નક્કી કરે છે. દર્શનને કહે છે કે આજે હું રાત્રે ફિલ્મ જોવા જવાનો છું અને તારે મારી સાથે આવવાનું છે.

દર્શનને કહ્યું કે “કઈ ફિલ્મ જોવા માટે આપણે જવાનું છે?” “મોન્ટુની બિટ્ટુ” તેમ રોહને કહેતાની સાથે જ દર્શે કહ્યું કે “જો તું મોન્ટુની બિટ્ટુ ની જેમ મારી રિયલ લાઇફમાં દર્શન ની નીલા કરી શકતો હોય તો જ હું તારી સાથે ફિલ્મ જોવા માટે આવીશ ત્યાં સુધી નહીં આવું.” આ સાંભળીને રોહન પણ થોડીવાર માટે કાંઇ બોલી શકતો નથી અને તે થોડું વિચારીને દર્શનને કહે છે કે હું મારા બનતા તમામ પ્રયત્નો કરીને તમને બંનેને મેળવવાનો પ્રયત્ન કરીશ. પછી તો રોહન નીલા વિશેની તમામ માહિતીઓ મેળવવાની શરૂ કરે છે અને તેની પસંદ-નાપસંદ અને તેની સહેલીઓની પણ માહિતી એકઠી કરે છે. આ તમામ માહિતી એકત્રિત કરીને દર્શનને આપે છે.

“પ્રેમમાં પણ પ્લાનિંગ કરવું પડે તેની તો મને સહેજ પણ ખબર નહોતી અને મેં તો આજ સુધી મનથી જ નીલાને પ્રેમ કર્યો છે” તેમ દર્શને કહ્યું ત્યારે પ્રત્યુત્તરમાં રોહને જણાવ્યું કે “ઘણી વખત આપણે પોતાના પ્રેમને મેળવવા માટે ધીરજ રાખવા ઉપરાંત આયોજન પણ કરવું પડે છે.” તરત જ દર્શનને ધીમા અવાજમાં પૂછ્યું કે “તો હવે તે મને અને નીલાને મેળવવા માટે શું આયોજન કર્યું છે?” “મેં તો કોઈ ખાસ આયોજન કર્યું નથી પરંતુ અક્ષય અને નીલા ને મારા મિત્ર બનાવી લીધા છે. અમે મોન્ટુ ની બિટ્ટુ ફિલ્મ જોવા માટે સાથે જવાના છીએ અને તારે પણ અમારી સાથે આવવાનું છે” “મોન્ટુ ની બિટ્ટુ તો હું જઈશ પરંતુ દર્શન ની નીલા મળવાની હોય તો જ” તેમ દર્શને મક્કમ અવાજ સાથે કહ્યુ.

રોહનના આયોજન મુજબ બધા સાથે મળીને મોન્ટુ ની બિટ્ટુ ફિલ્મ જોવા માટે જાય છે. થીયેટરમાં રોહનના આયોજન મુજબ રોહનની બાજુમાં અક્ષય, અક્ષયની બાજુમાં નીલા અને નીલાની બાજુમાં દર્શન બેસે છે. ફિલ્મ શરૂ થવાની સાથે જ રોહન અક્ષયને વાતો કરાવ્યા કરે છે અને તેને એક પણ વખત નીલાની સાથે વાત કરવાની પણ તક આપતો નથી. તો બીજી બાજુ દર્શન પણ હિમ્મત કરીને ફિલ્મ જોવાની સાથે સતત નીલા સાથે વાતચીત કરી રહ્યો છે. જેમ ફિલ્મ આગળ વધી રહી છે તેમ ખુલ્લા મનથી દર્શન મનની બધી જ વાતો નીલાને જણાવી રહ્યો છે.

નીલાને પણ ફિલ્મની સાથે દર્શનની વાતોમાં રસ પડે છે. ફિલ્મ પુરી થાય ત્યાં સુધીમાં તો નીલા પોતાનો હાથ દર્શનના ખભા પર મુકી દે છે અને કહે છે કે “દર્શન તું આજ સુધી ક્યાં ખોવાઇ ગયો હતો. મને તારા સાથની જરૂર છે.” નીલાના આવા શબ્દોની સાથે મોન્ટુ ની બિટ્ટુ ફિલ્મ પુરી થાય છે અને મૂંઝવણમાં મુકાયેલો દર્શન તરત જ નીલાને પ્રપોઝ કરે છે. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર જ નીલા દર્શનના પ્રેમના પ્રસ્તાવનો સ્વિકાર કરે છે. આ જોઇને રોહન તરત જ બોલી ઉઠે છે કે “મોન્ટુ ની બિટ્ટુ” અને “દર્શન ની નીલા” જો પ્રપોઝ કરવાની હિમ્મત હોય તો મળી જ જાય.

લેખક:- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ