મૂંગી વરવેલ – આખું ગામ હિલોળે ચઢ્યું હતું એ લગ્ન માટે અને અચાનક આવું થઇ જશે કોઈએ સપને પણ નહોતું વિચાર્યું..

એ ઘણી ઉતાવળમાં હતો, હજુ હાલતો એક પ્રોગ્રામ પૂરો કરીને આવ્યો હતો, એનો કાફલો બધો ફ્રેશ થવા ગયો હતો. સિઝન પણ કેવી જામી હતી ! ગામે ગામ ને ઘેર ઘેર લગ્ન, એને લાગતું હતું કે ઓણ સાલ વરસ જ એવું છે ને કે પથ્થરેય પરણી જશે ! જુમ્મા બેંડવાજાવાળાને કેટલાય ઓર્ડર રદ કરવા પડયા. કેટલાક ઠેકાણે થવું ? આજે તો વળી સામે ગામ દસ કિલોમીટર દૂર ટેમ્પો લઈને સુમાલખાન દરબારના દીકરાના ફુલેકામાં જવાનું હતું. દરબારને આપેલા સમયથી ઘણું મોડું થઈ ગયું હતું.

જે ગામ જવાનું હતું તે ગામેય પાછું કેવું, ગમેતે જ્ઞાતિનો વરઘોડો હોય, પણ જો જુમ્માનું બેંડવાજુ આવવાનું હોય તો પછી ખલ્લાસ ! આખી રાત ગામમાં ફુલેકુ ફરે , ને ઘોરના પૈસાનો ઢગલો થઈ જાય. ગામની બજારમાં ધૂળની ડમરી ઊડતી હોય બેંડના તાલે જુવાનીયા અને યુવાન યુવતીઓ પગ જમીને અડવા ના દે ! સવાર થઈ જવા આવે, તોયે કોઈ થાકે નહીં. અડધી રાતે પણ ગામની શેરીમાં હૈયે હૈયું ચગદાય , પગ મુકવાની જગ્યા ના મળે, બેંડવાજા પર ઝૂમવાનો જુવાનિયાને એવો શોખ ! બેંડવાજાનું એટલું ઘેલું આખું ગામ. જુમ્મો આથી, ઉતાવળ કરતો હતો.

એમાંય વળી આજે તો સુમાલખાન દરબારના એકને એક દીકરાનું ફુલેકુ હતું. આખું ગામ રમી રમીને ગાંડું થઈ જશે. ” હું તો હું પણ મારા વગાડવાવાળા રોજમદારોને પણ મહિના દિ નું મહેનતાણું એકજ રાતમાં મળી જશે ” જુમ્મો મનમાં ગણતરી કરતો હતો. વધુ ઉતાવળતો એને આ ગણતરીથી હતી.

એને બરાબર યાદ છે, કે આતો જમાના પ્રમાણે હવે એને બેંડવાજાની ટુકડી તૈયાર કરી. નાનો હતો ત્યારનો એ ગામે એના બાપુની સાથે નવરાત્રીમાં પીપુડી વગાડવા જાતો. બાપુ ઢોલ વગાડતાને એ પીપુડી વગાડતો એમના ઢોલના તાલે ખેલૈયા ને ખબર પણ ના પડતી કે ક્યારે ભરભાખરું થઈ ગયું. આમ ગામ આખું તેને ઓળખતું એટલે તો એની કલાની કદર બહુ થતી. આથી એને ભારે આશા હતી.

સુમાલખાન દરબારના ઘરે આ પહેલો અવસર મંડાવાનો હતો. જ્યારે પરસોત્તમ ડાવર આખા ગામમાં ફરીને દીકરાના લગ્નનના ડાયરાનું આમંત્રણ આપી આવ્યો ત્યારે ગામની અઢારે કોમનું છોકરે છોકરું ડાયરાની મજા માણવા આવેલું. મજાતો ઠીક પણ એમણે બધાયે સાથે મળીને ફુલેકામાં ખાસ તો જુમ્માનું બેંડવાજુ નક્કી કરાવવું હતું. અને એ એકવીસ હજારમાં નક્કી થઈ પણ ગયું.

જ્યારે ફુલેકા માટે રાજદાન ગઢવીની ઘોડી નક્કી થઈ. ઘોડી પણ એવી કેળવાયેલીને નાચતી નાચતી બે પગ ભીંતે ભરાવીને ઊભી થઈ જાય, ત્યારે અસવારને બે જણાએ ટેકો દેવો પડે. ખાસ બનાવેલ ખાટલા પર બેંડવાજા અને ઢોલના તાલે ઘોડી એવી નાચે કે જાણે સ્ટેજ ઉપર કોઈ નર્તકી નાચતી હોય !

હવે આજથી ચાર દિવસ બાકી રહયા… બસ હવે તો ત્રણ દિવસજ આડા એ…યને પછી જોઈ લ્યો માણારાજ ! મારો ટીસકારા ને કરો મજા ! જાનતો બાપુના દીકરાની જુતવાની હતી, પણ ઓલ્યા બેંડવાજાની મજા માણવા ગામના જુવાનો ખણખણીયા ખૂંદી રહ્યા હતા. એ દિવસનું કાઉન્ટ-ડાઉન ચાલુ થઈ ગયેલું. બેગાં કી સાદીમેં અબ્દુલા દિવાના !

ગામના લગભગ દરેક શોખીન યુવાન-યુવતીએ લગ્ન માલવા નવાં કપડાંની ખરીદી કરી લીધેલી અને મોહન મેરાઈને નવાં લુઘળાં સિવવા રાતો લેવી પડેલી. કપડાં સિવવાના કામનો એટલો ભરાવો થઈ ગયેલો કે મોહન મેરાઈ પોતે ને બે છોકરાઓ રાત-દાડો એક કર્યો ત્યારે કામને પહોંચી વળયા. દરબારના દીકરાનો વિવાહ જાણે આખા ગામનો અવસર !

જેની ઘડીયો ગણાઇ રહી હતી એ દિવસ આવી ગયો. ગામ આખામાં પુરષોતમ ડાવર ફરી આવ્યો. ઘેર ઘેર ફરીને એ સાંજનું જમવાનું બધાને નોતરું આપી આવ્યો છે. ધુમાડાબંધ ગામ જમવાનું હોય એટલે રસોઈ પણ તેટલીજ બનાવવી પડે. મનું મારાજ ને અરજણ કુંભાર રસોઈના કામે લાગી ગયા છે, ને આખા ગામના જુવાનિયા તેમની મદદમાં ખડે પગે હાજર છે.

દરબારને આંગણે ઢોલ ઢબુકી રહયા છે ને લગ્ન ગીતોની છોળો ઉડી રહી છે. એવી સાંજના સમયે પીઠીએ ચડેલ વરરાજા, અણવર અને સાજન-માજન ગામમાં ટહેલવા નિકલ્યા છે. દિવસ આથમી ગયો. પેટ્રોમેક્સ બત્તીઓ પેટાવી દેવામાં આવી છે. જમવાનું પીરસનારા તૈયાર થઈ ગયા છે. બસ હવે કરો ઉતાવળ તો જમવાનું જલ્દી પૂરું થઈ જાય ને ફુલેકુ ફરતું થાય એવી ઘણા તાકીદ કરી રહયા છે. બરાબર તેજ તાકડે બબલો ચોકીયાત રાડોને બુમો મારતો દોડ્યો જાય છે પૂંજા સુથારની કોડ તરફ. …” ગજબ થઈ ગયો..દોડો દોડો. ઓલા નારણ સુથારની વહુ એના વાડાના ઢંકે (દરવાજે) બેભાન પડી છે. નક્કી એને કાળો કઈડી ગયો લાગે છે. ”

વિવાહના રસોડે કામ કરતા બે-ચાર જુવાનિયા દોડીને નારણ સુથારના વાડા તરફ ભગ્યા. પછીતો કેટલાય લોકોએ એ તરફ દોટ મૂકી. નારણના ઘરનાં ને આડોસીપાડોશી બધા વાડે એકત્ર થઈ ગયાં. રાત થઈ ગયેલી કાંઈ દેખાય નહીં. બેજીવાંતી વહુને ખાટલા પર નાખી ઘરે લાવ્યા. જમણા હાથની તર્જની આંગળી આખીયે લીલી કાચ જેવી થઈ ગયેલી. શરીરના રુવાડે રુવાડે લોહીના ટસીયા ફૂટીને જામી ગયેલા. આંખો ઉઘાડી રહી ગયેલી અને શરીર આખું ટાઢુંહેમ ને કાળું પડી ગયેલુ . મોં પરનું સુકાઈ ગયેલું ફીણ જોઈને કોઈએ કહ્યું પણ ખરું કે ” બિચારીને બૂમ પાડવાનો પણ મોકો મળ્યો નથી લાગતો ! “

એના ઘરનાંએ વાત કરી તે ઉપરથી કોઈએ અનુમાન કાઢ્યું કે વહુ દિ આથમ્યા પહેલાં વાડે ભેંસને ચાર-પુળો કરવા ગઈ હતીને આવું બન્યું એટલે સહેજે બે-ત્રણ કલાક પહેલા આ બીના બની હોય તોજ એનું શરીર ટાઢુંબોળ થઈ ગયું છે. બેજીવાંતી બાઈને જોઇ- તપાસી, મોં પર સુકાઈ ગયેલ ધોળું ફીણ જોઈ, રૂખી દાયણે અભિપ્રાય આપી દીધો કે “ખોળિયામાં હવે કાંઈ નથી. કૂખમાંનું બાળક પણ ફરકતું નથી. દવાખાને લઇ જવાનો પણ હવે કોઈ મતલબ નથી.”

ગજબ થઈ ગયો ! નારણ સુથારની જુવાન-જોધ ગર્ભવતી વહુંને સર્પદંશ થવાથી એ નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો. એની અંતિમ વિધિની તૈયારીઓ થવા લાગી. બીજી બાજુ દરબારની ડેલીએ રાંધ્યા ધાન રખડી પડયાં. લગ્નો ગીતો બંધ થઈ ગયાં ને પેટ્રોલ-મેક્સની ઝગારા મારતી બત્તીઓનાં તેજ ઝાંખા પડી ગયાં. ગામ આખામાં સન્નાટો છવાઈ ગયો.

* * * * * * *

તેને નીકળવામાં ઘણું મોડું થઈ ગયું હતું. તેમ છતાં મોડો મોડો જુમા બેંડવાજાવાળાનો ટેમ્પો દરબારની ડેલીએ આવીને ઊભો રહ્યો. વિવાહ વાળાના ઘેર સુનકાર જોઈને તેને થોડો વહેમ તો પડયો.

આજુબાજુ ઊભેલા એક બે માણસો સાથેની થોડી વાતચીતના અંતે એ પરિસ્થિતિ પામી ગયો.એના માણસોને એને ગાડીમાં બેસી જવાનું કહ્યું. એ પરત જવાની તૈયારીમાં હતો. ત્યાં સામેથી દરબાર આવતા તેણે જોયા. ” જુમ્મા થવા કાળ હતું એ થઈ ગયું, ફુલેકુ તો હવે નીકળવાનું નથી, પણ, તમારી નક્કી કરેલી બેંડવાજાની ફી લેતા જાઓ.” સુમાલખાન દરબાર એકવીસ હજાર રૂપિયાની તૈયાર ગણી રાખેલ થોકડી ધરતાં બોલ્યાં.

” શું વાત કરો છો બાપુ ! આ ગામવાળાનો મારી સાથેનો નાતો જોતાં એ રકમ લેતાં હું ભૂંડો લાગું ! ઉપરવાળાની જેવી મરજી, રાખી દ્યો એ નાણાં મારાથી ના લેવાય.” જુમ્મો ઉદાસ મને બોલ્યો. ગામના એક બે જણાએ રકમ સ્વીકારી લેવા દબાણ કર્યું . ” જો ભાઈ જુમ્મા આતો કુદરતના હાથની વાત છે. ગામમાં એક અઘટિત બનાવ બની ગયો છે. તેથી સ્વભાવિક છે , આવા સમયે ફુલેકુ નહીં નીકળે પણ તારો તો ધંધો છે એટલે તારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ લેવી પડશે.”

પણ જુમ્મો મક્કમ રહ્યો તેણે જવાબ આપ્યો, ” આ બે વરસ પહેલાનો તમારાજ ગામનો દાખલો, મને બરાબર યાદ છે, નવરાતરાં ચાલતાં હતાં. આઠમું નોરતું હતું ને એજ દિવસે બાપુના મોટા ભાઈ ફતેહખાનજી ગુજરી ગયેલા, તે રાતે આઠમા નોરતાની ગરબી નહોતી રમાયેલી. ગામ લોકો માત્ર માતાજીની આરતી કરી ઘરે જઈને સુઈ ગયેલા. આઠમા નોરતાનું એટલું બધું મહત્વ હોય છે,એ ધાર્મિક પ્રસંગ હતો તેમ છતાં ફતેહખાનજીના મૃત્યુ નો આ ગામવાળાએ મલાજો રાખેલો અને મને સરણાઈ વગાડવા નહોતી દીધી ” જુમ્માને બોલતાં બોલતાં શ્વાસ રૂંધાયો હોય તેવું લાગ્યું.

” અને આ જુવાનજોધ ગામની વહુવારું આકાળે જતી રહી, અને એના મોતનો જો મલાજો તમે પાડતા હોય ને હું મારી નક્કી કરેલી રકમ સ્વીકારું તો તો પછી મારા જેવો નગુણો માણસ કોઈ ના ગણાય બાપુ! ” ગદ ગદ સાદે જુમ્માએ તેનું વક્તવ્ય પૂરું કર્યું.

ગામના આઠ દસ માણસો ભેગા થઈ ગયા. સરપંચે બહુ દબાણ કર્યું પણ જુમ્મો રકમ સ્વીકારવાની ના પડે છે ને એકનો બે થવા તૈયાર નથી. સામે બાપુ પણ એ બૅડવાજાવાળાને નુક્સાનીમાં ઉતારવા માગતા નથી. પછી ના છૂટકે જુમ્માએ રૂપિયા અગિયાર હજાર સ્વીકાર્યા. ” સરપંચ જાઓ આ અગિયાર હજાર રૂપિયા મેં લીધા બસ. મને એ પહોંચ્યા. એકાએક અકાળે ચાલી ગયેલી ગામની જુવાન વહુની પાછળ ગાયોને ઘાસ ખવડાવી ધરમાજો કરજો.” રૂપિયા સરપંચ ભરતજી ઠાકોરના હાથમાં પકડાવતાં જુમ્મો બોલ્યો.

બીજા દિવસે દરબારના દીકરાની જાનતો જુતી પણ માત્ર એક જ ગાડું વરવેલનું. વરવેલની અંદર બેઠેલી જાનડીયો લગ્ન ગીત ગાતી ના હતી. જાનડીયો મૂંગી હતી. ના વરરાજની બહેન ત્રાંબીયો લોટો હલાવી લૂંણ ઊતરતી હતી. લૂંણ ઉતારતો લોટો આજ મૂંગો હતો. વરવેલની આગળ આગળ સાજનમાજનને ઢોલી ચાલતા હતા પરંતુ ઢોલ આજ મૂંગો હતો. આમ સામે ગામ પરણવા જતા જુવાનની મૂંગી વરવેલ ગામના લોકોએ આજ પહેલી વાર જોઈ.

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ