“અને ઉકો હસ્યો …!!!”તમારી પર સંકટ આવેને લોકો રાજી થાય તો માનવું કે નક્કી તમે કાળા કામ કર્યા જ છે!!

Naliya, India

ઉકો હસ્યો…… જોરદાર હસ્યો… હવામાં બે હાથ ઊંચા કરીને જોર દાર હસ્યો.. અચાનક જ એ રડ્યો…….. ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડ્યો!!! પોતાનાં વધી ગયેલાં નખથી એણે પોતાનાં જ ગાલ પર ચીરા પાડ્યા.. આમેય રોજ રોજ આવા ચીરા પાડવાથી ગાલ પણ એકદમ બેહુદા અને ચીતરી ચડે એવાં થઈ ગયાં હતાં… ઉકાનાં ગાલ પર લોહિનાં ટચિયા ફુટી નીક્ળ્યાં… ઉકો નાચવા લાગ્યો… નાચતા એક ઉકરડા પર પડ્યો… અને ઉકાએ ઉકરડામાંથી રાખ ઉડાડી પોતાનાં શરીર પર રાખ ચોળવા લાગ્યો… !!!!! અને અચાનક જ ઉકો સુઇ ગયો… ઉકરડા પર સુઇ ગયો.. બાજુમાં નિકળતી ગટરનાં પાણીમાં એક ભુંડ પાણી પીતું હતું અને પડખે જ ઉકો સુતો હતો….. અને અચાનક જ ઉકો હસ્યો… ઉભો થયો… અને દોડવા લાગ્યો… ગાંડાની જેમ…. ના ના ગાંડાની જેમ નહીં પણ એ ગાંડો જ હતો…. ભુજની શેરીઓમાં રખડતો એ ગાંડો હતો…. છેલ્લાં 15 વરસથી એ ગાંડો હતો… સતત એ રખડ્યા જ કરતો…..!!!!!!

ક્યારેક તમને એ જ્યુબીલી રોડ પર જોવા મળે તો ક્યારેક એ ગાયત્રી કોલોનીમાં જોવા મળે!!!! રાતે એ લગભગ પ્રાગમહેલ અને ધારાનગરમાં જોવા મળે!!! જુના રેલવે સ્ટેશન રોડ પર એ તમને ખરાં બપોરે જોવા મળે… એક પેન્ટ પહેરેલુ હોય ક્યાંક્થી લાવેલ છાપાઓ ચાવતો હોય… કોઇ એને ખાવાનુ આપેને તોય ના ખાય!!! ઢોળી નાંખે આજુબાજુ ઉડાડી દે… પાછો ઉકરડામાં જઇને સડી ગયેલી વસ્તુ શોધે.. ટુંક્મા ઉકો આખા ભુજમાં તમને ગમે ત્યાં જોવા મળે…

દરબાર ગઢ પાસે આવેલી એક ધર્મશાળામાં સૌરાષ્ટ્રમાંથી આવેલ એક શાળાનાં બાળકો રોકાયાં હતાં.. સવાર સવારમાં જ ઉકો ત્યાં દેખાણો. અને બાળકોને મજા પડી ગઇ. અને આમેય ગાંડાને જોવા લોકો ટોળે વળે જ્યારે ડાહ્યા માણસો એકલાં જ હોય!!! ઘડિક ઉકો રોવે ઘડિક દાંત કાઢે… કોઇ બાળક વેફર્સનું પડિકુ આપે તો ઉકો એને બાજુમાં આવેલ કિચડમાં બોળી બોળી ને ખાય એમાં છોકરાઓનાં સાહેબ આવ્યાં. હાથમાં એક લાકડી અને છોકરાં પોત પોતાના રુમમાં.. કાયદો ભલે ગમે ઇ કહેતો હોય પણ આ વેજાને પ્રવાસમાં સાચવવી હોય તો લાકડી તો જોઇએ એવો પ્રબળ મત આ બાળકોના સાહેબ ધરાવતાં હતાં..અને કંઇક અંશે એ સાચો પણ હતો , એક તો ગામડાની વનાની વેજા થોડી દાબમાં ના રહે તો ભારે થાય…

બાળકો પછી લાઇનબંધ ગોઠવાઇ ગયાં અને ભુજ દર્શને નિકળી ગયાં પ્રાગમહેલ, કચ્છ મ્યુજીયમ જોયુ,… બપોર પછી હમિરસર તળાવ શિવ મંદિર અને ભુજીયો ડુંગર પણ જોયો.. રાતે પાછા ધર્મશાળામાં અને પાછો પેલો ગાંડો ઉકો દેખાણો….. ને છોકરા આ વખતે રુમની બારીમાથી રિડિયારમણ કરે ને ધર્મશાળાના મહેતાજી રાઘવભાઇ હાથમાં લાકડી લઇને દોડ્યાં અને ઉકો શરાફ બજાર બાજુ ભાગી ગયો… થોડી વારમાં એ પાછા આવ્યાં, હાંફતા હાંફતા!!!! સિતેરની આજુબાજુની ઉમર હશે. ધર્મશાળામા મહેતાજીનું કામ કરે.. પ્રવાસ લઈને આવેલાં સાહેબ કાર્યાલય પાસે ઉભા હતાં એણે પુછ્યુ કે

“કોણ છે આ ગાંડો,?? તમારે તો આ રોજનું થયુ નહી, કંટાળો આવતો હશે નહીં!!!”
“ કર્મનું ફળ ભોગવે છે. અને એવાં કર્મ કર્યા છે એણે કે આ જન્મારો પણ ઓછો પડશે એમ એવું લાગે છે,” રાઘવ ભાઇ એ કહ્યુ. સાહેબ અને રાઘવ ભાઇ કાર્યાલયમાં બેઠા અને પછી રાઘવભાઇ બોલ્યા..

“તમારી પાસે સમય હોય તો વાત કરુ, આમેય આ વાત પરથી તમે બાળકો ને એક સંદેશો પણ આપી શકો છો અને એને બોધપાઠ પણ આપી શકો છો, જોકે ઘણાં મને આ ગાંડા વિષે પુછે પણ હું લગભગ કોઇને નથી કહેતો બાકી આ ઉકા ને અને તેના કુટુંબ વિશે હું બધુ જ જાણુ છું..” રાઘવ ભાઇ એ કહ્યુ.
મારી પાસે સમય જ છે અને મને પણ ઈચ્છા છે આ ગાંડાની વાત સાંભળવાની “ સાહેબ બોલ્યાં . મહેતાજી એ ચા મંગાવી અને વાત શરુ કરી…!!

“ આ ઉકાને હું ૧૯૭૫ થી ઓળખું છું. મારું મૂળ વતન મોરબી અને ઉકો પણ મોરબીનો જ … ઉકા ધૂળા એનું આખું નામ!! તમે મોરબી જાવ ને તો વાંકાનેર બાજુ એક ટેકરી જેવું છે ત્યાં સરકારી પડતર જેવું હતું ત્યાં આ ધૂળા ચોથાનો આખો પરિવાર રહે અને ઉકો એનો સૌથી મોટો દીકરો.. ધૂળા ચોથાને ચાર દીકરા અને ચાર દીકરીઓ .. એની જ્ઞાતિ તમને નહિ કહું કારણકે ગુંડાઓને કોઈ જ્ઞાતિ નથી હોતી !!! ગુંડાઓ કોઈ પણ જ્ઞાતિઓમાં ઉદભવી શકે !!! હું એ વખતે મોરબીમાં આવેલી એક ધર્મશાળામાં મહેતાજી તરીકે લાગેલો હજુ નવો નવો!!!! અને આ ઉકો એ વખતે ધર્મશાળાની સામેની બાજુ લારી લઈને ઉભો રહે..,, ઉનાળામાં ટેટી અને તરબૂચ વેચે .. શિયાળામાં શેરડી વેચે એનો બાપ ઢોર લે વેચનું કામ કરે. ઉકો બોલીનો કોબાડ.. શું બોલવું એનું ભાન નહિ..

ધર્મશાળામાં આવતી બહેન દીકરીયું જોઇને એલફેલ બોલે!! નીચી નજરનો હતો ઉકો!! એના બાપ પાસે પૈસો ઘણો પણ શું કામનો.. એકેય છોકરાને સારા સંસ્કાર આપ્યા જ નહિ અને સાહેબ સંસ્કારનું તો એવું છેને બાપામાં હોય તો જ છોકરામાં આવે.!!!! ઉકાથી નાના બેય ખિસ્સા કાપે એક બસ સ્ટેન્ડ પાસે અને બીજાએ રેલવે સ્ટેશન વિસ્તારનો કબજો સંભાળેલો.. ઉકાની ચારેય બહેનો સવારથી માંગવાનું કામ કરે તે બપોર સુધીમાં માંગી માંગી ને ખાવાનું મળી જાય.. આમને આમ એની પાસે સારી સંપતિ થઇ ગયેલી.. પણ વાપરવાનું નામ નહિ.. પંડ્ય પર સારું લૂગડું ય નહિ.. ધૂળા ચોથા પાંચ ટકે વ્યાજે પૈસા આપે અને પછી અને ઉઘરાણી પણ પઠાણી . એ વખતે મોરબીના ઘણા માણસો ધૂળા પાસેથી પૈસા વ્યાજે લાવતાં..” ચા આવી એટલે રાઘવભાઈ એ ચા પીધી અને પછી વાત આગળ ચલાવી..

“સને ૧૯૭૯ની વાત છે. ઓગસ્ટ મહિનો અને આઠમી તારીખ અને એ કાળરાત્રી આજેય મારી નજર સામે છે.. કાળજું કંપી જાય સાહેબ.. મચ્છુ ડેમ તુટ્યો.. સાંજ સુધી સરકારી જીપ ફરતી હતી .. ખતરો નથી…. ખતરો નથી પણ રાતે ડેમ તુટ્યો… અનરાધાર પાણી મોરબી પર ફરી વળ્યું!! સાહેબ નીચાણ વાળા વિસ્તારમાં વીસ જ મીનીટમાં ૧૨ ફૂટ થી ૩૦ ફૂટ પાણી ભરાઈ ગયેલા. અમે ઉંચાણ વાળા વિસ્તારમાં રહેતા હતાં બચી ગયા પણ મોટાભાગના બચી ના શક્યા..

મરણ નો સરકારી આંકડો તો ૨૫૦૦૦ ની આજુબાજુ નો હતો પણ સાહેબ કેટલાં માણસો મર્યા એનો કોઈ જ અંદાજ આજે પણ નથી…. ચારે બાજુ લાશોના ઢગલાં.. ઢોરનો તો કચ્ચરઘાણ નીકળી ગયેલો. આકાશમાંથી ગીધડાં લાશો પર તૂટી પડે એમ બચી ગયેલાં માણસો તૂટી પડ્યા લુંટફાટ કરવા!! આવી આપતી આવે ને ત્યારે દરેક માણસમાંથી કાં શેતાન બહાર આવે ને કાં ઈશ્વર બહાર આવે… અમુક સેવામાં લાગે અને અમુક હેવાન લુંટફાટ કરવા લાગે !! આવી પરિસ્થિતિમાં માણસો ભાંગી પડે પણ કેટલાક ઘોરખોદિયા ઓ ચોંટી પડ્યા માનવતાની લુંટ ચલાવવા.. સોની બજાર તો સૌ પહેલા લુંટાણી.. એથીય ના ધરાયા માણસો તે લાશો પરથી સોનું ઉતારવા લાગ્યાં. એમાં આ ધૂળા ચોથાનો પરિવાર મોખરે એ વખતે સરકારી તંત્ર પણ લાચાર ને એ પણ ઉતર્યું.

ફોનની સુવિધા ઠપ્પ થઈ ગયેલી જોડિયા, રાજકોટ , વાંકાનેર , બધી બાજુના રસ્તા બંધ થઇ ગયેલાં. પાણી થોડુ નીચે ઉતર્યું પછી હું મારી ધર્મશાળામાં ગયો. બેય માળ પડી ગયાં હતાં.. લાશો પડી હતી પણ આ ઉકો એક બાઈનાં ગળામાંથી હાર કાઢતો હતો. પાણી પી જવાને કારણે બાઈનું ગળું ફૂલી ગયેલું. તે હાર ગળાને ચોટી ગયેલો, નીકળે નહિ તે ઉકા એ દાતરડાથી ગળું કાપ્યું ને હાર કાઢ્યો..!! સાહેબ મને કંપારી છૂટી….!! મરેલી સ્ત્રીના ગળામાંથી આ રીતે કોઈ સોનું લઇ શકે..?? મેં એની તરફ ધૃણાથી જોયું અને એ સાલો હરામખોર હસ્યો…!!! બસ અત્યારે હસે છે એવું જ હસ્યો…!! પછી તો રોગ ચાળો ફાટી નીકળ્યો મોરબીમાં.. માણસો ટપો ટપ મરવા લાગ્યાં.. ઉકાનું પોણું કુટુંબ સાફ થઇ ગયું.. વધ્યા તો ફક્ત ઉકો અને એની બે બહેનો વધી…. ઘરે લાશો પડી હતી તોય આ લોકો રાહત ની લાઈનમાં ઉભા હતાં લેવા માટે…..!!

હવે કેટલું જોતું હતું આ લોકોને એ જ સમજાતું નહોતું.. વીસ દિવસ પછી મોરબીની સ્થિતિ થાળે પડી.. સરકારે મૃતક દિઠ સહાય જાહેર કરેલી તે વખતે પણ ઉકો ઉભો હતો લાઈનમાં . અને અમે લોકો પૈસા ચુકવતા હતાં!!!! અત્યારે જે ગેંડા સર્કલ છેને ત્યાં અમે ચુકવણું કરતાં હતાં. ઉકાની પૈસા લાલસાનો કોઈ જ અંત નહોતો.. પણ પછી એને લાગ્યું કે હવે અહી લોકોને ખબર પડી ગઈ છે અને ગમે ત્યારે ભાંડો ફૂટવાનો છે એટલે એણે પોતાની માયા સંકેલી ને એક રાતે ભાગી છૂટ્યો.. ક્યાં ગયો એ વખતે કોઈને ખબર નહોતી .. અમારાં ધરમશાળાનાં ટ્રસ્ટી એ ભુજમાં એક ધર્મ શાળા બનાવી અને મને અહી મહેતાજી તરીકે મુક્યો.. હું ૧૯૯૦માં અહી આવેલો ને એક દિવસ કાળો ડુંગર જોવા જાતો હતો ને રસ્તામાં ઉકો મળી ગયો.. એય ને જીપમાં બેઠેલો.. દસેય આંગળીએ વીંટેઓ હતી ગાળામાં વીસ તોલાનો ચેન ને માથે પાઘડીને મોઢામાં કૂલ સિગારેટ ને સાથે એના ચાર પાગિયા હતાં.. એ લોકો રોડ વચાળે ઉભા ઉભા વાતો કરતાં હતાં.. હું ઓળખી ગયો પણ મને એ ના ઓળખી શક્યા. અને પછી થોડા સમયમાં જ મને વિગતો મળી કે અહી ભુજમાં જ ઉકાએ મોરબીની હોનારતની લાશો પરથી લુંટેલા અને ઝૂંટવેલા સોના પરથી ભુજમાં એક કાળા ડુંગરની નીચે કાળું સામ્રાજ્ય ખડું કરેલું.. અહી આવીને ઉકો પરણેલો.. એની બે બહેનો સાથે કાઈ વાંધો પડેલો તે બેય બહેનોને પતાવી દીધેલી.. ઉકાએ પોતાની લુંટના છેલ્લા પુરાવા પણ નાબુદ કરી નાંખ્યા!!! અને આમેય લાશ પરથી સોનું ઉતારે એને લાજ શરમ તો ના જ હોય ને..??. પોતે પરણ્યો અને ચાર સંતાનોનો પિતા બન્યો.. “ એવામાં ફોન આવ્યોને રાઘવભાઈ એ દસ મિનીટ વાત કરી પાણી પીધું અને પછી વાત આગળ વધારી…

“ઉકા એ ભુજમાં બરાબરનું સામ્રાજ્ય જમાવી દીધેલું… હવે એણે એક પાકું મકાન બનાવી નાંખેલું અને રાજકીય પાર્ટીઓની ઓથ પણ મળી… કાળો કારોબાર ચાલવા માંડ્યો ધમધોકાર!! પૈસા માપબહારના થઇ ગયેલાં ને લખણ પણ વધતાં ગયેલાં સાહેબ!!! હોટેલ અને બોટલમાં ઉકો ખોવાઈ ગયો. રાજકારણીઓની ઓથ મળી ગઈ!! એક તો હતું ઊંટ અને પાછું ઉકરડે ચડ્યું.. વ્યાજ વટાવનો ધંધો શરાફી પેઢી ની આડ હેઠળ ધમધોકાર ચાલવા લાગ્યો. અને પછી તેનાં અપલખણ છેલ્લે સ્ટેજે પહોંચ્યા.. રૂપાળી બહેન દીકરી ની આબરૂ પર હાથ નાંખવા લાગ્યો. લોકો ફરિયાદ કરવા કે રાવ કરવા પણ ક્યાં જાય?? પૈસો બધાનું મોઢું બંધ કરી શકે અને આમેય ઘણાં ખરાને આબરુની પડી હોયને લોકો ફરિયાદ કરવાનું ટાળતાં!! ઉકાનો સૂર્ય મધ્યાહને પહોંચ્યો.. ઉકાનાં છોકરાઓ સારી સ્કુલમાં ભણવા લાગ્યાં.. સારી સારી બાઈકો લઈને રોડ પર એન્ટ્રી પાડવા લાગ્યાં..!!!” રાઘવ ભાઈ થોડી વાર રોકાણા પાણી પીધું અને પછી વાત આગળ વધારી..

“અને આવ્યો ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ નો ભૂકંપ!! ઉકો પોતાની જીપ લઈને રાજકોટ ગયેલો આગલા દિવસે!! રાજકોટ સમાચાર આવ્યાને ઉકો ભાગ્યો ભુજ તરફ!! સામખિયાળી પાસેથી જ એને ખ્યાલ આવી ગયો કે કશુક અમંગળ છે.. ભુજ પહોંચીને જોયું. ચારે તરફ હાહાકાર હતો.. બધુજ પડીને પાદર!! એનું ઘર આખું જમીનમાં ઉતરી ગયેલું.. કોઈ નામોનિશાન નહિ.. વરસોની અનીતિ કુદરતે એક જ જાટકે નીતિમાં પલટી નાંખી!! બધાંને મારીને ઉકાનેજ જીવતો રાખ્યો.. કારણકે દીકરા હવે જો મારાં ખેલ!! ઉકાનાં પાગિયા કોઈ દેખાયા જ નહિ.. એની જીપ પણ કોઈ બઠાવી ગયું.. ઘરની પાસે સુમસાન થઈને બેસી પડ્યો.. આંખમાં એક પ્રકારની સફેદી છવાઈ ગઈ.. કોઈ મદદે ના આવ્યું.. પાણી માટે વલખાં મારતો ઉકો રાહત સામગ્રીની લાઈનમાં ઉભો રહ્યો…..

કાયમ સલામ ઠોકતા પોલીસવાળા લાઈનમાં એને ડંડા મારતા હતાં. અને પછી તો ઉકો ગાંડો થયો.. રાડો પાડે બરાડા પાડે.. રાહત કેમ્પમાં આશરો આપે.. એક એક બિસ્કીટ માટે વલખાં મારે!! અને મગજ છટક્યું !! આહીનું આઈ જ બતાવે, આહીનું આહી જ બતાવે એવું બોલ્યાં રાખે !! જ્યાં ત્યાં ગબડે અને સબડે !! સેવાભાવી સંસ્થાઓ એને ઈલાજ માટે લઇ ગઈ, પણ જેવી એની હકીકત જાણી કે ડંડા મારીને ભગાવ્યો.. કોઈ એને કશું જ આપે નહિ !!! નખ્ખોદ વળી ગયું સાહેબ!! દીકરીએ દીવો ના રહ્યો ઉકાને!! કોઈ બહેન દીકરીની હાય લાગી ગઈ સાહેબ અને ખાસ તો પેલી મોરબીમાં લાશનું ગળું કાપીને જે હાર લીધો હતો એને કારણ જે કહો એ પણ સાહેબ ભુજમાં ઘણાને હૈયે ટાઢક થઇ…

ઉકાની આ દશા થઇને લોકો રાજી થયા !! તમારી પર સંકટ આવેને લોકો રાજી થાય તો માનવું કે નક્કી તમે કાળા કામ કર્યા જ છે!! હવે સાહેબ બીજી વાત, ભુજમાં ધરતીકંપ આવ્યો ને વીસ જ મીનીટમાં લોકોએ સોની બજાર લુંટી!! જેમ મોરબીમાંથી ભેગું કરીને ભુજમાં લાવ્યા અને આ દશા પામ્યાં એમ આ લુંટારા ભુજ છોડીને જતાં રહ્યા છે!! ઘણી વખત મને વિચાર આવે કે સાહેબ આવી હોનારત વખતે માણસ પશુ કેમ બની જતો હશે..?? મને શાહબુદ્દીન રાઠોડનું એક વાક્ય યાદ આવે છે કે ઈતિહાસમાંથી માણસે એટલું શીખવાનું કે ઈતિહાસમાંથી માણસ કશું જ શીખ્યો નથી..!! પણ મને મનમાં શંકા છે કે જે લોકો ભુજમાંથી લુંટીને ગયાં ધરતીકંપ વખતે એ બીજે જઈને પણ આવોજ ધરતીકંપ લાવશે કે શું!!??

એ લોકો જ્યાં ગયાં છે એ શહેરમાં પણ ખાનાખરાબી લાવશે જ !! સાહેબ વિજ્ઞાન જે કહેતું હોય એ બાકી આમાતો મને કુદરતી સંકેત દેખાય છે..!! મોરબીમાંથી મોટા ભાગનાં લુંટીને કચ્છ જ ગયેલાં અને ત્યાં તારાજી લાવ્યાં!! હું બહુ ભણેલો તો નથી.. એટલે તમારા જેવા ભણેલા ગણેલાને મારાં વિચારો વાહિયાત અને વેદિયા લાગે પણ આ ઉકાની દશા જોઇને તમને નથી લાગતું કોઈ એવું તત્વ તો છે જે બધું જોઈ રહે છે અને સમય આવ્યે એવી સોગઠી મારે કે તમે ગોઢલીભર થઇ જાવ!! અને પછી તમારી બધી બુદ્ધિ, બધાં તર્કો, તમારું બધું જ્ઞાન, અને વનાન એક જાટકે જ સાફ!! અને સાબ તમારે રોવા માટે પણ દાડિયા કરવા પડે… !!!! આ તો એક ઉકાની વાત છે બાકી મેં મોરબીની હોનારતમાં લુંટારા અને માનવતા નેવે મુકનારા ના એવા હાલ જોયા છે કે ના પૂછો વાત !!! સડી સડી ને મર્યા છે સડી સડી ને !!!” રાઘવ ભાઈ એ વાત પૂરી કરીને કાર્યાલયને તાળું માર્યું!!

“ સાહેબ ઘણું મોડું થઇ ગયું નહિ , પણ તમને હું એક વાત કહું કે તમારી પાસે ભણતાં છોકરા બીજા વિષયમાં નબળાં રહી જાય તો કદાચ ચાલે પણ આ એક વિષયમાં એને જરૂર પાકા કરજો કે જીવનમાં કોઈનું અનીતિથી લીધેલું અને પચાવી પાડેલું લીધું તો ભૂંડા હાલ તો થવાના જ એ પાકે પાયે છે..”

“ ગણિત કે વિજ્ઞાનમાં કાચા છોકરાં પાલવે પણ માનવતામાં કાચા પડે એ છોકરાં આવતી પેઢીને તો નહિ જ પાલવે , નહિ જ પાલવે “ રાઘવભાઈ બોલતાં બોલતાં લાગણી સભર થઇ ગયાં!!!

“ જરૂર રાઘવભાઈ જરૂર , “ સાહેબ બોલ્યાં અને પોતે બાળકો જ્યાં હતાં એ રૂમ તરફ ગયાં. પોતે ઉપર જઈને સુવાની તૈયારી કરતાં હતાં… ત્યાજ એક અવાજ આવ્યો ને બારીમાંથી જોયું તો થોડે દૂર એક સ્ટ્રીટ લાઈટ નીચે ઉકો ઉભો હતો.. પોતાના વાળ પીંખતો હતો.. અને એ જોરથી હસ્યો.. અને આકાશમાંથી ચીબરીનો ચિત્કાર સંભળાયો… ઉકો એક છાણથી લથબથ ઉકરડામાં પડ્યો અને આળોટવા લાગ્યો જાણેકે ભૂત વળગ્યું હોય એમ ..!!! અને ઉકો જોરથી રડ્યો… સાહેબે બારી બંધ કરી દીધી !!!! અને ઉકો ભયાનક રીતે હસ્યો!!!

લેખક :- મુકેશ સોજીત્રા

શેર કરો આ લાગણીસભર વાર્તા દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી