“સંગીતા પાન સેન્ટર” એક એવી ભણેલી ગણેલી યુવતીની વાત જે ચલાવે છે પાન સેન્ટર

“સંગીતા પાન સેન્ટર”

અલ્કેશનો ફોન આવ્યો રાકેશ ઉપર કે આ ક્રિસમસની ત્રણ દિવસની રજા છે હું બાઈક લઈને આવું છું. ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ. ઘણાં દિવસ થયાં સાથે ક્યાંય ગયાં નથી અને રાકેશે સહમતી આપી. રાકેશ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી નડિયાદના એક ગામડામાં નોકરી કરતો હતો. અલ્કેશ એમનો ખાસ મિત્ર હતો એ સુરતમાં એક ખાનગી પેઢીમાં મેનેજર હતો. રાકેશનો દીકરો મુંબઈ હતો અને વેલસેટ હતો. એક દીકરી કોલેજમાં હતી. અને હવે નોકરીને આઠ વરસ બાકી હતાં. નિર્ધારિત સમયે અલકેશ આવી ગયો. બને પચાસની આજુબાજુ પહોંચેલા ભાઈબંધો ભેટી પડ્યા. રાકેશની પત્ની બોલી.

“આ શિયાળાની ઠંડીમાં તમે બાઈક લઈને ક્યાં જશો?? એના કરતાં આ કાર લઈને જાવ ને?? આ ઉમરે તમને આ બાઈક શોભે ખરું??

“અરે ભાભી અમે ને રાકેશ સાઈકલ લઈને દસ દસ ગાઉ જતાં નાના હતાં ને ત્યારે.. પછી તો અમે બાઈક લઈને જ આખું ગુજરાત ઘૂમી વળ્યા હતાં અનેકવાર.. બાઈકમાં જે મજા આવે એ કારમાં ના આવે.. બાઈક ગમે તેવા ખરાબ રસ્તામાં પણ ચાલી જાય. અમારું કાઈ ચોક્કસ ઠેકાણું ના હોય ક્યાં જવું અને ક્યાં રોકાવું… જીવનમાં ફરવું હોય તો બાઈક પર જ અને અમે વારફરતી હાંકી લઈશું.તમે ચિંતા ના કરો. હું છેક સુરતથી તો બાઈક લઈને આવ્યો છું.” અલ્કેશે કહ્યું. રાકેશની પત્ની ખાલી હસી અને કઈ ના બોલી. બીજે દિવસે વહેલી સવારે બને ભાઈબંધ નીકળી ગયાં બાઈક ભ્રમણ કરવા માટે.નડિયાદ થી ધોળકા બગોદરા થઈને બાઈક ધંધુકા તરફ ચાલ્યું. રસ્તામાં એક દેશી ધાબા પર નાસ્તો કર્યો.અવનવી વાતો કરતાં કરતાં બાઈક તુલશીશ્યામ તરફ દોડવા લાગ્યું. બંને મિત્રોએ નક્કી કર્યું હતું કે ગીરના જંગલમાં એકાદ બે દિવસ વિતાવવા છે. બપોરના ત્રણ વાગ્યે બાઈક એક શહેરમાં પ્રવેશ્યું. અને રાકેશને યાદ આવ્યું કશુક. રાકેશની શરૂઆતની નોકરી આ બાજુ હતી. અને આઠ વરસ પહેલા જ એ પોતાના વતનમાં બદલી થઇ હતી.આઠ વરસ પહેલા રાકેશ આ શહેરમાં ભાડે રહેતો હતો. આઠ વરસમાં શહેર ખાસું વધી ગયું હતું. દીકરી અને શહેરને વધતાં વાર નથી લાગતી.

બાય પાસ રીંગ રોડ પર એક ખાંચામાં બાઈક ઉભું રહ્યું. ત્યાં એક મોટો પાનનો ગલ્લો હતો. બોર્ડમાં લખ્યું હતું.

“સંગીતા પાન સેન્ટર”

પાનના ગલ્લાં પર જઈને એક યુવાનને રાકેશે પૂછ્યું.

‘સંગુ છે ઘરે???” અને તે યુવાન તરત જ ગલ્લે થી ઉભો થયો અને રાકેશને પગે લાગ્યો અને બોલ્યો.

“આવોને રાકેશ સાબ,તમે તો ગયાં એ ગયાં જ.. ઘણાં વરસોએ આ આ બાજુ આવ્યા છો.આજ જ સંગીતા આવી છે. એની એક બહેનપણીના ભાઈના લગ્ન હતાં ને એટલે. આજ રાતે એ પોતાને ઘેર નીકળી જશે તમે રોકાઈ જાવ સાબ આજે.સંગીતા કલાકમાં આવી જશે.અને ઉભા રહો સાબ… શું લેશો ચા કે ઠંડુ”

“નહિ પ્રદીપ અત્યારે કશું નહિ હું કલાકમાં પાછો આવું છું.આગળ એક રૂખડિયા શિવના મંદિરે થતો આવું. પછી નિરાંતે આવું. સંગુને કહેજે કે રાકેશ સાબ આવ્યા છે.” રાકેશે બાઈક ચાલુ કર્યું અને અલ્કેશ એની પાછળ ગોઠવાયો અને દસ જ મીનીટમાં રૂખડિયા મહાદેવે પહોંચી ગયાં.દર્શન કરીને તેઓ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવેલા બાંકડા પર બેઠા. ધારાસભ્ય બીજું કાઈ ના કરે પણ ગામે ગામ આવા બાંકડા તો આપે જ!!

‘અલ્કેશ આપણી પાસે કલાક નો સમય છે.તને પસંદ પડે તો હું એક સત્ય વાત કહું” રાકેશ બોલ્યો.

“અરે તારી અવનવી વાતો સાંભળવા માટે જ આપણે બાઈક લઈને નીકળ્યાં છીએ.તું તારે મોજથી કહે.મને તારી દરેક વાત સાંભળવી ગમે છે.” અલકેશે કહ્યું.

“વાત છે એક હિંમતવાન છોકરીની!! વાત છે એક નારીના આત્મ સન્માન ની વાત છે.. વાત છે સંગીતા લવજીભાઈ પટેલની!! આ વાત નો હું સાક્ષી છું. અમુક વાતો મેં અનુભવી છે. અમુક વાતો મેં સાંભળી છે. ચાલ તને માંડીને વાત કરું.” રાકેશે ગળું સાફ કર્યું અને કથાનક શરુ કર્યું. એની આંખો ભૂતકાળમાં ઊંડી ઉતરી ગઈ હતી. રાકેશે ભૂતકાળના પાના ખોલ્યા.

મારી શરૂઆતની નોકરી તો આ જીલ્લામાં જ હતી. પછી આ સિટીની નજીક બદલી કરાવી અને સામે જે વિસ્તાર દેખાય છે ને ત્યાં હું ભાડે રહેતો. રોજ રાતે પાન ખાવા માટે હું આપણે ગયાં હતાં એ પાનના ગલ્લે જતો. ત્યારે તો એ એકજ ગલ્લો હતો.વસ્તી પણ પાંખી હતી. સંગીતા ત્યારે પીટીસીના પ્રથમ વરસમાં હતી. આમ તો એ ચબરાક અને હોંશિયાર છોકરી પણ એનો ભાઈ પ્રદીપ નાનો એટલે એના પાપા ના હોય ત્યારે એ પણ પાનના ગલ્લે બેસતી. અને વેપાર કરતી. લવજીભાઈ પટેલ બે કારણથી શહેરમાં આવ્યા હતાં એક એની પત્નીને પક્ષઘાતની અસર હતી અને આ સિટીમાં એક નર્સ એનો મસાજ કરવા આવી શકે અને બીજુ કારણ એ કે એ પોતાની દીકરીને ભણાવી શકે. એનું ગામ અહીંથી લગભગ ૨૦ કિલોમીટર જેટલું જ દૂર હતું. સારી એવી જમીન હતી.પણ એ જમીન કોઈને ફારમેં વાવવા આપી દીધી અને અહી એ સ્થાયી થયાં. પાનનો ગલ્લો છે એની પાછળ જ એનું મકાન આવેલું છે. એમના પત્ની દક્ષાબેનનું ડાબું અંગ આખું ખોટું પડી ગયેલું અને ડોકટરે કીધેલું કે જો તમે યોગ્ય દવા અને સારવાર નહિ કરાવો તો બીજું અંગ પણ ધીમે ધીમે ખોટું પડતું જશે. લવજીભાઈના કુટુંબીજનોએ એ ઘણાં સમજાવ્યા કે શહેરમાં જા માં અને દક્ષાને અમદાવાદમાં એક સંસ્થા આવેલ છે ત્યાં દાખલ કરી દે. એ બાઈની પાછળ આખા કુટુંબે હેરાન થવાની જરૂર નથી. લવજી ભાઈ કહેતા કે આહી તો સાત ધોરણ સુધીનું શિક્ષણ છે .એટલે સંતાનને ભણાવવા પણ છે એટલે શહેરમાં જવું છે.ગામ આખું દાંત કાઢતું રહ્યું અને તે અહી આવી ગયેલાં. બારમાં ધોરણમાં સંગીતાને નેવું ટકા આવેલ તોય એણે પીટીસી કરવાનું નક્કી કર્યું કારણ એક જ હતું કે આ શહેરમાં જ પીટીસીની કોલેજ હતી એટલે દૂર ના જવું પડે. દક્ષાબેનની તબિયતમાં સુધારો થતો હતો અને પાનનો ગલ્લો બરાબર જામી ગયો હતો. સવારમાં લવજીભાઈ ખરીદી કરવા જાય અને મારે શાળાએ જવાનો સમય હોય ત્યારે હું આખા દિવસના પાન બંધાવા માટે ગલ્લે જાઉં.એ વખતે પાનના ગલ્લે સંગીતા બેઠી હોય. એકદમ ફૂટડુ સ્મિત કરીને બોલે.

“આવો આવો સાહેબ” અને પછી એ પાન બનાવવા મંડી પડે. ચાર પાન બાધી દે અને એક પાન ખુલ્લું આપે.પડખે પુસ્તક પડ્યા હોય એ વાંચતી હોય અથવા તો પાન બનાવતી હોય. સવારમાં વહેલા ઉઠીને એણે જમવાનું બનાવી નાંખેલ હોય. એના પાપા આવે કે તરત જ એ પીટીસી કોલેજે ટીફીન લઈને પહોંચી જાય અને સાંજે છ વાગ્યે આવી જાય. રાતે પણ એ એના ભાઈ પ્રદીપને પાનના ગલ્લાની બાજુમાં આવેલ થાંભલા પાસે ભણાવતી હોય અને હું અને લવજીભાઈ વાતો કરતાં હોઈએ. ઘરનું બધું જ કામ એ ચપટીમાં કરી નાંખે એવી હોંશિયાર. જેટલી રૂપાળી એટલી જ એ ડાહી છોકરી.

પીટીસી પૂરું થયું. પણ ભરતીની જાહેરાત બહાર ના પડી. એટલે એણે કોલેજ શરુ કરી. કોલેજના ત્રીજા વરસમાં હતી અને જાહેરાત આવી એટલે એને અહીના બાજુના ગામમાં જ નોકરી મળી ગઈ હતી. પછી તો એ શિક્ષિકા થઇ ગઈ હતી.

તોય નવરાશના સમયે પાનના ગલ્લે બેસતી. હવે સંગીતના સારા સારા માંગા આવવા લાગ્યા. કોઈ ડોકટર કે એન્જીનીયર યુવાનોના વાલીઓ લવજીભાઈ પાસે આવવા લાગ્યા. પણ સંગીતા એના પાપાથી દૂર જવા માંગતી જ નહોતી.એ લગ્ન કરવા જ માંગતી નહોતી. એ ના જ પાડતી હતી. લવજીભાઈએ મને જવાબદારી સોંપી કે સાહેબ તમે સંગીતાને સમજાવોને હવે એની ઉમર પણ થઇ ગઈ છે. એક રવિવારે લવજીભાઈ કોઈ પ્રસંગમાં ગયાં હતાં ને સંગીતા એકલી પાનના ગલ્લે બેઠી હતી. અને મેં હળવેકથી વાત કરી.

“તારા પાપાને ચીંતા થાય છે કારણકે તું લગ્ન કરવાની ના પાડે છે.. કોઈ ખાસ કારણ ના પાડવાનું??”

“શું ઉતાવળ છે?? લગ્ન કરવાની ?? હજી ભાઈ નાનો છે એ થોડો મોટો થાય પાપાનો ધંધો સંભાળી લે.. એ પરણી જાય પછી. એક તો મમ્મી ખાટલા વશ છે અને હું જતી રહું તો બધું જ પડી ભાંગેને અને તમને કદાચ ખબર નહિ હોય. પાપા પાસે કોઈ મૂડી નથી જે કાઈ હતું એ અમને ભણાવવામાં, મમ્મીના દવાખાનામાં ,અને આ ગલ્લા અને મકાનમાં વપરાઈ ગયું છે.એટલે હમણાં તો નથી જ પરણવું” સંગીતા દ્રઢતાથી બોલી. એને ઘણી સમજાવી છેવટે કોઈ નજીકમાં શિક્ષક હોય તો એ તૈયાર થઇ એ પણ મહા પરાણે.

નામ એનું કેશવ હતું.. શહેરથી ૩૦ કિમી દૂર એનું ગામ હતું અને ગામમાં જ નોકરી હતી.દેખાવે સારો અને વિવેકી કેશવ સંગીતાને પસંદ પડી ગયો. વળી સંગીતાની નોકરી તો શહેરથી નજીક જ હતી. એટલે એ બહાને એના પિતાજીને લગભગ રોજ મળી શકાશે, પોતાના પિતાથી એ દૂર નહિ જાય એવું મન મનાવીને સંગીતાએ સબંધની હા પાડી. લવજીભાઈ હવે કોઈ ઢીલ આપવા માંગતા નહોતા.સંગીતાએ હા પાડી એ જ એને મન મોટી વાત હતી.સારો દિવસ જોઇને સંગીતાને પરણાવી દીધી.

કન્યા વિદાય વેળાએ સંગીતા એના પાપાને વળગીને રોઈ. હું મારી પત્ની સાથે લગનમાં હાજર હતો. લવજીભાઈએ પ્રસંગમાં કોઈ કસર જ નહોતી રાખી. સંગીતાને વળાવી અને જાણ હજુ પાંચેક કિલોમીટર પહોંચી હશે અને લવજીભાઈને છાતીમાં દુખાવો થયો.ડોકટર આવ્યા ત્યાં તો એના શ્વાસ આ દુનીયામાંથી પુરા થઇ ગયાં હતાં. બધાં જ સ્તબ્ધ થઇ ગયાં… હવે શું કરવું ?? દીકરી તો પરણીને સાસરે હજુ પહોંચી પણ નથી તો એને કઈ રીતે સમાચાર આપવા?? આનંદ અને ખુશીનો પ્રસંગ એકાએક શોકનો પ્રસંગ બની ગયો. મેં તરત જ નિર્ણય લીધો અને કહ્યું.

“કોઈએ સંગીતાને અત્યારે જાણ કરવાની નથી. આમેય સાંજ પડી ગઈ છે. કાલ સવારે સંગીતા અને જમાઈને હું તેડી આવીશ. કાલે લવજીભાઈની અંતિમ વિધિ કરીશું” રાતે મોડા મોડા બધાને સમાચાર આપવાના શરુ કર્યા. સવાર સુધી સમાચાર આપતાં રહ્યા.સવારના પાંચ વાગ્યે હું કાર લઈને સંગીતાના સાસરે ગયો. ડેલી ખખડાવી અને સામે સંગીતા જ ઉભેલી અને સંગીતા બોલી.

“સારું થયું સાહેબ તમે આવી ગયાં. મને આખી રાત પાપા ખુબજ યાદ આવ્યા છે. કેશવ મને કહે કે આપણે સવારમાં જઈને પાપાને મળી આવીએ.”

“હું તને લેવા માટે જ આવ્યો છું. ચાલ તૈયાર થઇ જા” મેં કહ્યું અને એ તરત જ પોતાના રૂમમાં જતી રહી.કેશવ અને એના મમ્મી પાપાને આખી વાત સમજાવી. એ લોકો પણ સ્તબ્ધ બની ગયાં. હું સંગીતા અને કેશવને લઈને ઘરે આવ્યો. ઘરે માણસો જોયા અને સંગીતા સમજી ગઈ અને બોલી.

“સાહેબ પાપાને શું થયું?? સાચું બોલો સાહેબ…!!! મને થતું જ હતું કે પાપા મારા વગર જીવી નહિ શકે સાહેબ” મેં એને સાંત્વના આપી અને સંગીતાની આંખમાંથી બે ત્રણ આંસુના ટીપા પડ્યા અને ઝડપથી એણે લુછી નાખ્યા. એકદમ ધીરગંભીર બની ગઈ સંગીતા અને ઘરમાં જઈને પાપાના મૃતદેહને પગે લાગી.એની મમ્મીને આશ્વાસન આપીને વળગી પડી. પ્રદીપ ને આશ્વાસન આપ્યું.અને આવનાર તમામને એ સાંત્વના આપવા લાગી. એક જ રાતમાં સંગીતા એકદમ પીઢ બની ગઈ હતી. સ્મશાન યાત્રાની તૈયારી થઇ ગઈ અને જેવી નનામી ઘરની બહાર નીકળી કે સંગીતાનું હૈયાફાટ રુદન શરુ થયું.આખા વિસ્તારમાં સોપો પડી ગયો હતો.એ વખતે એ વિસ્તારમાં કોઈ માણસો બપોરે જમ્યા ના હતાં.

લવજીભાઈનું કારજ પૂરું થઇ ગયું એના ચાર દિવસ પછી કેશવ મને બોલાવવા આવ્યો. હું સંગીતના ઘરે ગયો. સંગીતા બારણામાં ઉભી હતી. કેશવના માતા પિતા ખાટલા પર બેઠા હતાં . ઓશરીની કોરે સંગીતાનો ભાઈ પ્રદીપ બેઠો હતો અને સંગીતના મમ્મી પથારીમાં સુતા હતાં.એની વાચા હણાઈ ગઈ હતી . એ કશું જ બોલી શકતા નહોતા. કેશવ બોલ્યો.

“સંગીતા કંઇક વાતચીત કરવા માંગે છે, તમને એટલે જ બોલાવ્યાં છે .આમેય તમે અમારા સગપણમાં વચ્ચે રહ્યા હતાં. સંગીતાના પાપા તો હવે રહ્યા નથી. એટલે એની જગ્યાએ હવે તમે ગણાવ છો.

“સાહેબ હું કેશવ અને મારા સાસુ સસરા આગળ જિંદગીના પાંચ વરસ માંગું છું. પાંચ વરસ હું સાસરે નહિ જાવ. મારી મમ્મી તો પથારીવશ જ છે. હવે તો એ બોલી પણ નથી શક્તિ. ભઈલો નાનો છે.એક માત્ર આધાર મારા પાપા પણ ચાલી નીકળ્યાં. હવે આ ઘરનું કોણ?? હું પણ સાસરે જતી રહું તો આ મારા ભઈલાનું કોણ??? મને પાંચ વરસ આપો.હું અહીંજ રહીશ.ત્યાં સુધીમાં મારો ભાઈ મોટો થઇ જશે એને પરણાવી દઈશ અને કાયમને માટે હું કેશવને ત્યાં આવી જઈશ.પાંચ વરસ હું સંસાર ભોગવવા જ નથી માંગતી.આમ તો હું પરણવા માંગતી જ નહોતી પણ મારા પિતાની ઈચ્છા આગળ મારું ના ચાલ્યું. બસ હું પાંચ વરસ માંગુ છું.” અને કેશવના પાપા બોલ્યાં.

“કાઈ વાંધો નહિ વહુ દીકરા, પાંચ નહિ સાત વરસ આપ્યાં તને , તું કહે એમ જ થશે, સમાજને જે વાત કરવી હોય એ ભલે કરે. તું સાચુ સોનું છો દીકરા.તારી પરિસ્થિતિ અમે સમજીએ છીએ. તું સ્વમાની છો એટલે તારી રીતે કુટુંબને બેઠું કરવા માંગે છો નહીતર તારા ભાઈ અને બા સહીત અમારે ત્યાં આવતાં રહો.એયને ભગવાનની દયાથી ઘણું આપ્યું છે ઈશ્વરે..અને અનાજ ખવરાવવાથી ક્યારેય ખૂટતું નથી.જેવી તારી ઈચ્છા વહુ દીકરા,તું જરાય ના મુંજાતી. ગમે ત્યારે તારું અમારા ઘરમાં સ્વાગત છે.”

અને પછી સંગીતા સાસરે ના ગઈ. એણે ઘરનું કામકાજ અને નોકરીની સાથે પાનના ગલ્લાની જવાબદારી સંભાળી લીધી. સવારમાં સંગીતા વહેલી ઉઠે. ભાઈ બહેન મશીન પર સોડા ભરે.છ વાગ્યે પાનનો ગલ્લો ખોલે. સંગીતા લ્યુના લઈને સોપારી, ધાણા દાળ અને જરૂરી વસ્તુ લઇ આવે.એની મામીને માલીશ કરે.બપોરનું રાંધી નાંખે અને અગિયાર વાગ્યે નોકરી પર જતી રહે. સાંજે પાંચ વાગ્યા પછી આવીને એ રાંધી નાંખે.અને પછી ગલ્લે બેસીને હિસાબ કીતાબ કરી નાંખે અને રાતના અગિયાર વાગ્યે પાનનો ગલ્લો બંધ કરે અને સુઈ જાય. વેપાર ધામ ધોકાર ચાલવા લાગ્યો. સંગીતાની મમ્મીની તબિયતમાં સુધારો આવવા લાગ્યો. ધીમે ધીમે એ તુટક તુટક બોલવા લાગ્યા.એક અંગ જે ખોટું પડ્યું હતું એમાં થોડું થોડું ચેતન આવવા લાગ્યું હતું.

“કેશવ દર રવિવારે આવે પણ પાનના ગલ્લાં સુધી જ. એ બેસે પાન ખાય. વાતો કરે અને ચાલ્યો જાય. પાંચ વરસ સુધી સંસાર નહિ ભોગવવાનો એવા સંગીતાની પ્રતિજ્ઞામાં કેશવનો પૂરો સાથ મળી રહ્યો હતો. કેશવની નોકરી પોતાના ગામમાં જ હતી. શાળાનો સ્ટાફ થોડો ડાંડ પ્રજાતિનો એટલે કેશવને સંભળાવ્યા કરે.

“કેશવ આમને આમ તું ક્યાં સુધી ટટળવાનું?? ભાઈ તે એકે જ આવા લગ્ન કર્યા છે એમ લાગે છે. આ તો આવતા પહેલા જ માથે ચડી ગઈ છે.આવી બાઈને લાવીને શું કરવાનું. નોકરી તો અમારા ઘરનાય કરે છે પણ હાલે તો અમારું જ હો. એક બે ઝટકી માર્યને અને કાં કર્ય છુટું!! તને તો ઘણી મળી રહેશે.. પણ એને કોઈ નહિ લઇ જાય”” કેશવ કંટાળીને કઈ દે પણ ખરો કે મારા સંસારમાં તમે શું કામ માથું મારો છો પણ ડાંડ પ્રજાતિ ટીખળ કરે , હશે ઠેકડી કરે , “જોરૂકા ગુલામ અને “બાયલો” એવા શબ્દો પણ કેશવની પીઠ પાછળ બોલે.આવી વાતો સંગીતા પાસે પણ આવવા લાગી.પોતે જે ગામમાં નોકરી કરે ત્યાં સ્ટાફની બહેનો પણ વાત કરતી કે કેશવનો સ્ટાફ કેશવને રોજ રોજ ખીજ્વ્યા કરે છે.અને કહે છે કે સતિ સાવિત્રી પછી જો કોઈ પવિત્ર હોય તો એ કેશવ છે. અને રામ કરતાં પણ મોટો પત્નીવ્રતાનો દીકરો છે.ઇતિહાસમાં કેશવ અને સંગીતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવવવાનું છે.સંગીતા કશું જ ના બોલે. ફક્ત ફિક્કું હશે. સમય ઝડપથી વીતતો ચાલ્યો. સંગીતા પાન સેન્ટર ધમ ધોકાર ચાલી રહ્યું હતું.સંગીતના મમ્મી હવે હાલી શકતા હતાં.અને સંગીતાએ એના ભાઈ પ્રદીપને પરણાવી પણ દીધો. હવે બધું જ રાગે પડી ગયું હતું અને પુરા પાંચ વરસ પછી સંગીતા સાસરિયામાં આવી.ગામ આખું તેને જોઈ જ રહ્યું હતું.કોઈ વખાણ કરતુ તો કોઈ નિંદા કરતુ હતું. કેશવ અને સંગીતાનો સંસાર સુખરૂપે ચાલતો હતો. સંગીતા ગામમાંથી અપડાઉન કરતી હતી. એક વાર મારી પત્નીએ વાત કરી કે કાલે સંગીતા મળી હતી રસ્તામાં અને એને સારા દિવસો જાય છે. અમે પતિ પત્ની બેય ખુશ થયેલા. પાંચ પાંચ વરસનો વિરહ વેઠેલા બે હૈયાને ભગવાને અઢળક ખુશી આપી હતી. પણ પંદર દિવસ પછી એક ઘટના ઘટી અને એવી ઘટી કે માણસનો ભગવાન પરથી વિશ્વાસ ઉઠી જાય. આટલું કહીને રાકેશ રોકાયો. રાકેશે પાણી પીધું શિવાલયના પરબ પરથી અને અલ્કેશ તો આ બધી વાતો એકીટશે સાંભળી રહ્યો હતો. રાકેશે ફરીથી વાત શરુ કરી.

સંગીતાના પેટમાં ત્રણ માસનું બાળક હતું અને એક રાતે બાઈક લઈને કેશવ આવતો હતો અને અકસ્માત થયો. એક કાળમુખા ટ્રકે કેશવની બાઈક હડફેટે લીધી હતી. ઘટના સ્થળે જ કેશવનું મૃત્યુ થયું. જયારે ઘરે ખબર પહોંચ્યા ત્યારે કેશવના માતા પિતા સાવ પડી ભાંગ્યા. સંગીતા પણ સાવ ભાંગી ગઈ.પણ એણે બાજી સંભાળી લીધી. કેશવની બધી જ વિધિઓ પૂરી કરીને મહિના પછી સંગીતા મને તાલુકામાં મળી એ રજાઓ મુકવા આવી હતી. મેં એના ખબર અંતર પૂછ્યા. તબિયત સાચવવાનું કીધું. ત્યારે એ એટલું જ બોલી.

“મને તો કઈ તકલીફ નથી સાબ.. કોઈ જ તકલીફ નથી.બસ હવે આ કેશવની નિશાનીને મોટી કરવાની છે.પ્રદીપ અને મમ્મીને મેં કહી દીધું છે કે હવે સંગીતા ત્યાં નહિ આવે.મારી જવાબદારી ત્યાં પૂરી થઇ છે હવે જીવનભર સાસુ સસરાના ગામમાં રહેવાનું છે,કેશવે આપેલી ભેટને મોટી કરવાની છે.તમને ખબર છે સાહેબ કેશવે બાબાનું નામ પણ પાડી દીધું છે. આંનદ નામ છે આવનાર બાળકનું. કેશવ કહેતો અમારા કુટુંબમાં સાત પેઢીથી પેલા ખોળાનો દીકરો જ જન્મે છે અને આપણે પણ દીકરો જ આવશે. દીકરી આવે તો પણ વાંધો નથી સાહેબ.. દીકરી જન્મે તો નામ આનંદી પાડવું એમ કેશવે કહ્યું છે” સંગીતા બોલતી હતી. હજુ નાની ઉમરમાં ભગવાને ઘણી મુશ્કેલીઓ સંગીતા માથે નાંખી હતી.પણ સંગીતા એનું નામ બસ જીવ્યે જ જાતિ હતી. સંગીતને મેં પૂછેલું કે જીવનમાં આટલા બધાં દુઃખથી કશું થતું નથી ત્યારે એણે મસ્ત જવાબ આપેલો.

“સાહેબ ભગવાન દુઃખ પણ કેપેસીટી જોઇને જ આપે છે…!! સુખ માટે પાત્રતા જોઈએ એમ દુઃખ માટે પણ પાત્રતા જોઈએ સાહેબ!! જેવાતેવાને દુઃખ પણ નસીબ નથી હોતું સાહેબ.. અને હવે તો હું ભગવાનને પણ કહું છું કે જરાય ઓછો ના ઉતરતો તારે ફાવે એટલા કષ્ટ આપ પણ અંતે હારવાનું તો તારે જ છે… ભગવાન અફસોસ તને થશે મને નહિ..હું તો માથું ઊંચું કરીને જ જીવીશ.. પણ જયારે તારો અને મારો સામનો એક વખત થશે ત્યારે હે ભગવાન તું મારી સામે નજર નહિ મિલાવી શકે” બસ પછી તો સંગીતને ત્યાં પુત્ર જન્મ થયો.હું અને મારા પત્ની ત્યાં હરખ પણ કરી આવ્યા.સંગીતા હજુ રજાઓ પર જ હતી. એવામાં એચ ટેટ પરીક્ષા આવી અને સંગીતાએ એ પરીક્ષા આપી. આનંદ બે માસનો હતો અને સંગીતાએ પરીક્ષા આપી હતી.એમાં એ પાસ થઇ ગઈ અને આંનદ એક વરસનો થયો ત્યારે એણે આચાર્ય તરીકે પોતાના ગામમાં જ નિમણુક લીધી. કેશવ જ્યાં ભણાવતો હતો એ જ શાળામાં સંગીતા આચાર્ય થઈને આવી હતી. આચાર્યની ભરતી વખતે એને ઘણાએ કીધેલું કે તમારું મેરીટ ખુબ જ સારું છે તમને સિટીમાં પણ ઓર્ડર મળી શકે ત્યારે સંગીતા બોલી. મારા સસરાના ગામમાં નોકરી કરવા માટે જ એચ ટેટ આપી હતી. બસ હવે કેશવ ની શાળામાં એની યાદોમાં એની ભેટ આંનદ ની સાથે જ નોકરી કરીને જીવન પૂરું કરવાનું છે.

એના સાસુ સસરાએ પણ કીધેલું કે સંગીતા હજુ ઉમર નાની છે તારે બીજે લગ્ન કરવા હોય તો કરી શકે છે ત્યારે સંગીતાએ જે જવાબ આપેલો એ આખા પંથકમાં સહુએ વખાણેલો. સંગીતાએ કહેલ કે તમે મને પાંચ વરસ મારી તકલીફમાં આપેલ અને હવે હું જતી રહું તો કાલે ઉઠીને કોઈ ભણેલી દીકરી પર વિશ્વાસ નહિ કરે.. હવે થી હું ખાલી વહુ જ નથી પણ તમારો દીકરો પણ છું બાપુજી એટલે હાથ જોડું છું કે ફરીથી લગ્નની વાત ના કરતાં.

બસ પછી તો વરસ દિવસ પછી હું પણ નડીઆદ આવી ગયો છું. અવારનવાર સંગીતાના ખબર અંતર પૂછતો રહું છું. સમાચાર મળતાં જાતા હતાં. સહુ પ્રથમ તો એણે પોતાની શાળાનાં સ્ટાફને સીધો કરવાનું કાર્ય કર્યું હતું. અમુક પેધી ગયેલાં કામચોર શિક્ષકોને સંગીતા આચાર્ય બની એ બરાબરનું કઠિ ગયું હતું. એ લોકોએ નક્કી કર્યું કે વહીવટમાં જરાય મદદ ના કરવી. એકલી સ્ત્રી પત્રકોમાં થાકી જશે પણ એને ખબર નહોતી કે એમનો પનારો એક જુદી માટીની સ્ત્રી સાથે છે. શાળામાં ચાર્જ લીધો પછી પંદર દિવસમાં સ્ટાફ મીટીંગમાં સંગીતાએ ચોખ્ખું જ કહી દીધું.

“મને બધું જ આવડે છે ઓફીસ કાર્ય એટલે કોઈએ પોતાનો વર્ગ રેઢો મુકીને બહાર નીકળવાનું નથી. તમારે ફક્ત હાજરી પૂરી લેવાની તમારા કલાસની અને હાજરી પત્રક ઓફિસમાં મોકલી દેજો. તમારે ભણાવવા સિવાય બીજું કશું જ નથી કરવાનું.અને શાળામાં મોબાઈલ લાવવાના નથી અને લાવશો તો ઓફિસમાં જમા કરાવી દેજો. ચાલુ શાળાએ જો કોઈનો મોબાઈલ વાગ્યો તો હું બારીમાંથી ઘા કરી દઈશ.” અને પછી એવી તો ધાક બેસાડી દીધી કે અમુક સ્ટાફ સુધરી ગયો અને અમુકે બદલી કરાવી લીધી. ઘરની ખેતી પણ સંગીતાએ ઉપાડી લીધી. ગામનું શિક્ષણ સુધર્યું. જે ગામ એની ટીકા કરતુ હતું એ જ હવે વખાણ કરતુ હતું. ગામના એક બે દોઢ ડાહ્યા નિશાળની આજુબાજુ આંટા માર્યા કરતાં હતાં એને એક બે વાર મેથીપાક પણ આપ્યો. પછી તો પાંચ જ વરસમાં ગામની શકલ જ બદલાઈ ગઈ. સંગીતા અત્યારે એક રોલ મોડેલ તરીકે આજુબાજુના વિસ્તારમાં વિખ્યાત છે. શાળામાં પણ ઘણો ફાળો આવ્યો. અને હવે આવતા બે વરસોમાં ત્યાં એક હાઈ સ્કુલ પણ બને છે. ગામની દીકરીઓને રાતે સંગીતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવે છે અને બદલામાં એ દીકરીઓ સંગીતાને ખેતીકામમાં મદદરૂપ થાય છે. આનંદ પાંચ વરસનો થયો ત્યારે એ જ શાળામાં પહેલા ધોરણમાં બેસાર્યો ત્યારે સંગીતનો છેલ્લો ફોન આવ્યો હતો. બસ પછી કોલ નથી આવ્યો. આવી છે અમારી સંગીતા લવજીભાઈ” કહીને રાકેશે વાત પૂરી કરી. રાકેશે કહ્યું ચાલ હવે કદાચ સંગીતા આવી ગઈ હશે એને મળતાં જઈએ એમ કહીને એણે બાઈકને કિક મારી અને બાઈક “સંગીતા પાન સેન્ટર” પાસે આવીને ઉભી રહી. સંગીતા ત્યાં જ ઉભી હતી. પીળી સાડીમાં સંગીતા ભવ્ય લગતી હતી. તેની બાજુમાં એક નાનકડો સાત આઠ વરસનો બાળક હતો. સંગીતા એ રાકેશને વંદન કર્યા અને બોલી.

“સાહેબ ઘણાં દિવસે મળ્યા નહિ..!! શું કરે છે મારા બહેન?? સાહેબ આ આનંદ.. ધોરણ ત્રીજામાં છે… બેટા સાહેબને પગે લાગ્ય અને આશીર્વાદ લે કે ગમે ઈ મુશ્કેલી સામનો કરવાની તેવડ પ્રાપ્ત થાય” રાકેશે આનંદને ઊંચકી લીધો. અને કહ્યું.

‘અસલ કેશવ જેવો જ દેખાય છે નહિ”?? અને સંગીતાની આંખમાં એક આંસુ આવી ગયું. ઘણી બધી વાતો કરી. અને છેલ્લે રાકેશ બોલ્યો.

“સંગુ બેટા છેલ્લે છેલ્લે તારા હાથનું એક પાન ખાવાની ઈચ્છા છે”

“જરૂરથી સાહેબ” કહીને સંગીતાએ પાન બનાવ્યું. અલ્કેશ અને રાકેશે ખાધું. સંગીતાએ જમીને જવાનું કહ્યું.પણ ફરી કોઈ એક વાર કહીને આનંદના હાથમાં ૫૦૦ રૂપિયા આપીને રાકેશ અને અલકેશ રવાના થયાં. બાઈક ચલાવતા ચલાવતા અલ્કેશ બોલ્યો.

“રાકેશ જીવનમાં ત્રણ પ્રકારના માણસો જોવા મળે છે. મળવા જેવા માણસો, માણવા જેવા માણસો અને વંદન કરવા જેવા માણસો.. સંગીતા એ ત્રીજી કેટેગેરીમાં આવે છે .. આવા શિક્ષકોને વંદન કરવાથી દેવ દર્શન કરતાં પણ વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે.’

લેખક ;- મુકેશ સોજીત્રા

રોજ રોજ નવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જલ્સાલાલ”

ટીપ્પણી