“પ્રેમ જાળ” મુકેશ સોજીત્રાની કલમેં લખાયેલ એક અદ્ભુત નવલિકા, આજે જ વાંચો અને માણો આ વાર્તાને અમારા “જલ્સા કરોને જૈંતિલાલ” પેજ પર

                                             પ્રેમ જાળ 

સરોજીનીનગરના એક આલીશાન મકાનની ડોરબેલ વાગી અને અંદરથી એક અવાજ આવ્યો.  “કોણ??” પણ જવાબમાં ફરીવાર ડોરબેલ વાગી અને અને આ વખતે વધારે વાગી.

  “અરે ખોલું છું એક મીનીટમાં” નિધિએ કહ્યું અને બારણું ખોલ્યું કે નિધિ ને લગભગ ચક્કર આવી ગયાં. સામે જ નિખિલ હતો. નિધિ તો પથ્થરનું પુતળું જ બની ગઈ.કશું બોલી જ ના શકી.

 “હાઈ હની!! કેમ છો??” અંદર આવવાનું નહિ કહે?? ચાલ હું માની લઉં કે આવકારો તો અજાણ્યાને જ હોય પણ હું તો તારો જ છું એટલે ફોર્માલીટીની જરૂર નહિ!! ચાલ હું અંદર જ આવી જાવ!! વાઉ વોટ અ બ્યુટીફૂલ હોમ!! હોમ સ્વીટ હોમ!! આઈ રીયલી લાઇક ઈંટ!! ભાઈ ભાઈ ભાગ્યશાળીને જ આવું હોમ મળે!! સાચી વાત કે નહિ સ્વીટી?? કેમ બોલતી નથી?? તને શું લાગ્યું કે તું નંબર બદલાવી નાંખે એટલે બધું પતી જશે એમ?? આ લવ એવી વસ્તુ છે ને સાલી કે ના તમે જીવી શકો કે ના મરી શકો!! જન્મ જન્મ કા સાથ હૈ હમારા તુમ્હારા,, હમારા તુમ્હારા !! અગર ના મિલતે ઇસ જનમમે તો લેંગે જન્મ દુબારા!! જન્મ જન્મ કા સાથ હૈ હમારા તુમ્હારા!! હમારા તુમ્હારા!!”સિસોટી વગાડતાં વગાડતા નીખીલ દીવાનખાનામાં પહોંચી ગયો. ઉતાવળે પગલે પગલે નિધિ અંદર ગઈ. એની આંખમાં આંસુ હતાં એના હાથ જોડેલા હતાં. એ રડતા રડતાં બોલી.

 “પ્લીઝ નીખીલ હવે હું પરણી ગઈ છું પ્લીઝ તું મારો પીછો છોડી દે!! ભગવાનને ખાતર તું મને મૂકી દે હવે પ્લીઝ” જવાબમાં નીખીલ ખડખડાટ હસ્યો અને સોફા પર પગ લંબાવતા બોલ્યો.

   “આપકે યહ આંસુ બહોત હસીન હૈ!! ઉસે જહાં તહાં મત ગીરાઈયેગા!! યહ ફર્શ મૈલી હો જાયેગી!!” અને ખીસ્સ્માંથી સિગારેટ કાઢીને સળગાવી અને ધુમાડો છત બાજુ છોડતા છોડતા પાછો બેસુરા અવાજે ગાવા લાગ્યો.

  “જો વાદા કિયા હૈ વો નીભાગા પડેગા!! નિભાના પડેગા!! ચાહે દુનિયા રૂઠે યા કિસ્મત ફૂટે તુમ્હે મેરી બાહોને મેં આના પડેગા!! જો વાદા કિયા વો નિભાના પડેગા”” અરેરે તું રડે છે ડાર્લિંગ!! રડવાથી કશું નહિ વળે સ્વીટુ!! વાસ્તવિકતાનો સામનો કરવો જ રહ્યો.ફિલહાલ મારી બે શરત છે. કે તારો નવો નંબર મને આપી દે.. મારો ફોન તારે ઉપાડવો જ પડશે.. અને હા હું એવા સમયે જ ફોન કરીશ જયારે તું એકલી જ હોઈશ!! હું તારી કેટલી દરકાર રાખું છું એ તને ક્યાંથી ખબર હોય.. અત્યારે તારા સાસુ સસરા બહાર ગયાં છે. અને રાકેશ કુમાર તો સાંજના આઠ પછી આવશે તારી નણંદ અને દિયર કોલેજની ટુરમાં ગયાં છે એટલે જ રૂબરૂ આવ્યો છું. હું જે પ્લાન કરું એ પરફેક્ટ જ હોય જાનેમન!!મારામાં અક્કલ છે તને કોઈ તકલીફ ના પડે એવી રીતે જ મળીશ. કોઈનેય શક નહિ જાય!! કોઈનેય ખબર નહિ પડે!! આખરે તું મારો પ્રેમ છો!! આપણા બંનેના ઘણાં ફોટાઓ છે મારી પાસે .તારા હાથથી લખાયેલા વેલેન્ટાઈન ના કાર્ડ છે. બે ત્રણ લવ લેટર છે..મેં કોઈને અત્યાર સુધી વાત કરી. ના જ કરુને?? પણ પરિસ્થિતિ એવી ઉભી થાય અને તારા સાસુ સસરા અને પ્રેમાળ પતિદેવ આગળ બધું જાહેર કરવું પડે એ વિચારે હું પણ કમકમી જાવ છું.. પણ બેબી ડોન્ટ વરી!! એ બધું સલામત જ છે. ડોન્ટ વરી ડીયર!! બસ આજે તો મારે ફક્ત વીસ હજાર રૂપિયા જ જોઈએ છે. એક સારો ફોન લેવો છે મારે બસ બીજું કશું નહિ ચાલ મને એક તારા હાથની ચા પાઈ દે અને વિસ હજારનું બંડલ આપી દે એટલે હું રવાના થઇ જાવ” નિધિએ ફટાફટ ચા બનાવી અને આપી, નીખીલ ચા પીને વીસ હજાર લઈને ઉભો થયો. ગેઇટ પાસે જઈને બોલ્યો.

“અને યાદ રહે કે જયારે તું મારો કોલ નહિ ઉપાડે ત્યારે જ મારે ના છુટકે મારે બીજી વાર ઘરે આવવું પડશે. ચલ સ્વીટી બાય…!! જવું તો નથી ગમતું પણ શું કરું?? જવું પડે એમ છે. તારી ખાતર કારણકે હવે તારા સાસુ સસરા આવતાં જ હશે!! જાદુગર સૈયા છોડ મેરી બઈયા  હો ગઈ આધી સાંજ કે અબ ઘર જાને દે” અને નિધિ તરફ એક આંખ મિચકારીને નિખિલ રવાના થયો.જેવો એ ગયો કે એ ધબ દઈને બારણા પાસે બેસી ગઈ અને હિબકે ચડી ગઈ.

. થોડી જ વારમાં એના સાસુ સસરા આવી ગયાં.એ સ્વસ્થ થઈને રાંધવા લાગી. રાકેશ આવ્યો ત્યારે એ સુતી હતી. સાસુને કહી દીધું હતું કે સખત માથું દુખે છે. રાકેશ તેની પાસે આવ્યો અને બોલ્યો.

  “નીધુ માથાની ટેબ્લેટ લીધી. એવું હોય તો ચાલ ડોકટર પાસે જઈ આવીએ.કદાચ આંખોના નંબર ને કારણે પણ માથું દુખતું હોય” રાકેશનો હાથ એના માથા પર ફરતો હતો પણ એ કશું ના બોલી.રાકેશ બહાર જતો રહ્યો અને બારણું ખાલી બંધ કરતો ગયો. જેવો એ બહાર ગયોકે નીધીનું ઓશીકું આંસુઓથી પલળી ગયું. એ વિચારતી હતી કે રાકેશ એને કેટલો પ્યાર કરતો હતો. અને હવે એ એની સાથે દગો કરી રહી હતી. કોલેજમાં જેને એણે પોતાનો શ્વાસ માન્યો હતો એ જ ફરેબીના ઉશ્વાસ ની જેમ હવે પાછળ પડીને બ્લેકમેઈલ કરી રહ્યો હતો. રાકેશે એને પહેલાજ પૂછ્યું હતું જ્યારે રાકેશ એને જોવા આવ્યો ત્યારે એના જ ઘરે બને એક રૂમમાં બેઠા હતાં અને રાકેશ બોલ્યો હતો.

  “નિધિ એક વાત કહેવી છે. કોલેજકાળમાં તારે કોઈની સાથે લાગણીભર્યા સંબંધ હોય તો અત્યારે જ કહી દે, હું તમારા પ્રેમની વચ્ચે નહિ આવું.અથવા તો સંબંધ હોય અને તૂટી ગયાં હોય તો પણ કહી દેજે.હું કોઈ જાતની બીજી પૂછપરછ નહિ કરું. લગ્ન પછી આપણા બેયની  વચ્ચે બીજું કોઈ ના આવવું જોઈએ.એક વખત વિશ્વાસ તુટ્યો તો હું આ દુનિયામાંથી વિદાય લઇ લઈશ. એટલે પ્લીઝ  જે હોય એ સાચું કહી દેજે .હું તારી પર કોઈ અવિશ્વાસ નહિ કરું” પણ એ વખતે એણે એમ જ કીધેલું કે મારે કોઈની સાથે સંબંધ જ નથી. અને એ બને પરણી ગયાં. અને આવું કહેવા માટે એને નિખીલે જ ભોળવી હતી એ તે જાણી ગઈ હતી. પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. લગ્ન પછી એ અને રાકેશ હનીમુન માટે સીમલા ગયાં હતાં, સિમલાની ઘટાટોપ બરફના સૌન્દર્ય ને માણતા માણતા રાકેશે એને બધી જ વાત કરી હતી. રાકેશ નો મોટો ભાઈ સંજય એની પત્નીને ખુબ જ ચાહતો હતો. બનેની ચાહતની નિશાની રૂપે એક નાનકડી પરીનો જન્મ પણ થયો હતો. આખું કુટુંબ સુખી હતું પણ અચાનક એક દિવસ ઘરમાં દાવાનળ સળગી ઉઠ્યો. સુરેશની પત્નીને એનો જુનો પ્રેમી મળવા આવ્યો અને રંગે હાથે બને પકડાઈ ગયાં. સંજય  પોતાની નાનકડી પરી સાથે ત્રીજા માળેથી કુદી પડ્યો. અને સંજયની પત્નીને પોલીસ પકડી ગઈ. પણ પછી એ જામીન  પર છૂટીને જુના પ્રેમી સાથે ફરાર થઇ ગઈ. એ ઘટનાની રાકેશના મન પર ભયાનક અસર કરી હતી. આ વાત કરીને રાકેશ બોલ્યો કે મારી સાથે આવું થાય તો હું પણ સહન ના કરી શકું. હું પણ પાગલ થઇ જાવ અને શું કરું એ નક્કી નહિ. બાકી મોટા ભાઈ એને ખુબજ ચાહતા હતાં પણ ભાગ્ય અમારા કે જેને અમે કંચન ધાર્યું એ સાવ કથીર નીકળ્યું.. પથારી માં સુતા સુતા જ નિધિને એને ભયાનક ભૂતકાળની ભૂતાવળો દેખાઈ રહી હતી….!!! એ કોલેજની મસ્તી…!!! એ ઉન્માદી યૌવનના દિવસો!!! એ અને નીખીલ!! આખી કોલેજ એને લકી લવ બર્ડ  કહેતી હતી..

નીખીલ અને નિધિ એક જ ક્લાસમાં સાથે ભણતાં અને એક જ બેંચ પર સાથે બેસતા. નીખીલ એકદમ સૌજન્યશાળી યુવક હતો. કોલેજની ઘણી ખરી છોકરીઓ નીખીલ પર રીતસરની મરતી પણ નીખીલ નિધિ સિવાય કોઈને ભાવ નહોતો આપતો એ નિધિને ખુબ જ ગમતું. કોલેજમાં એક કરણ નામનો બીજો છોકરો હતો.કરણનું શરીર એકદમ ચુસ્ત અને મજબુત બાંધો ધરાવતું હતું. કરણ ખુબ જ ખુલ્લા દિલનો છોકરો હતો. હાજર જવાબી અને એકદમ ટીખળી પણ એટલોજ.શરૂઆતમાં એ નીખીલ નો મિત્ર હતો. પણ નિધિ અને નીખીલ નજીક આવ્યા પછી નિધિના કહેવાથી જ નિખીલે કરણ સાથે અંતર વધારી દીધું હતું. કરણ આમ તો ખાસ તો રખડવા જ આવતો.કેમ્પસમાં નવી નવી બાઈકો લઈને ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવ્યે રાખે અને રૂપાળી છોકરીઓ ને જોઇને નિત નવા શબ્દ પ્રયોગ કર્યા કરે. છોકરીઓના ટોળાથી એ હમેશા ઘેરાયેલો હોય જ. એણે એક વાર નીખીલને મોઢા મોઢ સંભળાવી પણ દીધેલું કે

“યાર નીખીલ્યા તું ખરો ભાગ્યશાળી છો કે નિધિ તારા નસીબમાં છે બાકી તારી જગ્યાએ બીજો કોઈ હોય તો હું નિધિને એની તો ના થવા જ દઉં.પણ તું મારો ભાઈબંધ ને એટલે જવા દઉં છું.અને આમેય મારે તો ઘણી વેઈટીગ માં છે એટલે આઈ ડોન્ટ માઈન્ડ પણ યાર યુ આર રીયલી લકી સો અચીવ ધીસ ટાઈપ ઓફ ક્યુટી” જવાબમાં નિધિ કહેતી

“કરણ પલીઝ સ્ટોપ, હવે પછી આવી વાત ના કરતો પ્લીઝ!! પ્રેમ શું છે એ તને નહિ સમજાય!! તારે માટે એ ટાઈમ પાસ છે જયારે પ્રેમ મારે માટે લાઈફ પાસ છે.અને પ્રેમ એક એવી દિવ્ય વસ્તુ છે કે તારા જેવા લોફર અને લબાડ છોકરાને ના મળે”

“ઓહો… શું વાત છે નિધિ તો એક કામ કર મારું ટ્યુશન રાખને એક સપ્તાહ માટે અને સાચો પ્રેમ શું કહેવાય એ મને શીખાવાડ ને પ્લીઝ નીખીલ તારા પ્રેમને કહેને કે મને પ્રેમના નિયમો શીખવાડે” અને નીખીલ અને નિધિ બબડતાં બબડતા ત્યાંથી ચાલી જતાં.અને કરણ પોતાનું બાઈક શરુ કરીને કેમ્પસમાં ચક્કર લગાવે અને જયા જ્યાં કપલ બેઠા હોય ત્યાં જઈને ખલેલ પહોંચાડે અને બોલે.

 “ હાઈ સેજલ દિવસેને  દિવસેને તું એકદમ ક્યુટ થતી જાય છે ને કાઈ… લવ યુ સેજુ પ્લીઝ એક દિવસ ચાલને લોંગ ડ્રાઈવ માટે “ અને પછી પેલા લોકો જે બોલે એ સાંભળ્યા વગર એ બીજા કપલ પાસે પહોંચે અને બોલે.

 “હાઈ રીટા તારા મેકઅપ વધતાં જ જાય છે યાર.યાર કંપનીએ જે મોડેલ બનાવ્યું હોય એમાં સુધારા ના કરાય યુ નો….. લ્યુનાને ગમે તેટલો ગાભો મારો કે કલર કરો કે વેક્ષીંગ કરો યાર એ કદી એકટીવા ના થાય યાર કંઇક સમજો એક તો સીતેર કિલોની છો અને એમાય બે કિલો મેકઅપ કરે છે તો થીંક અબાઉટ ઈંટ”અને રીટા સેન્ડલ કાઢે એટલે બાઈક પાછું શરુ થાય અને બીજી બેન્ચે પહોંચે.બસ આમ આખો દિવસ એ સતત મસ્તી જ કરતો હોય!! પણ નવાઈની વાત હતી કે આવી મસ્તી કરે તોય કોલેજના છોકરાઓ અને છોકરીઓ એને જ જિ એસ તરીકે ચૂંટતા. કરણ પાછો હિંમતવાન પણ ખરો. કોઈ પ્રોફેસરની ખોટી દાદાગીરી એ ચલાવી લે પણ નહિ.કોલેજના ત્રીજા વરસમાં નવી આવેલી લેકચરર રીંકલ સાથે કરણનું નામ જોડાયું હતું.એ થોડો હવે ગંભીર બન્યો હતો.રીંકલ પણ એની બાઈક પર આવતી. અને કરણ પણ કહેતો બધાં મિત્રો ને.

  “જુઓ રીંકલ તમારી ભાભી કહેવાય એટલે એના વિષે કોઈ આડા અવળું બોલશો તો આ કરણભાઈ ને સહેજેય નહિ ગમે. અને તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો પણ ક્લાસમાં એ લેકચર લેવા આવે ત્યારે એને પુરતું માન સન્માન મળવું જોઈએ આખિર વો તુમ્હારી ભાભી જો ઠહરી” અને બધાં ખડખડાટ હસતાં. કોલેજમાં થી પર્વતારોહણ નો કેમ્પ આબુ ગયેલો એમાં રીંકલ પણ હતી.એક દિવસ ત્રણ કલાક સુધી રીંકલ અને કરણ ગુમ થઇ ગયેલાં. આ બાજુ પ્રિન્સીપાલ અને બીજા પ્રોફેસરો તેમની શોધ ખોળ કરી રહ્યા હતાં . બને આવ્યા પછી એક પ્રોફેસર રીતસરના બગડ્યા રીંકલ પર

  “આમ કીધા વગર ક્યાં ગુમ થઇ ગઈ હતી, શરમ નથી આવતી” કરણ એની સાથે જ હતો એ તરત જ બોલ્યો.

  “અમે નવી સાઈટ શોધી રહ્યા હતાં કે જ્યાં પર્વતાંરોહણ થઇ શકે!! એની પ્રોબ્લેમ અને એ તમારી સહ કર્મચારી છે કોઈ સ્ટુડન્ટ તો નથી કે જેને પરમીશન જોઈએ. તારે જે પૂછવું હોય એ મને પૂછ બાકી તારે હવે નોકરી કરવી નથી લાગતી” અને પ્રોફેસર રીતસરનો લજવાઈ ગયો.

 નિધિ અને નિખિલની કોલેજ પૂરી થઇ અને એક દિવસ નિધિના પાપા નિખિલની બાઈક પર નિધિને જોઈ ગયાં અને ઘરે મહાભારત શરુ થયું.

 “હું તને કોલેજમાં ભણવા માટે મોકલું છું .કોઈની બાઈક પર સુંદરતા પ્રદર્શન માટે નહિ”

  “પણ પાપા હું અને નીખીલ પરણવાના છીએ.એ ખુબજ સારો છોકરો છે એને નોકરી મળે એટલે તરત જ એ તમારી પાસે આવવાનો હતો.” નિધિએ કહ્યું.

  “તારો સંબંધ મેં નક્કી કરી જ નાખ્યો છે.ખુબ જ પૈસા દાર અને સારું કુટુંબ છે.સંસ્કારી પણ ખરું.હું તારી આગળ હાથ જોડું છું કે કાલથી આ બધાં ધંધા બંધ ત્રણ માસમાં જ તારે હવે પરણવાનું છે” અને ઉમેશ કુમાર નિધિના પાપા બોલતાં બોલતાં ધ્રુજી રહ્યા હતાં.આંખો ખેંચાઈ અને નસો પણ ખેંચાઈ અને એક હળવો હાર્ટ એટેક પણ આવી ગયો. એને દસ દિવસ હોસ્પીટલમાં દાખલ કર્યા પછી તબિયત રાબેતા મુજબ થઇ પણ ઉમેશકુમારે પોતાની વાત પકડી રાખી અને કહ્યું.

  “લગ્ન તો હું કહું ત્યાંજ કરવાના છે” નીખીલ અને નિધિ છેલ્લી વાર મળ્યા નિધિના ઘરની આગળ એક ઊંચી ટેકરી હતી અને ત્યાં એક મંદિર હતું.ટેકરી ની એક બાજુ શહેર અને બીજી બાજુ ઊંડી ખાઈ હતી. અહી બેસીને નીખીલ અને નિધિએ કેટલાય ફોટાઓ મોબાઈલમાં પડ્યા હતાં. અહી જ નિધિએ ઘણાં પ્રેમ પત્રો લખ્યા હતાં. આમ નિખીલે કોઈ દિવસ મર્યાદા ઓળંગી નહોતી એનો આનંદ નિધિને ખુબજ હતો, નિધિએ નક્કી કર્યું હતું કે બસ હવે ભાગી જવું છે પણ નીખીલ સિવાય કોઈને પણ પરણવું નથી.પણ નિખીલે એને સમજાવી.

 “માં બાપ ની ઈચ્છા વિરુદ્ધ એવું પગલું કદી ના ભરવું કે જેનાથી પરિવાર અને સમાજ આપણી પર ફિટકાર વરસાવે.આપણો સ્નેહ સાચો જ છે અને સાચો જ રહેશે. તારા પાપા કહે ત્યાં પરણી જા!! તને મારા સોગંદ છે કે તું પરણી જા!! બાકીનું સમય આવ્યે બધું થઇ જશે. અને નિધિ રાકેશને પરણી ગઈ.રાકેશ નિધિને ખુબ જ ચાહતો હતો.પરણીને એના પહેલા આઠ મહિના ખુબ જ સુખમય વીત્યા હતાં. એ મહીને બે મહીને પિયર આવતી અને નીખીલ ને એ ટેકરી પર જ મળતી. ખુબ જ ખુશ હતી નિધિ. નીખીલ નિધિ ફોન પર પણ વાતો કરી લેતા પણ આઠ માસ થી નીખીલ બદલાઈ ગયો હતો. એક દિવસ સાંજે એનો ફોન આવ્યો.

  “ નિધિ મારે દસ હજાર જોઈએ છે ખાસ કામ છે મારે પ્લીઝ આપીશને??” નિધિએ દસ હજાર એને આપી દીધા હતાં.એના એકાઉન્ટ માં જમા કરાવી દીધા હતાં.પછી તો માંગણીઓ વધતી ગઈ. કંટાળીને નીખીલને એક વખત ના પાડી તો એ અસલ રંગમાં આવ્યો.

  “નિધિ જયા સુધી હું મૂંગો છું ત્યાં સુધી જ તું સુખી છો બાકી એક વખત આ નિખીલે મૌન તોડ્યું પછી તારે મરવા સિવાય કોઈ જ આરો નથી. તારા તમામ ફોટાઓ જે તે મારા બહુપાસમાં પડાવેલા છે, એ મારી પાસે મોજૂદ છે. મેં તારા માટે ત્યાગ કર્યો હતો. તું ભાગીને મારી સાથે લગ્ન કરવા માંગતી હતી પણ હું તૈયાર નહોતો. તારામાં મેં પ્રેમ રૂપી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એનું વ્યાજ તો હું દર મહીને લઈશ જ.. તું શું મને બુદ્ધુ સમજે છે.અને તારે પૈસાની ક્યાં તાણ છે.રાકેશ અઢળક કમાય છે એમાંથી થોડો જ હિસ્સો હું માંગું છું બાકી મારે તારા ઘરે આવવું પડશે” અવાચક બની જ ગઈ હતી નિધિ. નિધિએ સેલફોન નંબર બદલાવી નાંખ્યો હતો નીખીલ થી છૂટવા માટે તો એ આ જ રૂબરૂ આવીને ધમકી આપી ગયો હતો.અને નિધિ ધ્રુજી ગઈ હતી.

 રાતના દસ વાગ્યા અને રાકેશ બેડરુમમાં આવ્યો. પ્રેમથી નિધિને માથે હાથ ફેરવ્યો અને બોલ્યો.

 “માથું ઉતરી ગયું હોય તો આપણે જમી લઈએ, તને તો ખબર છે કે સ્વીટી જયા સુધી તું ના જમે ત્યાં સુધી હું જમતો નથી” અને નિધિ ઉભી થઇ અને રાકેશની સાથે જમી. રાકેશ એને કેટલો બધો સ્નેહ કરતો હતો. અને પોતે રાકેશની સાથે ખેલ ખેલી રહી હતી. ભલે લાચાર હતી પણ હતો તો ખેલ જ ને!! પોતાના ભોળા પતિને છેતરી રહી હતી. કાલ સવારે સંતાન થશે અને પેલા નાલાયક ના નખરાં વધતાં જશે તો એ શું કરશે..?? આના કરતાં મરી જવું સારું!! જમતા જમતા એને થયું કે એ થોડા દિવસ પોતાના પાપા ને ત્યાં જવા માંગે છે. એ કશોક નિર્ણય લેવા માંગતી હતી. અને નિધિ એક અઠવાડિયું પોતાના પિયર આવી. નીખીલ નો કોલ રોજ આવતો!! એ જ ટોર્ચર અને એજ વાતો!!

 બ્લેક મેઈલીંગ એક એવું શસ્ત્ર છે કે જેનો અંત ભયાનક જ હોય.

 “વેલ કમ ટુ પિયર!! યુ આર વેરી નીયર!! આઈ લવ યુ નિધિ ડીયર!! લેટ્સ ચીયર!!” નીખીલ નો મેસેજ વોટ્સેપમાં ઝબકયો અને નિધિને ચીતરી ચડી અને થયું કે સાલો શરમાતો પણ નથી. આને તો માજા જ મૂકી છે. અને સાંજે એનો કોલ આવ્યો . અને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને કીધું કે તારી બાહોમાં ઓગળવા માંગુ છું, જો ના પાડીશ તો ના છુટકે રાકેશ કુમાર સાથે મુલાકાત ગોઠવવી પડશે. ધન ની સાથે તન ની પણ મારે જરૂર છે હવે!! અને સાચી વાત એ જ છે કે તન મન અને ધનથી કરેલ સ્નેહ જ સાચો સ્નેહ છે.  નિધિએ બે દિવસ નો સમય માંગ્યો તો એ લબાડ ખડખડાટ હસ્યો અને બોલ્યો. ઓકે બે દિવસ નો સમય ગ્રાન્ટેડ !! બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈને આવજે.. એ જ ટેકરી એજ ખીણ એજ મંદિર એજ એકાંત અને એજ સમય!! હમ તુમ એક કમરેમેં બંધ હો ઔર ચાબી ખો જાય!! અને નિધિએ મોબાઈલ કાપી નાંખેલો.

  બીજે દિવસે સવારે નિધિ પેલી ટેકરી પર જવા તૈયાર થઇ હજુ એક દિવસનો સમય હતો. કશુક તો કરવું જ પડશે. આજે એને ખુબ જ વિચારવું હતું એક ફાઈનલ નિર્ણય લઇ લેવો હતો. રોજ રોજની માથાકૂટ થી એ કંટાળી ગઈ હતી. કોને વાત કરવી એ વિચારતી હતી. પોલીસને જાણ કરું?? પણ વાત તો જાહેર થાયજ ને?? રાકેશ ને ખબર પડેને એ પણ એના મોટા ભાઈ જેવું પગલું ભરી બેસે તો એ તો ક્યાયની ના રહે?? અને પોલીસવાળા થોડા એમને એમ મદદ કરે?? એ થોડો વિશ્વાસ કરે કે લગ્ન પહેલા અમારે સંબંધો પવિત્ર હતાં???  મમ્મી પાપા ને તો વાત જ નથી કરવી, પાપા તો હાઈ બીપી ના દરદી છે .વાત સાંભળીને જ એ રડી પડે એવા છે અને મમ્મી તો આ વાત સહન જ ના કરી શકે. નિધિ રસ્તામાં આ રીતે બેધ્યાનપણે વિચારીને જતી હતી. સામે જ ટેકરી દેખાતી હતી .. આગળ જતાં પાર્કિંગ આવે અને પછી ત્યાંથી આગળ પગથીયા ટેકરી પર ચડવાના?? એ યંત્રવત ચાલતી જતી હતી અને એકાએક કોઈક ગાડીની ચિચિયારી સંભળાઈ અને સાથે જાણીતો અવાજ પણ!!!

  “ આમ આડેધડ ચાલે છે તે મરવું છે??? રસ્તો તમારા મમ્મી કરિયાવરમાં લાવ્યાં છો કે શું?? મેડમ મરવાની એટલી ઉતાવળ હોય તો એકલા મરો..અમને વગર કારણે ઝપટે શું કામ ચડાવો છો.??એક તો અમારી મથરાવટી મેલી ને ઉપરથી………” પણ વાક્ય અટકી ગયું જયારે બોલનાર વ્યક્તિએ નિધિનો ચહેરો જોયો અને એ બોલતો બંધ થઇ ગયો.નિધિની આંખમાં આંસુ હતાં.ચાલતા ચાલતા એણે કયારે આંખ બંધ કરી અને રસ્તાની વચ્ચે ચાલવા લાગી હતી એ પણ એને ખબર નહોતી. નિધિ એ આંખ ખોલી તો સામે કરણ ઉભો હતો. એની કોલેજનો ટોમ બોય અને ભારાડી છોકરો. કરણ તો અવાચક બની ને જોઈ જ રહ્યો. નિધિ એક દમ સુકાઈને કાળી મેશ જેવી થઇ ગઈ હતી.આંખની નીચે કુંડાળા પડી ગયાં હતાં. ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો અને સહુથી મોટી ખાસ વાત તો કરણને એ લાગી કે નિધિ રડતી હતી.કોલેજમાં કોઈ પણ પરિસ્થિતિમાં એ કયારેય રડી નહોતી અને આજ નિધિ રડતી હતી.

   “સોરી કાઈ વધારે કહેવાઈ ગયું હોય તો પણ આમ સીધાં મારી બાઈકની સામે આવી ગયાં એટલે બોલાઈ ગયું.અને મેં તને ઓળખી નહિ એટલે બોલાઈ ગયું.પણ એવું તો મેં કશુજ નથી કીધું કે તારે રડવું પડે?? આઈ એમ સોરી!! રીયલી સોરી!!! “ કરણ જાણે જીંદગીમાં પ્રથમ વાર માફી માંગતો હોય એમ બોલ્યો.

  “તારો વાંક જ નથી મારા નસીબ જ ફૂટલાં છે!! હું કોઈને દોષ આપતી નથી. આઈ એમ સોરી!! મારે રસ્તા પર બરાબર ચાલવું જોઈએ!! પણ મારું જીવન જ બરાબર નથી ચાલતું તો પછી રસ્તા પર તો વાત જ શું કરવી” નિધિ બોલી.

  “શું વાત છે એ મને કહીશ. તને જે તકલીફ હોય તે કહી દે. એનો ઉકેલ હું લાવી દઈશ. અમે ભલે ગુંડા ટાઈપના ગણાઈયે પણ અમારી એક ખાસિયત હોય કે અમે જે કામ કરવાની હા પાડીએ એ પછી થઈને જ રહે… સાસરીયે તકલીફ હોય તો એ પણ કહી દે એનો પણ ઉકેલ થઇ જાશે.” કરણની આંખોમાં નિધિને વિશ્વાસ દેખાયો. અને તળેટીના પાર્કિંગમાં નિધિએ કરણને એક એક વાત કરી. અને કરણ પણ ધ્રુજી ઉઠ્યો ગુસ્સામાંથી અને બોલ્યો.

  “અમે તો ખોટા બદનામ છીએ , જેવા છીએ એવાજ દેખાઈયે એટલે જેને ના પસંદ હોય એ લોકો અમારાથી દૂર રહે પણ ખતરનાક તો કહેવાતા આ રાક્ષસો છે કે જે સજ્જનતાનો ઢોંગ કરીને ભોળા પારેવડા ને ફસાવે છે પણ ડોન્ટ વરી નિધિ. આજ એનો ફેંસલો આવી જશે.હવે તું તારા ઘરે જા નિરાંતનો શ્વાસ લે અને સાંજના છ વાગ્યે અહીજ આવજે . અહીં જ તારી સમસ્યાનું સમાધાન અને એ પણ કાયમી. જીવનમાં તે કહેવાતા સજ્જનનો વિશ્વાસ કર્યો ,હવે આ જ પહેલી વાર કહેવાતા દુર્જનનો વિશ્વાસ કરી જો” અને કરણનું બાઈક પુરપાટ જતું રહ્યું,નિધિ ઘરે પાછી આવી એનું મન હળવું થઇ ગયું હતું પણ તોય ઉંડો ઉંડો ડર હતો કે કશું નહિ થાયને????

 રીંગ રોડ પર ખૂણા પર આવેલ એક નાનકડી શેરીમાં ચોથા મકાન આગળ બે બાઈકો ઉભી રહી. ચાર જણા ઉતર્યા અને દરવાજો ખુલ્યો .એ અંદર ગયાં અને એક જાન દરવાજે ઉભો રહ્યો. અંદર નીખીલ હતો એના મમ્મી પાપા અને એના બીજા બે ભાઈ બહેન હતાં. નીખીલ ને જોઈ કરણ બોલ્યો.

  “કેમ છો નીખીલ યાર તું તો ઓળખતો પણ બંધ થઇ ગયો?? શું ચાલે છે અને આ તારી બહેન છે નહિ?? ખુબજ સુંદર છે યાર!! કઈ કોલેજમાં ભણે છે યાર!! શું રૂપ છે યાર!! જોઇને તબિયત ખુશ થઇ ગઈ છે!! બાકી આણે કહેવાય ગુલાબનો ગોટો!!!” અને નીખીલના પાપા ઉભા થયાં અને ગુસ્સામાં બોલ્યાં.

  “સંસ્કાર જેવી જાત છે કે નહિ. મારા ઘરે આવીને મારી દીકરી સામે આવું બોલે છે નાલાયક!! તું છે કોણ?? ચાલ નીકળ મારા ઘરની બહાર!!!” અને સટાક દઈને એક લાફો નીખીલના પાપા ના ગાલ પર પડ્યો.અને કરણ ના બેય સાથીદારોએ ચપ્પુ કાઢ્યું અને સહુ પથ્થરના પુતળા થઇ ગયાં.

  “હું એજ કહું છું સંસ્કારનો છાંટો છે કે નહિ આ તારા દીકરામાં!! તને તારી દીકરી વિષે બે શબ્દો કહ્યા તો ખરાબ લાગ્યુંને ને આ તારો નંગ કોઈ પરણીતા ની જિંદગી બગાડે છે એ ધ્યાનમાં ના આવ્યું,?? તને લાફો એટલા માટે માર્યો કે બહુ ઘણાં સમય પહેલા આવો લાફો તારે તારા આ કપાતર ને મારવો જોઈતો હતો. માં બાપની જવાબદારી ફક્ત સંતાન પેદા કરવાની નહિ પણ એને જગતમાં કેમ જીવવું એ શીખવવાની છે” આમ કહીને ત્રણ ઝાપટ મારી નીખીલ ને અને મોમાંથી એક દાંત પાડી દીધો. અને પછી બધી જ વાત કરી. નીખીલના મમ્મી પાપાએ માફી માંગી. વારંવાર માફી માંગી. નિધિના તમામ ફોટોગ્રાફ અને પત્રો. વેલેન્ટાઈન કાર્ડ,ગીફટ અને બાકીની એક ચીજ કે જેમાં નિધિ જોડાયેલી હતી એ પાછી લઇ લીધી. એ બધી વસ્તુ લઈને કરણ બોલ્યો.

  “હવે તને છેલ્લી વાર કહું છું. મારે તો કોઈ આગળ પાછળ નથી પણ તમારે તો આખું કુટુંબ છે. હવે નિધિના સપનામાં પણ ડોકાયોને તો આધાર કાર્ડ અને રેશન કાર્ડમાંથી નામ નીકળી જશે સમજ્યો”??!! અને બને બાઈકો ત્યાંથી રવાના થયાં.

  સાંજના છ વાગ્યે તળેટી પર વચ્ચે રસ્તામાં પગથીયા પર એ બધી જ વસ્તુ નિધિને સોંપી.નિધિએ એ બધીજ વસ્તુ બાળી નાંખી અને બે હાથ જોડીને કરણનો આભાર માન્યો.કરણ બોલ્યો. આભાર માનીને મને શરમિંદા ના કર.જીવનમાં સારું કામ કરવાનો આજ મોકો મળ્યો એ માટે હું આભારી છું ઈશ્વરનો. બહુ ઓછા માણસો મને સાચા મળ્યાં છે એમાંની તું એક છો. જા તું સુખી થા. અને આ મારો નંબર. તકલીફ વગર મને ક્યારેય કોલ ના કરતી. તને કયારેય તકલીફ નહિ પડે એવી આશા રાખું છું. નિધિ નીચે ચાલી. કરણ એક પથ્થર પર બેઠો હતો.સૂર્ય આથમી રહ્યો હતો. આકાશમાં લાલીમાં છવાઈ રહી હતી.આકાશમાં કુંજ પક્ષીઓનો એક લાંબી લાઈન નીકળી હતી.નિધિ હવે સાવ નીચે ઉતરી ગઈ હતી.જીન્સ ના પાછળના ખિસ્સામાંથી કરણે એક પાકીટ કાઢ્યું.એમાં એક ફોટો હતો એ નિધિનો હતો. નિધિ જયારે કોલેજના પેલા વરસમાં હતી ત્યારે કરણે ચોરી છુપી થી કોલેજના કેમ્પસમાં એ ફોટો લઇ લીધો હતો અને દરરોજ એ ફોટાને જોતો હતો.!! ફોટો જોઈએ ને કરણ ફરીથી બોલ્યો.

  “ જા ડીઅર સુખી થા”

  પ્રેમ કરવાની એક જ રીત નથી હોતી જગતમાં, જગતમાં પ્રેમ કરવાની હજારો રીત છે. પણ આ કરણ વાળી રીતે પ્રેમ કરવા માટે છપ્પનની છાતી જોઈએ!!!

 લેખક ;- મુકેશ સોજીત્રા 

મુકેશ સોજીત્રાની વાર્તા અને નવલિકાઓ વાંચવા માટે  આજે જ અમારું ફેસબુક પરનું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ ” આજે જ લાઇક કરો,  ગમે તો તમારા મિત્રોને પણ લીંક શેર કરીને આજે જ વંચાવો.

ટીપ્પણી