વાર્તા * “દાળ બાટી !!” – મોઢામાં પાણી લાવવાની જરૂરત નથી આતો મુકેશભાઈ સોજીત્રાની વાર્તાનું નામ છે… વાંચો અને શેર જરૂર કરજો..

“દાળ બાટી !!”

“ દાદા એ અમને દીકરાની જેમ રાખેલા, એમનો વશવા નહિ તોડવાનો!!, તો સાથે કાઈ નહિ આવવાનો!!!, ખાલી હાથે આવેલો માયલો ખાલી હાથે જાવાનો!!! પણ નીતિ થી હાલવાનો!! , હકે હાલવાનો!! , મારા બાપાએ કીધેલો કે દીકરા ધર્મ તરી જાવાનો!! અધર્મ ડૂબી જાવાનો!!” એમ કહીને સખારામે બે લાખનું બંડલ ઉકાઆતાના મોટા અને નાના બેય દીકરાની વચ્ચે મુક્યું અને બધાં મહેમાનોની સામે હાથ જોડ્યા, ધનીરામ ની આંખમાં તો ઝળઝળીયા પણ આવી ગયાં.

“પણ દાદા એ અમને કાઈ કીધું પણ નથી કે તમને આ બે લાખ આપ્યા છે, દાદા પાસે આટલા પૈસા હતાં એની પણ અમને ખબર નથી તો આ પૈસા કેમ લેવા??” ઉકાદાદા ના મોટા છોકરા સવજીએ કીધું.

“એ તમે જાણો અને તમારો દાદા જાણવાનો, મુને કાઈ ખબર નહિ પડવાનો , મને તો એટલી ખબર પડવાનો કે કોઈનો અનીતિનો પૈસો નહિ લેવાનો , દાદા એ મને બે મહીને પહેલાં આ બે લાખ રૂપિયા દીધેલો તે આજ તો તો દાદો દેવ થઇ ગયેલો એટલે એ પૈસો તમને જ આપવાનો!!” સખીરામે આંખમાં આંસુ સાથે બોલ્યો, અને ધની રામ પણ પણ એક ડૂસકું ભરીને પોતાના સફેદ રૂમાલથી આંખો સાફ કરી.

ઉકાદાદાનું આજે પાણી ઢોળ હતું. પાણી ઢોળ પતાવીને બધાં બેઠા હતાં એમાં સખીરામ અને ધનીરામે બે લાખનું બંડલ કાઢીને આપ્યું. બધાં અવાચક!! એક ભાડુઆત અને એ પણ રાજસ્થાની અને આવી ઉદારતા!!બધાં જ સ્તબ્ધ થઇ ગયાં. ઉકાદાદા ના વેવાઈ વેલા સગા સંબંધી પણ અવાચક થઇ ગયાં. થોડી વાર સહુ કાઈ ના બોલ્યાં. છેવટે ઉકાદાદાનો નાનો દીકરો તળશી બોલ્યો.

“સખી રામ અભી તુમ તુમારે પેસે તુમારે પાસ રખો જબ હમ કો જરૂરત પડેંગી તબ હમ લે લેંગે” બાવા હિન્દીમાં તળશીએ ઠપકાર્યું. સખીરામ અને મૂળ તો રાજસ્થાન બાજુના હતાં એમની બોલીમાં ગુજરાતી અને હિન્દીનો એક ખીચડો થઇ જતો હતો.

“નહીં શેઠજી અભી ને અભી એ પૈસો તુમ્હારે જ રાખવાનો, હમકો જરૂર પડવાનો ત્યારે ત્યારે હમ તુમકો કહેવાનો પણ દાદાએ આપેલો પૈસો અમારી પાસે નહિ રાખવાનો, મારો બાપ એ મને શિખામણ આપેલો જયારે હું બહું છોટો હતો, કે દેખ સખીયા કભી કિસીકા પરાયા માલ નહિ હડપવાનો, કલિયુગ આવવાનો, અધર્મ વધવાનો, ધર્મ તરી જાવાનો, અધર્મ ડૂબી જાવાનો, ધરતી પર હાહાકાર મચી જાવાનો તબ કલ્કી અવતાર આવવાનો, લીલુડે ઘોડલે મારો વાલો આવવાનો અને અધર્મીનો ઘાણીએ ને ઘાણીએ તેલ કાઢવાનો,!! નીતિ થી હાલવાનો!! ભલે ભૂખે સુવાનો પણ કોઈને દગો નહિ દેવાનો એટલે અત્યારેને અત્યારે આ પૈસો તો તમારે જ રાખવાનો,!! તમારો છે ને તમારે રાખવાનો!! બાકી દાદાએ અમને દીકરાની જેમ રાખેલો, દાદા જેવો કોઈ નહિ થવાનો !! દાદો તમને જેટલો યાદ આવવાનો એટલો અમને પણ આવવાનો!!! ધનીરામે પણ આ વખતે હાથ જોડીને બોલ્યો. સખી રામે પણ સુર પુરાવ્યો. છેલ્લે દાદાના બેય દીકરા તળશી અને સવજી એ પૈસા લીધા. આ પૈસા આવવાથી કારજનો ખર્ચ પણ બચી ગયો હતો. જતાં જતાં ઉકાદાદા કારજનો ખર્ચ પણ આપી ગયાં હતાં. પણ બેય ભાયુંને મનમાં થયું કે ઉકાબાપા પાસે આટલી રકમ ક્યાંથી આવી હશે.?? બાપા આ બેયને પૈસા આપતાં ત્યારે પૂછીને જ આપતા, ફોન કરતાં કે ધનીરામ દસ હજાર માંગે છે આપું એને??? સખી રામ વીસ હજાર માંગે છે આપું ?? અને એ પણ એકાદ મહિનો અથવા તો પંદર દિવસ લગણ જ!! પણ આ તો બે લાખ અને એય બે મહિના પહેલાં આપેલા અને હવે તો ઉકાદાદા દેવ થઇ ગયેલાં, કારજેય આજ પતી ગયું ને કોઈને ખબર નોતી તોય આ બેય ભાઈઓ એ આજ પૈસા આપ્યા ત્યારે ખબર પડી કે દાદા પાસે આટલો દલ્લો હશે!! પણ ભાગ્યમાં હોઈ ઈ ક્યાંય ના જાય કયાય એમ બને ભાઈઓ મનમાં હરખાતા હતાં!!

“હોય હોય ભાઈ માણસોય પડ્યા છે ને આ પરથવી પર એનાં કારણે જ વરસાદ પડે છે આવા માણસો છે એટલે જ ધરા ટકી રહી છે, બાકી આપણે હાલીયે ન્યા ખડ પણ ના ઉગે “ જેઠાબાપા એ થાંભલીને ટેકો દઈ ને બેઠેલા ત્યાંથી બોલ્યાં.

“સાવ હાચી વાત હો બાપા આ કળીયુગમાં માણસો સો રૂપિયા હાટુ એક બીજાને છરીયું મારી દે એવા સમાચાર આપણે છાપામાં ક્યાં નથી વાંચતા,?? અરે ભાયું ભાયું પણ ખેતરમાં એક ફૂટ ભો સારું પાળિયા થાય છે, ધારિયા ઉલળે ધારિયા!! તોય કોક આવા સાચકલા માણસ છેને તેને આધારે આ ભરમાંડ ટકી રહ્યું છે બાકી વાતમાં માલ નહિ કે કોઈ તમને ઉછીના લીધેલા પાછાં આપે” ગીગાઆતાએ પણ તાજ સળગાવીને કહ્યું.

“એ મૂળ વાત એટલી કે નીતિ નો પૈસો હોય ને, મહેનતનો પૈસો હોયને ઈ પાછો આવે જ ગઢિયા વરસો પહેલાં કહી ગયાં નસીબમાં હોઈ ઈ મળે મળે મળેજ!! ઠાકરશી આતા એ કીધું ને બધાએ સુર પુરાવ્યો.

“ઈ સાચું હો આતા ખુબ જ સાચું” સહુ વિખરાયા બેનું દીકરીયું પણ જતી રહી, વેવાઈ વેળા ને સગા સબંધી પણ ગયાં. આખી ડેલીમાં બે ભાયું એની બે બાયું અને એનાં ચાર છોકરા વધ્યા અને સાથે આ મકાનમાં ભાડે રહેતાં સખી રામ અને ધની રામ પણ ખરા!!!

સખીરામ અને ધનીરામ એક્જેટ ક્યાંના એ કોઈને ખબર નહોતી પણ એ આ નાનકડા ટાઉનમાં રહેતાં પહેલાં બરાબર વચ્ચે રહેતાં પણ બે વરસથી હાઈવેની અડીને આવેલ આ ઉકાદાદા ના મકાનમાં રહેતાં. ઉકાદાદાની રોડ ટચ વીસ વીઘા જમીન હતી. અને એક ઓશરીએ બાંધેલા હતાં ચાર ઓરડાં અને રોડ સાઈડ બે મોટી દુકાન હતી. આ ટાઉન વિકસી રહ્યું હતું એટલે ભવિષ્યમાં દુકાન હોય તો ભાડે દેવાય એ ઈરાદો બાકી ઉકાઆતાના બેય છોકરા હીરામાં વેલસેટ હતાં અને હવે તો કાપડમાં પણ બખ્ખા હતાં, એટલે દીકરા તો અહી આવે એ વાતમાં કોઈ માલ નહોતો. એક વખત સાંજનું ટાણું અને આ બેય ભાઈઓ આવેલા સાથે એક ઓળખીતા હતાં.

“જે જે દાદા, દાદા આ મકાન ભાડે દેવાનો?? બે મકાન ભાડે રાખવાનો છે એકમાં રેવાનો અને એકમાં માલ ભરવાનો, ભાડું તુમ કહે એટલું આપવાનો પણ આ હાઈવેની નજીક મકાન અવેલોને તે મને સગવડ પડવાનો, હું દવાનો ધંધો કરું છું, અમે જણ અહી રહેવાનો, બારોબાર આવવાનો અને બારોબાર જાવાનો, આપકો તકલીફ પડે તો કહી દેવાનો અમે ખાલી કરી દેવાનો, ભાડો અગાવ લઇ લેવાનો, બોલ દાદા મકાન દેવાનો??”

સાથે આવેલ ગામના ભાઈને ઉકાદાદા સારી રીતે ઓળખતાં હતાં એણે બધી વાત કરી કે આ બને રાજસ્થાની છે. બે જ જણા છે, બૈરા છોકરા રાજસ્થાન રહે છે, મેડીકલની દવાઓ, પાટા, ઈન્જેકશન, અને ગ્લુકોજના બાટલા જથ્થાબંધ વેચે છે સવારે રિક્ષા લઈને માલ વેચવા નીકળી જાય છે સાંજે આવે છે. તમારે બારોબાર રોડ ટચ બે ય દુકાનો આપી દો. ભાડું સારું મળશે.

“મકાન તો દેવાનો છે, બેય દેવાનો છે, પણ મોટા છોકરાકો પૂછના પડેગા તુમ એસા કરો પરમ દિ આઓ તબ તક મેં મોટા કો પૂછ લુંગા” ઉકાદાદા એ તેમની ભાષામાં જ જવાબ આપ્યો. ત્રણ દિવસ પછી છોકરાએ હા પાડી એટલે ધનીરામ અને સખીરામ આવી ગયાં એક દુકાનમાં ભર્યો સામાન એય ને મોટા મોટા કાર્ટુન હતાં અને બાટલા હતાં એકમાં બેય જણાએ ડેરા તાણ્યા. બે ખાટલા, રાજસ્થાની ખાટલો, અને ભરત ભરેલા કડિયા અને રાજસ્થાની પશેડી. થોડાં રાંધવાના વાસણો!! સખીરામ અને ધનીરામ સાથે ઉકાદાદા નો નાતો શરુ થયો. ઉકાદાદા અને સમજુમાં બેય ને સથવારો થયો. શરૂઆતમાં તો સવારમાં પાણી ભરવા આવે સખીરામ, દૂધ પણ લઇ જાય, સમજુમાં શાક પણ આપે જો હાજર હોય તો અને ધનીરામ વાડીની કુંડીએ લૂગડાં પણ ધોઈ નાંખે અને નવ વાગ્યે તો બેય રિક્ષા લઈને ઉપડી જાય તે આવે રાતે આઠ વાગ્યે આવી ને રાંધે ને ખાય અને ઉનાળો હોય તો બહાર ખાટલા નાંખીને સુઈ જાય, હવે તો ક્યારેક ક્યારેક ઉકાઆતા પણ બેસવા આવે. અલકમલકની વાતું પણ કરે.

“દાદા મારો જન્મ થીયોને ત્યારે મારા બાપુએ મને સાકરથી તોલીયો તો હું ખુબ રૂપાળો હતો, મારી માં કહેત કે છોરો ભાગ્યવાન થાવાનો, દુનિયા રખડવાનો !! બાર વરસનો હતો ત્યારથી રખડું છું દાદા પણ નીતિથી હાલવાનો!! ધરમ તરી જાવાનો!!, અધર્મ ડૂબી જાવાનો!! માણસનો વશવા જોઇને કરવાનો નહીતર પેટ ભરીને રોવાનો!!” આવી તુંન્કારવાળી પણ મીઠી ભાષામાં ઉકાઆતાને મોજ પડવા લાગી. એક દિવસ સવારમાં સખીરામ કહે.

“દાદા દાળબાટી ખાવાનો?? તું હું સાંજે બનાવવાનો. દાદા માઈને કહી દેવાનો કે સાંજે નહિ રાંધવાનો સાંજે હું આવવાનો અને સાથમાં આપણે દાળબાટી ખાવાનો” ઉકાઆતા એ સમજુમાં ને કીધું કે સાંજે નથી રાંધવાનું આજે સાંજે સખીરામ અને ધનીરામ રાજસ્થાની વાનગી ખવડાવવાનો છે.

આજ સખીરામ અને ધનીરામ થોડાં વહેલા આવી ગયેલાં, સખીરામે થોડાં છાણા અને લાકડા અને કરગઠીયા કર્યા ભેગા અને જમીનમાં થોડોક એવો ખાડો કરીને કર્યો ભાઠો અને પછી નાંખી એની પર સાંઠીઓ.ધનીરામે પાંચ જાતની દાળ લઈને બાફી નાખીને પછી ચડવા મૂકી.આ બાજુ સખીરમે ઘઉંનો કડક લોટ બાંધીને મોટા ક્રિકેટ બોલ જેવડા દડા બનાવ્યા,અને પછી નાંખ્યા શેકવા અને ઉપર થોડી સાંઠીઓ નાંખી અને માટી વાળી દીધી. આ બાજુ ધનીરામે ડુંગળી, અને ટામેટા નું કચુંબર કરી નાંખી અને સમજુમાંને કીધું એટલે એ દેગરડી ભરીને ઘાટી રગડા જેવી છાસ લઇ આવ્યાં. અને પછી સખી રામ કહે.

“મારો દાદાનો દાદો દાળ બાટીનો કારીગર હતો. ઈ એવી દાળ બાટી બનાવતો કે એક માઈલ સુધી એની સુગંધ ખાતી, જોધપુર અને અલ્વર ના મહારાજ સાહેબ એક વાર દાળ બાટી ખાઈ ગયેલાં તે એણે કીધેલું કે દાદા મારા કુંવરના લગ્ન લેવાનો!! પણ જો તું દાળ બાટી બનાવવાનો તો લગ્ન લેવાનો નહીતર નહિ લેવાનો, કુંવર ભલે પરણ્યા વગર નો રઈ જાવાનો પણ તું રસોઈ નહિ કરવાનો તો લગન પણ નહિ કરવાનો!! પછી મારા દાદા ના દાદાને દયા આવેલી તે એણે ઈ લગ્નમાં ,ખીચડો, દાલબાટી, ચુરમો, લાપશી અને મેસુબ બનાવેલો!! તે ધોળિયા આવ્યાં તા ઈ લગ્નમાં!! ઈ વખતે ઈ ધોળિયા આ દેશમાં રાજ કરતાં તા ને તે એ પણ મોમાં આંગળા નાંખી ગયેલાં, અને એક ધોળીયાએ પૂછેલું પણ કે બોલ દાદા અમારી હારે લંડન આવવાનો?? ન્યા તારે મહારાણીબાઈ સારું દાળબાટી બનાવવાનો, તે મારા દાદાના દાદા એ ના પાડેલી કે ભલો મ્હારો રાજસ્થાન અને ભલે મ્હારો દેશ મારે તો લંડન નહિ જાવાનો ઘણાંએ કીધું કે દાદા તું મોટી ભૂલ કરી ગયેલો તું લંડન ગયો હોત તો પૈસાવાળો થઇ જાવાનો પણ મારા દાદા ના દાદાએ કીધેલુ કે લંડનમાં ધરમ ન મળે!! બધે જ અધર્મ!! કઈ લાજ શરમ નહિને તે ત્યાં નહિ જાવાનો!! ધર્મ તરી જાવાનો, અધર્મ ડૂબી જાવાનો, માણસ જોઇને વશવા કરવાનો બાકી પેટ ભરીને રોવાનો!!!” ઉકાઆતા અને સમજુમા તો નવાઈથી સખીરામની વાત સાંભળી રહ્યા હતાં.

સખીરામે પેલાં દડા બધાં કાઢી લીધાને એક કોથળાથી બધાં દડા સાફ કર્યા ઘસી ઘસીને અને શેકાઈને દડા લાલચોળ થઇ ગયાં હતાં.પછી એ બધી જ બાટી {દડા } ને સખીરામે ઘીમાં બોળી બોળી ને કાઢી લીધાં અને એક ત્રાન્સડામાં ભરી લીધા, આ બાજુ ધનીરામે દાળ પકાવી દીધી હતી. દાળને છેલ્લે મરચા નો વઘાર કરીને વાતાવરણ વઘારમય કરી દીધું હતું અને પછી ચારેય ગોઠવાણાં ફળિયામાં. એક દડો હાથમાં લઈને સખીરામ બોલ્યો.

“જો દાદા આને બાટી કહેવાનો, આને આમ ચોળવાનો, ગરમ હોય ત્યારે જ ચોળવાની મજા આવવાનો!! બાકી ઠરી ગયાં પછી ભિંહ પડવાનો!! અને પછી એનાથી ડબલ દાળ નાંખવાનો!! અને એનાથી ડબલ છાસ પીવાનો!! તો કાઈ નહિ થાવાનો.!! દાદા જો આ ચોખ્ખો ઘી ખાવાનો દાદો અને માઈ સો વરસ જીવવાનો દાદા તને દાળ બાટીમાં ખુબ મજા આવવાનો” આમ કહીને ચારેય જણા દાળબાટી ખાવા માંડ્યા. ધનીરામે સમજુમાને બાટી ચોળી દીધી. ઉકાઆતા ને સ્વાદ ભાવી ગયો, આગ્રહ કરી કરી ને દાળબાટી ખવરાવી. અને પછી તો અઠવાડિયે અઠવાડિયે દાળબાટી મંડી બનવાપછી તો ક્યારેક

“દાદા તારે ચુરમો ખાવાનો,?? દાદા તારે ખીચડો ખાવાનો,?? દાદા તારે લાપશી ખાવાનો?? , દાદા તારે મેસુબ ખાવાનો?? એમ કહી કહીને ઉકાઆતા અને સમજુમાં ને રાજસ્થાનની તમામ વાનગીઓ માંડ્યા ચખાડવા અને આ બાજુ ઉકાઆતા અને સમજુમાંને પણ થઇ ગયો ટેસડો!!

સખીરામ અને ધનીરામ સાથે ઘરોબો વધતો ચાલ્યો. પછી તો ઉકાઆતાના દીકરા આવે તો પણ દાળ બાટી બને. સખીરામ અને ધનીરામને દાદાના દીકરા સાથે જ નહિ પણ દાદાના તમામ સગા સંબંધી સાથે પણ બરાબરની દેશી મળી ગયેલી. લોકો આજુબાજુના પંથકમાં વાત કરવા લાગ્યાં કે ઉકાઆતાને બે નહિ ચાર દીકરા છે. સખીરામ અને ધનીરામ પણ હવે દીકરા જેવા થઇ ગયાં હતાં. એવામાં ઉકાઆતાની મોટી દીકરી હંસા ની દીકરી પરણી ત્યારે સખીરામ અને ધનીરામે એક મોટો કબાટ અને રૂપિયા પાંચ હજારનું મામેરું પણ કરેલ એ વખતે લોક મોઢામાં આંગળા નાંખી ગયેલું કે રખાવટ તો ભાઈ રાજસ્થાનની અને એ વખતે લગ્નમાં પણ દાળ બાટી તો ખરી જ!!

સખીરામ અને ધનીરામ ક્યારેક વેપારમાં પૈસાની જરૂર પડે ત્યારે લઇ જાય વીસ હજાર ક્યારેક ત્રીસ હજાર અને એ પણ મહિનામાં પાછા આપી દે, અથવા તો પંદર દિવસમાં પાછાં આપી દે પણ વ્યાજ પૂરું મહિનાનું આપે, ઉકાઆતા ક્યારેક કહે.

“પંદર દિવસનું વ્યાજ થોડું મારે લેવાય??” ત્યારે સખીરામ એનો જુનો તકિયા કલામ બોલે.

‘દેખ દાદા વ્યવહારમેં ચાલવાનો, વ્યવહાર બારો નહિ જાવાનો, સંબંધ લાખનો વ્યવહાર સવા લાખનો ધર્મ તરી જાવાનો અધર્મ ડૂબી જાવાનો તું વ્યાજ ની લેવાનો તો હું ભી સંબંધ ની રાખવાનો વ્યાજ તો હું આપવાનો જ” અને પરાણે પૈસા આપી દે.

હવે તો સુરત સખીરામ દવા પણ મોકલાવે ક્યારેક છોકરા આવે તો એબે અલગ અલગ બોક્ષ માં અલગ અલગ દવા બાંધીને સમજાવે.

“જો માથા દુખે તો આ ટીકડો લેવાનો,!! એસીડીટી થાય તો આ લાલ ટીકડો લેવાનો!!, આંખ આવે તો આ કેપ્સ્યુલ લેવાનો,!!શરદી થાય તો આ બાટલી પીવાનો,!! દેખ ભાઈ હું પૈસા ની લેવાનો ખોટી માથાકૂટ ની કરવાનો..!! ધર્મ……………………………… જાવાનો…” પછી સગા સંબંધી પણ દવાખાને જ જાતા બંધ થઇ ગયેલાં બધાની ઘરે સખીરામે આપેલી દવા પડી હોય ને ધનીરામ અને સખીરામના માન પાન વધતાં ચાલ્યા. અને એમાં પાણી ઢોળ વખતે જે બે લાખ આપ્યા પછી તો આખા ટાઉનમાં સખીરામ અને ધનીરામ જ થવા માંડ્યું.

ઉકાઆતાનું કારજ પતાવી ને બને ભાઈઓ અને તેનો પરિવાર મુક્ત થયો. સખીરામ અને ધનીરામને ચાવીઓ આપી દીધી આખા ઘરની અને કીધું.

“સખીરામ આખું ઘર તમને સોંપું છું, વાડી અને ઘરનું ધ્યાન રાખજો. વાડી તો ભાગવી આપી દીધી છે આ એક ગાય અને એક ભેંશ છે એને ભાગીયો દોઈ દેશે, અડધું દૂધ તમે રાખજો અને અડધું દૂધ ઈ લઇ જાશે. બાકી તમારે પૈસાની જરૂર પડે તો કેજો જોઈ એટલાં લઇ જાજો અમે હવે બા ને લઇ જઈએ છીએ.

“શેઠ તુમ ચિંતા નહિ કરવાનો, તું સુરતમાં મોજ કરવાનો, માઈ તું અપનો ખ્યાલ રાખજે માઈ તું બહું સાંભરવાનો” સખીરામ ગળગળો થઇ ગયો. પછી દર ત્રીજા દિવસે સખીરામ ફોન કરે કી માઈ તુમ કેસી હો?? , છોકરા કૈસા હૈ??, ધંધે મેં ક્યાં ચલ રહા હૈ?? , ક્યારેક વળી પચાસ હજાર મંગાવે ક્યારેક લાખ પણ મહિનો થાય એટલે તરત જ પાછા. એક વખત તળશી એનાં ભાઈ બંધ સાથે આવેલો અને સખીરામ અને ધનીરામે દાળ બાટી બનાવી એય ને અફલાતુન ને વાત વાતમાં તળશી કહે.

“સખીરામ તું સુરતમેં દાળબાટી કરેને તો બહું ચાલવાનો” તળશી અને એનો ભાઈ સવજી પણ હવે સખીરામની ભાષા શીખી ગયાં હતાં.

“ ના શેઠજી ના મારો દવાનો ધંધો બરાબર છે, એમાં પૈસો મળી રેવાનો!!, પછી ખોટી ઉપાધિ શું કામ કરવાનો??”

‘ પણ દવા કરતાં વધારે પૈસા દાળ બાટીમાં મળવાનો તો ધંધો ફેરવવાનો!!” તળશી એમ ઝટ દઈને છાલ છોડે એવો માણસ નહોતો. એને હવે સુરતમાં દાળ બાટી કરવાનો ચસ્કો લાગ્યો હતો, જો આ સખીરામ માની જાય ને તો સુરતમાં ભાગમાં દાળ બાટી નું ઢાબુ કરવું એવો એમનો વિચાર હતો.

“જો શેઠ દાદો મને દીકરો ગણતાં એટલે હું ખોટું નહિ બોલવાનો પણ આ જથ્થા બંધ દવાનો ધંધો માં જેટલો પૈસો મળે એટલે દાળ બાટી માં ક્યારે ની મળવાનો!!” એમ કહીને પછી સખીરામે બિલ બતાવ્યા જે દવા ૧૦ ની આવતી હતી એ સખીરામ ૪૦ માં વેચતો!! અને અમુક બોટલ MRP ૧૦૦ હોય પણ સખીરામ તો એનાં ૨૦ જ ચૂકવતો. અને આ જોઇને તળશીની દાઢ ગળકી, અને કરી સખીરામને વાત. અને સખીરામે કીધું.

“ જો શેઠ આ તો મારે એક જીલ્લાની એજન્સી છે બાકી બે ત્રણ જીલ્લાની એજન્સી હોય ને ઢગલો રૂપિયો મળવાનો, અમે એમ ને એમ ની રોકાવાનો આ તો ઢગલો રૂપિયા મળે એટલે રોકાઈ જાવાનો” અને તળશી એ કરી સવજીને વાત. અને બેય ભાઈ તૈયાર થયા. વાતચીત થઇ ચાર જીલ્લાની એજન્સી લેવાનું થયું નક્કી અને આપ્યા ચાલીશ લાખ!!

દાદાના બેય ગોડાઉનમાં માલ આવી ગયો. ધનીરામ અને સખીરામ માલ વેચવા લઇ જાય. તળશી હવે ઘરે રોકાય આખો દિવસ સાંજે ધનીરામ આવે ને ક્યારેક ખીચડો બનાવે ક્યારેક દાળબાટી બનાવે અને ક્યારેક વળી ચુરમો બનાવે તો ક્યારે મેસુબ બનાવે એક મહિના પછી સખી રામે ચાર લાખ નફામાં આપતા કયું કે.

“ મારા શેઠીયાએ કેવરાવેલો કે એક દવાની ફેકટરી બંધ પડેલી છે એને શરુ કરવાનો હોય અને ભાગ રાખવો હોય તો તૈયાર રહેવાનો આની કરતાં પણ બમણો નફો મળવાનો!!” તળશી એ બધી વાત કરી. સવજી ચાર ફોર વ્હીલ સાથે ભાઈબંધો લઈને આવ્યો, બધાં સાથે મળીને રાજસ્થાન જવાના હતાં બધાં પાર્ટનર થયા હતાં રૂપિયા દોઢેક કરોડ ભેગા થયા હતાં. સખીરામે બધાને વિગતે વાત સમજાવી ને કીધું કે.

“કાલ સવારે આપણે પાંચ ગાડીમાં સાથે મ્હારે દેશ નીકળવાનો, હું શેઠિયા સાથે મેળવી દેવાનો, તમારે બધું જોઈ લેવાનો, જો નક્કી થાય તો આ પૈસો એને આપી દેવાનો એક ભાઈ ન્યા રોકાવાનો એક ભાઈ આહી રોકવાનો, પણ હકે હાલવાનો!! નીતિ નહિ ચૂકવાનો!! ધર્મ તારી જાવાનો અધર્મ ડૂબી જાવાનો માણસ જોઇને વશવા કરવાનો નહીતર પેટ ભરીને રોવાનો!!”

અને એ રાતે સખીરામે ડેલી બંધ કરીને ફળિયામાં દાળ બાટી બનાવી!! એય ને વઘારેલી દાળ અને ચોખ્ખું ઘી!! કાપેલી ડુંગળી!! કાપેલા ટામેટા!! અને તીખી તમતમતી ચટણ!! દાળ બાટી થઇ તૈયાર પણ સખીરામ કહે.

“ આજ તો મારે વરત હું ને ધનીરામ નહિ ખાવાનો, આજ મારો બાપો અવસાન પામેલો એટલે આજ અમે કશું બી પેટમાં નહિ નાંખવાનો, આજ તો હું તમને પ્રેમથી ખવરાવવાનો. મારો દાદો કેતો કે નીતિથી રહેવાનો!! ધર્મ………………………………………………………………………………….!!!

“અને બધાં એ દાબી દાબીને બાટી ખાધી, સખીરામ ને આગ્રહ કર્યો, પણ એણે ના ખાધી. અને પછી તો બધાયને વહેલા જવું હતું રાજસ્થાન એટલે અમુકે ફળીયામાં જમાવ્યું અને અમુકે ઓશરીમાં ગાદલામાં જમાવ્યું!!!!

બીજે દિવસે સવારે દસ વાગ્યે વાડીનું જેણે ભાગીયું રાખ્યું એણે બધાને જગાડ્યા..!! એતો સવારનો સાદ કરતો હતો પણ બહારથી હતું તાળું!! અને અંદર બધાં સુતેલા તે બિચારો રાડું પાડી પાડીને તુટી ગયો. પણ સુરતવાળા કોઈ જાગ્યાં જ નહિ!! પછી તો એ મોટી નિસરણી લઇ આવ્યો અને વાડીમાંથી વંડી પર અને ત્યાંથી અગાશી પર અને એ નીચે આવીને બધાને જગાડ્યા!! બધાં જાગ્યાં!! બધાનાં માથા દુખતા હતાં!! એક જાતનું ઘેન ચડી ગયું હતું!! સખીરામ અને ધનીરામ પણ નહોતા દેખાતા અને ફાળ પડી!! બધાનાં મોબાઈલ પણ ગુમ હતાં!! તળશી દોડ્યો ઘરમાં તો તિજોરી ખુલી!! પેલાં દોઢ કરોડ પણ નહોતા!! બધાં હાંફળા ફાંફળા થઇ ગયાં હતાં!! બધાનાં પાકીટ ગુમ!! બધી જ ગાડીયું ની ચાવી ગુમ!! ડેલો અંદરથી ખેડ્વ્યો!! બધાં બહાર આવ્યાં બાહર સખીરામ અને ધનીરામને આપેલી દુકાનું ખોલી

દુકાનમાં થોડી ઘણી દવાઓ હતી. પણ એક કાર્ટુનના પૂંઠા પર માર્કર પેનથી હિન્દીમાં આવું લખેલું હતું..

“दादा ना कारजमाँ करेलो बे लाखनो रोकाण, बे करोड़ नौ नफो करावी जावानो

“मानस देखिने वषवा करवानो नितर पेट भरिने रोवानो,!! धर्म तरी जवानो……….!!

પછી તો ટાઉનમાં ખબર પડી એમ માણસો આવતાં ગયાં એમાંથી પણ કેટલાકના પૈસા હતાં કોઈના પચાસ તો કોકના લાખ!! બધાને ભાગ રાખવો હતો, પણ બધાને સખીરામે કીધેલું કે

“કોઈને વાત નહિ કરવાનો!! આ તો તમે સારા માણસ એટલે તમારો એકલાનો જ કામ કરવાનો!!, બીજાનો ની કરવાનો!! છેલ્લા એક માસથી બધાને ધંધા માં ભાગની લાલચ આપીને બેય ભાઈ પૈસા ખંખેરતા હતાં. અને બધાને ગુપ્ત રાખવા જણાવેલું.

આવું કીધેલું એટલે બધાં એ મનમાં જ રાખેલું. ઘણાં ના પૈસા ખોટા થયા. તળશી અને સવજી અને એનાં ભાઈ બંધ પોક મુકીને રોયા હતાં. પોલીસને વાત કરી ફરિયાદ થઇ એક ટુકડી રાજસ્થાન પણ જઈ આવી. પણ ક્યાં ગામના હતાં એ પણ ખબર નહિ અને રાજસ્થાન એવડું મોટુંકે અડધું ભારત રોક્યું હોય!! એમાં ક્યાં ગોતવા.?? પણ તોય બેય ભાઈઓ લગભગ બે મહિના રાજસ્થાનમાં ફર્યા પણ સખીરામ અને ધનીરામ જાણે હવામાં ઓગળી ગયાં. આમેય મસાણે ગયેલાં લાકડાં ભાગ્યેજ પાછાં આવે..!! પણ એક વાત સખીરામ અને ધનીરામ પહેલેથી જ કહેતા પણ એ પ્રત્યે કોઈએ લક્ષ્ય ગયેલું જ નહિ!!!

“માણસ જોઇને વશવા કરવાનો!! નહીતર પેટ ભરીને રોવાનો!!!”

લેખક : મુકેશ સોજીત્રા

શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને દરરોજ મુકેશભાઈની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી