મુકેશભાઈ પાસેથી જાણીએ એમનો સક્સેસ મંત્રા; તેમણે આ ૭ બાબતોને ગાંઠે બાંધી લીધી છે….

આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર ચેરમેન મુકેશ અંબાણીનો જન્મદિવસ છે. આજે તેઓ ૬૨ વર્ષના થયા. સામાન્ય નોકરિયાત વ્યક્તિ જ્યારે ૬૦મું વર્ષ બેસે ત્યારે તેમની નિવૃત્તિનો સમય આવી ગયો એમ માનીને બધી જ માયા સંકેલીને ઘરે બેસીને આરામ કરવાન તૈયારીઓ કરવા લાગે છે અને એમાંય જો સંતાનોના લગ્ન પ્રસંગો આટોપાઈ ગયા હોય તો પછી જાણે જીવનમાં ગંગા નહાયા! પણ મુકેશભાઈની વાત જૂદી છે.


ત્રણ દિવસ પહેલાં જ અમેરિકાની ટાઈમ્સ મેગેઝિને એક યાદી જાહેર કરી છે જેમાં વિશ્વના ટોચના ૧૦૦ પ્રભાવશાળી સેલિબ્રિટી છે જેઓની કમાણી અને નામના આપણે જાણીએ આંખો ફાટી જાય. આ શ્રેણીમાં મુકેશ અંબાણીનું નામ પણ અન્ય ત્રણ ભારતીયો સાથે સામેલ થયું છે. જે ફક્ત એક ગુજરાતી તરીકે નહીં દરેક ભારતીય નાગરિક માટે એ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. તેમની કુલ કમાણી ૪૨.૧ અરબ ડોલર્સ; જેને ભારતીય રૂપિયામાં કહીએ તો ૨૭૧૮ અબજની સંપત્તી આજની તારીકે નોંધાઈ છે. આ યાદીમાં સામેલ થવા અન્ય ભારતીયોમાં અરૂનધતી કાટજૂ અને મેનકા ગોસ્વામીને પણ સ્થાન મળ્યું છે.

વર્ષ ૨૦૧૯ની વિશ્વ પ્રખ્યાત ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં વિશ્વના ૨૦ ટોચના અરબોપતિ સેલિબ્રિટી નામોમાં તેમનું સ્થાન વિશ્વના ૧૩મા સૌથી ધનવાન વ્યક્તિ તરીકે નોંધાયું છે.

આજે મુકેશ અંબાણી, માતા કોકીલા બેન અને પિતા ધીરુભાઈ અંબાણીના મોટા દીકરાનો ૧૯મી એપ્રિલે જન્મ સન ૧૯૫૭ના થયો હતો. નાના ભાઈ, અનિલ તથા બે બહેનો નૈના અને દિપ્તી એમ ચાર સંતાનોમાંથી આજની તારીખે સૌથી સફળ અને વિખ્યાત થયા હોય તો તેઓ છે. પિતાએ કરેલા સંઘર્ષ અને મળેલી સફળતાની ગાથાને તેઓ આદર્શ માને છે. પોતાના જીવનમાં તેમણે પોતે એટલા બધા આદર્શોને અપનાવ્યા છે કે એ દરેક વાતોને આપણે પણ જો સમજીને અપનાવીશું તો ભલે કદાચ મિલિયોર ન થઈએ પણ સફળ જરૂર થઈશું. એ આદર્શોએ તેમને સફળતાના એવા શિખરે પહોંચાડી દીધા છે કે તેઓ દરેક માટે એક માઈલ સ્ટોન સમાન છે.

છેલ્લા કેટલાક સમયથી મુકેશભાઈ એમના પત્ની નીતા અંબાણી, સંતાનો આકાશ, ઇશા અને અનંત સતત વિવિધ રીતે સમાચારોમાં ઝળકતાં હોય છે પરંતુ એક બાબત એવી છે કે કાયમ તેઓ પોઝિટિવ મેટરમાં જ હોય છે. કદી કોઈ પ્રકારની કોન્ટ્રાવર્સી કે નેગેટિવ ટ્રોલ ટ્રેન્ડ તેમના પરિવારે નથી જોયો. સૌને તેમના સોશિયલ પોસ્ટ વાઈરલ કરવા ગમે છે. જાણે આ ગુજરાતી પરિવાર તેમના પોતાના સ્વજન જ હોય એવી લાગણી દરેક ભારતીયને થતી હોય છે.

ભારત દેશના કોઈ એક ઔધોગિક ક્ષેત્રે આગળ આવેલ વ્યક્તિની દીકરી કે દીકરાના લગ્ન પ્રસંગે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચે અને હોલિવૂડ – બોલિવૂડના તમામ સેલિબ્રિટીઝ ત્યાં આવી પહોંચીને જાનૈયાઓની જેમ જાનમાં નાચે અને દીકરીના કાકા – મામા હોય એમ અમિતાભ બચ્ચન અને આમિર ખાન વેવાઈને પીરસીને જમાડે એ દ્રશ્ય આખી દુનિયા આકાશ અને ઇશાના લગ્નમાં નિહાળ્યું. ત્યારે આટલી લોક ચાહના અને સફળતાં મેળવવી સહેલી નથી મુકેશ અંબાણી જીવનમાં એવી કેટલીક બાબતોને ગાંઠે બાંધી લીધી છે જે તેમની સફળતાનું રહસ્ય છે. આવો જોઈએ કેવા સિદ્ધાંતો અને આદર્શો છે.

૧ લક્ષ્ય નક્કી કરીને તેને મેળવવા મહેનત કરો

તેમણે પોતાનું એમ.બી.એ.નું ભણતર અધૂરું છોડવું પડ્યું છે પણ આજે સ્થિતિ એવી છે કે દુનિયાભરના એમ.બી.એ. અભ્યાસમાં તેમના વિશે ચર્ચા થાય છે અને દરેક વિદ્યાર્થીને તેમની કંપનીમાં નોકરી મેળવવાનું સપનું હોય છે.

તેમની પહેલી વાત એ ગાંઠે બાંધવા જેવી છે કે કોઈપણ એક ધ્યેયને નક્કી કરી લો. લક્ષ્ય વગરનું જીવન આમતેમ ભટ્ક્યા કરવા જેવું હોય છે. ધ્યેય વગરની મહેનત કરવાને બદલે એક ચોક્કસ નીતિથી કામ શરૂ કરવું જોઈએ અને અડધેથી મૂકી ન દઈને તેને પાર પાડીને પૂરું કરવું જોઈએ. પછી તે માટે ભલે ગમે તેટલી મહેનત કરવી પડે.

૨ સમસ્યાથી ભાગો નહીં, સામનો કરો

એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે તેમની એક આદત છે કે સમસ્યાથી ભાગવાને બદલે તેનો હિમ્મતથી સામનો કરવો જોઈએ. તેમનું માનવું છે કે સમસ્યાનું મૂળ શોધવા પ્રયત્ન કરવો જોઈએ પછી ભલે તેમાં થોડો સમય લાગે કે મહેનત પડે પણ એકવાર એના વિશેની બધી જ માહિતી મળી જાય પછી તેમાંથી છૂટવું સરળ રહે છે.

૩ અસફળતા એ જીવનનો અંત નથી

અસફળતાથી ગભરાશો નથી. કોઈ કામમાં અસફળ થયા છો તેનો મતલબ એજ છે કે તેમાં તમે કોઈ પ્રયત્નો કર્યા છે. સતત કરાતા પ્રયત્નો ક્યારેય ફોગટ નથી જતા. અહીં કરોળિયાના ઝાળાંનું ઉદાહરણ યાદ કરી લેવાનું મન થાય છે. નાસીપાસ થઈને જીવન ટૂંકાવવા કરતાં મહેનત અને પ્રયત્નો કરવા સારા. દરેક નિષ્ફળતાને આગળ વધવાની તાકાતના રૂપમાં જોતાં શીખી જવું.

૪ વિઝનરી એટલે કે સ્વપ્ન દ્રષ્ટા બનવું

ના શેખ ચીલ્લીના સપના જોવાની વાત નથી. ભવિષ્યને તમે તમારી દ્રષ્ટિએ પારખવાની ટેવ પાડવી જોઈએ. આપણે તેમના પિતાનું જ ઉદાહરણ લઈએ તેમનું એક વાક્ય હતું ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ ત્યારે કોઈને સ્વપ્નેય ખ્યાલ હશે ખરો કે ટૂંક સમયમાં એક એવી મોબાઈલ અને ઇન્ટરનેટની ક્રાંતિ આવશે કે જેને લીધે આખી દુનિયા એક ક્ષણમાં એક બીજાને ફોટોઝ પાણીને મોકલી શકે કે વિડિયો કોલ કરી શકે! તેઓએ પિતાના સપનાઓને સાકાર કરવા અને તેમના આદર્શોને જાળવી રાખવાના તમામ પ્રયત્નો કર્યા છે.

૫ વિનમ્ર વ્યક્તિત્વ જાળવી રાખવું

ગમે તેટલી ઊંચી સફળતા કેમ ન મળે પોતાનું વ્યક્તિત્વ હંમેશા વિનમ્ર હોવું જોઈએ. હસતો ચહેરો ઘણી કપરી મુશ્કેલીઓમાં ઉપાય શોધી શકે છે. આટલી સફળતા અને લોકચાહના મેળવ્યા પછી પણ એક ઉત્તમ દીકરા, પિતા, પતિ અને ભાઈ તરીકે પોતાની તમામ ફરજ બજાવી છે. તાજેતરમાં ભાઈ અનિલને કર મુક્ત કરીને તેમનું દેવું ચૂકવવામાં અધધ નાણાંની મદદ કરી તે એક ઉત્તમ દાખલો છે સમાજ માટે.

૬ સકારાત્મક વિચારો

જીવન હોય કે બિઝનેસ આગળ વધવા અને સફળ થવા સકારાત્મકતાની જરૂર પડે જ છે. તેઓ કહે છે કે તમારી આસપાસ અનેક એવા લોકો મળશે કે તેમની વિચારસરણી નકારાત્મક હોય. પરંતુ તેમને તમારા વિચારો પર ક્યારેય હાવી થવા ન દેવા જોઈએ. નકારાત્મકતા તમને પાછળ લઈ જાય છે.

૭ આવકની ગણતરી

તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશભાઈ અંબાણીએ વર્ષ ૨૦૦૯થી પોતાની આવકને નિયંત્રિત કરી મૂકી છે. તેમણે પોતાનો પગાર સુનિશ્ચિત કર્યો છે. તેઓ મહિનાના ૧૫ કરોડ પગાર પેટે લે છે. જો કે એ પછી પણ તેમની કંપનીએ અનેક નવા આયામો હાંસલ કર્યા છે અને સફળતાના નવા માઈલ સ્ટોન મૂક્યા છે!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ