“વિનોદકુમાર રામશંકર ભાનુશાળી- ડોકટર આવાં પણ હોય”… વાંચો મુકેશ સોજીત્રાની કલમે..

કચ્છ મધ્યેનું એક અંતરિયાળ ગામ!! વસ્તી હશે ત્રણેક હજારની, આજુબાજુના દસેક નાના ગામ વચ્ચેનું એક હટાણાનું ગામ!! ગામની આજુબાજુ ભાગ્યેજ કોઈ ઝાડ હશે. ચારેય બાજુ અફાટ રણ પ્રદેશ અને વાવેતરમાં ક્યાંક ક્યાંક ખજૂરી ના ઝાડ પણ ખરા!! ૨૦૦૧નાં ધરતીકંપ પછી પાણીમાં થોડો વધારો થયો હોય કે જે હોય એ હવે કચ્છમાં કેરી અને દાડમ પણ ઉગવા લાગ્યા છે. નહીતર મુખ્ય પાક માં તો બાજરો અને જુવાર જ ગણાય!!

ગામની મધ્યમાં જ એક બે માળનું જૂનું મકાન!! મકાન આખું લગભગ મલબારી સાગનું બનેલું. સામેજ રામજી મંદિર બે લીમડા આખા ગામનાં ઝાડનું પ્રતિનિધિત્વ કરે!! મકાન ની ચારેય બાજુ પથ્થર નો ઓટલો અને નીચેનું એક બારણું ઓતરાદી કોર્ય પડે!! અને એની ઉપર લાલ ચોકડી કરેલ એક પીળું પડી ગયેલું બોર્ડ જેના પર કાળા અક્ષરમાં એક લખાણ ઉડીને આંખે વળગે એવું!!

“ડો. વિનોદ આર ભાનુશાળી (એમ બી બી એસ)”

નીચે દવાખાનું અને ઉપર રહેઠાણ!! આમ તો ૨૪*૭ ઓપન ફોર ઓલ!! દવાખાનું ખુલ્લું જ હોય!! તમે ગમે ત્યારે રાતે સાદ કરો એટલે ઉપરના માળેથી ડોકટર ડોકાય અને તરત આવે નીચે, અથવા તો મોડી રાત થઇ ગઈ હોય અને ડો. ના જાગે તો તમે ઉપરની બારી પર એક પથ્થર ફેંકો અને ડોકટર નીચે આવે!! ઓફીશીયલ સમય સવારે આઠ થી રાતના આઠ!! વચ્ચે ખાલી જમવા પુરતી રિશેષ!! આજુબાજુના ગામમાં કોઈ ડોકટર નહિ એટલે દર્દીઓની લાઈન લાગે!! અને કસબ કહો તો કસબ અને જશ રેખા કહો તો જશ રેખા!! એક પણ કેસ ડોકટરની ભૂલને કારણે ક્યારેય બગડેલ નહિ!! ડો. વિનોદકુમાર ભાનુશાળીનું નિદાન એટલે લોઢામાં લીટો!! એકદમ સચોટ અને પ્રમાણભૂત!!!

સવારે સાડા સાતે જીવલો આવે અને ઉપરથી ડોકટર આવે અને બારણું ખોલી જાય!!

જીવલાને પૂરી ત્રીસ મિનીટ મળે, એમાં જીવલો સફાઈ કરી નાંખે, પાણી ભરી નાંખે. બહારગામના કેસ લખી નાંખે, ગામ વાળાને તો ધારો જ પાડી દીધેલો કે ગામના કેસ તો અગિયાર પછી જ લેવાશે, બહારગામથી આવેલાને પહેલા લઇ લેવાની પહેલેથી જ સુચના!! ટેબલ ઝાટકી નાંખે!! અગરબતી કરી નાંખે!! અને બરાબર આઠ ના ટકોરાની આજુબાજુ ડો.વિનોદકુમાર નીચે પધારે!!

અત્યારે હવે તો ઉમર થઇ ગયેલી, એંશી વટાવી ગયેલાં, ને તોય ટટ્ટાર ચાલતાં, આંખ પર નાના ચશ્માં, બલ્યુ કોટ અને એકદમ વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં ખિસ્સામાં બે પેન એક લાલ અને બીજી કાળી સાથે ડોકટર નીચે આવે!! આવીને અગરબતી કરી હોય એ છબી સામે દસેક સેકંડ ઉભા રહે અને પછી બહાર બેઠેલા દર્દી સામે જોઈ લે અને કેટલી સંખ્યા છે એનો અડસટ્ટો બાંધી લે અને પછી પોતાની ખુરશી પર બેસે!! ટેબલનું ડ્રોઅર ખોલે ,સ્ટેથોસ્કોપ કાઢે, બીજા ખાનામાંથી એક બેટરી કાઢે અને કાપેલા કાગળના ચોરસ ટુકડા માથે મુકે. બેય પેન ટેબલ પર મુકે અને ટેબલ નીચેથી નાનકડી કચરા ટોપલી કાઢીને સાઈડમાં મુકે અને ટેબલ પર પડેલું ટ્રીગર દબાવે અને કર્કશ અવાજ થાય!! અને જીવલો બારણાં વચ્ચે બેઠો હોય એ નામ બોલે.

“રશ્મિબેન કાનજી ભાઈ” અને એક દંપતી ઉભું થાય બહેનના હાથમાં ત્રણેક માસનું એક બાળક છે અને અંદર જઈને બાળકને ડો. ના ટેબલ પર સુવડાવે. ડો. વિનોદકુમાર પૂછે.

“શું થાય છે બેબીને”?

“સાહેબ ખુબ જ રડે છે, છાની જ નથી રહેતી, દૂધ પણ નથી પીતી. બાળા ગોળી પણ નથી પીતી, બહુ જ રોવે છે” બાળકને ચેક કરીને ડો. બોલે!! અને બહાર બેઠેલાના કાન તૈયાર જ હોય!! ડોકટર બધી વાતે રેડી પણ બોલી કુહાડે કાપ્યા જેવી!! એક ઘાને બે કટકા!! બીજા ડોકટરની જેમ ધીમું તો એ બોલે નહિ, પણ નિદાન પરફેક્ટ અને ફી સાવ વાજબી એટલે લોકો હવે ટેવાઈ ગયાં હતાં.

“જો બહેન છોકરું તો રોવે જ ,એમાં આમ કાઈ હાલી ના નીકળાય, અને આ એનું શરીર જોવો. આને દિવસમાં ત્રણ વાર નવરાવો ને એટલે નહિ રોવે, અને તમેય નહાતા જાવ ન્હાતાં!! આ પ્રભુનાં ખીલેલાં ફૂલ ને તમે નથી નાતા ને એ નથી ગમતું!! હવે એ બોલી તો શકતું નથી એટલે એ રોઈને વ્યક્ત કરે છે!! અને બાળા ગોળી ના પવાય બહુ તમને ખબર છે ?? એમાં અફીણ નો ભાગ પણ હોય!! બીજું એ કે તમે બહારગામ ગયા હોય તો અજાણ્યા ઘરે તમને ઊંઘ આવે?? ના આવે .. બરાબરને એવી જ રીતે આ બાળક પણ બીજી દુનિયામાંથી આવ્યું છે એનું આ પૃથ્વી સાથે એડજસ્ટમેન્ટ ચાલે છે!! જેવું એ આ દુનિયા સાથે સેટ થઇ જશે એટલે રોતું બંધ થઇ જશે!! અને સીમમાં જે કેસુડાં ઉગે છેને એનાથી આને નવરાવો!! તમે એને નવરાશો ને તો ઝડપથી સેટ થઇ જશે, આ બે જાતની ટીકડીયો લો બહુ રોવે ને તો અડધી અડધી પાવી!! લાવો પાંચ રૂપિયાને ચાલો હવે નીકળો” ચપટી વગાડીને ડો. કોલબેલ દબાવે અને પાછો કર્કશ અવાજ થાય અને જીવલો બોલે

“સીદ્ધગીરી બાપુ, મોટી ધારવાળા”

અને મેલા ઘેલા કપડામાં બાપુ આવે અને સાહેબ ની સામે બેસે અને પોતાની તકલીફનું વર્ણન કરે. ડો. બધું સાંભળે ને પછી ટેબલનું સહુથી નીચેનું ખાનું ખોલે અને લીમડાનો એક સાબુ કાઢે અને બાપુને આપીને કહે.

“કોઈ દવાની કે કોઈ દુઆની અસર નહિ થાય, જ્યાં સુધી તમે ઘસી ઘસીને નહિ નાવ ત્યાં સુધી. બાપુ દરરોજ નહાવાનું રાખો. ઘસી ઘસીને ન્હાવ .. સાબુ ઘટે તો અહીંથી લઇ જવા પણ જેમ ઘસાઈ ઘસાઈને ઉજળા થવાય એમ ઘસી ઘસીને ન્હાવાથી નીરોગી પણ રહેવાય. એટલા માટે જ શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનની પૂજા નાહીને જ કરવાની એ બહાને લોકો નીરોગી રહે એ જ હેતુ છે. જેટલું મહત્વ ખાવાનું છે એટલું જ મહત્વ નાવાનું જ છે અને તમારે તો ઝુંપડીની પડખે જ એક કૂવો છે ને એ નહાવા માટે જ છે. જય સીયારામ હાલો નીકળો.” વળી જીવલો બોલે.

“નરોતમ જીવણ” અને નરોતમ જીવણ આવે સાથે એનો સાત વરસનો છોકરો છે. આવીને ડોકટર સામે બેસે છે અને બોલવાનું શરુ કરે.

“સાહેબ આમ તો એક્ચ્યુલી હું સુરત રહું છું. આ તો બાજુનું ગામ મારા મામાનું ગામ એટલે અહી આવ્યો છું અને સાંભળ્યું કે ડોકટર સચોટ નિદાન કરે છે એટલે આવ્યો છું. એક્ચ્યુલી મારે પ્રોબ્લેમ એ છે કે માથામાંથી મારે વાળ ઝડપથી ખરે છે, આગળ તો ટાલ પડી ગઈ છે.ઘણી બધી દવા લીધી. મોટા મોટા એમ ડી ડોકટરને મળ્યો.દુનિયાના સારામાં સારા શેમ્પુ વાપર્યા છે પણ થોડો સમય ફેર પડે પાછા વાળ ખરવા માંડે છે.એક્ચ્યુલી આ પ્રોબ્લેમ છે”

ડોકટર એના વાળ ચેક કરે છે અને તાળવા તરફ જોવે છે અને પછી ડોકટર શરુ થાય છે.

“આ તજા ગરમીને કારણે થાય છે. તીખું તળેલું બંધ કરો એટલે રાહત રહેશે. બાકી આ રોગ વારસાગત છે. તમારા કુટુંબમાં બધાને ટાલ હશે અને આ તમારી સાથે જે છોકરો આવ્યો છે ને એ જો તમારો હોય તો એ મોટો થશે એટલે એને પણ ટાલ પડી જ જશે. વારસાગત ટાલ નો કોઈ ઈલાજ નથી. જો પૈસા ખર્ચવાથી ટાલ મટતી હોય તો સેહવાગ અને જયસુર્યા ટાલીયા ના હોત. એની પાસે તો ઘણાં પૈસા છે એ પૈસા ખર્ચીને ધોની જેવા વાળ વાળા ના થઇ જાય.. એક્ચ્યુલી આ તમારો માનસિક પ્રોબ્લેમ છે. હું તમને આ ટીકડી લખી આપું છું. એમાં વિટામીન છે. ઉપરાંત આ રણ પ્રદેશ આગળ વધતો અટકાવવો હોય તો આમળાનું સેવન કરો. જે ભાગ સફાચટ થઇ ગયો ત્યાં તો વાળ નહિ આવે પણ જ્યાં વાળ છે ત્યાં કશું નહિ થાય. ચાલો નીકળો લાવો દસ રૂપિયા” અને નરોતમ જીવણ ઉભો થાય છે.

“બચું ઉકા” એક નાનકડી છોકરી સાથે બચું ઉકા આવે છે. છોકરી ટેબલ પર બેસે છે અનેબચું બોલે છે.

“સાબ એને ચાર દિવસ પહેલા તાવ આવ્યો હતો એ તો ઉતરી ગયો પણ ગળું આખું ભરાઈ ગયું છે અને ઉધરસ ખુબજ આવે છે. કફ થઇ ગયો છે. તમે ફ્રુટ ખાવાનું કીધું હતું એટલે ફ્રુટ જ ખવરાવ્યું છે.” ડોકટરે છોકરીને ચેક કરીને કીધું.

“કયું ફ્રુટ ખવરાવ્યું હતું??. ત્રણ દિવસમાં તો કફ ખુબ જ વધી ગયો છે.”

“ખલેલા ખવરાવ્યા હતાં. જેટલા ખાવા હોય એટલા. લગભગ બે કિલો ખલેલા ખાઈ ગઈ છે આ છોકરી” બચું એ જવાબ આપ્યો અને ડોકટર વિનોદકુમાર તાડૂક્યા.

“કોડા, અક્કલના જામ. ખલેલા ફ્રુટમાં ના ગણાય. તને સફરજન ,ચીકુ, એવું કીધું હશે. આ ખલેલાને કારણે કફ થઇ ગયો છે. આ લે આ બે બોટલ સવાર સાંજ એક ચમચી પાઈ દેજે અને આલે આ સો રૂપિયા સામે સોમલાની લારીએથી સફરજન લઇ લેજે, અને સાંભળ સફરજન જ લેજે તારી માટે બીડિયું ના લેતો. હાલ ડાંડે પડ ડાંડે””!!

બસ આ રીતે બપોર સુધી ચાલે .અગિયાર વાગ્યા પછી ગામના દર્દી શરુ થાય અને એમાં ડોકટર ની જીભ ઓર ધારદાર થાય.એમાંય કોઈ બહાર સિટીમાં રહેતું હોય ને એ તપાસ કરાવવા આવે એટલે તો ડોકટર ઉતરડી જ નાંખે.

“ચમન તને કોઈ જ રોગ નથી તને આ માનસિક રોગ છે. અને આવા રોગ માં જેટલા પૈસા ખર્ચો એટલા પાણીમાં જાય. ચમન તારા આ બધાં રીપોર્ટ મેં જોયા. મારા રીપોર્ટ કરતાં પણ તારા રીપોર્ટ સારા છે બોલ્ય હવે કાઈ કહેવું છે… તારી તકલીફ એ છે કે તું વધારે પડતો અઢી ડાહ્યો છો. દોઢ ડાહ્યો ચાલે પણ અઢી ડાહ્યો આ યુગમાં ના ચાલે” તારી કોઈ જ દવા નથી હાલ્ય ખુરશી ખાલી કર્ય”

ગમે એમ હોય પણ ડોકટર આટલા વિસ્તારમાં ધન્વંતરી નો અવતાર ગણાતાં. નિદાન પરફેક્ટ હતું. ફી સાવ નજીવી હતી. દવા તો જરૂર હોય એટલી જ આપવાની. અને એક વખત દવા લો તો મટી જાય એની ગેરંટી. અને સહુથી મોટી વાત એક પણ કેસ કે જેણે ડોકટરની દવા લીધી હોય એ બગડ્યો નથી. એક પણ દર્દીનું સારવાર દરમ્યાન મરણ નહોતું થયું. આ એક મોટી વાત હતી. લોકો ને ડોકટરનો સ્વભાવ કોઠે પડી ગયો હતો.

વિનોદકુમાર રામશંકર ભાનુશાળી નું આ વતન નહોતું. એમના પિતા અમદાવાદમાં એક જાણીતા સર્જન હતાં. વિનોદકુમાર જયારે એમબીબીએસ ના ચોથા વરસમાં હતાં ત્યારે કચ્છમાં એક રોગચાળો ફાટી નીકળ્યો હતો. અને એક ડોકટરોનો ટીમ સાથે એ આ ગામમાં આવ્યા હતાં. ગામલોકોની સારવાર કરતાં કરતાં એણે આહીની તકલીફો જાણી લીધી. કોઈ સરકારી ડોકટર અ બાજુ ફરકતું પણ નહિ. એક કાશીમાં હતાં એના પતિ અને સંતાનો મુંબઈ હતાં. લાકડાનો મોટો બિઝનેશ હતો ત્યાં આ ડોકટર જમતા અને જ્યારે રોગચાળો કાબુમાં આવી ગયો અને ડોકટરો જવા તૈયાર થયાં ત્યારે કાશીમાં બોલ્યાં.

“વિનું અત્યારે તો તું જા છો પણ મારું મન કહે છે કે તું અહિયાં જ દવાખાનું નાંખીશ, તને મારું હેત અહી તેડી લાવશે જરૂર.. હું બહુ ભણેલી તો નથી પણ તને જોઇને એમ થાય છે કે આ મલકમાં તારું નામ થશે વીનું!! ગમે ત્યારે આવજે વીનું આ મકાન તને સોંપી દેવા છે. હું તો ખર્યું પાન છું. મારા પતિ અને છોકરા તો મુંબઈ એ કાઈ આવે એમ નથી એટલે ગામના સરપંચ અને મુખીને કઈ દઈશ કે આ મારું મકાન વિનુને આપજો એ દવાખાનું ખોલશે અહી અને બધાની સેવા કરશે.” ડોકટરની આંખો એ વખતે ભીની થઇ ગયેલી. એક મહિનાના કેમ્પ દરમ્યાન કાશીમાએ એને દીકરાની જેમ સાચવ્યો હતો,અને ખાસ તો એને કાશીમાં વીનું કહેતા એ ખુબજ ગમતું.!! બસ પછી તો ડોકટર સિવિલમાં આવી ગયાં.એમબીબીએસ પૂરું થયું અને ઇન્ટર્ન શીપમાં એને કચ્છ નું એ જ ગામ આવ્યું. ઘરે એના પિતાજીને વાત કરી કે હું કાયમ માટે રોકાઈ જઈશ. ઘણો સમજાવ્યા પણ વિનોદશંકર માન્યા નહિ. એ આ ગામમાં પહોંચ્યા એની એક દિવસ અગાઉ જ કાશીમાં નું અવસાન થયેલું. અને વિનોદકુમાર રામશંકર ભાનુશાળી આ ગામમાં રોકાઈ ગયેલા.

ડોકટરની ઉમર વધતી ચાલી. સારી સારી કન્યાઓના માગા આવતાં પણ ડોકટરની એક જ શરત હતી કે જીવનભર આ ગામમાં રહેવું પડશે. શહેરમાં હું આવીશ નહિ. આપણા છોકરા પણ હાઈસ્કુલ સુધી અહીં ભણશે પછી એ એની રીતે છુટા પણ જીવન પર્યંત હું ગામડામાં જ રહીશ. અને ભુજની એક હોસ્પીટલની નર્સ કમળાએ આ શરત સ્વીકારી લીધી અને ડોકટર સાહેબનું દામ્પત્ય જીવન શરુ થયું. કમળાને એણે લેબોરેટરી નું કામ શીખવાડી દીધેલું અને જરૂર પુરતું પોતે પણ શીખી લીધું. આશય એક જ આંગણે આવેલ દર્દીને બીજે ક્યાંય ધક્કો નહિ, પણ જીભ એટલે કુહાડે કાપ્યાં જેવી. એક વખત એભલ ને લોહીનો રીપોર્ટ કરાવવાનો હતો અને ડોકટર સીરીન્જમાં લોહી લેતા હતાં અને એભલે પૂછ્યું. જોકે એનાંથી પૂછતાં જ પુછાઈ ગયું હતું.

“આટલું બધું લોહી લઈને તમે શું કરશો?”

“મારે પીવું છે ને એટલે લઉં છું “ ડોકટરે જવાબ આપ્યો.એભલ કશું જ ના બોલી શક્યો. એ ડોકટરનો સ્વભાવ જાણતો હતો. સહુ કોઈ સ્વભાવ જાણતા હતાં. ગામમાં કોઈ જમણવાર હોય અને સહુ જમતા હોય અને ડોક્ટરને આવતાં જુએ કે તરત જ ડીશ લઈને આડા અવળાં થવા માંડે તોય ડોકટર અમુકને પકડી પાડે અને મંડે ઘચકાવવા.

“:અલ્યા પુનિયા આમ તો તું ચા મોળી પી છો અને અહિયાં ગુલાબ જાંબુ ખાશો. કોડા તને ખબર નથી પડતી કે ડાયાબિટીસમાં ગુલાબજાંબુ ના ખવાય. કાલ્ય તો મારી પાસેથી દવા લઇ ગયો છો હાલ્ય હાલ્ય પેલાની થાળીમાં જાવા દે ગુલાબ જાંબુ અને હાથ ધોઈ નાંખ્ય હાલ્ય. તારે તો ભાતેય નથી ખાવાના. ભાત અને દાળમાં જ વધારે સુગર હોય શું સમજ્યો” ??અને પુનિયા પાસે હાથ ધોવરાવી જ નાખે. અને ડોકટર ની નજર કાનાને જોઈ જાય અને તરત જ કાનાને રિમાન્ડ પર લે.

“અલ્યા કાનીયા તું દુકાળમાં જન્મ્યો હતો?? તારી આ ડીશ તો જો…. કેટલું કેટલું ભર્યું છે???…કોડા ખાવા આવ્યો છો કે ખાતર પાડવા …એક વાત યાદ રાખજે.. આ વસ્તુ પારકી છે પણ પેટ પારકું નથી… જેટલું ભાળે એટલું ખાવાનું ના હોય… જે પચે ઈ જ ખાવાનું હોય અમુક ખાલી જોવાનું હોય… હાલ્ય હવે થાળી મૂક્ય નીચે અને અ બધું વહેંચી દે બધાને..બગાડ ના થવો જોઈએ પાછો…” અને કાનીયાને થાળી ખાલી જ કરવી પડે.

ડોકટરને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો.એ બધાંજ અહીની પ્રાથમિક શાળામાં ભણ્યા અને બાકીનું શહેરની હોસ્ટેલમાં ભણ્યા અને એ બધાં પાછા ડોકટર થયેલા. બધાયના લગ્ન પણ અહી ગામડામાં થયેલા..અને એ વખતે ડોકટરે માંડવાના દિવસે અને જાન આવી એ દિવસે દવાખાનું તો ખુલ્લું જ રાખેલું. એમના સગા સબંધી ડોકટરને અડધા ગાંડા ગણતા અને વાતેય સાચીને ગાંડા હોય ઈ જ આવી સમાજસેવા કરેને ડાહ્યા હોય એ તો પોતાના ઘર ભરે ને!!!

સંતાનો બધાં પરણી પરણીને શહેરમાં સેટલ થઇ ગયાં અને વિનોદકુમાર અને એની પત્ની અહીજ રહી ગયેલાં અને એમાંય દસેક વરસ પહેલાં પત્ની પણ અવસાન પામી. નખમાંય રોગ નહોતો અને ચુંદડી ઓઢીને કમળા લાંબા ગામતરે ગઈ. સહુથી નાના દીકરો જે સુરતમાં ડોકટર હતો એણે એ વખતે કીધેલું.

“પાપા તમેય હવે સુરત આવતા રહો ત્યાં દવાખાનું નાંખજો અને અહિયા જેમ સેવા કરો એવી જ રીતે સેવા કરજો. અત્યાર સુધી તો મમ્મી હતાં હવે એ પણ નથી. તમે સાવ એકલાં પડી ગયાં છો . ઘણી સેવા કરી છે તમે એના પ્રતાપે અમે આજે સારી લાઈન પર છીએ. તમારે જમવાની પણ માથાકૂટ ને હવે સીતેર વરસ તો થયાં તમને” વિનોદકુમારે જવાબ આપેલો.

“બસ અહીંથી પ્રેકટીશ શરુ કરી હતી અને અહીં જ પૂરી થશે..અહી આ જમીનમાં જે મુળિયા નાંખ્યા છે એ હવે અંત સમયે નહિ તૂટે… અને હું જાવ તો આ ગામડાની પ્રજાનું શું થાય..?? મારી કોઈ ચિંતા ના કરીશ..બ્રાહ્મણ નો દીકરો છું રાંધતા તો આવડે જ ને?? ડોકટરનું ભણતો ત્યારે પાંચ વરસ જાતે જ રાંધીને ખાધેલું છે. અને આ ગામમાં શરૂઆતમાં આવ્યો ત્યારે પણ જાતે જ રાંધતો.. એટલે હવે કોઈ ચિંતા નથી. બસ જીવાય એટલી જિંદગી આ ગામડામાં જ કાઢવી છે તમ તમારે ત્યાં સુખેથી જીવો” અને છોકરો નિરાશવદને ચાલી ગયેલો. અને રાબેતા મુજબ જ ડોકટરે પ્રેકટીશને ઉની આંચ ના આવવા દીધેલી.

ચાર પાંચ મહિના પહેલા એક ઘટના બનેલી પછી ડોકટરનો સ્વભાવ થોડો ઘણો સુધરી ગયો એમ ગામવાળાને અને આજુબાજુ વાળાને લાગતું. વાત એમ હતી કે ગામને છેવાડે જુવાનસંગ જાડેજા બાપુનું એક ઘર. ડોકટરને આ જુવાનસંગ સાથે બરાબરની દેશી મળી ગયેલી.ઘરમાં કોઈ બીમાર હોય તો ડોકટર દવા કરે પણ બોલી તો એવીને એવી કરડી જ!! આમ તો ડોકટર કોઈના ઘરે ક્યારેય દવા કરાવવા ના જાય પણ દરબાર ગઢમાં કોઈ બાયું માણસ બીમાર હોય તો વિનોદકુમાર ત્યાં ગઢમાં રૂબરૂ જઈ આવે. જુવાનસંગના એક જમાઈ હતાં રાપર બાજુમાં એ ગામમાં આવેલા અને એનો પુત્ર રમતાં રમતાં વંડી પરથી પડેલો ને તે માથામાં ફૂટ થઇ અને લાવ્યાં દવાખાને. સાથે જુવાનસંગ અને જમાઈ પણ ખરા. ડોકટરે જલદી જલદી ટાંકા લીધાં. જેવા ટાંકા લીધા કે તરત જ છોકરાએ ટેબલ પરથી કુદકો માર્યો અને ડોકટર સ્વભાવવશ બોલ્યાં.

“જુવાનસંગ આ તમારું ભાણેજડું વનાની નું જાળું લાગે છે.હજુ તો ટાંકા લીધા છે ત્યાં જ ટાંકા તોડવા ઉભો થયો છે.આના તો હાથ પગ બાંધો તો મોઢેથી ચાળા કરે એવો તોફાની છે. મોસાળ પર તો નથી ગયો નક્કી એ એના બાપા પર ગયો છે.” અને ખલાસ જમાઈ રાજા ને ખોટું લાગ્યું અને કાળજે જાળ લાગી ગઈ. આમેય ક્ષત્રિય કુટુંબોમાં ભાણું ભા અને જમાઈ ને સાચવવા બહુ પડે નહીતર એ ભુક્કા કાઢી નાંખે. જુવાન સંગ ને પણ લાગ્યું કે આ ખોટું થયું છે. અને ઘરે જઈને જમાઈએ ના કહેવાના શબ્દો કીધા અને ફરમાન કર્યું કે

“હવે ઈ દાકતરને ત્યાં ગઢમાંથી કોઈ દવાખાને જાય તો હું આ ગામનું પાણી ના પીવ, તમે બધાં બીજે જાજો પણ એ બોલીના કોબાડને ત્યાં તો નહિ જ” માંડ માંડ એને શાંત પાડ્યા. ડોકટરને ખબર પડી એ ગઢમાં જઈને જમાઈની માફી માંગી આવ્યા. પણ વાત વટે ચડી હતી. મામલો વધારે ગૂંચવાઈ ગયો. જુવાનસંગ અને ડોક્ટરની ભાઈબંધીમા તિરાડ પડી ગઈ. જેને આખો દિવસ જોયા વગર એક બીજાનો દિવસ ના જાય એવા બે જીગરજાન ભાઈબંધો વચ્ચે એક વટની દીવાલ ચણાઈ ગઈ હતી. ચીનની દીવાલ કરતાં પણ આ વટની દીવાલ પુરાણી ગણાય છે. દરબાર ગઢમાંથી કોઈ હવે દવાખાને આવતું નહિ ૬૦ કિલોમીટર શહેરમાં જતાં પણ આ ડોકટરને કોઈ બોલાવતું નહિ. સમય વીતતો ચાલ્યો.

એક વખત ચોમાસાનો સમય અને બે દિવસથી સતત વરસાદ પડતો હતો. આજુ બાજુ અનરાધાર વરસાદ પડતો હતો. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં હતાં. ગામડાઓ વચ્ચે વાહન વ્યવહાર બંધ હતો. જુવાનસંગ બાપુની સહુથી નાનકડી દીકરી ને સખત તાવ અને તાવ મગજમાં ચડી ગયો હતો.આંચકી પણ શરુ થઇ હતી. હવે રસ્તા જ બંધ એટલે થાય શું?? ગામમાં ડોકટરને ત્યાં જાવાની તો મનાઈ જ હતી. તોય દીકરીની માનો જીવ ના રહ્યો બપોર ટાણે એ દવાખાને આવી ને તાવની ટીકડી લઇ ગઈ કોઈને પણ ખબર પણ ના પડે એ રીતે. ડોકટર વિનોદે બધું પૂછી લીધું. સાંજના પાંચ વાગ્યે ડોકટર સીધાં દરબારગઢમાં ગયાં. જુવાનસંગ અને બીજા ત્યાં બેઠા હતાં. એ આડા પડ્યા.

“તને ભાઈ કોઈએ બોલાવ્યો?? અમારી દીકરી ભલે મરી જાય પણ તારી પાસે દવા નથી કરાવવી.તને સમજણ નથી પડતી.ડોકટરે ઘણી વિનંતી કરીકે તાવ મગજમાં છે દરબાર!! દીકરી ની સામું તો જુઓ.. તમને હજુ ગુસ્સો હોય તો મને બે લાફા મારી લો પણ મારી ફરજ મને પૂરી કરવા દો. હું જ્યારથી આવ્યો છું આ ગામમાં કોઈ કેસ ફેઈલ નથી થયો ફક્ત એક વાર મને તપાસ કરીને દવા કરવા દયો. પણ ડોકટર કલાક સુધી વરસાદમાં પલળતા રહ્યા પણ એકવાર ચડેલો વટ ના ઉતર્યો એ ના જ ઉતર્યો.. ડોકટર નિરાશા સાથે પાછા ફર્યા.

રાતના દસ વાગ્યા અને વરસાદ કહે મારું કામ અને જુવાનસંગની દીકરીને આંચકીઓ ઉપડી અને રોકકળ થઇ. દીકરીનું આખું શરીર તણાય અને રાડો પાડે. ચાર પાંચ દરબારો ડેલીમાં બેઠા હતાં. અને દીકરીની માં ઓશરીમાં મીઠાના પોતા મુકે એમાં ડેલી ખખડી. જુવાનસંગે ડેલી ખોલી.રાતના અગિયાર થવા આવ્યા હતાં. લાઈટ આવ જા આવ કરતી હતી. આકાશમાં વીજળીના કડાકા અને ભડાકા થતા હતાં. ડેલીની સામે ડોકટર વિનોદકુમાર ઉભા હતાં. વરસાદમાં આખા પલળી ગયેલાં હતાં . હાથમાં એક પેટી અને એક હાથમાં ટોર્ચ હતી.આંખોમાં એજ વિનવણી ભાવ હતો કે મને એક વાર તપાસ કરી લેવા દો.

“ભાઈ તને એકવાર ના કીધીને તોય શરમાતો નથી” જુવાનસંગે કરડા અવાજે કહ્યું.

“દરબાર એને આવવા દો દરબાર હું કહું છું એને આવવા દો” લાજ કાઢીને દરબારના ઘરવાળા ફળિયામાં ઉભા હતાં. જુવાનસંગ આઘા ખસી ગયાં. ડોકટર અંદર આવ્યા અને ફટાફટ ઓશરીમાં દોડી ગયાં. થર્મોમીટર કાઢીને તાવ માપ્યો. ફટાફટ બાટલો ચડાવ્યો.બે ટીકડી પાઈ દીધી અને દીકરીનું માથું પોતાના ખોળામાં લઈને માથું દાબવા લાગ્યા અને બોલવા લાગ્યા.

“દીકરી બા તમને કશુય નહિ થાય.. હું બેઠો છું દીકરી બા તમને કશું જ નહીં થાય.. ભરોસો રાખો દીકરી બા” થોડી વાર પછી દીકરીને રાહત થઈ હોય એમ લાગ્યું. ડોકટર ઓશરીની કોરે બેસી ગયાં.એક પછી એક બાટલા ચડતા રહ્યા. દરબારના ઘરનાં બે વાર ચા બનાવી લાવ્યાં. જુવાનસંગ સાથેના દરબારો ડેલીમાં બેઠા રહ્યા અને આ બાજુ ડોકટર એકલા ઓશરીમાં. સવારના ચાર વાગ્યાને દીકરીનો તાવ સાવ ઉતરી ગયો હતો.આંચકી પણ બંધ થઇ ગયેલ હતી. વિનોદ્કુમારની આંખો ચમકી ઉઠી એ ચાલતા થયાં.જુવાનસંગ ઉભા થયાં અને વિનોદકુમાર ને ભેટી પડ્યા અને ડોકટર બોલ્યાં.

“ બસ જુવાનસંગ બસ બધું જ આવી ગયું હવે નહીતર તમને ભેટવાની અબળખા રહી જાત” એમ કહીને ડોકટર સડસડાટ જતાં રહ્યા અને સહુ રાતનો ઉજાગરો હતો એટલે ડેલીમાં ઢાળેલાં ખાટલામાં સુઈ ગયાં. વાતાવરણમાં એક પ્રકારની ગજબની શાંતિ હતી.

આઠ વાગ્યે દરબારો ગઢ આગળ ભેગા થયાં અને જુવાનસંગ એના અવાજ થી જાગી ગયાં આંખો ચોળતાં ચોળતાં પૂછ્યું કે એલા શું થયું???

“ આપણા ગામના દાકતર ગુજરી ગયાં. આપણ ને તો કાઈ ખબર નહિ રાતે તો વરસાદ હતો કહે છે કે રાતના સાત વાગ્યે ગુજરી ગયાં હતાં. રાતે એના છોકરાને ફોન કર્યા હતાં એ બધાં આવી ગયાં છે રાતો રાત તે અત્યારે હવે સ્મશાને લઇ જશે અગ્નિદાહ દેવા” એક વ્યક્તિએ જવાબ આપ્યો.

“હોય નહિ ડોકટર તો રાતના અગિયાર થી ચાર વાગ્યા સુધી અહી બાટલા ચડાવતા હતાં. પૂછો આ બધાને” ડેલીમાં સુતેલા પણ જાગી ગયાં. બધાની આંખો નવાઈ પામી ગઈ હતી. બધાં ફટાફટ દવાખાને ગયાં. માણસોની ભીડ હતી. બધાની આંખોમાં દુઃખ હતું. જીવલા ને પૂછતાં જીવલો એટલું બોલ્યો.

“ડોકટર સાહેબ પલળીને આવ્યા હતાં છ વાગ્યે અને આવીને બબડતા હતાં કે જુવાનસંગ તમે ભારે કરી હો.. કેસ ફેઈલ થશે તો મારા ધોળા માં ધૂળ પડશે ભારે કરી જુવાનસંગ!! દીકરીબાને સાજા કર્યા વગર અને તમને મળ્યાં વગર તો નહિ જાવ જુવાનસંગ.. આ ડોકટરનું વચન છે જુવાનસંગ” અને એ ઢળી પડ્યા અને શ્વાસોશ્વાસ બંધ થઇ ગયાં. ડોકટરનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.. ચાલુ વરસાદે મે આજુબાજુ વાળા ને બોલાવ્યાં. એમના દીકરા દીકરીને ફોન કર્યા અને આખી રાત અમે અહી બેઠા છીએ”

અને જુવાનસંગને એ શબ્દો યાદ આવ્યા જે ડોકટરે એને આજ સવારના ચાર વાગ્યે કીધા હતાં. “બસ જુવાનસંગ બસ બધું જ આવી ગયું હવે નહીતર તમને ભેટવાની અબળખા રહી જાત”

અને દરબાર ગઢ અને ગામમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે ડોકટરે કેવી રીતે દીકરીબાને છેલ્લે છેલ્લે સાજા કરતાં ગયાં. આખું ગામ એમની સ્મશાન યાત્રામાં જોડાયું હતું.

સમાજમાં ઘણાં માણસો રહે છે, કોઈ શહેરમાં રહે તો કોઈ ગામડામાં રહે છે. કોઈ વાડી ખેતરમાં રહે છે તો કોઈ મોટા મોટા બંગલામાં રહે છે પણ ડોકટર વિનોદકુમાર ભાનુશાળી જેવા માણસો બહુ ઓછા હોય છે જે હજારોના દિલમાં કાયમ માટે રહે છે!!

અને આવા રત્નોને કારણે જ પૃથ્વી ટકી રહી છે.

લેખક : મુકેશ સોજીત્રા

દરરોજ મુકેશ સોજીત્રાની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી