લવ મેરેજ – ભાગીને લગ્ન કરવાનું વિચારતા પ્રેમી યુગલ જયારે ઘર છોડીને જાય છે…

“લવમેરેજ”

“આતો કેવી ધમાલ છે?” મેં ગુસ્સાવશ કહ્યું.
ઘણાં સમય બાદ કોઈ વાર્તા લખવાનું મન થયું હતું. કોઈ સારા ટોપીક વિશે વિચારી રહ્યો હતો. એક તો કશું સુઝી નહોતું રહયું ઉપરથી બ્હાર કોઈ રાડારાડ કરવાં લાગ્યું હતું. હું ડેસ્ક પરથી ઉભો થયો અને બારી બહાર નજર નાંખી. ગલીનાં અંધારામાં કશું સ્પષ્ટ તો જોઇ શકાતું નહોતું. ઉપરાંત ટોળે વળેલા લોકો એ રીતે ભેગા થયાં હતાં જાણે ફ્રી ઓફ કોસ્ટ કોઈ ફિલ્મ જોવા મળી હોય. અમાસની આ કાળી રાત્રી મહીં આટલાં અંતર કોઈનો ચહેરો ઓળખવો લગભગ અશક્ય હતું. એક આધેડ વયનો માણસ હાથ જોડી ક્ષમા યાચના કરી રહ્યો હતો. ધ્રુજી રહ્યો હતો. એક લગભગ તેનાંથી અડધી ઉમરનો છોકરો તેને જોરજોરથી પૂછી રહ્યો હતો. એકાએક તેણે પેલા બુઢ્ઢા આદમીનો કાંઠલો પકડી લીધો. ” બોલ ક્યાં છે?” તે ફરી જોરથી પૂછવા લાગ્યો.

અત્યાર સુધી ટોળાથી દૂર ઉભેલી આધેડ વયની સ્ત્રી દોડી અને પેલા લબરમૂછીયા છોકરાના પગમાં પડી ગયી.આ સ્ત્રી પેલા બુઢ્ઢા માણસની સમવયસ્ક લાગતી હતી. કદાચ આ સ્ત્રી તે બુઢ્ઢા માણસની પત્ની હશે. કદાચ તેણે દરેક પરીસ્થિતી એકબીજાનો સાથ આપવા માટે લીધેલા વચનને પાળવા પ્રતિબદ્ધ હોય તેમ પેલા છોકરાના પગમાં પડી ગયા. છોકરાએ જોરદાર લાત ઉગામી બિચારી પેલી સ્ત્રી હવામાં ઉછલતી દૂર પડી ગઇ. તેનો પતી સમસમીને રહી ગયો. એક18-19 વર્ષની છોકરી દોડી અને પેલી સ્ત્રીને ઊભી થવામાં સહાયક થતી અને પાછળ વળીવળીને પેલા દુષ્ટ છોકરાં સામે જોતી રહી. પેલાં છોકરાની પાછળ ઉભેલા એક શખ્સે છોકરાને પકડી રાખ્યો. છોકરો તેની પકડમાંથી છૂટવા મથી રહ્યો હતો. અચાનક પોતાની પકડ છોડાવી તે ઘણાં અપશબ્દોનો વરસાદ કરતાં બોલ્યો. “કોઈ હરામખોરને નહીં છોડું.” *****,**** ફરી થોડી ગાળો બક્યો. “હું કાલ સુધીજ રાહ જોઇશ. 24 કલાક તમારી અને પછી મનેતો 1 કલાકજ કાફી છે. પણ તમે સહન નહીં કરી શકો. એટલે હવે દોડવામાંડો.” તે બોલી અને જાણે નાટક પુરું થયું હોય અને જેમ બધાં ભાગમભાગ કરે તેમ પોતાના 20- 25 જેટલાં માણસોને લઇ ચાલતો થયો. સ્કૂટર, મોટર, રીક્ષા વગેરે એક સાથે રસ્તાની ધૂળ ઉડાડતી ચાલતી બની.

“આ શું હતું?” ઝઘડો હતો એ તો ખબર હતી પણ શેના માટે ઝઘડો હતો તે જાણવા મેં બારીના ખૂણા પાસે ઊભી રહેલી મારી સંગીની અનવીને પૂછ્યું.

“શું કહું, અહાન આ ઝઘડો તો છેલ્લાં બે-ત્રણ દીવસથી ચાલે છે.” અનવી ઈમોશનલ થઈ ગઇ.
“કેમ શું થયું.”મેં કહ્યું

“વાત એમ છે કે આપણાં પાડોશી શાંતી કાકા છે ને? તેનો દિકરો પીયૂષ બાજુની સોસાયટીની કોઈ માનસી નામની છોકરીને લઇને રફ્ફુચકકર થઈ ગયો છે. માનસીનાં કુટુંબીજનો રોજ આવે છે. ગાળો બોલે છે ધમકી આપે છે. તોડ ફોડ કરે છે. બધાં એક નર્કમાં જીવી રહ્યાં હોય તેવી દહેશતમાં જીવે છે. બિચારા શાંતીકાકા નીવૃતીનાં ઉંબરે ઉભા છે છતાં છેલ્લાં ઘણાં દિવસથી ઑફિસે નથી જતાં. બિચારા કોઈને મોં કેમ બતાવે ઈજ્જતદાર માણસ છે. નીતુ પણ સ્કૂલ નથી જતી. એક વાર માનસીના ભાઈએ રસ્તામાં આંતરી અને તેને ખૂબ હેરાન કરી. અને શિશાનું ઢાંકણ ખોલી અને જોરથી નીતુ તરફ શીશાનું પ્રવાહી ફેંક્યું. નીતુની બહેનપણી ઓ હેબતાઈ ગઇ. નીતુ ડરનાં મારે ધ્રુજી રહી હતી. તેનું મુખ સુન્ન પડી ગયુ. તેણે પોતાના ચેહરા પર સર્પશ કર્યો. તેણે આંગળીના ટેરવાને અંગુઠા સાથે ઘસ્યા. નીતુની દ્રષ્ટિ માત્રને માત્ર તેનાં ટેરવાજ જોઇ રહી હતી. હેબતાઈ ગયેલી નીતુ કશુ સમજે ત્યાં તો માનસીનો ભાઈ બોલ્યો ” પાણી છે પાણી. કહીદેજે તારા બાપને કે મારી બહેન શોધી અને મારા ઘરે મુકીજાય સાથે તારા શૂરવીર વીરાને પણ લેતા આવે. અને હા યાદ રાખજે હવે પછી પાણી નહીં હોય.” બિચારી નીતુ.. અનવીએ નિસાસો નાખ્યો.

“ઓહો હદ કરી છે” મે તેને સાંત્વના આપતાં કહ્યું.

અનવીએ અધૂરી રહેલી વાત શરુ કરતાં કહ્યું ” શાંતીકાકાની લાડકી છે નીતુ. ત્યારથી ઘડીને આજનો દીવસ તેઓ નીતૂને કૉલેજ નથી જવા દેતાં. નતો કયાં એકલી છોડે છે. નીતુ જયાં જાય ત્યાં તેની પાછળ શાંતીકાકા અથવા વીણા કાકી પડછાયાની જેમ રહે છે. સતત ભય તેમનાં ત્રણેયનાં માથા પર તાંડવ કરે છે. એક તો દિકરાએ થૂથૂ કરાવી અને નકરે નારાયણ નીતુ સાથે કૈંક અણઘટતું બને તો બિચારા શાંતીકાકા અને વીણાકાકી જીવતે જીવ મરી પરિવારે. પીયૂશે ભરેલા આ એક પગલાંથી નીતુનું શું થશે તે વિચારતો શાંતીકાકાને અંદરને અંદર ખાઇ રહી હતી. કોણ કરશે નીતુ સાથે લગ્ન? આખી જીંદગી લોકલાજે જીવતાં શાંતીકાકા દીવસથી રાત સુધી જાણે કેટલાય લોકોને હાથ જોડતા હશે. કેટલા લોકોના પગમાં પાઘડી ધરતા હશે. જે લોકો એ આજ સુધી શાંતીકાકા પાસે મૂંઝવણનો ઇલાજ માંગ્યો હતો. સલાહ લીધી હતી તેઓ આજ શાંતીકાકાને જીવતાં ન આવડ્યું તેને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ તેવી બેફિઝુલ સલાહ આપી રહ્યાં હતાં.

મોટા ભાગે તો સામેવાળા લોકો માથાભારે હોય શાંતીકાકા સાથે છેડો ફાડવામાજ રાજી હતાં. ભાગ્યેજ કોઈ આ ડોશી પાડોશી તેની સાથે બોલતાં હતાં. અને બોલે તો કટુ વચન જ બોલે. દિકરાનાં એક પગલાંએ માઁ, બાપ અને બહેન બધાનું જીવન નર્ક કરી દીધું અને એતો કયાંક અય્યાશી કરતો હશે. એની પ્રેમિકાનાં બાહુપાશમાં જૂલતો હશે. એની પ્રિયતમાના ગાલ ચુંમવામાં વ્યસ્ત હશે એટલે બહેનનાં ગાલ પર થતાં બોટલોનાં ઘા વિશે પૂછી શક્યો નહીં હોય. માનસીની ઝુલ્ફો વધારે ઘેરી હશે જેથી વીણાકાકી એ નહીં ઓળવેલા વાળ તરફ નહીં જોઇ શક્યો હોય.” અનવી ખરાં દિલથી શાંતીકાકાનું દર્દ અનુભવી રહી હતી.

“તો આ લોકો પોલીસ ફરીયાદ કેમ નથી કરતા. આટલું બધું શું કામ સહન કરે છે?” મે ભાવાવેશમાં પૂછી લીધું.
“એ લોકો દિકરો ગૂમ થયાની પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવા ગયા હતાં ત્યારે ખબર પડી કે તેનો રાજકુમાર ઘર, ગામ અને હાથ બધાંમાંથી ગયો છે. માનસીનાં સ્નેહી જનોને વહેલા ખબર પડી ગઇ હતી. તેથી તેણે પહેલા ફરીયાદ કરી દીધી હતી. શાંતીકાકા પોલીસ સ્ટેશન એકવાર ગયા હતાં હવે પોલીસ રોજ તેમનાં ઘરે આવે છે. ન પૂછવાનાં સવાલો પૂછે છે. તેમનાં કોલ ટ્રેસ કરે છે. ઇંગલિશમાં પેલો શબ્દ નથી entrapment (એનટ્રેપમેન્ટ). એ રીતે હાથકડી પહેરવ્યાં વગર જેલમાં કેદ કર્યા વગર પોલીસ શાંતીકાકાને કેદી હોવાનો એહસાસ કરાવી રહી હતી. માનસી અને પીયૂષનું લોકેશન માંગી રહી હતી. માનસીનાં સ્વજન પણ રોજ આવી દબાણ કરતાં હવે ઇશ્વર જાણે શાંતીકાકાનાં લાડસાહેબે તેમને કોલ પણ કર્યો હશે કે નહીં. પેલાએ પોતાનું લોકેશન આપ્યું હોય તો બિચારા શાંતીકાકા કૈં બોલે ને.” અનવી બોલી.

હું કશો ઉત્તર આપવાને બદલે મારા ડેસ્ક પર આવીને બેસી ગયો. હું વિચાર મગ્ન હતો. મેં મારા હાથ મારા કપાળ પર મુક્યા.
“અહાન, ઓવર થઈ ગયુ?” અનવી બોલી.
મે માથું ધુણાવ્યું.
“તો શું થયું. કેમ આમ બેસી ગયો? શું વાત છે બેબી?” તેણે મારા હાથ મારા કપાળથી દૂર કરી તેનાં હાથોમાં પોરવી લીધાં. “હવે બોલ”

“અનુ, એક વાત અજીબ લાગે છે તને કહું?” મે અવઢવમાં કહ્યું
“બેશક. કહેવાનુંજ હોય ને. You know I’m very tolerant.” તેણે હસતાં હસતાં કહ્યું.
“તારી વાતો પરથી એવું લાગ્યું કે ઘર છોડીને જતા પ્રેમી પંખીડાઓ માટે આ લખવા જેવી story. તેમનાં નાસી છુટ્યા બાદ તેમનાં પરિવાર પર શું વીતે છે. તે વાત સારી રીતે વિચારે અને પછી શોખથી ભાગે. I think આ વાત વાંચ્યા બાદ ઘણાં યુવાનો આવું પગલું ભરતા અચકાશે.” મે કહ્યું
” wow great plot! જલ્દી લખ અહાન” તે આતુરતાવશ બોલી ઉઠી.
“અનુ”
“હં”
“હું એ લખવા માટે લાયક છું? આજથી ચાર વર્ષ પહેલા આપણે દુનિયાનાં સાતમાં પડમાં સંતાય ગયા હતાં. હું પણ તને લઇને ભાગ્યો હતો. હવે મને એ પ્રશ્ન મૂંજવે છે કે જે વસ્તું મે કરી છે એ બીજાંને ન કરવાં માટે હું કેટલો લાયક છું?”

મારી આંખના ખૂણામા ક્યાંક છુપાઈને રહેલું ભેજ બાહર આવવા મથી રહયું હતું.
“હેય! Stupid, તું કેમ આવી વાત કરે છો? આપણે ભાગી ગયા ok પણ આપણે પહેલું કામ શું કર્યું હતું? ઘરે જાણ કરી હતી નઈ કે મસ્તી કરી હતી. આપણે લગ્ન કર્યા તે પહેલા બધાં પાસે માફી માંગી હતી. માંગી હતી કે નહીં. મુખ્ય વાત આજે મારા પપ્પાને તારી અંદર દિકરો દેખાઈ છે. મારા સસરાને હું દિકરી લાગું છું? Right? અહાન પ્રેમમાં સરવાળા થાઈ તે સાચો પ્રેમ બાકી બાદબાકીતો traditional લગ્નમાં પણ થાય છે. ચાલ હવે હું સુવા જઇ રહી છું. good night તું નક્કી કરી લે લખવું છે કે નહીં.” તે બેડરૂમમાં જવાને બદલે ડેસ્કની સામેનાં સોફા પર લાંબી થઈ.

દીવસ ભરની દોડધામથી થાકેલી અનવી થોડી વારજમાં ઘસઘસાટ સુઈ ગઇ હતી. અમાસની રાતમાં પુર્ણ રૂપે ખીલેલા મારા ચાંદનાં ચહેરા પરથી પ્રેરણા લઇ હું લખી રહ્યો હતો.

લેખક : મહેબૂબ આર. સોનાલીયા

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો.

ટીપ્પણી