“બુટલેગર” – મુકેશ સોજીત્રાની આ નવીન વાર્તા વાંચવાની શરૂઆત કરશો તો ક્યારે પૂરી વંચાઈ જશે ખબર જ નઈ રહે..

જનકરાય માસ્તરની ગામમાં આબરૂ સારી. હવે તો નિવૃત થવામાં ત્રણેક વરસ બાકી. ગામને માસ્તર ફાવી ગયાં,ને માસ્તરને ગામ ફાવી ગયું. શરૂઆતમાં પગાર ટૂંકો પણ ગામડાં ગામમાં શાકબકાલુ મફત મળી રહે. વળી એ રહ્યા બ્રાહ્મણ એટલે ઠીક ઠીક પ્રમાણમાં ગોરપદુ પણ મળી રહે ને જ્યારે એ આ ગામમાં નોકરીએ આવ્યા ત્યારે ગામમાં કોઈ ગોર ના મળે. સારા માઠાં પ્રસંગે લોકો બે ગાઉ દૂર જઈને જીવાપરથી ગોર લઇ આવતાં. જનકરાય આવતા એ તકલીફ પણ મટી ગઈ. ગામની વસ્તી હશે લગભગ 1200 માણસની એટલે સત્યનારાયણની કથા, હોમ,હવન, લગ્ન, કારજની વિધિ, પિતૃ દોષ આવું બધું ચાલ્યાં કરે.

શરૂઆતમાં ખાલી ક્રિયા કરમ જ કરતાં પછી તો એ જોવાનું કામ પણ કરવાં લાગ્યા. સંતોષી જીવ એટલે લાંબુ માંગી ના શકે, જેટલું આપે એટલું લઇ લે. સંતાનોમાં પેલા ખોળાની રેખા, પછી ત્રણ વરસ નાનો સંજય અને પછી છેલ્લું સંતાન આરાધના 15 વરસની. ગોરાણી હેમબેન પણ ઘર રખું અને સમજણી નાર. ઘરમાં હોય કે ના હોય ગોરને કશી ખબર પણ પડવા ના દે. વહેવાર બધો સાચવી લે એવી નારી. બાકી જનકરાય કાંતો નિશાળે હોય અથવા કા ગામને ગોંદરે વડીલો સાથે બેઠા હોય, ભાભલાઓ સાથે ગંજી પતે રમે, અથવા તો ગપાટા મારે તે ઠેઠ વાળું ટાણે ઘરે આવે.

શરૂઆતમાં જનકરાય રામજી કરશનનાં મકાનમાં ભાડે રહેતાં. પાંચેક વરસ પછી રામજી ભાઈ સુરત જતા રહ્યાને ઘર ખોરડાં માસ્તરને પાણીનાં ભાવે વેંચતા ગયાં. આમ પાડોશ સારો. નાની એવી ગામઠી શેરીમાં પાકું નળિયા બંધ મકાન, બે માળ, મોટી ફળી, ફળીમાં પીપર,સિતાફળી,અને ચાર લીમડાના ઝાડ. એક ત્રણ રૂમ નીચે અને બે રૂમ ઉપર. જૂનો વલસાડી સાગનું બાંધકામ, સિસમનો દાદર અને ઉપર ભડીયાદી વિલાયતી નળિયા. બાજુમાં જેરામ ઉકાનું મકાન, 80 વિઘાનો ખાતેદાર, એની આગળ આવે બીજલ જીવા અને જાહેર રસ્તો. જનકરાયનાં મકાનની આગળ ટપુ ઘેલાનું મકાન એનો એક નો એક છોકરો પેલાં એનો વિદ્યાર્થી હતો હવે ગામનો દાદો થઇ ગયો હતો!!! – વિઠ્ઠલ..

બધા એને વિઠ્ઠલો વાયડો કહેતાં. ગામમાં વિઠ્ઠલ વાયડાની છાપ માથાભારે. ટપુ આતા કંટાળીને વિઠ્ઠલાને સમજાવે પણ વિઠ્ઠલ એટલે વનાનીનું જાળું કેમેય કરીને સમજે જ નહીં, અને આમેય ટપુ ઘેલાએ વિઠ્ઠલનાં નામનું નાહી નાંખેલું.!! આ વિઠ્ઠલ પોતાની મેળે શહેરમાંથી એક છોકરીને પરણી લાવેલો આ ટપુ આતાને ના ગમ્યું. તે એણે વાડીમાં મકાન કરીને ત્યાં રહેવા ગયાં.અને વિઠ્ઠલ ને આ આખું મકાન સોંપીને સંબંધ જ કાપી નાંખ્યો. હવે વિઠ્ઠલની કઠણાઈ શરુ થઇ. પહેલા તો ખાવાની કાંઈ ચિંતા નહોતી પણ હવે ઘરે ફેશનેબલ અને દેખાવડી બાયડી, એનાં ખર્ચા પણ માપ બહારનાં. એટલે વિઠ્ઠલે શોર્ટ કટ અપનાવ્યો, અને એજ મોટી ભૂલ કરી. વિઠ્ઠલે દેશી દારૂનો ધંધો શરુ કર્યો. ગામમાં પૂરતાં ઘરાક મળી ગયાં. ધંધો ધમધોકાર શરુ કર્યો. આજુબાજુનાં ગામમાં સપ્લાય શરુ કરી.રોકવા ટોકવાવાળું તો કોઈ હતું જ નહિ. જનકરાયે એક બે વખત ટપાર્યો પણ ખરો..

“વિઠ્ઠલ તને આ ધંધો ના શોભે, આમાં કોઈ વેલ્યુ નહિ, આ ગામને બગાડવામાં નિમિત્ત ના બનાય.”
“ગામ પહેલેથી જ બગડેલું છે અદા, હું નહિ વેચું તો કોક બીજા વેચી જાશે, બહારથી લાવશે,અને હું ક્યાં પરાણે સમ દઈને પીવરાવું છું, લોકોને ચળ છેને પીવા આવે છે અદા.”

જનકરાયે ખોટી માથાકૂટ ના કરી. વિઠ્ઠલ હવે રાજદૂતમાંથી બુલેટ પર આવી ગયો. ઘરમાં ફ્રિજ પણ આવી ગયું.વેફર્સ શીંગ અને ચેવડાના પેકેટ પણ રાખવા માંડ્યો. દેશીમાંથી ઇંગલિશ દારૂ વેચવા માંડ્યો. ઘરે જ માણસો પીવા આવવા લાગ્યાં. પોલીસ સાથે હપ્તો ગોઠવાઈ ગયો. આજુબાજુનાં સાત થી આઠ ગામનાં બુટલેગરોને વિઠ્ઠલ માલ સપ્લાય કરતો. બે ભાઠા જેવી મોટર પણ લઇ આવ્યો. રાત પડેને વિઠ્ઠલનો ધંધો શરુ થાય. વિઠ્ઠલ અને તેનો સાગરીત જીવણો બેય ગાડી લઈને દારૂની વહેંચણી કરે અને વિઠ્ઠલની વહુ ઘરે આવે એને આપે અને પાય. જમવાનું પણ મળી રહે ગામમાં થોડો ચણભણાટ થયો પણ સિંહ ને કોણ કહે કે તારું મો ગંધાય છે??

વળી એક દિવસ જનકરાયે વિઠ્ઠલને કહ્યું.
“વિઠ્ઠલ તારો ધંધો તો બરાબર છે પણ આ ઘરે માણસો આવે એ ખોટું આમાં આખી શેરીની અને ગામની આબરૂ નહિ, એ બંધ ના થઇ શકે?”
” અદા એ મારા ઘરે આવે છેને તે શેરીને શું પેટમાં બળે છે?? તમને વાંધો હોય તો હું બંધ કરું, અદા શેરી અને ગામ જાય તેલ લેવા” એ બધા એનું કામ કરીને ચાલ્યા જાય છે. પણ આ ગામ જ ખીલા ઉપાડ છે. મારી અદેખાઈ કરે છે, મને કોઈએ રૂપીયોય બંધવી નથી દીધો કે કોઈએ નથી કર્યો ઉપકાર!!! ” જનકરાય કશું ના બોલ્યા.

પણ ગમે તે થયું, મહિના પછી સ્ટેટની રેઇડ પડી વિઠ્ઠલનાં ઘરે અને વિઠ્ઠલ અને જીવણો તો ડિલિવરી દેવા ગ્યાતા. એની પત્ની ઘરે હતી. પોલીસ બધો માલ લઇ ગઈ ને રાતનો ટાઈમ હતો ને સાથે મહિલા પોલીસ નહોતી એટલે પોલીસે એની પત્નીને કાંઈ ના કીધું. જેવી પોલીસ ગઈ કે વિઠ્ઠલની પત્ની પણ ઘરેણાં રોકડ લઈને ભાગી ગઈ. રાતે ચાર વાગ્યે વિઠ્ઠલ આવ્યો. બધી વાત જાણીને સવારમાં પાછી પોલીસ આવી. છેવટે કઇંક મોટો તોડ થયો. વિઠ્ઠલ જામીન પર છૂટીને ઘરે આવ્યો. રાતે બાર વાગ્યે જનકરાયને લાગ્યું કે કોઈ ડેલો ખખડાવે છે. ઉઘાડીને જોયું તો વિઠ્ઠલ.

“અદા મારે થોડાંક પૈસા જોઈ છીએ, બાઈએ દગો દીધો છે, ઘરમાંથી બધું જ લઇ ગઈ. આડા અવળા પાસેથી માંગી ને લાવ્યો તોય હજુ 40000 ઘટે છે, અદા…. તમારો ઉપકાર ક્યારેય નહિ ભુલુ અદા…. મહેરબાની કરો અદા..ક્યો તો મારૂ ખોરડું લઇ લ્યો. હવેથી હું અવળા કામ નહિ કરું અદા… બસ મને 40000 આપો અદા….. જનકરાયને દયા આવી જોકે ગોરાણીને આ ના ગમ્યું પણ ગોરે વિઠ્ઠલને પૈસા આપ્યા. વિઠ્ઠલ પગમાં પડ્યો. જનકરાયે કીધું કે ભાઈ ભૂલ બધાથી થાય,પણ થયેલી ભૂલ સુધારીલે એ જ માણસ. અને આમેય છેક સુધી જનેતા ને પોતાના જણેલાં પર અને શિક્ષકને પોતાનાં ભણાવેલા પર કાયમ વિશ્વાસ તો હોવાનો જ……!! વિઠ્ઠલ જતો રહ્યો.
ત્રણ દિવસ પછી છાપામાં સમાચાર આવ્યાં
” વિઠ્ઠલ ટપુ પોતાની પત્નીને છરીના ઘા મારી ફરાર” જનકરાય છાપું વાંચીને બોલ્યા ” ભારે કરી”

પાછી ગામમાં પોલીસ આવી. નિવેદનો લેવાયાં. ટપુ ઘેલા વાડીએથી ઘરે પાછા રહેવા આવતાં રહ્યા. વિઠ્ઠલનાં ઉડતા ઉડતા સમાચાર આવતા ગયા કે એ અમદાવાદ છે,કોઈક કહેતું કે સુરત છે, હજુ દારૂનો ધંધો જ કરે છે. ક્યારેક વળી સમાચાર આવે કે મોટી ગાડી લીધી છે, રાજકારણી હારે ભાગ રાખ્યો છે, જનકરાયે મોટી છોકરી અને વચેટ દીકરને પરણાવી દીધા . પેલા 40000 ની યાદ આવતી પણ પાછા મન મનાવતા કે ઓલ્યા ભવના લેણાં હશે બીજું શું… એક વખત એણે વિઠ્ઠલનાં બાપ પાસે ઉઘરાણી કરેલ પણ બદલામાં એને ગાળો મળી..ટપુઆતાએ જનકરાયને ખખડાવ્યા કે હવે ખબર પડી કે તુ એનો ભાગીદાર હતો.. જનકરાય તો આભા જ બની ગયાં!!

સમય સમયનું કામ કર્યે જાય છે. થોડા વરસો પછી ગોરાણી બીમાર પડ્યા. નાની દીકરી આરાધનાના લગ્ન આડે માંડ એક મહિનો હતો. તાલુકે બતાવ્યું તો કહે “કિડનીની તકલીફ છે, અમદાવાદ બતાવો” જનકરાય અમદાવાદ ગયાં. મોટો દીકરો ત્યાંજ હતો.એ એમનું માંડ પૂરું કરી શકતો હતો. સિવિલમાં તપાસ કરાવી તો કહે
“બહેનની એક કિડની ફેઇલ એકમાં ઇન્ફેકશનની શરૂઆત છે.. કિડની બદલાવવી પડે એમ છે”

સાંભળીને જનકરાય તો હેબતાઈ જ ગયાં. હવે આરાધના ના લગ્ન આવી ગયાં. જે કઈ બચત હતી એ પુરી થઇ ગઈ હતી. ઉલટાની શિક્ષકોની શરાફી મંડળીમાં થી પણ પૈસા લીધેલા હતાં.
આશરે ખર્ચો કેટલો થશે? જનકરાય દબાતા અવાજે બોલ્યા.

” અહીં સિવિલમાં તો લાંબો ખર્ચ નહિ થાય પણ વાર લાગે વારો આવતા. તોય એકાદ લાખ થશે. જો તમારે તાત્કાલિક કિડની બદલાવી હોય તો ખાનગી દવાખાને જતાં રહો, ત્યાં ચાર થીપાંચ લાખ થશે.હું તમને ડો શાહનું કાર્ડ આપું છું” એમ કહીને સિવિલ સર્જન જતાં રહ્યા. ધબ દઈ ને જનકરાય બેસી ગયાં હોસ્પિટલની પરસાળ પર. ગોરાણી બોલ્યા ” ગોર તમે દખી થાવમાં. આપણી આરાધનાના લગ્ન સુધી તો મને કાંઈ નહિ થાય. આપણે ત્યાં સુધી દવા લઈએ પછીની વાત પછી..

ગોરે ગોરાણીનાં બેય હાથ હાથમાં લઈને કીધું કે ” ગોરાણી બધું થઇ રહેશે” બેય આમને આમ સાંજ સુધી બેઠા રહ્યા અને દીકરાના આવવાની રાહ જોઈ રહ્યા. સાંજે અંધારું થયું ત્યારે એનો દીકરો આવ્યો. જનકરાયે બધી વાત કરીને નક્કી કર્યું કે આરાધનાના લગ્ન પછી કિડની સિવિલમાં બદલાવવી. ઘેરો નિસાસો નાંખીને હતભાગી જનકરાય સિવિલના પગથિયાં ઉતરતા હતાં, ત્યાંજ વિઠ્ઠલ દેખાણો. એજ અણસાર પણ શરીર વધી ગયેલું. “અદા તમે અહીં ક્યાંથી”?? વિઠ્ઠલ પગે લાગ્યો. અને ગોરાણી સામું જોઈને કહ્યું કે ” માડી તમે તો સાવ સુકાઈ ગયાં”?? ગોરાણીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો.. વિઠ્ઠલે બધી વાત જાણી અને કીધું કે

” અદા મુંજાવ મા તમે તમારો આ વિદ્યાર્થી હજુ બેઠો છે ને તમારે શું ચિંતા… ” વિઠ્ઠલે ખાનગી ડોકટરનું કાર્ડ લીધું ટેક્ષી બોલાવી.. 30 મિનિટમાં બધાં ડોકટર શાહને દવાખાને પહોંચ્યા. સ્પેશ્યલ રૂમમાં જનકરાય અને તેમની પત્નીને રાખીને, જનકરાયનો છોકરો અને વિઠ્ઠલ ડો. ને મળ્યાં..

અડધા કલાક પછી જનકરાયનો છોકરો આવ્યો.” પાપા વિઠ્ઠલભાઈ એ ૫ લાખ એડવાન્સ ભરી દીધા છે, કાલે મમ્મીનું ઓપરેશન થઇ જશે. અને આ એક થેલીમાં બીજા 2 લાખ આપ્યા છે બહેન ના લગ્ન માટે !!!! વિઠ્ઠલભાઈને ઉતાવળ હતી અને મોટું

કામ હતું એટલે એ નીકળી ગયા અને કીધું કે તારા અદા અને માંડીને મારા જય મહાદેવ કહેજે. અને જનકરાય ને પોતાનુ જ બ્રહ્મવાક્ય યાદ આવ્યું. ” જનેતા ને પોતાના જણેલાં પર અને શિક્ષકને પોતાનાં ભણાવેલા પર કાયમ વિશ્વાસ તો હોવાનો જ.

લેખક : મુકેશ સોજીત્રા

દરરોજ મુકેશ સોજીત્રાની અલગ અલગ વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી