“ અને ચકુડી પ્રવાસમાં ગઈ!!!” મુકેશ સોજીત્રાની નવી જ વાર્તા અત્યારે જ વાંચો અને મિત્રો સાથે પણ શેર કરો..

શાળાનાં પ્રાર્થના હોલમાં સન્નાટો હતો. સહુ ઉત્સુકતાથી આચાર્યશ્રીના મુખારવિંદને તાકી રહ્યા હતાં. આચાર્યશ્રી હવે કશુંક કહેવા જઈ રહ્યા હતાં. વિધાનસભાની ચૂંટણી હમણાં જ પૂરી થઇ હતી અને એની સ્પષ્ટ અસર આચાર્ય પર વર્તાતી હતી અને આચાર્યે શરુ કર્યું.

“ શાળાનાં સ્ટાફના ભાઈઓ અને બહેનો!! ભારતનું ભવિષ્ય એવા તેજસ્વી તારલાઓ !! તમે સહુ જાણો છો કે દર વરસે ગુણોતસ્વ આવે છે અને એમાં પ્રવાસના પુરા પાંચ ગુણ હોય છે એટલે દર વરસે આપણે પ્રવાસ કરીએ છીએ એમ આ વખતે પણ પ્રવાસનું આયોજન કર્યું છે. પ્રવાસમાં ઘણું બધું જાણવા જેવું હોય, જોવા જેવું હોય , લેવા જેવું પણ હોય , શિક્ષણમાં પ્રવાસનું ખુબજ મહત્વ છે ,એટલે જ તો આપણામાં કહેવત છે “ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે”!! આ વખતનો આપણો પ્રવાસ દક્ષિણ ગુજરાતનો છે. એમાં વડતાલ , ડાકોર , ગળતેશ્વર ,ફાગવેલ ,મીનાવાડા , પાવાગઢ , સરદાર સરોવર, કબીર વડ, વડોદરા. અને પોઈચા ધામ છે. ત્રણ રાત અને ત્રણ દિવસ માં આ બધું પૂરું થઇ જશે. આવતાં શનિવારે જવાનું છે, જેને આવવાનું હોય એ એના વર્ગ શિક્ષક પાસે નામ લખાવી દે. બારસો રૂપિયા ફી છે. તમારા માં બાપને પૂછી જોજો. પ્રવાસ ફરજીયાત નથી . તમારા મા બાપ કહે તો જ આવવાનું છે . સગવડ હોય તો જ આવવાનું છે. આમ તો તમારા મા બાપ સગવડ વાળા જ છે. એ બીડી ફૂંકવાનું અને ખોટા ખર્ચા બંધ કરી દે એક મહિનો તો પ્રવાસની ફી નીકળી જાય. પણ ઈ બધો તમારો પ્રોબ્લેમ છે. કોઈએ ઘરે જઈને ખોટા ધમપછાડા નથી કરવાના , ઝગડા નથી કરવાના , તમારા મા બાપ સહમત હોય તો જ બાકી અમે પરાણે પ્રવાસમાં નથી લઇ જતાં. કોઈ ઘરે જઈને એમ ના કહે કે અમારા સાહેબે ફરજીયાત આવવાનું કીધું છે. જો કોઈએ અમારું નામ વટાવ્યું છે તો પછી એ અઠવાડિયા સુધી ચાલી નહિ શકે.” આચાર્યશ્રી એ પ્રેરક પ્રવચન પૂરું કર્યું અને બાળકોએ તાળીઓનો ગડગડાટ કર્યો.

ધોરણ છ માં ભણતી ચકુડીની આંખો ચમકી ઉઠી. બે વરસથી તો એના દાદીમાં કહેતા હતાં કે બટા તું હજુ નાની છો છઠ્ઠા ધોરણમાં આવીશને ત્યારે તને જરૂરથી જવા દઈશ. પ્રવાસની વાત સાંભળીને ચકુડી અંદરથી હરખાઈ ગઈ. ઘરે જઈને એને પોતાની દાદીમાં કાળી ડોશીને વાત કરી.

“ મા , મા અમારે આવતાં શનિવારે પ્રવાસમાં જવાનું છે, ત્રણ દિવસ અને ત્રણ રાત, બારસો રૂપિયા ભરવાના છે , હે મા તમે ભરી દેશોને બારસો રૂપિયા?? હું એક રૂપિયો ય નહિ વાપરું મા , અને દિવાળીની મોસમમાં મા આ વખતે હું પણ તમારી સાથે મજૂરીએ આવીશ ને મા એટલે બારસો રૂપિયા તમને વાળી દઈશ !! પણ મા ના નો પાડતા હો !! મારા રૂમની બધી જ છોકરીઓ જાય છે , દીપલી , કાંતુડી , ઉષલી , ભગુડી , જનુડી અને રાધલી રમુ અને કમુડી એ ત્રણેય બહેનો આવે છે.. ફી ભરી દેશોને મા? કાળીમા ના ખોળામાં ચકુડીએ હરખાઈને વાત કરી.

“ જોઈએ છીએ, લગભગ તો મેળ પડી જશે તો તને જવા દઈશ હાલ્ય હવે તું ઝટપટ હાથ ધોઈ લે અને લે આ દાતરડું થોડા બાવળિયાના કરગઠીયાં કાપી લાવ્ય ત્યાં સુધીમાં હું ઘરનું કામ પતાવી લઉં. ચકુડીને દાતરડું આપીને કાળી ડોશી ઘરકામમાં વળગ્યા. જેવી ચકુડી ગઈ કે તરત જ કાળી ડોશીની આંખમાંથી બોર બોર જેવડાં આંસુડા પડ્યા.ઘરમાં મૂળ સો રૂપિયા પડ્યા છે એમાં આ ચકુડી ની ફી કેમ ભરાશે. એણે દીવાલ પર ટીંગાડેલા પોતાના ધણી પાતા ભાભાના ફોટા તરફ જોયું. કાળી ડોશી ને લાગ્યું કે પાતાભાભાનો ફોટો એમ કહે છે કે “બધું થઇ રહેશે, તું ખોટી ચિંતા કર્યમાં”!!

કાળી ડોશી ગામ આખામાં પ્રખ્યાત હતાં. હવે તો કર રહ્યા નથી. બાકી ગામ આખાની સુવાવડ આ ડોશીએ કરેલી છે. એક જમાનામાં આ પંથકના ગામડામાં કાળી ડોશી અને પાતાભાભાનું નામ હતું. પાતાભાભાનો ધંધો શાક બકાલાનો અને ફળ ફળાદીનો અને કાળી ડોશી નો ડીલેવરી કરાવવાનો!! પેલા છ દીકરીઓ પછી સાતમો દીકરો ભરત કાળી માની પેટે અવતર્યો હતો. સાત સાત સંતાનોની સુવાવડ પછી કાળી ડોશી પોતે સુવાવડમાં એક્સપર્ટ થઇ ગયાં હતાં. અરે પોતાની પ્રથમ ડીલેવરી વખતે એ કપાસ વીણતાં હતાં. અને સાંજે ઘરે આવ્યા ત્યારે કપાસનું માથે પોટકું અને હાથમાં છોકરું હતું.!! પોતાની પ્રથમ સુવાવડ એણે પોતાની જાતે કરી હતી. ડીલેવરી વિષે એને એટલું બધું જ્ઞાન આવી ગયું હતું કે સરકારી દવાખાનામાં પણ કયારેક કોમ્લીકેટેડ કેસ હોયને ત્યારે સ્પેશ્યલ એમ્બુલન્સ કાળી ડોશીને બોલાવવા આવતી. પેલા તો કાળી માસી તરીકે જ ઓળખાતા. છેલ્લાં દસ વરસે કાળની થાપટો એવી લાગીકે એ કાળી માસીમાંથી એકાએક કાળી ડોશી થઇ ગયાં!! છ દીકરીઓના લગ્ન કર્યા પછી એકના એક દીકરાને પરણાવ્યો અને પાતાભાભા અવસાન પામ્યા. ભરત અને એની વહુ અંજુ અને કાળીમાં ત્રણ જ વધ્યા. છ બહેન પછી જન્મેલ સાતમો ભાઈ એટલે ચાગલો તો હોય જ !! જ્યાં ચાગલાઈ હોય નયા લખણ ખોટાઈ અને અપલખણ તો આવે જ!! ચાગલાઈ એ અપલખણનું પ્રવેશદ્વાર છે!!

બહુ જ નાની ઉમરે જ ભરતે ભરપુર પીવાનું શરુ કરી દીધેલું. ખાવાનું તો હતું જ!! પછી રમવાનો શોખ થયો.. પીવે એજ જીવે એ એનો જીવનમંત્ર બની ગયો. પાતા ભાભા અને કાળી ડોશીની વેલ્યુ સારી એ પંથકમાં એટલે ભરત પરણી પણ ગયો,પણ પાતા ભાભાની ગેરહાજરીમાં એ બગડીને બેહાલ થઇ ગયો. એની પત્ની અંજુએ એને વારવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ અમુક એન્જીન ઉપરથી જ એવા આવે કે એનામાં જન્મજાત વાયડાઈના વાઈરસ અને અપલખણ ના ડેટા ફીટ જ હોય.. બાય ડીફોલ્ટ.. એટલે એને તમે તો શું કોઈ પણ રીમુવ ના કરી શકે. ક્યારેક કાળી ડોશી એને બરાબરના ખીજાય પણ ખરા.

“એય નપાવટ તારા બાપની ઈજ્જત સામે તો જો, આ પીવાનું બંધ કર્ય અને કમાવાનું શરુ કર્ય, મારી તો જિંદગી જતી રહી પણ આ ફૂલ જેવી તારી બાઈ સામું તો જો , કાલ્ય સવારે તારે નાનું થાશે એનો તો વિચાર કર્ય , નપાવટ, નઘરોળ,!!” પણ ખીખીખીખી કરીને ભરત ઝૂલતો ઝૂલતો ખાટલામાં સુઈ જાય.સાસુ વહુ બેય મજુરી કરે અને દીકરો પીવે એટલે પાતાભાભાએ જે થોડું ઘણું ભેગું કર્યું હતું એ વપરાતું ગયું. દોઢ વરસે આ ચકુડીનો જન્મ થયેલો. હવે તો મારકૂટ પણ થતી. વગર વાંકે મંજુને માર પડતો. પેલી દીકરી આવીને એટલે!! ત્યારે પણ કાળી મા એને કહેતા.

“તારી જેવા દીકરા કરતાં મારે અ દીકરી સારી હો, તું મંજુ ઉપર હાથ ના ઉપાડતો હવે પછી, તારી નજર સામે તારે છ બહેનો છે પણ કોઈ દિવસ ફરિયાદ આવી એની?? ગામ આખાના છોકરાની સુવાવડ મેં કરી બસ છેલ્લે છેલ્લે તારામાં હું થાપ ખાઈ ગઈ છું. તારા જેવા જન્મીને વળી જતાં હોયને તોય સારું” પણ પાછું ખીખીખીખીખી કરીને ભરત હાલતો થાય. ચકુડી બે વરસની થઈ હતી અને એક વખત વગર કારણે મંજુને ઢોર માર માર્યો. કાળી ડોશી આડા પડ્યા તો એને પણ એક બે લાફા આંટી ગયો. સગા દીકરાએ જનેતા પર હાથ ઉપાડ્યો. અને ડોશી ને કાળજે ઘા લાગ્યો. આ ફૂલ જેવી મંજુ આનો અત્યાચાર જીવનભર કેમ સહી શકશે? મંજુને એના પિયર મૂકી આવ્યા અને એના પિતાજીને કહી દીધું.

“ વેવાઈ તમારી દીકરી સંસ્કારી છે, હજુ યુવાન છે, ગમે ત્યાં સારો મુરતિયો જોઇને ફરીથી પરણાવી દયો. મારા ઘરમાં એ બિચારી જીવતે જીવ નરકમાં રહે છે. વેવાઈએ વાત માની અને અંજુને બીજે વળાવી દીધી. બે વરસની ચકુડીને છાતીએ ચાંપીને કાળી ડોશી એટલું જ બોલ્યાં હતાં કે “ બેટા તારા ભવિષ્ય માટે હું આ બધું કરું છું, તારો સગો બાપ દાનવ બન્યો છે તારી અને તારી માતાની સલામતી હવે આ ઘરમાં નથી. શરૂઆતમાં ચકુડી મંજુ પાસે જ હતી. પણ પછી મંજુને એક છોકરાનો જન્મ થયો. નવો ધણી આમ તો બધી રીતે સારો પણ એને આ ચકુડી પ્રત્યે થોડી ચીડ ખરી એટલે વારંવાર મંજુને સંભળાવે “આ પાપ ને જોવ છું ને મને કઈને કઈ થઇ જાય છે. મોટી થાય ત્યારે પરણાવવાની તો આપણે જ ને?? આ નો પાલવે , કાંતો તું એને તારા બાપને ત્યાં મૂકી આવ્ય અથવા તો જ્યાં એ ઉદભવી છે એ કાળી ડોશીને ત્યાં મૂકી આવ્ય “ જમાનો ભલે ફોર જી નો કે ફાઈવ જી નો ચાલતો હોય પણ સ્ત્રી પ્રત્યેનો દ્રષ્ટિ કોણ તો હજુ વન જી રૂપે જ બહાર આવે છે.

અને આ બાજુ એક નાના એવા ઝગડામાં ભરતનું એક રાતે વાડીમાં ખૂન થઇ ગયેલું. કાળી ડોશીની આંખમાંથી એક આંસુ પણ નહોતું પડયું. દીકરા પ્રત્યે એટલી નફરત વધી ગઈ હતી કે વાત્સલ્યનું ઝરણું સુકાઈ ગયું હતું. મહિના પછી કાળી ડોશી મંજુના નવા ઘરે ગયાં અને મંજુના ધણીને કીધું.

“એક કામ કરો આ ચકુને મને આપી દયો. મારે સથવારો રહે.આમેય છ દીકરીઓ મોટી કરી છે એટલે દીકરીને ઉછેરતા સારી રીતે આવડે છે ,બસ એક દીકરાના ઉછેરમાં હું થાપ ખાઈ ગયું છે” આ તો ધોડવું હતુંને ઢાળ મળ્યો. મંજુના નવા ધણીએ તો તરત જ ચકુડીને સોંપી દીધી અને ઉપર ૫૦૦ રૂપિયા પણ આપ્યાં ..એ પણ રાજી થઈને…!! બસ ત્યારથી ચકુડી એની દાદીમાં કાળી ડોશી સાથે જ રહે છે અને હવે તો એ છઠ્ઠા ધોરણમાં પણ આવી ગઈ હતી.. અને હવે આ ચકુડીને પ્રવાસમાં જવું હતું અને બારસો રૂપિયા ભરવાના હતાં…

બીજે જ દિવસે બધાં જ બાળકો નામ લખાવવા માંડ્યા. ચકુડી જેવા સાત છોકરા જ બાકી રહ્યા હતાં .છ થી આઠ ધોરણમાં કે જેના પાપા આટલી બધી ફી ભરી શકે એમ ના હતાં. ચકુડી તોય નિરાશ ના થઇ એને એની દાદીમાં અને ભગવાન પર પૂરો ભરોસો હતો. અને કાળીમાં ની સ્થિતિ કફોડી થઇ. દિવાળી સુધીમાં એણે ૨૦૦૦ બચાવી લીધેલા. છૂટક છૂટક કામ કરતાં બાકી તો થોડા એવા ફળ લઈને અથવા તો બકાલું લઈને એ શેરીમાં બેસતા.એમાંથી ખાધા ખોરાકી નીકળી જતી. પણ તોય અગાઉ ના આયોજન મુજબ શિયાળામાં ચકુડીને પ્રવાસમાં મોકલવાની પૂર્વ તૈયારી રૂપે એણે પુરા ૨૦૦૦ બચાવી રાખ્યા હતાં.પણ એ બધી સો સોની નોટ હતી. એટલે કદાચ વપરાઈ જાય એટલે ગામની એક દુકાને એણે ૨૦૦૦ ની નવી ગુલાબી નોટ લઈને સાડલા ના છેડે બાંધીને ઘરે આવતાં હતાં. રસ્તામાં બાજુની પાડોશી રાધા ડોશી સાથે વાત કરવા ઉભા રહી ગયાં હતાં.અડધો કલાક વાત કર્યા પછી ઘરે આવ્યાને જોયું તો સાડલાને છેડે જે ગાંઠ વાળી હતી એ છૂટી ગઈ હતી અને ૨૦૦૦ ની ગુલાબી નોટ ક્યાંક પડી ગઈ હતી.પછી તો ઘણી ગોતી પણ કશું જ મળ્યું નહિ.

“દાદીમાં કાલ ફી ભરવાનો છેલ્લો દિવસ છે , ફી ભરી દેશોને??”

“ હા બેટા ફી ભરાઈ જશે હો!! તું ચિંતા ના કર્ય , જા રમવા હવે “ કાળી ડોશી બોલ્યાં તો ખરા પણ ૧૨૦૦ રૂપિયા એ ક્યાંથી લાવશે એ ખબર નહોતી.જીંદગીમાં ક્યારેય એણે લાંબો હાથ કર્યો નહોતો.ફરી વાર એને પોતાના ધણીની છબી સામે જોયું, અને ફરી એજ આશ્વાસન મળ્યું.” બધું થઇ રહેશે, તું ખોટી ચિંતા કર્ય છો”

કલાક પછી ચકુડી દોડતી આવી એના હાથમાં એક પાંચસો ની નોટ હતી . એ ઝપાટાબંધ હાંફતી હતી.

“દાદીમાં દાદીમાં આ નોટ મને રસ્તામાંથી મળી. તમને દેવા આવી છું , નિશાળમાં અમને અમારા સાહેબે શીખવાડ્યું છે કે જડેલી વસ્તુ મૂળ માલિકને પાછી આપી અવાય .એ રખાય નહિ.આ લ્યો આ પૈસા અને તમે આજુ બાજુમાં જઈને પૂછી આવો કે કોઈના પાંચસો રૂપિયા ખોવાઈ છે??” કાળી ડોશી તો જોઈ જ રહ્યા.અને તરત જ એ પાડોશીને ત્યાં ગયાં તો ત્યાં ધમાચકડી ચાલુ હતી. રાધામાંના હાથે ૫૦૦ રૂપિયા ખોવાઈ ગયાં હતાં અને એનો મોટો છોકરો રાધા માં ને ખખડાવતો હતો. કાળી ડોશીએ ત્યાં જઈને કીધું.

“ આ જ તમારા પાંચસો રૂપિયા હશે , મારી ચકુડીને રસ્તામાંથી જડ્યા હશે,” બેવડ વળી ગયેલા પાંચસો રૂપિયા લઈને રાધામાને શાંતિ થઇ. બધાનાં જીવમાં જીવ આવ્યો.

“નીતિ નો પૈસો ક્યાંય ના જાય” રાધામાનો મોટો છોકરો જે પાંચ સો રૂપિયા માટે સગી માને ઘચકાવતો હતો એ હવે નીતિનો દીકરો થતો હતો. પછી તો પરાણે રાધામાએ ચા બનાવી અને પીવડાવી. રાધામાના દીકરાની બેય દીકરીઓ પ્રવાસમાં જતી હતી. રાધામાએ કાળી ડોશીની વાત જાણી લીધી કે એની ચકુડી પ્રવાસમાં નહિ જઈ શકે.

શાળાનાં આચાર્ય ગામમાં જ રહેતાં હતાં. ગામમાં રહેતાં આચાર્ય સહુને ગમતાં હોય છે. સવારે આઠ વાગ્યે રાધામાં એ આચાર્ય પાસે જઈને કહ્યું કે.

“સાહેબ એક વાત કહેવી છે જો માનો તો”

“બોલો શું કહેવું છે??” આચાર્ય બોલ્યાં.

“ આ બે હજાર છે એ ચકુડી ફી ના અને એને વાપરવાના, પણ એ કોણે આપ્યાં એ કોઈને નથી કહેવાનું, કાળી ડોશીનો સ્વભાવ હું જાણું છું એ કોઈની પાસે માંગ્યું ક્યારેય ના લે. આમ તો આ એના જ પૈસા છે, દિવાળી ટાણે એની બે હજારની નોટ ખોવાઈ ગઈ હતી, તે ઈ નોટ મે જોઈ હતી પણ પછી પગ દબાવીને હું ઉભી રહી ગઈ. આ એજ નોટ છે સાહેબ એના જ પૈસા છે , પણ અત્યારે હું કહું તો મને શરમ આવે. પણ કાલે મારા ૫૦૦ રૂપિયા ખોવાઈ ગયેલાને તે ચકુડી એ એ પૈસા એની દાદીમાને આપ્યાં અને કહ્યું કે નિશાળમાં એવું શીખવાડે છે કોઈની જડેલી વસ્તુ ના લેવાય. એ જેની હોય એને પાછી આપી દેવાય. આવા સંસ્કાર છઠ્ઠા ધોરણમાં બાળકમાં હોય તો મારે સાઈઠ વરસ થયાં . મારામાં પણ હોવા જોઈએને આવા સંસ્કાર , તમે કાળી ડોશીને ગમે તે રીતે સમજાવી દેશો પણ ચકુડી પ્રવાસમાં જવી જ જોઈએ સાહેબ ,,,, ચકુડી પ્રવાસમાં જવી જ જોઈએ.” આટલું કહીને સજળ નયને રાધામાં જતાં રહ્યા.”

બપોરે સ્ટાફ મીટીંગમાં આચાર્ય બધાને વાત કરી અને કીધું કે આ વાત કોઈને કરવાની નથી. આપણે સ્ટાફ પૂરતી જ છે , અને રાધામાંનું દિલ એક નાનકડી છોકરીએ પીગળાવી દીધું છે અને ૨૦૦૦ રૂપિયા ચકુડી ની ફીના અને પ્રવાસમાં ખર્ચ માટે આપી ગયાં છે. મને એક વિચાર આવ્યો છે હજુ પણ છ જણા છે કે જેમની ફી આવી નથી અને આવે એમ પણ નથી, આપણે છે વ્યક્તિઓ એક એક નો ખર્ચ ઉઠાવી લે તો?? એક નાનકડી છોકરીની પ્રામાણીકતા થી મને આ વિચાર આવ્યો છે. આમ તો દર વખતે આપણા સીઆર આપણા ઉપલા અધિકારી ભરે જ છે… પણ જ્યારે ભગવાન આપણા સીઆર ભરશે તો શું લખશે?? કોઈ એવું કામ તો હોવું જોઈએને કે ભગવાન ને સીઆર ભરતી વખતે કામમાં આવે!! માનવતા અને દયા આ બે કામ એવા છે કે ભગવાન અંતકાળે આપણા સી આર ભરશે ને ત્યારે કામ આવી શકે!! કોઈના ચહેરા પર આપણે નાનકડું સ્મિત લાવી શકીએ ને તો આ ભવ તો સુધરે પણ આવતો ભવ સુધરી જતો હોય છે. આચાર્યે વાત કરી અને સહુ સહમત થયાં . તમામ બાળકોની ફી ભરાઈ ગઈ. કાળી ડોશીને ત્યાં જઈને આચાર્યશ્રી કીધું કે ઉપરથી સરકારે પૈસા આપ્યાં છે . તમારી દીકરી હોંશિયાર ખરીને!!

અને ચકુડી પ્રવાસમાં ગઈ!!!. સહુથી વધારે આનંદ ચકુડીને અને પેલા છ બાળકોને હતો કે જેના માં બાપ ફી ભરી શકે તેમ નહોતા. પણ શિક્ષકો અને આચાર્યને પણ સવિશેષ આનંદ હતો કે આજ તેઓ પરિપત્ર બહારની એક સારી વસ્તુ કરી રહ્યા હતાં. રાધામાને આનંદ હતો કે પોતે એક પાપ કર્મમાંથી બચી ગયાં હતાં. જડેલા પૈસા મૂળ માલિક પાસે હતાં. અને પ્રવાસ ઉપડ્યો અને કાળી ડોશી ચકુડીને બસમાં બેસારીને ઘરે આવ્યા ને ત્યારે હરખના આંસુ સાથે એણે દીવાલ પર એમના ધણી પાતા આતાની છબી સામે જોયું. છબી જાણે કહેતી હોય એમ લાગ્યું . : “હું નહોતો કેતો કે બધું થઇ રહેશે, તું ખોટી ચિંતા કરતી હતી”!!!

લેખક :-મુકેશ સોજીત્રા

દરરોજ મુકેશ સોજીત્રાની વાર્તા તમારા ફેસબુક પર મેળવવા માંગો છો તો લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી