સમજણભર્યો શબ્દ સોરી – સોરી શબ્દની અસર ખૂબ જાદુઈ છે એકવાર ટ્રાય કરી જુઓ…

સમજણભર્યો શબ્દ ‘‘‘સોરી’’’

આપણે એવા સમાજમાં રહીયે છીએ કે જ્યાં સામાજિક મૂલ્યોનું મહત્વ ખૂબ વધારે આંકવામાં આવે છે. આપણે આપણા સામાજિક ધોરણોનું સન્માન કરવું જોઇએ. આપણા વાણી, વર્તન અને વ્યવહારમાં ખૂબ જ કાળજી રાખીને જીવવું પડે છે. તે સિવાય લોકોને આપણાથી તકલીફ ન પડે તેનું પણ ખાસ ઘ્યાન રાખવું પડે છે. ક્યારેક રસ્તા પર ચાલતા હોઇએ કે વાહન લઇને નીકળ્યા હોઇએ તો કોઇને અડી જઇએ કે વાહનથી ટકરાઇ જઇએ તો તરત ગુસ્સો કરવો કે બોલાચાલી કરવી તે સભ્યતા નથી. આવા સમયે મોંમાંથી જો ‘‘સોરી’’ જેવો શબ્દ નીકળે તો ઘણીબધી વધતી બાબતોને અટકાવી શકાય છે. સમાજમાં રહીને મેનર્સ અને એટીકેટ્સ એ બે શબ્દોને વ્યવહારમાં શામેલ કરવા ખૂબ જરૂરી છે. સાથે જ ‘‘સોરી’’ જેવો શબ્દ જો જીવનમાં એન્ટ્રી કરી લે, તો તમે દરેક સંબંધને સાચવવામાં સફળ બની શકો છો.

આપણે આપણા સંબંધમાં ખૂબ જ વ્યવહારલક્ષી બની ગયા છીએ. માફી માગવાથી બે વ્યક્તિના સંબંધનું જોડાણ થાય છે. સાથે જ માફી માગનાર વ્યક્તિને સુધરવાની એક તક પણ મળે છે. માફી માગવા માટે લાંબો સમય સુધી ફરીયાદો કરવી, માન માંગવાની જરૂર પડતી નથી. તમે જો મન-હૃદયથી ‘‘સોરી’’ કહી દો તો તેની અલગ જ અસર થશે. સામેવાળી વ્યક્તિને તમારી ‘‘સોરી’’ કહેવાની પદ્ધતિ પરથી ખ્યાલ આવી જશે કે તમે ખરેખર પસ્તાઇ રહ્યા છો.

‘‘સોરી’’ જેવો શબ્દ બોલવામાં વિચારવું જોઇએ નહીં. જો કોઇની લાગણી દુભાવી હોય કે તમારાથી કોઇ નારાજ થયું હોય તો આ નાનકડા શબ્દનો પલકવારમાં ઉપયોગ કરીને સંબંધને સુધારી લેવો જોઇએ.‘‘સોરી’’ શબ્દની અસર ખૂબ જાદુઇ છે. જ્યારે કોઇ નાનામાં નાની ભૂલ માટે પણ ‘‘સોરી’’ કહેવામાં આવે તો ‘‘સોરી’’ કહેનારી વ્યક્તિનું માન વધી જતું હોય છે. મિનિટ પણ ન લાગે તેવો શબ્દ બોલતાની સાથે જ ઘણીવાર તો વર્ષોના બગડેલા સંબંધો પણ સુધરી જતા હોય છે.

જોકે ઘણા એવા લોકો પણ હોય છે જે ફક્ત કહેવા માટે ‘‘સોરી’’ કહી દેતા હોય છે, પણ તેમને ‘‘સોરી’’ કહેવા પાછળ પોતાની ભૂલનો પસ્તાવો પણ હોતો નથી. આવા લોકો ‘‘સોરી’’ બોલે તેના કરતા પોતાની ભૂલનો સ્વીકાર કરી લે તે વધારે યોગ્ય રહે છે.આ રીતે ‘‘સોરી’’ કહેવા પાછળ ઘણા લોકો ફકત સંબંધને સાચવી રાખવામાં માને છે.

એક સમય એવો પણ હતો કે જ્યારે બે મિત્રો કે પતિ-પત્ની કે પછી કોઇપણ સંબંધમાં મનદુખ થતું તો લોકો તેને સાચવી રાખવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી છૂટતા હતા. જોકે તે સમયે ફક્ત ‘‘સોરી’’ શબ્દ જ નહોતો. લોકો લાગણી અને પસ્તાવાથી સમજી જતા હતા કે વ્યક્તિના મનમાં શું છે. તે સિવાય પત્ર લખવામાં આવતા અને હૃદયસ્પર્શી શબ્દો દ્વારા ભૂલની માફી માગીને સામેવાળી વ્યક્તિને મનાવવામાં આવતી હતી.હવે તો લોકોને ભૂલનો અહેસાસ હોય કે ન હોય ફક્ત ‘‘સોરી’’ શબ્દ કહીને છૂટા પડી જાય છે.જ્યારે તમે કોઇપણ વ્યક્તિને ‘‘સોરી’’ કહો ત્યારે તે શબ્દ કહેતી વખતે સામેવાળી વ્યક્તિને અહેસાસ થવો જોઇએ. કહેવાય છે કે જેમ સમય બદલાઇ રહ્યો છે, તેની સાથે સાથે હવે બધુ સહજ થવા લાગ્યું છે. લોકો તરત જ ‘‘સોરી’’ કહેવા લાગ્યા છે પણ કેટલાક લોકોને સાચે જ તેનો અહેસાસ હોતો નથી. ‘‘સોરી’’ શબ્દનો સાચો અર્થ જાણ્યા વિના જ લોકો ફક્ત સંબંધ ન બગડે તે માટે તે બોલી દેતા હોય છે. ફક્ત ‘‘સોરી’’ જ શું કામ હવે તો લોકો ‘આઇ લવ યુ’ પણ એમ જ બોલી દેતા હોય છે. આ શબ્દો બોલવા પાછળનો અર્થ અને જવાબદારી શું હોય છે, તે ઘણા ઓછા લોકો સમજી શકે છે. કોઇપણ વ્યક્તિ પોતાની ભૂલનો સ્વીકાર દિલથી કરી રહ્યું છે કે નહીં તેની સાચી ખબર તેના આંખના ભાવ પરથી પડી જાય છે. સામેવાળી વ્યક્તિ જે રીતે ‘‘સોરી’’ કહે ત્યારે તે પોતાના મનનો ભાર તો હળવો જ કરી દે છે, પણ સાથે જ સામેવાળા વ્યક્તિના મનને પીગળી જવા પર મજબૂર કરી દે છે. ઘણી વ્યક્તિઓ ગુસ્સામાં પણ ‘‘સોરી’’ કહેતી હોય છે. જેમકે ક્યારેક માતા-પિતા સાથે કોઇ વાતને લઇને ખટરાગ થયો હોય, મિત્રો સાથે બોલાચાલી થઇ હોય, તો આવા સંબંધમાં ગુસ્સામાં કહેલું ‘‘સોરી’’ પણ સામેવાળી વ્યક્તિ સ્વીકારી લેતી હોય છે. કારણકે તેમાં ફક્ત ‘‘સોરી’’ શબ્દ જ હોતો નથી પણ સાથે જ ‘‘સોરી’’, ભૂલ થઇ ગઇ; હવે ફરી આવું નહીં કરું; જેવા મૌન સંવાદો પણ સામેલ હોય છે.

આઇ એમ ‘‘સોરી’’ કહેવું શાલીનતાનું પ્રતીક ગણાય છે. જોકે અહીં એક વાત એ પણ સ્પષ્ટ કરી દઉં કે જે લોકો વધારે પ્રમાણમાં પોતાની ભૂલ હોય કે ન હોય તેનો સ્વીકાર કરતા રહે તો તેમનું મનોબળ નબળું પડવા લાગે છે. તેઓ વારંવાર એકસરખી ભૂલ કરે છે અને ‘‘સોરી’’ કહેતા રહે છે. વારંવાર માફી માગવાથી ઇમેજ પર પણ અસર પડે છે. આ પ્રકારની માનસિકતા અલગ હોય છે, તેઓ વિચારે છે કે તેમની ભૂલોના કારણે તેમના મિત્રો, સંબંધીઓ નારાજ થઇ શકે છે. તેઓ હંમેશા પોતાની ભૂલને લઇને સતર્ક રહે છે. તેમનામાં સુધારો થવાની શક્યતા ઓછી દેખાય છે.

‘‘સોરી’’ જેવો સંબંધને સુધારવામાં મોટો ગણાતો શબ્દ હવે ખૂબ સામાન્ય બની ગયો છે. લોકો ‘‘સોરી’’ તો કહી દે છે પણ પોતાની ભૂલ સમજી શકતા નથી. આજની યુવા પેઢીમાં ‘‘સોરી’’ શબ્દ રોજીંદા જીવનનો ભાગ બની ગયો છે. જ્યાં ‘‘સોરી’’ શબ્દ ખૂબ જ સરળતાથી સાંભળવા મળે છે.યુવા પેઢી ‘‘સોરી’’ શબ્દ કહી દે છે અને સમજી લે છે કે તેમણે પોતાનું એક કામ પૂરું કરી લીધું. જેનાથી ‘‘સોરી’’નું મહત્વ હવે ઓછું થતું જોવા મળી રહ્યું છે. જોકે તેમાં આ યુવા પેઢીની કોઇ ભૂલ નથી. જે પણ બની રહ્યું છે, તેમાં ઉછેરનો સૌથી મોટો ફાળો છે. જો તેમને માબાપ દ્વારા જ માફી કે ‘‘સોરી’’ શબ્દનો સાચો અર્થ સમજાવવામાં આવે તો તેમને સાચી વાતનો ખ્યાલ આવી શકે છે. વડીલોએ જ બાળકોને ‘‘સોરી’’નો સાચો અર્થ સમજાવવો જોઇએ. ઘરમાં જો ભૂલોનો સ્વીકાર અને પસ્તાવો થાય તેવું વાતાવરણ ક્યારેક રહ્યું હોય, તો બાળક માફી માગવી કે નહીં કે માફ કરવું કે નહીં તેની સાચી વ્યાખ્યા સમજી શકે છે. ઘણીવાર તો મોટી ઉંમરની વ્યક્તિઓ પણ ‘‘સોરી’’ બોલવા માટે મજબૂર બનતા હોય છે. પણ તે સમયે તેમનાથી નાની ઉઁમરની વ્યક્તિઓએ સમજવું જોઇએ કે ક્યાંક તેમના આત્મસન્માનને ઠેસ તો નથી પહોંચી રહી ને….દરેક વ્યક્તિએ સમજવું જોઇએ કે ભૂલ કર્યા પછી માફી માગવી જરૂરી બની જતી હોય છે. પણ ક્યારેક કેટલાક કિસ્સામાં માફીને જતી કરવી પણ જરૂરી બની જતી હોય છે. બાળકો ભૂલ કરે તો તેમણે માતા-પિતાને ‘‘સોરી’’ કહેવું જરૂરી છે, પણ જો જીવનમાં ક્યારેક જ માતા-પિતા ભૂલ કરી બેસે તો બાળકોની અપેક્ષા ‘‘સોરી’’ની ન હોવી જોઇએ. સમજણની હોવી જોઇએ.

કેટલાક લોકો જ્યારે ‘‘સોરી’’ કહે છે, ત્યારે સ્પષ્ટ જણાઇ આવે છે, કે તેમને પોતાની ભૂલનો પસ્તાવો છે. પણ કેટલાક લોકો જે દેખાડો કરવા માટે ‘‘સોરી’’ બોલતા હોય છે, તેઓ એકરીતે પોતાને જ દગો દેતા હોય છે. આવી વ્યક્તિઓએ ભૂલવું ન જોઇએ કે પોતાની ભૂલોને ‘‘સોરી’’ જેવા શબ્દ પાછળ છૂપાવી લેવાથી તેઓ પોતાના વ્યક્તિત્વને વધારે નીચું પાડી રહ્યા છે.

સૌથી વધારે ‘‘સોરી’’ જો કહેવું પડે તો તે છે અંગત સંબંધમાં. એકબીજાની લાગણીને ઠેસ પહોંચાડી હોય, તો વધારે સમય કોઇ અબોલા રાખ્યા વિના તરત જ ‘‘સોરી’’ કહી દેવું જોઇએ. માફી માગવામાં જેટલો લાંબો સમય લગાડશો તેટલી સંબંધની તિરાડ લાંબી થતી જશે. જો તમારી ભૂલ હોય તો ‘‘સોરી’’ તરત જ કહેવાનું રાખો અને જો સામેવાળાની ભૂલ હોય તો તેને પ્રેમથી સમજાવો અને માફીની આપેક્ષા રાખ્યા વિના સંબંધને સાચવી લો. બીજીવાર ભૂલ નહીં થાય તેવો સંકલ્પ કરીને પ્રેમના સંબંધને સાચવી લો, એક નાનો શબ્દ ‘‘સોરી’’ પણ જીવનમાં ખૂબ જ પ્રેમ ભરી દેનારો બની જતો હોય છે. તમારા અંગત સંબંધમાં જ્યારે પણ ‘‘સોરી’’ કહેવાનો સમય આવે ત્યારે ક્યારેય દેખાડો કરવા માટે ‘‘સોરી’’ કહેશો નહીં. તેનાથી વિશ્વાસ તૂટવાની શક્યતા રહે છે. જો ‘‘સોરી’’ કહેવામાં ક્યારેક સંકોચ થતો હોય તો કાર્ડ કે લેટર દ્વારા પણ ‘‘સોરી’’ કહી શકાય છે. તે સિવાય હવે તો ફૂલ, ચોકલેટ કે પુસ્તક ગીફ્ટ આપીને પણ સુંદર રીતે ‘‘સોરી’’ કહેવાની નવી રીતો જોવા મળે છે. તેનાથી એકબીજાની કેટલી ચિંતા છે અને કેટલી જરૂર છે, તેનો અહેસાસ કરાવી શકો છો.

– મેધા પંડ્યા ભટ્ટ

ટીપ્પણી