સફરમાં ફેશનનો સાથ, સુંદરતા રહે સંગાથ…

ઉનાળાના વેકેશનમાં લોકો ફરવાનું પ્લાનિંગ ખાસ કરતા હોય છે. તેમાં પણ બે કે ત્રણ મહિના પહેલાથી બુકીંગ કરી દેવામાં આવે છે. ઉનાળામાં ખાસ કરીને ઠંડા વાતાવરણવાળા કે દરિયાકિનારાવાળા સ્થળો લોકો ફરવા માટે વધારે પસંદ કરે છે. જોકે પ્રવાસ દરમિયાન ક્યા ફરવા જેવું, શું અને કેટલું સાથે લઇ જવું તે બાબતો પણ ખાસ ધ્યાન રાખવા જેવી છે.
તમે પોતાના દેશમાં ફરો કે વિદેશ પ્રવાસ કરો તેના માટે તમે કઇ રીતે કેવા પ્રકારની તૈયારીઓ કરો છો તે ખૂબ જરૂરી છે. તેવામાં પણ પ્રવાસને યાદગાર બનાવવા માટે તમારે કેવા આઉટફીટ સાથે રાખવા તે દરેક વ્યક્તિ માટે મૂંઝવણનો પ્રશ્ન બની રહેતો હોય છે. પ્રવાસ દરમિયાન કેટલાક લોકો કપડાં જ એટલા બધા સાથે લે છે કે અડધોઅડધ વજન તો તેનાથી જ વધી જાય છે. તેના બદલે જો સ્થળને અનુરૂપ આઉટફિટ અને તે જ રીતે સુંદરતાની જાળવણી કરવામાં આવે તો ટ્રાવેલિંગ યાદગાર બની રહે છે.પ્રવાસે જવાની તૈયારી શરૂ કરીએ એટલે પહેલો વિચાર કેવા આઉટફિટ સાથે લઇ જવા એનો આવે છે. ફરવાના સ્થળે વધારે સામાન ન લઇ જઇએ તો જ ફરવાની મજા આવે છે, એ જ રીતે કપડાં પણ તમે સ્થળને અનુરૂપ લઇ જવાનું પસંદ કરો તો વધારે સારું રહેશે.

હિલસ્ટેશનહિમાચ્છાદિત પ્રદેશમાં જવાનું હોય તો સાથે લઇ ગયેલા ઊનના કપડાંના ઢગલાં પણ ઓછા પડે છે. હવે તો દરેક જગ્યાએ વાતાવરણને અનુરૂપ ઊનના કપડાં મળે છે, તેથી એટલા કપડાં ઓછા લઇ, જે તે સ્થળેથી ખરીદવાનું પસંદ કરવું અથવા ઊનનાં એકાદ-બે જોડી કપડાં જ સાથે લેવા જેથી કપડાંનો વધારે ભાર ન થાય. તો વળી, માનો કે તમે કોઇ હિલ સ્ટેશન પર જવાનું નક્કી કરો તો સ્વાભાવિક છે કે ત્યાંના ખુશનૂમા ઠંડકવાળા વાતાવરણમાં જિન્સ, ટોપ, લેધર જેકેટ કે ડ્રેસ પહેરી શકો છો, તો સાથે એકાદ શાલ, સ્વેટર કે જેકેટ રાખી શકો. તમારી પાસે હોય એટલા જીન્સ ન લઇ જતાં બે કે ત્રણ જિન્સ અને તેની સાથે પહેરવાના વિવિધ ટોપ, શર્ટ્સ અને ટી-શર્ટસ અલગ અલગ લઇ જઇ શકો.

દરીયા કિનારો

દરીયા કિનારા પર ફરવા જતાં હો તો કેપ્રી, સ્કર્ટ કે ફ્રોક પર પસંદગી ઉતારી શકો છો. કેપ્રી, બરમૂડા અને જિન્સ શોર્ટ્સ દરીયા કિનારાના વાતાવરણને અનુરૂપ આઉટફિટ છે. તે પહેરીને તમે દરીયા કિનારા પર ફરવા સાથે ડાઇવિંગ, સ્કીઇંગ, સી રાફ્ટિંગ વગેરેનો આનંદ પણ માણી શકો છો. સ્થળને અનુરૂપ જ ડ્રેસીંગ સાથે રાખવાથી તમે કમ્ફર્ટ ફીલ કરી શકો છો. જેતે સ્થળોની દરેક એન્ડવેચરસ એક્ટીવીટીઝનો આનંદ પણ માણી શકો છો.

ધાર્મિક સ્થળોની મુસાફરીધાર્મિક સ્થળોની મુસાફરી માટે મોટાભાગે લોકો નોર્મલ આઉટફીટ વધારે પસંદ કરે છે. તેમાં પણ ડ્રેસ સૌથી આરામદાયક આઉટફીટ છે. હવે તો લોંગ ગાઉન અને જીન્સ કે ટી-શર્ટ્સ પહેરીને પણ લોકો જતા હોય છે પણ કેટલાક ધાર્મિક સ્થળોએ સાડી કે ડ્રેસ મહિલાઓ માટે પહેલી પસંદગી હોય છે. જોકે ધાર્મિક સ્થળોએ ભારતીય પોશાકમાં જવું વધારે સારી ફિલિંગ આપે છે. તમે લોંગ કુર્તા કે કુર્તી અને પાયજામા પણ પહેરી શકો છો. તો વળી, જીન્સની ઉપર પણ લોંગ કે શોર્ટ કુર્તી પહેરી શકાય છે.

પ્રવાસ દરમિયાન બ્યુટીની કાળજીપ્રવાસમાં જાવ ત્યારે બ્યૂટિનો પણ ખ્યાલ રાખો. તે માટે તમે જે જગ્યાએ જતાં હો ત્યાં કેવું વાતાવરણ છે તે પ્રમાણે સૌંદર્યનું જતન કરો. જો તમને વધારે પડતો પરશેવો થતો હોય તો ડિઓડરન્ટ અને પફ્ર્યૂમ સાથે રાખો. વળી, વેટ ટિશ્યૂ પેપર પણ સાથે રાખવા. જેથી સફર દરમિયાન કે સાઇટસીઇંગ વખતે પરસેવો થાય તો લૂછીને તાજગી અનુભવી શકો. તમે જો બસ કે ટ્રેન દ્વારા પ્રવાસ કરવાનાં હો, તો વાળ કોરા અને ખુલ્લા રાખવાને બદલે બને તો સહેજ તેલ નાખો અથવા તો હેરસ્પ્રે લગાવી દો. જેથી સફર દરમિયાન વાળ ઊડે નહીં. મેકઅપ પણ બને ત્યાં સુધી આછો જ કરવાનો રાખો. પ્રવાસ દરમિયાન વધારે હેવી મેકઅપ ન કરો. હિલ સ્ટેશન પર જાવ તો સનસ્ક્રીન લગાવો. સી બીચ પર જવાનાં હો તો દરિયામાં સ્નાન કરતાં પહેલાં તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ બોડીક્રીમ અને બાથક્રીમ લગાવીને સ્વિમિંગ માટે જાવ. સ્વિમિંગ પછી સ્વચ્છ પાણીથી સ્નાન કરો.

વાળને પણ શેમ્પૂથી ધોઇને સીરમ લગાવવું. ઘણા લોકો દરિયાકિનારે સનબાથ લેતાં હોય છે, તેમણે પણ બોડીક્રીમ તો અચૂક લગાવવું જ જેથી ત્વચા ટેન ન થઇ જાય. પ્રવાસ દરમિયાન તમારી હેન્ડબેગમાં કોમ્પેકટ પાઉડર, નાનો કાંસકો, અરીસો, ટેલકમ પાઉડર, લપિસ્ટિક, આઇબ્રો પેન્સિલ, મોઇશ્વરાઇઝર વગેરે હાથવગા રાખો. સન બ્લોક લોશન પણ રાખવું. ફરવા જાવ તે વખતે થોડા થોડા સમયે ફેસવોશથી ચહેરો ધોતાં રહો, જેથી ત્વચાની તાજગી જળવાઇ રહે. આમ, પ્રવાસ દરમિયાન યોગ્ય આઉટફિટ અને મેકઅપ કરીને તમે તાજગીભર્યા રહેવાની સાથે નિરાંતે ફરવાની મજા પણ માણી શકશો.

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી