મોતનો મલાજો – ગામે ગામ મહિનાઓથી એ તેને મારવા શોધી રહ્યો છે અને તમે દયાની ભીખ માંગો છો?

વહેલી સવારે દેવાએ છેલ્લા શ્વાસ લીધા. એનો મૃત્યુ દેહ ખાટલા પરથી નીચે લેવામાં આવ્યો. શરીર પર સફેદ ચાદર ઓઢાડી ને મોં ખુલ્લું રાખવામાં આવ્યું. જમણી બાજુ કોડિયામાં દીવો સળગતો હતો. દેવાનાં ઘરવાળાં ને છોકરાની વહુ છાતી સુધી લાજ ખેંચી બાજુમાં બેઠાં હતાં. ગામમાંથી કોઈ નવું આવે એટલે વારંવાર મોઢું ઢાંકતાં હતાં.

image source

” ચેહ કોણ દેશે ? એકનો એક દીકરો તો સંતાતો ફરે છે. લાકડે જવા આવેલ જ્ઞાતિજનોમાંથી કોઈએ મર્મ પર ઘા કર્યો. ” તે જીવો નથી આવવાનો ? તેને કોઈએ જાણ કરી કે નઈ ?” ” ક્યાંથી આવે? અહીં એનો હાજરા હજૂર કાળ બેઠો છે ! એ ગામમાં જેવો પગ મુકશે એની ઘડીએજ એના બાપા ભેગી એની પણ નનામી ઉપડશે.”

” પણ કૈણોજી મોતનો મલાજોય નહીં જાળવે?” રાયજીયે શંકા વ્યક્ત કરી. ” નહીં જાળવે, ઇ આખો વેલો એવો સે, કે સીંદરી બળે પણ વળ ના જાય. એકનુંતો ઢીમ ઢાળી દીધું. હવે ઇ જીવાલા ને ગોતે સે. જીવલો જ જીવતો ફરે છે, ને કૈંણોજી ભરી બંધુકે એને ગામે ગામ ખોળતો ફરે છે.” પચાણ ડોહા પાસે જે જાણકારી હતી તે જાહેર કરી. ” તે,જે દિવસે કૈંણોજીની ગીતા ઓલ્યા રઘલાને લઈને ભાગી તે દિવસે જીવલો તો ગામમાં હતો જ નહીં, તોયે કીડી માથે કટક !” મોહન હૈયા વરાળ ઠાલવતો બોલ્યો.

image source

” ગામ આખું જાણે શે કે જીવલાનો આમાં રતીભાર વાંક નથી, પણ આતો એવું શે ને ભઈ, ઘર ફૂટે ઘર જાય. કોઈ આપણા વાળાએ જ સળી કરી ને એના કાન ભંભેર્યા છે. એવું ઠસ્સાવી દેવામાં આવ્યું છે કે આખું કાવતરું જીવલે જ ઘડ્યું હતું ” રાયજીને જ્ઞાતિબંધુ ભીડમાં હોય ત્યારે એના પડખે ઊભા રહેવાનો ગર્વ હતો. ” કૈંણો હવે ઢીલો તો પડ્યો હશે, એના બે જવાન જોધ છોકરા આજકાલ કરતાં ત્રણ મહિનાથી જેલના સળિયા ગણે છે તે.” પચાણ ડોહાએ ગણતરી દોડાવી.

” તૈણ મહિના શું ત્રણ વરહ જેલમાં સડતા હોય ને તો આ વૈણના પેટનું પાણી ના હલે.” જુવાનિયા હવે અકાળા થયા હતા. આભળવા વાળા જેમ ખબર પડે તેમ આવી રહયા હતા. સમાજના નિયમ મુજબ આવતી વખતે દરેક પોતપોતાને ઘેરથી એક જાડું લાબું બળતણ માટેનું લાકડું પકડતા આવતા હતા. ચિતા માટે જરૂરી લાકડાંનો મોટો ગંજ થઈ ગયો હતો. ઘરમાં રોકકળ ચાલી રહી હતી. કેટલાક યુવાનો નનામીની તૈયારી કરી રહયા હતા. જ્ઞાતીજનો વચ્ચે દેવાના છોકરા જીવાને એના બાપના અગ્નિસંસ્કારમાં બોલાવાની વાતચીત ચાલી રહી હતી.

” આવા કપાણના સમયે આપણે જો જીવાને ના લાવી શકીએ, તો નાતની કાયરતા છતી થઈ જાય.” ” હા પણ એનું ઠામઠેકાણું ? ” રામ રામ કરો ઇ બધુંય થઈ પડશે, પહેલાં આ બિલાડીના ગળે ઘંટ બાંધવાનું કરો, બાકીનું પછી જોયું જશે.” ” પહેલાં દુશમનને મનાવી જોઈએ, પછી ના માને તો પોલીસ રક્ષણ માગીને પણ જીવાને બોલાવવો તો પડેશે જ, કારણ ઇ ઘર એકલુંજ છે, નથી કોઈ કાકા-બાપાના કે નથી કોઈ નજીકનો કુટુંબી.”

image source

” પોલીસ રક્ષણ માગીને છાંણે વીંછી ચડાવવાનોને ?” કોઈએ પોતાનો સુઝાવ રજૂ કર્યો. ” વાત સાચી પણ બીજો કોઈ રસ્તો છે ખરો ?” ” ભઇ કજિયાનું મોં કાળું, એમ કરો નાતનોજ કોઈ જવાન ઊભો કરી દ્યો ને ઇ દેવાની નનામી આગળ અગ્નિની દોણી લઈ ને ચાલે.” આધેડ વયના અજુભાએ પોતાનો વિચાર રજૂ કર્યો. ” અજુભા, બોલતાં ના આવડતું હોય તો ચૂપ રહેતાં તો આવડે ને. આવાં ડોહાં-ડગરાં તો ઘરે પડયાં રહે તે હારુ જાઓ ઘરે જાઓ, તમને શરમ આવે છે કે નઇ ? અહીં નાત વચ્ચે તમારા જેવાનું કામ નથી” એક યુવાને અજુભાનો ઉધડો લઈ નાખ્યો.

” દીકરો હયાત છે, જેથી એના બાપને ચેહ તો એમનો દીકરો જીવોજ દેશે, સમય વીતી રહ્યો છે, બહુ મોડું થાય એ પહેલાં કોઈ નિર્ણય પર આવીએ. “કોઈએ વ્યહારીક વાત કરી. ” એમ કરો મોહનજી, કૈંણોજીના મોટા ભાઈને મળીને કાંઈક રસ્તો કાઢીએ.” રાયજી બોલ્યા. એક ઢાળીયામાં એકત્ર થયેલ ડાઘુઓમાં ગણગણાટ વધી રહ્યો હતો. ” આતો આપણી નાતના નોખનો સવાલ છે” ખૂણામાંથી કોઈ બોલ્યું ” આપણે બંગડીઓ તો પહેરી નથી ! દેવાજીની ચેહ નાતના રિવાજ મુજબજ સળગવી જોઈએ.”

image source

“હા.. રઘલા જેવા મવાલી કોઈ એકલ દોકલ વગર વિચાર્યું પગલું ભરે તો ભેંસનાં સિંગડાં ભેંસને ભારે. એમાં આપણે પડવાનું નહીં. પણ જ્યારે નાતનો સવાલ આવે ત્યારે ઘર ઝાલીને બેસી ના રહેવાય, ચ્યમ બોલતા નથી સુખાજી ખરું કે ખોટું ?” ” હા, વળી ચ્યમ, દરિયામાં રહીયેને મગરથી બિહાઈએ તો મેળ ના પડે.” એક ઢાળીયું ગરમ થતું જતું હતું. દેવાજીનો નશ્વર દેહ ઘરની વચ્ચે પડ્યો પડ્યો અંતિમ વિધીની રાહ જોઈ રહ્યો. નનામી ઉપડી ના હતી એટલે દેવાનાં ઘરવાળાંનું ચુડલા કરમ કરવાનું હતું તેનો સ્ત્રી વર્ગ રાહ જોઈ રહ્યો હતો.

ચાર દિવસે ગીતા અને રઘલાને શોધીને લાવ્યા પછી કૈંણોજીના મોટા દીકરાએ રઘલાને ગામના ચોંટા પર લાવીને બેરહેમીથી ભડાકે દીધો હતો. રઘલાના ખોળિયામાં જીવ તો નથી રહી ગયોને તે તપાસવા નાના ભાઈએ લાશનું માથું પગ વડે ઊંચું કરીને નીચે પટકતું કર્યું હતું. ગામમાં અરેરાટી વ્યાપી ગયેલી ને કેટલાંય લોકો ભયના ઓથાર હેઠળ ફફડી ઉઠયાં હતાં. તાલુકેથી પોલીસ આવી ત્યાં સુધી એની લાશ લેવા પણ કોઈ ફરક્યું ના હતું. ગામની સુમસામ શેરીઓ જાણે લકવા ગ્રસ્ત થઈ ગઈ હતી. કેટલાકને તો એવું લાગ્યું કે, આ દોથા જેવડા ગામ પર જે સંકટનાં વાદળાં ઘેરાયાં હતાં, એવું ફરી પાછું થવા જઈ રહ્યું છે.

image source

સૌથી આગળ પચાણ ડોહો, મોહન મુખી, રાયજી ને બીજા ચાર પાંચ જણ. દરેકના ખભે ધોળાં ખેસિયાં ને આખું ઘમહાણું ઝીલોજીના માઢે આવીને ઊભું રહ્યું. ” તમે બધા ખમો હું જોઈ લઉં ઝીલોજી ઘરે સે કે ચમ ” પચાણ ડોહા માઢની બારી ખોલીને આંગણામા પ્રવેશ્યા. ઝુલોજીના ઘરનું આંગણું વિઘા જેવડું. તોયે જાણે સંકડાસ ભોગવી રહ્યું હતું. એક બાજુ ઘોડી બાંધવાનો તબેલો, ભેંસોની કોઢ સામેની બાજુ ટ્રેકટર ગેરેજ. બે-ત્રણ ટ્રેક્ટરની ટોલીઓ, ત્રણ-ચાર કલ્ટી ને થ્રેસર જીપ ને બાઇક આ બધાથી આંગણું ભરચક લાગતું હતું ને ઝીલોજીની જાહોજલાલીની ચાડી ખાતું હતું.

“એ રામ રામ ઝીલોજી ” ” કુંણ ? અલ્યા પચાણીયા ! તે તું દેવલાનું આભળી ને સીધો આયો લાગોસ, આ ખંભે ધોળું ખેસીયું ?” ઝીલોજીએ બાર બોર બંદૂકને સાફ કરતાં કરતાં પૂછ્યું. ” ના ના ઝીલોભઇ, દેવાને હજુ કાઢ્યો નથી, પણ…આ થોડું..” પચાણ ડોહો અચકાયો. ” જે હોય ઇ બોલી નાખ.” ઝીલોજી આવકાર આપવાનીએ ખેવના કર્યા વગર બોલ્યો. ” હું જરા મારી સાથે આવેલા બીજા મારા કટમીઓને બોલાવું પસી વાત કરું ” પચાણે બહાર ઊભેલાને અંદર આવવાનો ઈશારો કર્યો. નીચે મૂંડીએ બીજા આવ્યા.

” અલ્યા કાંઈ પેટમાં પાપ લઈને તો નથી આવ્યા ને ?” ઘણા માણસોને જોઈ ઝીલોજીએ ખીંટીએ ટીંગાતો કાટીશનો હાઇડો સાંભાળ્યો. ” એક વેનંતી કરવા આવ્યા સિયે ” રાયજીએ હિંમત કરી. હજુ કોઈ એમની ઓસરીએ ચડયા ના હતા. ” દેવોતો ગયો, પણ એને ચેહ દેનારો એનો એક ને એક સોકરો જો તમે થોડી દયા ખાતા હોવ તો બોલાવીએ” મોહન મુખીએ અચકાતાં અચકાતાં ખુલાસો કર્યો. ” દયા….! દયા ને એ વળી મારે ખાવાની? તું ઘર ભુલ્યો મુખી.” “આપ કૈંણોજીના વડીલ છો…એટલે. આપ એમને બે શબ્દો..” મુખીની વાત વચ્ચેથી કાપતાં ઝીલોજી તાળુક્યો,

“ભડના દીકરાઓ એ કૈંણો જીવલા ને જીવતો જાણી આજકાલ કરતાં તૈણ મહિનાથી ધરાઈને ધાન ખાતો નથીને મારે કયે મોંઢે એને બે શબ્દો કહેવા ?” ઝીલોજી ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થઈ ગયો. ” બની ગયું એ બની ગયું ! હવે દેવાનું મોત સુધારવુ એ તમારા હાથની વાત છે” પચાણ હાથ જોડતાં બોલ્યો. ” મને ભોંડનો ભાગીદાર બનાવવા નીકળેલા તમે બધા સાંભળી લ્યો, મેં જાણ્યું છે કે, કૈંણાને જીવલાના સગડ મળી ગયા છે. એણેે કોને હંધર્યો છે એ એના ધ્યાનમાં આવી ગયું છે. એટલે કૈંણો પણ હવે બે-ત્રણ દિવસમાં સરકારી મહેમાન બની જશે. હવે આવા સંજોગોમાં એ માથાના ફરેલા મારા ભાઈને હું કઈ રીતે લાઈનમાં લાવું? રાયજી તું તો બહુ પહોંચેલો છે વિચાર કરી જો.”

” એવું નથી ઝીલોજી હું તમને ચ્યાં નથી ઓળખતો ? ખાલી દેવાની ચેહ ઠરે ત્યાં હુધીની વાત છે પસી તમે ભગવાનના ઘર હુધી છુટ્ટા હાઉં ” પચાણ જોખી જોખી ને શબ્દો બોલતો હતો ક્યાંક અળવું ના વેતરાઈ જાય તેની તેને બીક હતી. ” આવુ કરી આપો તો તમારી દિલેરી દેખાશે ને અમારો ભરમ રહી જશે.” રાયજીએ પચાણની વાતને આગળ વધારતાં કહ્યું. ” જો પચાણ મારી વાત જાણી લે એ પણ ચોખ્ખું છે કે જીવલાને એ કોઈ બીજી- ત્રીજી જગ્યાએ ગોળીએ નથી દેવાનો. જીવલાને એ જીવતો ગામમાં પકડી લાવવાનો છે, ને જ્યાં ઓલ્યા મવાલી રઘલાને ઠાર કર્યો હતો ત્યાં જ ગામના ચોંટા વચ્ચે લાવીને તેને પૂરો કરવાનો છે.”

image source

પચાણ સાથે આવેલા માણસો તો એકબીજા સામે જોવા લાગ્યા ને હેકાંબેકાં થઈ ગયા. એવામાં બે જવાનીયા ઉતાવળે માઢમાં આવ્યાને બોલ્યા, ” કૈંણોજી જીવાને બાંધીને ચોંટા વચ્ચે લાવ્યા છે.” ” હેં….જીવલો આવી ગયો ? એકસાથે છ છ હોઠ ખૂલ્યા, અને ટોળું હુડડૂ કરતું ભાગ્યું ગામના ચોટે.

ગામના ચોટે તો લગભગ આખું ગામ ભેગું થયેલું. કૈંણોજી જીપ લઇને આવ્યો હતો. જીપની આગળ બાંધ્યો હતો જીવલાને ! ” તું કધ્ધીબકાલ, ભાગી ભાગીને ક્યાં જવાનો હતો જીવલા ? પાતાળમાંથીય ગોતી કાઢું, તું હજી મને નથી ઓળખતો ” કૈંણોજીએ કહ્યું, અને ગામવાળાને છેટે જતા રહેવાનો ઇશારો કર્યો. એ દરમ્યાન એના બે-ત્રણ સાથીઓએ જીવલાને જીપ પરથી છોડી ચોટા વચ્ચેના લીમડાના થડ સાથે બાંધી દીધો. ગામવાળા હજી ઊભા જ હતા એ જોઇને કૈણોજી વિફર્યો.

image source

“હવે તમને ઘેર જવાય ભડાકા કરવા પડશે ? ઘરભેગા થાવ સારું ક’ઉશું નહીંતો, પોલીસખાતામાં તમારાં ટાંપાં વધી જાશે. ગોળી છૂટવાનો અવાજ આવે પછી આવીને જીવલાની લાશ લઇ જજો, જાવ, ઉપડો.” “કૈંણોજી,” ગામના સરપંચે આગળ આવીને કહ્યું, “ઉપડીએ જ છીએ, આમેય અમારે જીવલાના બાપા દેવાને લાકડે જવાનું છે, આ તો એટલે ઊભા છીએ કે, તું જો ઘડીક જીવલાને અમારા ભેગો આવવા દે, તો એ એના બાપાને ચેહ દે ને દેવાની ગતી થાય.” કૈંણોજીની આંખના લાલ અંગારા હવે ક્યારે જીભ ઉપર થઇને બહાર આવે એની આશાએ બધા કૈણોજી સામું જોઇ રહ્યા.

એક ક્ષણ તો કૈંણોજી જીવલા સામે જોઇ રહ્યો. ” જા જીવલા,” અચાનક કૈંણોજીની મુખનાળમાંથી અંગારાને બદલે ફૂલ વરસ્યા, ” જા, તારા બાપાને ચેહ દેવા જા, કર ગતી ડોહાની.” આવું સાંભળતાં જ એના માણસોએ જીવલાને છોડ્યો ને ગામના માણસોનું આશ્ચર્ય હજી શમ્યું નહોતું ને કૌંણોજી બોલ્યો-” મારા બાપા મર્યા ત્યારે અમે બે…. બે.. ભાઇ હોવા છતાં એકેય હાજર નો’તા, ને મારા બાપાની ચેહ આ દેવાકાકાએ દીધેલી, એ ગણ મારાથી ના ભૂલાય” આંખમાં આવેલા ઝળઝળિયા લૂછતો કૈંણોજી બોલ્યો- “વેર વેરને ઠેકાણે! ને માણસાઇ એના ઠેકાણે.જાવ હવે, દેવાકાકાનું આભળવા હુંયે અબધડી આવું છું.” ઝળઝળિયાને કાંઠે નીતરતા સાંભરણાં વાગોળતો કૈંણોજી લુગડાં બદલવા ઘરભણી ઉપડ્યો !

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ