મોરબીમાં ભારતનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ

મોરબીના સિરામિક ઉદ્યોગને આમ તો આખું ગુજરાત સારી પેઠે ઓળખતું હશે. પણ તે સમગ્ર ભારતમાં સૌથી મોટો સિરામિક ઉદ્યોગ છે તે ભાગ્યે જ કેટલાક લોકો જાણતા હશે. આજે મોરબીમાં સિરામિક ઉદ્યોગને લગતી નાની-મોટી 700 ફેક્ટરીઓ આવેલી છે. સમગ્ર ભારત તેમજ વિશ્વના મોટા મોટા વેપારીઓ મોરબીના સિરામિક ઉદ્યોગના ચક્કર લગાવતા થઈ ગયા છે. પણ અચરજ એ થાય છે કે શા માટે સમગ્ર ભારતમાં માત્ર મોરબીમાં જ સિરામિક ઉદ્યોગ આટલો વિકાસ પામ્યો છે ?

નેવુના દાયકામાં લગભગ 1994ની આસપાસ મોરમીમાં ગણીને માત્ર 25-30 ફેક્ટરીઓ જ અસ્તિત્ત્વ ધરાવતી હતી જ્યારે આજે ત્યાં 700થી વધારે ક્ટરીઓ દિવસરાત ધમધમે છે. છેલ્લા 23 વર્ષોમાં આ ઉદ્યોગ ખુબ જ વિકાસ પામ્યો છે. તેની પાછળ ઘણા બધા કારણો કામ કરે છે. આ ઉદ્યોગની મોટાભાગની ફેક્ટરીઓ અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. તેમાં જ્યારે ક્યારેય પણ કોઈ પણ મશીનરી ખોટકાય તો તેનો તરત જ ઉપાય શોધી કામ ફરી ધમધમતું કરી દેવામાં આવે છે. તેનું કારણ એ છે કે અહીં મોરબીમાં જ સિરામિક મશીનરીઓને લગતાં બધા જ પાર્ટ્સ ઉપલબ્ધ હોય છે. મોરબીમાં નાની ફેક્ટરીઓની સંખ્યા પણ ખુબ જ પ્રમાણમાં છે આ ફેક્ટરીઓને પોતાનો અલાયદો એન્જિનીયર પોસાય તેમ નથી હતો માટે એક જ એન્જિનિયર ઘણી બધી ફેક્ટરીઓમાં પોતાની સેવા આપે છે. જો કે આ ઉદ્યોગ માટે માનવબળ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત હોય છે માટે તેનું કામ ક્યારેય અટકતું નથી.

મોરબીમાં આ ઉદ્યોગ વિકસવાનું બીજું મુખ્ય કારણ એ છે કે અહીં ઉદ્યોગને અનુકુળ માળખાગત સુવિધાઓ સરળતાથી ઉપલબ્દ છે. અહીં નિરંતર વિજળી તેમજ ગેસલાઈન દ્વારા ગેસ પુરો પાડવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આપણા મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં ત્રીજુ સ્થાન ધરાવે છે. અહીં ઉદ્યોગ માટે કાચો માલ રાજસ્થાન અને કચ્છથી મંગાવવામાં આવે છે તેમ વિદેશથી આધુનિક ટેક્નોલોજી ઇમ્પોર્ટ કરાવી બજારમાં નિતનવા ઉત્પાદનો લાવવામાં અહીંના ઉદ્યોગકારોએ મહારત હાંસલ કરી લીધી છે.

મોરબીના આ અતિ વિકસિત સિરામિક ઉદ્યોગમાં બીજું મોર પંખ ઉમેરાવાનું છે તે એ છે કે વિશ્વમાં સ્લીમ ટેક્નોલોજી ધરાવતા માત્ર 10 જ પ્લાન્ટ છે, જ્યારે મોરબીમાં આવતા 6 મહિનામાં 15 જેટલા પ્લાન્ટ ધમધમવા લાગવાના છે જે આ ઉદ્યોગ માટે ગર્વની વાત છે.

જો આ સિરામિક ઉદ્યોગને સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવામાં આવે તો મોરબી ચીનને પણ માત આપવા સક્ષમ થઈ શકે તેમ છે.

ગાંધીનગરમાં ગત ગુરુવારથી વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં જેકી શ્રોફ જેવી નામી હસ્તીએ પણ હાજરી આપી હતી. આ એક્સ્પોમાં 80થી પણ વધારે દેશ તેમજ વિશ્વના વેપારીઓએ ભાગ લીધો હતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ રસપ્રદ વાત દરેક મોરબીવાસી મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.