મોંઘવારીની મોંકાણ – દરેકને નડતી મોંઘવારીમાં એક ઉદાર વ્યક્તિ આવી પણ…

*મોંઘવારીની મોંકાણ*

ડુંગળીના ભાવ આસમાને ગયા જેથી ભલભલાની આંખમાં પાણી આવી ગયેલાં. આખા ડિજિટલ મીડિયા પર ડુંગળી છવાઈ ગયેલી. એવું નથી કે ગરીબની કસ્તુરી કહેવાતી ડુંગળીના આ પહેલી વખત ભાવ વધ્યા હોય ને સરકાર હરકતમાં આવી ગઈ હોય.

image source

કોંગ્રેસના વખતમાં પણ એક વખત ડુંગળીના ભાવ વધ્યા હતા. વિરોધપક્ષ ગેલમાં આવી ગયેલો. દેશની સંસદમાં પણ તેના પડઘા પડેલા. સરકારનું ધ્યાન દોરવા વિરોધ પક્ષના બે ત્રણ સભ્યો ગળામાં ડુંગળીના હાર પહેરીને આવેલા. આથી અધ્યક્ષ મહોદયે ટકોર કરી કે ડુંગળીના ભાવ વધ્યા છે તેનો તમે સંસદભવનમાં આમ ગળામા હાર પહેરીને વિરોધ ના કરી શકો. વિરોધ પક્ષના એ સભ્યો બોલ્યા કે સરકારની આંખો ખોલવા અમારે આવું કરવું પડ્યું છે. તો અધ્યક્ષ મહોદયે પૂછેલું કે માનો કે કાલ ટ્રકના ટાયરના ભાવ વધશે તો તમે ગળામાં ટાયર પહેરીને સંસદમાં આવશો ? આથી હાસ્યનું મોજું ફરી વળેલું.

એમ તાજેતરના ડુંગળીના ભાવ વધારાથી ઘણા લોકોને હેરાનપરેશાન થવું પડ્યું હતું. એમાં અમારા ગામની છમુ ને રામલાના ડુંગળી વેચવાના ધંધાને ભારે ફટકો પડેલો. ભાવ વધવાથી લોકોએ ડુંગળી ખાવાનું જ બંધ કરી દીધેલું ને છમુનો ધંધો જ પડી ભાગેલો. લોકીમાં ખુબજ રાડફરિયાદ ઉઠેલી સરકારે તાબડતોબ વિદેશમાંથી આયાત કરી ગરીબની કસ્તુરી ગણાતી આ ડુંગળીના ભાવ કાબુમાં રાખવા પ્રયત્નો કર્યા. બજારમાં નવી ફસલની ડુંગળી પણ આવી આથી ગરીબ લોકો ડુંગળી ખરીદતા થયા ને હોટેલ રેસ્ટોરાંમાં ડુંગળીનું કચુંબર દેખાવા લાગ્યું.

image source

” હાસ હવે ધંધો આગળ વધારી શકાશે.” સરકારે ડુંગળીની આયાત કરી ને ઊપરથી ડુંગળીનો નવો પાક આવી ગયો જેથી ભાવ ઘટયા એટલે છમૂળી બહુ હરખાણી. ” ચેટલા દા’ડાથી આ ધંધો ઠપ થઈ જ્યોતો” એણે રામલાને કહ્યું, ” લે કર છકડો ચાલુ, ડૉગરી ભરી લાવીએ ને ધંધો કરીએ, નકર આ સોકરાંને ખવરાવશું શું?” બીજા દિવસે એતો ઉપડયાં શહેરમાં ને અડધા રોકડા ને અડધાનો વાયદો કરીને ડુંગળી ભરી લાવ્યાં.

પહેલા જ દિવસે ગામના ચોટા વચ્ચે ડુંગળી ભરેલો છકડો ઊભો કરી દીધો. છમૂળી ઝપાટે ગામની બે ત્રણ શેરીઓ ફરી આવી. “ડૉગરી લેવી..હોય તો…ડૉગરી.. આ દેશી ડૉગરી… આવી. હો..રૂપિયાની પાંસ કિલો..” એ સાદ પાડીને છકળે પાછી આવી ત્યાં તો છકડાની આજુબાજુ ડુંગળી લેવાવાળાંનું ટોળું ભેગુ થઈ ગયેલું.

image source

રામલો રખડવા ગયો ને છમુ એકલી પડી તે બહુ હેરાન થઈ ગઈ. ” અલી સમુ.. આ ચ્યાંથી ભરી લાવી આ ડૉગરી, હારી સે ને ?” ” એ હા આવો…આવો મેનામાં. જોઈ જુઓ હુકી બંગળી જેવી ને મેંઠી ધરાખ ! બોલો ચેટલી જોખું ?” ” શું ભાવ પાડ્યો સે ?” ” હો રૂપિયાની પાંસ કિલો.” ” શું મોંઘવારી….શું મોંઘવારી આ જૂઓને તેલનો ડબ્બો બે હજાર રૂપિયા ને દાળ વધારી ખાતાં ઇ મગની દાળના હો રૂપિયા કિલોના શું ખાવું હવે ઇની હુઝ નથ પડતી ” મેનામાં બખાળો કરતાં બોલ્યાં, ” લે થોડું વાજબી કર ”

” હાવ વાજબી સે અડધું ગામ લઈ ગયું વીહ રૂપીએ કિલો મા.” ” બોલો પૂરીકાસી( કાકી) તમારી ચેટલી જોખું?” ” સમુ તારો વર ચ્યાં જ્યો ?” પુરી વહુએ પૂછ્યું. ” ચમ તે શું કામ હતું કાસી ?” ” આ તું એકલી ને છકડામાંથી ઓલ્યો દલીયો નઇ ? એ ડૉગરી ચોરતો હતો. તારું ધાન બીજે હતું. જો એ..જાય, થેલીમાં ડૉગરી નાખીને”

image source

“હોવે, પુરીકાસી હારુ થાજો તમારું તે તમે મને કીધું” ડુંગળી જોખતાં તે બોલી, ” આ જોયું નઇ કાસી, મેનામાંએ કીધું એમ આટલી મોંઘવારી ના હોતને તોય એ મુવા દલીયાના ઘરમાં હાંડલાં કુસ્તી કરે છે. હાચુ કઉ પુરીકાસી, મેં એ મુવા દલીયાને ડૉગરી ચોરતાં જોયો હતો, પણ કાસી મેં જ આંસો આડા કાન કરી લીધા હતા. ”

” તે હાવ આવું ? તે જોયો હતો તોયે કાંઈ ના બોલી ? ” એ પીટયા ગામના ઉતારને કોણ સતાવે” છમુ પોતાની લાચારી બતાવતાં આગળ બોલી, *” મુઈ ડૉગરી ! પૂરીકાસી મને મારી ડૉગરીની ચનત્યા નથ, પણ મને એની ચનત્યા સે કે એ મૂવો, ડૉગરી શના ભેગી ખાશે?”*

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ