“પડકાર” – જડતા આપણી પ્રગતિ રૂંધે છે… તમે માનો છો ને ???

કોઈ વ્યક્તિ કોઈ વાત પકડીને બેસી જાય ત્યારે આપણને ગુસ્સો આવે છે. ‘સાવ જડ જેવો છે.’ આપણે તેને કહીએ છીએ. આ જડતા વ્યક્તિનો વિકાસ થવા દેતી નથી. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિને અનુકુળ થઇ જાય છે, તે આગળ વધે છે. તે વ્યક્તિ ઝડપથી સફળ થાય છે એટલું જ નહિ, તે બધામાં લોકપ્રિયતા પણ મેળવે છે. તમે જોજો, કોઈ વ્યક્તિ ફ્લેક્સીબલ હોય તો બધાંને તે ગમશે. તેના માટે તમે વિશ્વાસથી કહી શકશો, ‘એ કોઈ દિવસ ના પાડે જ નહિ, એની હું ખાતરી આપું છું.’

તમે એવાં કેટલાંયે લોકોને ઓળખતાં હશો કે સંપર્કમાં આવ્યાં હશો, જેઓ પોતાની વાતને જડતાથી વળગી રહેતાં હોય. આવાં લોકો કોઈને ગમતાં નથી. ના છૂટકે લોકો તેમની સાથે સંબંધ રાખતા હોય છે પણ તેમાં ઉષ્મા હોતી નથી. ઉષ્મા વગરના સંબંધો નિભાવવા પડે છે એટલે બધાં નિભાવતા હોય છે. ‘જવાદેને, એતો સાવ પિત્તળ છે, આપણે તેના જેવાં નથી થવું.’

બેંકો, વીમા કંપનીઓ કે સરકારી ઓફિસોમાં દરેકને તેના જડ નિયમોને વળગી રહેવાનો અનુભવ થયો જ હશે. નિયમો વ્યક્તિના હિતમાં તેની મદદ કરવા માટે બનાવવામાં આવે છે પરંતુ કેટલાંક કર્મચારીઓ તેને જડપણે વળગી રહીને ઊલટાની લોકોની મુશ્કેલીઓ વધારતાં હોય છે. સમયની પાબંદી બધાં માટે સરખી હોવી જોઈએ તેના બદલે તે લોકો પોતે મોડા આવે કે મોડું કામ શરુ કરે તે જોતાં નથી પણ કોઈ ગ્રાહક બે મિનીટ મોડો પડ્યો તો તેને તરત જ ઘડિયાળ બતાવીને કહેવામાં આવે છે, ‘સમય પૂરો થઇ ગયો.’ કામ નહિ કરવા માટે તે લોકો સગવડીયો ધર્મ અપનાવતાં હોય છે.

ખાબોચિયામાં કે તળાવમાં રહેલું પાણી સમય જતાં ગંધવા લાગે છે કેમકે તે સ્થિર થઇ ગયું છે. જયારે નદી કે ઝરણાનું પાણી ચોખ્ખું રહે છે કેમકે તે સતત વહેતું રહે છે. આપણા વિચારોનું પણ એવું જ છે. આપણા મગજમાં અમુક વિચારો બંધ થઇ ગયાં છે. જેના કારણે આપણું મગજ નવું કશું વિચારતું જ નથી. જુના વાસી અને સડી ગયેલાં વિચારો અને માન્યતાઓ આપણને આગળ વધતાં રોકે છે.

શરમજનક પણ થોડી મઝા આવે તેવી વાત કહું. હમણાં હમણાં આપણી સરકાર સ્વચ્છ ભારત બનાવવા માટે જાગૃત થઇ છે. દેશના દરેક શહેર અને ગામેગામમાં તેની ઝુંબેશ ચાલી છે. આ ઝુંબેશ અંતર્ગત સરકારે જે લોકોનાં ઘરમાં ટોઇલેટ ન હોય તેમને મફતમાં ટોઇલેટ બનાવી આપવાની યોજના બહાર પાડી છે. ગામડાઓમાં પણ તલાટી અને સરપંચ દ્વારા તેનું અભિયાન ચલાવાયું છે. ગામ અને શહેરના લોકો પણ આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે. મઝાની વાત તો એ છે કે ઘણાલોકો પોતાના ઘરમાં ટોઇલેટ હોવાછતાં તેનો ઉપયોગ કરવાને બદલે ખુલ્લામાં સંડાસ કરવા જાય છે. આમ કરવાનું કારણ પૂછતાં કહે છે, ‘સંડાસમાં ફાવતું નથી. ખુલ્લાં મેદાન જેવી મઝા નથી આવતી.’

આ કિસ્સામાં આપણે તે લોકોને શું કહીશું? આવાં જડ વિચારો ધરાવતાં લોકોને તમે ગમેતેટલી સગવડ આપો તોપણ તે અપનાવવા તૈયાર નહિ થાય. જ્યાં સુધી કોઈ વ્યક્તિ નવાં વિચારો, નવી વસ્તુઓ કે નવી ટેકનોલોજી અપનાવવા તૈયાર નહિ થાય ત્યાં સુધી તેની પ્રગતી નહિ થઇ શકે. કેટલાંક લોકો તો એટલી હદે જડ હોય છે કે તમે તેને બધાંજ ફાયદા જણાવો તો પણ તે માનવા તૈયાર નહિ થાય. તે ફક્ત એકજ રટ પકડીને બેસી રહેશે, ‘મારે આ બધાંની કશી જરૂર નથી. હું જેવો છું તેવો બરાબર છું.’ કોઈ વ્યક્તિ હાથે કરીને આપઘાત કરવા માગતી હોય તેને કોણ બચાવી શકે?

કેટલાંક એવાં પણ લોકો હોય છે, જેઓ શરૂઆતમાં કોઈ નવી વસ્તુ અપનાવતાં ડરતાં હોય જે સમય જતાં અપનાવવા તૈયાર થઇ જાય. આવાં લોકોના મનમાં એક જાતનો ડર હોય છે. તેમને એમ કે જો હું આ નવી વસ્તુ અપનાવીશ અને તેનાથી નુકશાન થશે તો? કેટલાંક લોકો તુર્તજ નવી વાત સ્વીકારવા તૈયાર થઇ જશે. આવાં લોકો સાહસિક હોય છે. તે લોકોજ નવો ચીલો ચાતરી શકે છે. તેમની પાછળ ચાલવાવાળાને આપણે ગાડર(ઘેટાં) કહીએ છીએ.

‘જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ’ એવી કહેવત છે. કોઇપણ વ્યક્તિનું તેની અંદરનું જેવું મનોજગત હોય છે તેવીજ તેની બહારની દુનિયા હોય છે. મતલબ, તે જેવું વિચારે છે તેની દુનિયા તેવીજ હોય છે. તમે જોજો દરેક વ્યક્તિનું મિત્રવર્તુળ તેના જેવુંજ હોય છે. કલાકારોનું, ધનીકોનું, બુદ્ધિજીવીઓનું, પોલીટીશીયનોનું, વૈજ્ઞાનિકોનું, સમાજસેવકનું વગેરે દરેકે દરેક લોકોનું મિત્રવર્તુળ તેમની માન્યતા અનુસારનું જ હોવાનું. દરેક વ્યક્તિ પોતાના જેવાં પોતાની વિચારસરણી ધરાવતાં લોકોને શોધી લેતી હોય છે.

પોતાના વિચારોના કે માન્યતાઓના દાયરામાંથી બહાર આવીને કશુક નવું વિચારવું, નવું કરવું તે દરેક માટે સહજ હોતું નથી. આપણે મનોમન દોરેલાં આ વર્તુળને આ કોચલાને ભેદવું તેની પકડમાંથી છૂટવું તે થોડી અઘરી બાબત તો છે પણ મુશ્કેલ નથી. સહુથી પહેલાં તો આપણને સમજાવું જોઈએ કે આપણે કોઈ જડ વિચારો કે માન્યતાઓમાં કેદ છીએ. એકવાર આ વાત સમજાઈ જાય પછી તેમાંથી નીકળવું સહેલું છે. કેટલાંક લોકો તો એ પણ જાણતાં નથી કે તેઓ ચોક્કસ દાયરામાં જીવી રહ્યાં છે.

આપણે રોજ આપણી જાતને થોડાંક પ્રશ્નો પૂછવા જોઈએ. જેમકે, હું હાલ જે પ્રવૃત્તિ કરી રહ્યો છું તે યોગ્ય છે? હું મારા ગોલ સુધી પહોંચવા માટે યોગ્ય દિશામદ જઈ રહી છું? હું કઈ નવું કરી રહ્યો છું કે હજું જૂની ઘરેડ પ્રમાણે કામ કરી રહ્યો છું? મારા સાથીઓ અને મિત્રો કઈરીતે કામ કરે છે? કઈરીતે વિચારે છે? નવી પદ્ધતિ કે નવા વિચારો અપનાવવાથી મને નુકશાન થશે કે લાભ? આમ સતત આપણે આપણી જાતને પ્રશ્નો પૂછતાં રહીશું તો આપણામાં જાગૃતિ આવશે. સભાનતા વધશે. આપણે વધારે તર્કબદ્ધરીતે વિચારતાં થઈશું.

શરૂઆતમાં આપણને આપણા પ્રશ્નોના ઉત્તર નહિ મળે. આપણે ગૂંચવાઈ જઈશું. સમજણ નહિ પડે. તો પણ જો આપણે સતત તેને વળગ્યા રહીશું તો ધીરેધીરે આપણો ગૂંચવાડો ઉકેલાતો જશે. ધીરેધીરે આપણને એ પ્રશ્નોના જવાબો પણ મળવા લાગશે. જો નહિ મળે તો આપણે તેને બહાર શોધવાનો પ્રયત્ન કરીશું. આપણું મન પણ જાગૃત થશે અને આપણી મદદે આવશે.

તમે મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો વાંચશો તો તેમની કાર્ય પદ્ધતિનો ખ્યાલ આવશે. તેઓ એટલા માટે મહાન બન્યા કે તેઓ હંમેશાં ખુલ્લાં મનના હતાં. કોઇપણ બાબત તેમણે જડતાથી પકડી રાખી ન હતી. સમયની સાથે તેઓ ચાલ્યાં હતાં. સતત નવું નવું શીખવાની, નવું નવું કરવાની, નવા રસ્તાઓ શોધવાની, નવાં લોકોને મળવાની તેમની આદતે તેમને મહાન બનાવ્યા હતાં. આપણે પણ રોજેરોજ નવું જાણવાની, નવું જ્ઞાન મેળવવાની, નવાં મિત્રો બનાવવાની, નવું વાંચન કરવાની, નવા રસ્તાઓ શોધવાની મથામણ કરીશું તો આપણે જે ધારીએ છીએ, આપણે જે ઇચ્છીએ છીએ તે જરૂરથી મેળવી શકીશું. મારા મતે આ બધું કરવું બહુ મુશ્કેલ કામ નથી. જરૂર છે તો પોતાની જાતને તેના માટે તૈયાર કરવાની, પોતાને ઓળખવાની, પોતાનામાં વિશ્વાસ મુકવાની.

લેખક : મનહર ઓઝા

દરરોજ આવી પ્રેરણાદાયી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી