“દિલ પે મતલે યાર” – અતિ સંવેદનશીલતા એ એક જાતની માનસિક બીમારી ગણાય છે… તમે શું માનો છો??

કેટલાંક લોકો વાત વાતમાં હર્ટ થઇ જતાં હોય છે. આવાં લોકો અતિશય સંવેદનશીલ હોય છે. દરેક વાત તેઓ દિલ ઉપર લઇ લેતાં હોય છે. તેમનું દિલ વધારે પડતું આળું હોય છે. સંવેદનશીલ હોવું તે સારી વાત છે પરંતુ વધારે પડતાં સંવેદનશીલ હોવું બરાબર નથી. અતિ સંવેદનશીલતા એ એક જાતની માનસિક બીમારી ગણાય છે. આ પ્રકારના વ્યક્તિઓ ઘણીવાર આપઘાત જેવું ખોટું પગલું ભરી બેસતાં હોય છે. આવાં લોકોને સાચવવા મુશ્કેલ બની જાય છે. ઘરનાં માણસો તે કશુક કરી તો નહિ બેસેને તેની ચિંતામાં જીવતાં હોય છે. તેવીજ રીતે તેના ફ્રેન્ડસ પણ તેની સાથે બોલતાં પહેલાં ડરતાં હોય છે.

અતિસંવેદનશીલ સ્વભાવનાં લોકો પ્રેમાળ, શંકાશીલ અને ચીડિયા હોય છે. તેઓ ગમે તે વ્યક્તિ સાથે થોડાંક પરિચયમાં જ ગાઢ સંબંધ બાંધી લે છે અને જયારે તે વ્યક્તિ તેમની સાથે તેમની અપેક્ષા પ્રમાણે ન વર્તે, ત્યારે દુઃખી દુઃખી થઇ જાય છે. તેઓ નાની નાની વાતમાં ચિડાઈ જાય છે અને રિસાઈને બેસી જાય છે. તમે તેમના દેખતાં કોઈ વ્યક્તિ સાથે ખાનગીમાં વાત કરો, ત્યારે તેમને એમ લાગે છે કે તમે પેલી વ્યક્તિ સાથે તેમની જ વાત કરી રહ્યાં છો.

અતિશય લાડમાં ઉછરેલી વ્યક્તિ અતિસંવેદનશીલ હોય છે. બાળપણમાં ઘરની વ્યક્તિઓએ તેને વધારે એટેન્શન આપ્યું હોવાથી, મોટાં થયાં પછી પણ તે એવી અપેક્ષા રાખે છે. નજીકની કોઈ વ્યક્તિ તેનાથી દુર થઇ જાય તે તેનાથી સહન થતું નથી. દરેક વ્યક્તિને કયારેક તો આવી વ્યક્તિઓનો અનુભવ થયોજ હશે. કેટલાંક લોકોનાં ઘરમાં જ કોઈ આવી વ્યક્તિ હશે, તો કેટલાંકના ફ્રેન્ડસ કે પડોશી એવાં હશે.

અતિસંવેદનશીલ વ્યક્તિ દિલથી બહુ ભલી હોય છે. તે જેને પોતાનું માનતી હોય તેના ઉપર બધુંજ ન્યોછાવર કરી દે છે. આવી વ્યક્તિ જો કોઈના પ્રેમમાં હોય અને સામેની વ્યક્તિ તેને દગો દે તો તેના વિના તે જીવી શકતી નથી, પરિણામે તે આપઘાત કરી લે છે. વધારે પડતી લાગણીશીલ વ્યક્તિના મનમાં એકજાતનું ઝનુન સવાર થઇ જાય છે. લાગણીના આવેશમાં તે પોતાનું કે બીજાનું સારું કે ખરાબ વિચારી શકતી નથી. જયારે આપણા મન ઉપર લાગણીઓ હાવી થઇ જાય છે, ત્યારે આપણું મગજ સુન્ન થઇ જાય છે. તે વિચારવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તેવા સમયે તેની બુદ્ધિ ઉપર લાગણીઓ સવાર થઇ જાય છે.

આપણે ઘણીવાર પેપરમાં સમાચાર વાંચીએ છીએ. કોઈ બહેનને ગઠીયો વિશ્વાસમાં લઈને તેમના સોનાના દાગીના લઈને ફરાર થઇ ગયો હોય, તો કોઈ પુરુષને કોઈ સ્ત્રીએ તેની પ્રેમજાળમાં ફસાવીને લુંટી લીધો હોય, તો કોઈની મમ્મી ગુજરી જવાથી આવેશમાં આવીને તેણે આપઘાત કર્યો હોય. આવાં બધાં કિસ્સાઓમાં જે તે વ્યક્તિ પોતાના ઈમોશન્સ ઉપર કંટ્રોલ ન રાખી શકે, ત્યારે આવું બનતું હોય છે. તે સમયે બુધ્ધિને બાજુએ મુકીને લોકો લાગણીનો ઉપયોગ કરતાં હોય છે.

જયારે આપણી સાથે આવો એકાદ બનાવ બને ત્યારે જ આપણે ચેતી જવું જોઈએ. આપણે અતિસંવેદનશીલ છીએ તેની ઘણીવાર આપણને પોતાને જ ખબર નથી હોતી. ખરેખર તો કોઇપણ બાબતનો નિર્ણય તાત્કાલિક ન લેવો જોઈએ. કોઇપણ નિર્ણય એકાદ બે દિવસ પછી લીધો હોય, તો આપણું મન તટસ્થતાથી વિચારી શકશે. કોઈ અગત્યનો નિર્ણય લેતાં પહેલાં આપણા કોઈ નજીકના વ્યક્તિનો અભિપ્રાય લેવો જોઈએ. તેનાથી ઘણીવાર આપણે ખોટું કરતાં અટકી જઈએ છીએ. પહેલાનાજમાનામાં રાજાઓ તેમના દરબારમાં મોટાં મોટાં સલાહકારો રાખતા હતાં. અકબર બાદશાહની વાત તો બધાંને ખબર જ હશે. તેઓ બીરબલની સલાહ વિના કોઈ નિર્ણય લેતાં ન હતાં.

જે લોકો પોતાની લાગણીઓ ઉપર કંટ્રોલ ન રાખી શકતાં હોય તેમણે પોતાનું મન શાંત રાખવા માટે રોજ પ્રાણાયામ કરવાં જોઈએ. પ્રાણાયામથી આપણું મન શાંત થાય છે અને તેનાથી ખોટાં વિચારો આવતાં અટકી જાય છે. આ સિવાય રોજ ચાલવાની કે દોડવાની એકસરસાઈઝ કરવી જોઈએ. વાચનથી પણ ફાયદો થાય છે. જો આપણું મન વધારે પડતો ઉદ્વેગ અનુભવતું હોય, તો કોઈ સારા માનસશાસ્ત્રીને બતાવવું જોઈએ. મન શાંત કરવા માટેની દવાઓ પણ ઉપલબ્ધ છે. જોકે ડોક્ટરની સલાહ વિના આવી કોઈ દવા ન લેવી જોઈએ.

અતિશય લાગણીશીલ વ્યક્તિને આઘાત બહુ જલ્દી લાગે છે. જેથી આવી વ્યક્તિનો ઉપચાર જેમ બને તેમ ઝડપથી કરવો જોઈએ. વધારે પડતાં આઘાતના કારણે કોઈવાર મગજ કંટ્રોલ ગુમાવી બેસે ત્યારે આવી વ્યક્તિ પાગલ થઇ જાય છે. આવી વ્યક્તિને જો સમયસર સાચવી લેવામાં આવે, જો સમયસર તેનો ઈલાજ કરવામાં આવે તો તે સામાન્ય થઇ જાય છે.

પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે લાગણીશીલ હોય છે. એટલા માટેજ સ્ત્રીઓ કોઈનાથી જલ્દી ભોળવાઈ જાય છે. થીયેટરમાં લાગણીશીલ ફિલ્મ જોતી સ્ત્રીઓને રડતાં તમે જોઈ હશે. એક બેન થોડાં વધારે પડતાં લાગણીશીલ હતાં. કોઈનું દુઃખ તેઓ જોઈ શકતાં ન હતાં. રસ્તે જનાર કોઈ વ્યક્તિ તેમની આગળ તેનું દુઃખ વ્યક્ત કરે, કે તુર્તજ એ બેન તેને પોતાનાથી બનતી મદદ કરતાં. કેટલાંક ઓળખીતા લોકો તેનો ગેરલાભ પણ લેતાં હતાં. કોઈને મદદ કરવી સારી વાત છે પણ સામેની વ્યક્તિ મદદને લાયક છે કે નહિ તે જાણવું જરૂરી છે. ઘણાંલોકો બીજાને પોતાની વાતમાં ભોળવીને ઠગવાનો ધંધો કરતાં હોય છે. અતિસંવેદનશીલ લોકો તેમના છટકામાં આસાનીથી ફસાતાં હોય છે. ઘર અને બહાર બધી જગાએ આવાં લોકો છેતરાતા હોય છે.

પોતાની લાગણીઓ કે ઉર્મીઓને રોકવા માટેનો સરળ ઉપાય તેના પરથી ધ્યાન હટાવવાનો છે. દાખલા તરીકે આપણે કોઈ ફિલ્મ જોતાં હોઈએ અને તેમાં કોઈ લાગણીશીલ દ્રશ્ય આવે, ત્યારે તે સમયે આપણે તેનાપરથી આપણું ધ્યાન હટાવવું જોઈએ. તે સમયે આપણે વિચારવું જોઈએ કે હું જે જોઉંછું તે વાસ્તવિકતા નથી. તે સમયે બીજો કોઈ વિચાર કરવાથી પણ ધ્યાન તૂટશે. જો ટીવી સીરીયલ જોતાં હોઈએ તો થોડોક સમય ઉભાં થઈને બીજા રૂમમાં આંટો મારી આવવો જોઈએ. ટુંકમાં કોઈને કોઈ રીતે તે દ્રશ્ય સાથેનું આપણું જોડાણ તૂટવું જોઈએ.

કહેવત છે કે ‘પ્રાણ અને પ્રકૃત્તિ ચિતા સાથેજ જાય’ આ કહેવતને કેવીરીતે ખોટી પાડવી તે આપણા હાથમાં છે. સ્વભાવ બદલવો અઘરો જરૂર છે પણ અશક્ય નથી. જો આપણો સ્વભાવ અતિ લાગણીશીલ હોય તો તેને બદલવો જોઈએ. તે બદલવા માટેની ચેલેન્જ આજ્થી જ ઉપાડી લેવી જોઈએ. કોઇપણ કામ ખંત અને નિષ્ઠાથી કરવામાં આવે તો તેનું પરિણામ જરૂર મળે છે. કોઈ બીજી વ્યક્તિ પાસેથી કામ લેવાનું હોય ત્યારે બહુ અઘરું લાગે છે પરંતુ પોતાની જાત પાસેથી કામ લેવું એટલું અઘરું નથી જેટલું આપણે માની લઈએ છીએ. જો તમે તમારા સ્વભાવમાં બદલાવ લાવવા તૈયાર થયાં હોવ તો આજનો દિવસ શુભ છે. તેનું પરિણામ પણ શુભ મળશે તેમ ધારીને શરુ કરીદો.

&&&&

લેખક : મનહર ઓઝા

દરરોજ અવનવી માહિતી અને જાણવા અને સમજવા જેવી વાત વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી