‘कल करे सो आज, आज करे सो अभी’ તમે આમાં માનતા હોવ કે ના માનતા હોવ એકવાર આ જરૂર વાંચજો..

આળસ માણસનું જીવન બરબાદ કરી શકે છે. આળસ એ આપણા જીવનને ધીમે ધીમે કોરીખાતી ઉધઈ છે. જેમ ઉધઈ લાકડાને અંદરથી ફોલીને ખોખરું કરી દે છે તેવીરીતે આળસ પણ માણસને અંદરથી નમાલો બનાવી દે છે. આળસ ચેપી છે. આળસનો ચેપ તેની સાથે સંપર્કમાં રહેતાં દરેક વ્યક્તિને લાગે છે. એટલા માટેજ બધાં આળસુ વ્યક્તિથી દુર રહેવાનું પસંદ કરે છે. આળસુ વ્યક્તિને ફક્ત આરામ કરવો અને મોજમઝા કરવી ગમે છે. કામથી તે હંમેશાં દુર ભાગે છે.

આળસ કેમ આવે છે? આળસ આવવા પાછળ કયા કારણો જવાબદાર છે? આમ તો વ્યક્તિએ વ્યક્તિએ તેનાં કારણો અલગ અલગ હોય છે. આપણે સર્વસામાન્ય કારણો તપાસીએ. પહેલું કારણ માણસનો સ્વભાવ છે. ઘણા લોકોનો સ્વભાવ જ એવો હોય. તેમને કોઈ કામ કરવું ગમે નહિ, ક્યાંય જવું ગમે નહિ. તમે કેટલાંયે લોકોને જોયાં હશે કે જેઓ શારીરિક કે માનસિક કોઇપણ કામ કરવાનું આવે કે બહાનું કાઢીને છટકી જતાં હોય.

બીજા કારણમાં ઉછેર જવાબદાર હોઈ શકે. તમે જોયું હશે, ઘણા મા-બાપ તેમના સંતાનોને ખુબજ લાડ લડાવતાં હોય છે. લાડ લડાવવા એ ખોટી બાબત નથી પરંતુ જયારે તેની અતિશયોક્તિ થાય ત્યારે તેનું પરિણામ ખરાબ આવે છે. અતિશય લાડમાં ઉછરેલ બાળકો જીદ્દી અને આળસુ હોય છે. કેમકે તેમને જે વસ્તુ જોઈતી હોય તે વગર મહેનતે મળતી હોય છે. દરેક પેરેન્ટ્સે તેમના સંતાનો ઉપર તેમના ખોટાં લાડની કેવી અસર પડે છે તે વિચારવું જોઈએ.

ત્રીજું કારણ છે બીમારી. ઘણીવાર બાળક જયારે નાનું હોય ત્યારે તેને કોઈ એવી બીમારી લાગુ પડેલી હોય જેના કારણે તે શારીરિક મહેનત ન કરી શકતું હોય, જેના લીધે કોઈ તેને કામ કરવા દેતું નથી. આ કામ નહિ કરવાની આદત મોટાં થયાં પછી આળસમાં પરિણમે છે. મોટાં થયાં પછી પણ તે એમજ માને છે કે મારે તો ફક્ત આરામ જ કરવાનો છે.
અને છેલ્લું કારણ અતિશય સમૃદ્ધિ છે. જે વ્યક્તિ સોનાના ચમચા સાથે જન્મી હોય એટલે કે ગર્ભશ્રીમંત હોય તેને ઘરમાં કે બહાર કોઈ વાતની કમી હોતી નથી. તેનાં બધાંજ કામ કરવા માટે નોકરોની ફોજ હાજરાહજૂર હોય છે. તેને કોઈ વાતની કમી મહેસુસ થતી નથી. માગ્યા પહેલાં જ તેને બધીજ વસ્તુઓ સહેલાઈથી મળી જતી હોય છે. આવી ગર્ભશ્રીમંત વ્યક્તિ મોટી થયાં પછી આળસુ થઇ જાય છે.

ઉપર જણાવેલાં બધાં કારણો બધીજ વ્યક્તિઓને લાગુ પડતાં નથી. તેમાં અપવાદ હોય છે. કોઈ વ્યક્તિ પોતે જાગૃત હોય તો તે આળસુ હોય તોયે પોતાની આળસ ખંખેરીને કામે લાગી જાય છે. આળસુ વ્યક્તિ ઘણુબધું ગુમાવે છે. એક આળસુ માણસ હતો. તે એક વાડીમાં જાંબુના ઝાડ નીચે સુતો હતો. તેની આજુબાજુ સરસ મઝાનાં પાકાં પાકાં જાંબુ પડ્યાં હતાં. ત્યાંથી એક ભાઈ પસાર થયાં. તેમણે આળસુ માણસને કહ્યું. ‘ભાઈ, તમારી આસપાસ પાકા જાંબુ પડ્યા છે છતાં તમે કેમ નથી ખાતાં?’ પેલાં આલ્સુએ જવાબ આપ્યો. ‘કોઈ મારા મોઢામાં મુકે તો ખાઉં.’ કહેવાનું તાત્પર્ય એ કે કેટલાંક લોકો એટલા બધાં આળસુ હોય છે કે તેમની સામે ઊભેલી તકને પણ નજરઅંદાજ કરતાં હોય છે. તેના માટે હાથ લંબાવીને તે ઝડપવા પણ તૈયાર નથી હોતાં.

ઘણાલોકો બહુ દયાળુ હોય છે. તેઓ સદાય બીજાને મદદ કરવા તત્પર હોય છે. જોકે આવાં લોકો અજાણતા જ બીજાં લોકોને આળસુ બનાવે છે. જેમકે કોઈ દયાળુ વ્યક્તિ ભિખારીને રૂપિયા આપે તો તેનાથી પેલો ભિખારી મહેનત કરીને રૂપિયા કમાવાનું કોઈ દિવસ નહિ વિચારે. ભલે ભીખ આપનાર વ્યક્તિની દાનત સારી હોય પણ તેની ટૂંકી દૃષ્ટિ પેલા ભિખારીના ભવિષ્ય માટે ઉપકારક નથીજ. દાનેશ્વરી બનીને પુણ્ય કમાવાની લાલચ ઘણીવાર કોઈને આળસુ બનાવવાનું નિમિત્ત બને છે.

જે.આર.ડી. ટાટાની બાયોગ્રાફીનો આવોજ એક પ્રસંગ છે. એક દિવસ ટાટાએ તેમના ઉત્તરાધિકારીને બોલાવીને કહ્યું. ‘તમે તમારો અભ્યાસ કરી લીધો, હવે તમે ધંધામાં ધ્યાન આપો.’ તેમના ઉત્તરાધિકારીએ કહ્યું,

‘મારે બિઝનેસમાં આવવું નથી. મારે તો સેવા કરવી છે.’
‘કેવી સેવા?’ ટાટાએ પૂછ્યું.
‘ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડાં, દવાઓ વગેરે પૂરાં પાડવા છે.’ પેલાં ભાઈએ કહ્યું.

“એ સેવા નથી, સોશિયલ ક્રાઈમ છે, સામાજિક અપરાધ છે. તમારે સેવા કરવી હોય તો નહિ નફા નહિ નુકસાનના ધોરણે ચાલતી એક ઇન્ડસ્ટ્રી સ્થાપો. પાંચ હજાર લોકોને રોજગારી મળશે તો ત્રીસ હજાર લોકોને તમે રોજ અનાજ, દવા-દારૂ, જેવી રોજીંદી જરૂરિયાતો પૂરી પાડી શકશો. જો તમે મફતમાં આ બધું આપશો તો સમાજ આળસુ થઇ જશે.

કોઈને જીવનજરૂરીયાતની વસ્તુઓ દાનમાં આપવાં તેને જે.આર.ડી. ટાટા ગુનો માનતા હતાં. તેના બદલે કોઈને કાયમ માટે કામ આપીએ તેને તેઓ સાચી મદદ માનતા હતાં. આપણા સમાજમાં ભિખારીઓની સંખ્યા વધારનારા આવાં દાનેશ્વરી લોકો જ છે. જે લોકો તેમને ઉદ્યમી બનાવવાને બદલે આળસુ બનાવી રહ્યાં છે. ઘણે અંશે આપણો ધર્મ તેના માટે જવાબદાર છે. ગરીબોને ભોજન કરાવવું, તેમને કપડાં, દવાઓ વગેરે આપવું તેને પુણ્યનું કામ ગણાવાયું છે. જાતજાતનાં દાનને ધર્મમાં પુણ્ય સાથે જોડવામાં આવ્યાં છે. પરિણામે આળસુ અને ભિખારીઓનો સમાજ વધવા લાગ્યો છે.

તમને થશે કે આળસની વાત તો કરી પણ તેને દુર કરવાના ઉપાયો તો જણાવ્યા નહિ. આમ જોવા જઈએ તો આળસ દુર કરવી સહેલી છે. જે કામ કરવામાં આળસ આવતી હોય તે કામ પહેલાં કરવું. ઘણીવાર આપણને ન ગમતાં કામને ટાળતાં હોઈએ છીએ. શરૂઆતમાં આવું કામ કરવાનો ખુબજ કંટાળો આવશે, છતાં તે કરવું. આપણે નોકરી કરતાં હોઈએ ત્યારે ઓફિસમાં દરેક કામ કરવાની આપણને મઝા આવતી નથી, તોપણ આપણે તે કામ કરતાં જ હોઈએ છીએ.

કોઈ કામ કરવાનું જયારે આપણું મન ના કહે ત્યારે મક્કમતાથી તેનો સામનો કરો. મનને સમજાવો કે આ કામ તો કરવું જ પડશે. તમે મક્કમ હશો તો આળસ તમારું કશુંજ નહિ બગડી શકે. રાત્રે સુવા સિવાય આરામ કરવાની ટેવ હોય તો તે કાઢી નાખો. ઘણાને જમીને બપોરે સુઈ જવાની આદત હોય છે. બપોરે સુવાથી આપણી આળસ વધે છે. કોઈ કામને કાલ ઉપર છોડશો નહિ. કેટલાંક લોકોને એવી ટેવ હોય છે, આજનું કામ કાલ ઉપર ધકેલવાની. સરકારી ઓફિસોના કર્મચારીઓ તેનો ઉત્તમ દાખલો છે. પેલી કહેવત યાદ રાખો. ‘कल करे सो आज, आज करे सो अभी’

જવાહરલાલ નહેરુએ આપેલું એક સોનેરી સૂત્ર દરેક વ્યક્તિએ યાદ રાખવા જેવું છે. ‘आराम हराम है’ ફક્ત યાદ રાખવા જેવું જ નહિ, જીવનમાં ઉતારવા જેવું પણ છે. આળસ દરેક વ્યક્તિની મોટી દુશ્મન છે.

&&&&

લેખક : મનહર ઓઝા

દરરોજ આવી અનેક વાતો અને માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી