હરિવંશરાય બચ્ચનનાં જીવનના ૨ હૃદયસ્પર્શી પ્રસંગો… વાંચો અને મિત્રોને પણ જણાવો..

પહેલો પ્રસંગ

‘મધુશાલા’ને લીધે સરોજિની નાયડુ હરિવંશરાય બચ્ચનને ઓળખતાં હતા. તેમણે નહેરુ-પરિવાર તથા બચ્ચન-પરિવારનો પરિચય કરાવ્યો.
અલાહાબાદના ‘આનંદભવન’માં ઇન્દિરા ગાંધી પ્રથમ વાર હરિવંશરાયના બીજા પત્ની તેજી બચ્ચનને મળ્યા ત્યારે તરત જ પૂછ્યું : “તું તો મારા કરતાં પણ નાની છે, છતાં લગ્ન કરી લીધું ?”

ત્યારે તેજીએ કહ્યું : “મેં બચ્ચનને પહેલી વાર જોયા ત્યારે જ પરણવાનો નિર્ણય કરી લીધો હતો, નહીંતર અમારા લગ્નમાં બાધા બની જાય એવા ઘણા પરિબળો હતા. એક તો તેઓ કાયસ્થ અને હું શીખ. તેઓ વિધુર અને હું કુંવારી. મારા પિતા ખજાનસિંહ ઇંગ્લેન્ડમાં જઇને બેરિસ્ટર થયેલા. વળી શીખ ધર્મના ચુસ્ત અનુયાયી, પરંતુ બંને બાજુ પ્રેમની કૂંપળ પાંગરે પછી પરણવામાં મોડું ન કરાય.”

એ દિવસોમાં ઈન્દિરાજી ફિરોઝ ગાંધીના પ્રેમમાં હતા. ફિરોઝ પારસી યુવક અને ઇન્દિરા કાશ્મીરી પંડિતના પુત્રી. એમાં પણ જ્વાહરલાલના દીકરી.

એમ કહેવાય છે કે તેજી બચ્ચનની વાત સાંભળી ઈન્દિરાજી પ્રેમલગ્ન માટે વધુ મક્કમ થયા અને થોડા સમય બાદ એમણે લગ્ન પણ કરી લીધા હતા.

બીજો પ્રસંગ

પુત્ર અમિતાભ ઉપર બોફોર્સ તોપના સોદામાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો થયા ત્યારે હરિવંશરાયે પૂછ્યું : “તે કોઈ ખોટું કામ તો કર્યું નથી ને ? જીવનમાં અસત્યનું આચરણ કરીને સુખી થવું એના કરતા સત્યને વળગીને આજીવન કરવો વધારે ઉત્તમ છે.” પિતાના પ્રશ્નથી પુત્ર ખળભળી ઉઠ્યો. અમિતાભને જગતના આક્ષેપો કરતા પોતાના ઉપરથી માં-બાપની શ્રદ્ધા ડગી જાય તેનું દુઃખ વધારે હતું. તેણે કહ્યું : “હું રાજીવ ગાંધી સાથેની મૈત્રીના કારણે રાજકારણમાં ગયો તે જીવનની સૌથી મોટી ભૂલ છે. હું સંસદ થયો ત્યારે મારે ભ્રષ્ટાચારના આક્ષેપોનું ભોગ બનવું પડ્યું છે, પણ તમે મારા ઉપર વિશ્વાસ રાખજો. હું સંપૂર્ણ નિર્દોષ છું.” આ સાંભળી પિતા બોલ્યા : “તો પછી તારે ઈશ્વરથી પણ ગભરાવાની જરૂર નથી.” અમિતાભ જયારે નિર્દોષ જાહેર થયા ત્યારે એમનાથી વધુ રાહત હરિવંશરાયને થઇ હતી.

હરિવંશરાય બચ્ચનની અમર કવિતા ‘મધુશાલા’નો ગુજરાતીમાં સંપૂર્ણ સમશ્લોકી અનુવાદ મારા પપ્પા જગદીશ ત્રિવેદીએ કરેલો છે. એ ગુજરાતી પુસ્તકમાં હરિવંશરાયની જીવન-ઝરમર વાંચતો હતો તેમાં ૨ પ્રસંગો મને સૌથી વધુ સ્પર્શી ગયા.

સાચો પ્રેમ કોઈ નાત-જાત કે ધર્મ જોતો નથી. સત્યને હંમેશા વળગી રહેવું અને દુનિયા શું વિચારે છે એ નહિ પરંતુ માં-બાપ આપણા માટે શું વિચારે છે એ મહત્વનું છે.

લેખક : મૌલિક જગદીશ ત્રિવેદી

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી