મિક્સ પંજાબી અથાણું એકવાર બનાવી જુઓ , દર વર્ષે બનાવતા થઇ જશો

મિક્સ પંજાબી અથાણું

મિત્રો, આજે હું આપની સાથે ખુબ જ ટેસ્ટફૂલ તેમજ ચટ્ટપટ્ટુ પંજાબી અથાણું આસાનીથી કઈ રીતે ઘરે બનાવવું એ બતાવવા જઈ રહી છું. જે રોટલી, ભાખરી, થેપલા, પૂરી, પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. એટલું ટેસ્ટી બને છે કે એકવાર ખાશો તો બજારમાં મળતા બધા જ અથાણાં ભૂલી જશો ને દરેક વર્ષ આજ અથાણું બનાવશો. તો ચાલો બનાવીએ મિક્સ પંજાબી અથાણું.

સામગ્રી :

 • 1 કિલો કાચી કેરી,500 ગ્રામ તાજા લીલા મરચા
  500 ગ્રામ ગાજર,
 • 500 ગ્રામ આથેલા લીંબુ,
 • 100 ગ્રામ આદુ,
 • 100 ગ્રામ રાઈના કુરિયા,
 • 1 કપ ખાટું પાણી,
 • 3 થી 4 ટેબલ સ્પૂન તેલ ( ઓપ્શનલ ),
 • 100 ગ્રામ પંજાબી ( બેડેકર ) મસાલો,
 • 2 ટેબલ સ્પૂન હળદર,
 • 3 ટેબલ સ્પૂન મીઠું.

ઉપર બતાવેલા ઇન્ગ્રેડિયન્ટ્સની ક્વોન્ટીટીમાં ફેરફાર કરી શકાય ઉપરાંત તેમાં આપણે કેરડા, કરમદા અને ગરમર પણ ઉમેરી શકીએ.

તૈયારી :

કેરી, ગાજર, આદુ તેમજ મરચાને સાફ પાણીથી ધોઈને બરાબર કોરા કરી લો.
કેરીને નાનકડા ટુકડામાં કાપી લો.
ગાજર અને મરચાની લાંબી પાતળી ચીરીઓ કરી લો.
આદુની સાવ પાતળી નાની-નાની ચીરીઓ કરી લો.
તેલ ગરમ કરીને ઠંડુ પાડી લો.
રાઈના કુરિયાને ક્રશ કરી લો.

રીત :

સૌ પ્રથમ એક મોટા વાસણમાં કેરીના ટુકડાઓ લો તેમાં હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. 10 થી 12 કલાક કેરીના ટુકડાઓને હળદર-મીઠાના પાણીમાં પલાળવા દો. વચ્ચે-વચ્ચે 3 થી 4 વાર હલાવીને બરાબર મિક્સ કરવું જેથી કેરીના બધા જ ટુકડાઓ પર હળદર-મીઠું બરાબર ચડી જાય.

દસેક કલાક પછી આ ટુકડાઓ માંથી પાણી નિતારી, કોટનના સાફ કપડાં પર એક એક ટુકડા ગોઠવવા. આ ટુકડાઓને રૂમમાં જ સૂકવવા. સાવ ધીમો ફેન રાખી શકાય. કેરીના ટુકડાને વાળીએ અને અંદરથી પાણીના બિંદુ ના દેખાય ત્યાંરે કેરી સૂકાઈ ગઇ કહેવાય. આ રીતે કેરીને સુકાવામાં દસેક કલાક જેટલો સમય લાગે છે. કેરીના ટુકડાઓને હળદર-મીઠામાં પલાળી રાખીને સૂકવીએ ત્યારે જે પાણી નીકળે એ ખાટું પાણી સાચવવું, જેનો અથાણામાં યુઝ થાય છે.કેરીના ટુકડા સુકાઈ જાય ત્યારબાદ એક મોટા બાઉલ કે તપેલીમાં કાપેલા ગાજર, મરચા, આદુ તેમજ હળદર મીઠાવાળી કેરીના ટુકડાઓ નાખો.તેના પર રાઈના કુરિયા તેમજ પંજાબી બેડેકર મસાલો નાખીને મિક્સ કરો. હવે તેમાં આથેલાં લીંબુની ચીર નાખો સાથે જ તેલ અને ખાટું પાણી ( હળદર મીઠાવાળા કેરીના ટુકડામાંથી નીતારેલ ખાટું પાણી ) નાખીને બરાબર મિક્સ કરી લો.બરાબર સરસ રીતે મિક્સ કરી લીધા બાદ કાચની એર-ટાઈટ બોટલમાં ભરીને ફ્રીઝમાં રાખી દો. આ અથાણાંને ફ્રિઝમાંજ રાખવાનું હોય છે જેથી લાંબા સમય સુધી સારું રહે.

મિત્રો, આ પંજાબી અથાણું ઘરે બનાવવાની આ સાવ સરળ રીત છે, તો નોંધી લો મારી આ રેસિપી ને આ સીઝનમાં જ બનાવી લો બહાર કરતા પણ સારું આ ચટ્ટપટ્ટુ પંજાબી અથાણું. તો બહારથી લાવવાની બિલકુલ જરૂર નથી. આ રીતે ટેસ્ટફૂલ અથાણું ઘરે જ બનાવી શકાય છે અને વળી ખુબ જ ઓછા ખર્ચે.

નોંધ :

Ø તેલ ઓપ્શનલ છે, તેલ વાપર્યા વગર પણ આ અથાણું બનાવી શકાય છે.

Ø આપણે સ્વાદ મુજબ ગાજર, મરચા, આદુ વધ-ઘટ કરી શકીએ, તેમજ ટેસ્ટ વેરિએશન માટે ગરમર, આથેલાં કેરડા તેમજ કરમદા પણ ઉમેરી શકીએ, પણ આથેલાં લીંબુ તો સપ્રમાણ જોઈએ જ. લીંબુ એ ચાર ચીરીમાં કાપીને કાપીને માત્ર હળદર-મીઠું નાખીને આથેલાં છે.

Ø જયારે ચોમાચાની સીઝન હોય ત્યારે સરસ પીળા અને રસદાર લીંબુ આવે ત્યારે આખા વર્ષના લીંબુ આથીને સ્ટોર કરી શકાય.

આ રેસિપીનો વિડીયો જોવા ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા (રાજકોટ )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી