મિત્રતાનું ઝરણું – ફ્રેન્ડશીપ ડે પર ખાસ વાંચજો !!

તે બંને પાક્કા મિત્રો. કેશવ અને કરણ. રોજ સવારે બંને સાથે ગાર્ડનમાં વોકિંગ પર જાય અને કસરત કરે. આવીને સાથે ચા બનાવીને પીવે. બંનેને એકસરખી ગળી જ ચા જોઈએ. એકને તો ડાયાબિટીસ પણ હતું, છતાંય બન્ને સાથે બેસીને ગરમાગરમ ચાનો આસ્વાદ માણી શકે એટલે બીજો મિત્ર ડાયાબિટીસ હોવા છતાંય ચા પીતો. ચા પીને એક મિત્ર છાપું વાંચે અને બીજો મિત્ર બહાર જાય. છેક રાતના નવ વાગ્યે બન્ને ભેગા થાય. દિવસ આખાની દિનચર્યા બન્ને એકબીજાને કહે અને એક જ ઓરડામાં સાથે સુવે. મિત્રતાનું વ્હાલભર્યું ઝરણું એટલે તેમની આ અનેરી મિત્રતા.

એક દિવસ કેશવની તબિયત અચાનક બગડી. કરણ ત્યારે તેની સાથે હાજર નહોતો તેથી કેશવે તેને ફોન કર્યો બે-ત્રણ વખત પરંતુ કરણે ના ઉપાડ્યો. ઘરમાં કોઈ બીજું હાજર નહોતું તેથી કેશવ જાતે દવાખાને જવા નીકળ્યો. ઘરને લોક કરીને રોડ પર
આવી નજીકના ક્લિનિક પર જવા રીક્ષા કરી. છાતીમાં દુખાવો હતો તેથી કેશવ છાતી પર હાથ રાખીને કણસી રહ્યો હતો. રિક્ષાવાળો સેવાભાવી હતો તેથી તેણે ક્લિનિક પાસે રીક્ષા ઉભી રાખી કેશવને અંદર સુધી જવામાં મદદ કરી.

કેશવ ડોક્ટરને મળ્યો અને ડોકટરે શહેરના કોઈ નિષ્ણાત કાર્ડિયાકને બતાવાની સૂચના આપીને દવા લખી દીધી. કેશવ દવાખાનાની બહાર નીકળીને રીક્ષા શોધતો હતો કે તેને ફરી દુખાવો ઉપડ્યો. તે થોડું ચાલીને આગળ પહોંચ્યો અને ત્યાંથી રીક્ષા કરીને ઘરે પહોંચ્યો.

ઘરે જઈને જોયું તો તાળું ગાયબ હતું અને દરવાજો બંધ. તેણે જઈને દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખુલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. આખું ઘર તેના અને કરણના ફોટોઝ વડે સજાવેલું હતું. તેઓ કસરત કરતા હોય તેવા ફોટોઝ, સાથે બેસીને ચા પીતા ગોય તેવા ફોટોઝ, સાથે એકબીજા જોડે ખુલીને ખડખડાટ હસતા હોય તેવા ફોટોઝ અને છેલ્લે તો એક “પાઉટ” વાળો પણ ફોટો હતો. કરણે પરાણે કેશવને આવું વાંકુ મોઢું કરાવીને હજુ બે દિવસ પેલા જ આ ફોટો ક્લિક કર્યો હતો. આટલું ઓછું હોય તેમ ઓરડાની વચ્ચોવચ એક મોટી કેક હતી જેના પર લખ્યું હતું, “હેપી ફ્રેન્ડશીપ ડે માઈ ડિયર કેશવ “દાદુ”” !!!!

જી હા! કરણનો તે ખાસ મિત્ર એટલે તેના એશી વરસની ઉંમરના દાદા “કેશવલાલ” !

કરણના ભણતર માટે તે બન્ને સાથે બેંગ્લોરમાં રહેવા આવ્યા હતા. કરણના માઁ બાપને નોકરી છોડવી પોસાય તેમ નહોતી તેથી તેના માટે થઈને, તેનું ધ્યાન રાખવા માટે થઈને કેશવલાલ તેમની સાથે પોતાનું વતન છોડીને આ નવા જ શહેરમાં રહેવા આવ્યા હતા. તેઓની મિત્રતા અદભુત હતી. કરણ બપોરે જયારે તેની કોલેજે જતો ત્યારે અચૂક કેશવલાલને કલાકે કલાકે ફોન કરતો. પરંતુ આજે આ સજાવટમાં વ્યસ્ત હોય તે કેશવલાલનો ફોન ના ઉપાડી શકયો.

અત્યંત સુંદર સજાવટ જોઈ કેશવલાલ કરણને ભેટી પડ્યા અને કહ્યું,

“કોણે કહ્યું દીકરા મિત્રતા દિવસ ફક્ત યુવાનોનો દિવસ છે!! તારા જેવા પૌત્રે આજે મારી સાથે આ દિવસ ઉજવીને મિત્રતા દિવસની એક અનોખી શરૂઆત કરી છે. એક એશી વરસના દાદા અને અઢાર વરસના પૌત્રની મિત્રતા સમાજ માટે અપ્રતિમ ઉદાહરણ છે. “હેપી ફ્રેન્ડશીપ ડે માઈ બેસ્ટ ફ્રેન્ડ, માઈ ડિયર ગ્રાન્ડસન” !”

બંનેએ સાથે મળીને આખો દિવસ ધમાલ કરી. પોતાની ઉંમરના મિત્રોનો સંગાથ છોડી આજનો આ સ્પેશ્યલ ડે કરણે તેના સ્પેશ્યલ મિત્ર સાથે સેલિબ્રેટ કર્યો. કેશવલાલે તેને દવાખાના વાળી વાત કહી ત્યારે તે અત્યંત દુઃખી થયો પરંતુ બીજા જ દિવસે કેશવલાલને નિષ્ણાત ડોક્ટર પાસે લઇ ગયો અને સારવાર કરાવી.

એક અદભુત મિત્રતાની સોનેરી સવાર હવે કેશવ અને કરણના જીવનમાં શરૂ થઇ ચુકી હતી.

લેખક : આયુષી સેલાણી

આપ સૌ ને આજે આ સ્ટોરી કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી