મીઠેરી મુંઝવણ : કેવો જીવનસાથી શોધવો ?….

: પીઠી :
નથી ગમતું ઘણું, પણ કૈંક તો એવું ગમે છે,
બસ એ જ કારણે આ ધરતીમાં રે’વુ ગમે છે.
– કરસનદાસ માણેક –

“કૈસા હૈ કૌન હૈ વો જાને કહાં હૈ, જિસકે લિયે મેરે હોઠોં પે હા હૈ યા બેગાના હૈ વો, સચ હૈયા કોઇ અફસાના હૈ વો.. ઉસસે કહો કભી સામને તો આયે…” આ શબ્દો છે લતા મંગેશકરે ગાયેલા એક ગીતના. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ હિન્દી સિનેજગત માટે એક સીમાચિન્હરૂપ પ્રણયકથા બની રહી છે. આનંદ બક્ષીએ એના આ ગીત ‘મેરે ખ્વાબોમેં જો આયે’માં યુવાનીના ઉંબરે ઉભેલી યુવતી પોતાના જીવનસાથી અંગે જે કલ્પના કરે છે -તેનો વિષય છેડયો છે. આ ગીત જેટલું સુંદર ગવાયું છે તેટલું જ સુંદર રીતે પડદા પર ફિલ્માવાયું છે. પણ એનો મુખ્ય આધાર છે એના શબ્દો. આ ગીત જ્યારે થીયેટરમાં બેસીને કોઇ યુવતી પહેલી વખત જોતી હશે ત્યારે તેને એમ જ થતું હશે કે જાણે આ મારી જ વાત છે. મારા જ વિચાર અને મારા જ પ્રશ્નો છે.

કદાચ યુવાનીમાં પ્રવેશવાનું આ જ લક્ષણ હશે કે પાત્રો પોતાના ભાવિ પાર્ટનર વિશેની કલ્પનામાં રાચવા માંડે છે. જાણે અજાણે તેમની આસપાસ એક કાલ્પનિક બીંબ બને છે. પછી જે તે વ્યક્તિ આ બીંબમાં ફીટ બેસતો નજર આવે ત્યારે આખી સ્ટોરી બદલાઇ જાય છે. ખતરનાક વાત એ છે કે આ બીંબની એક મુખ્ય બાબત કોઇ વાસ્તવિક વ્યક્તિ સાથે ‘મેચ’ થઇ ગઇ તો તેને જ પોતાના સ્વપ્નસુંદરી કે રાજકુમાર માની બેસે છે. પછી ધીમે ધીમે બે ત્રણ વર્ષ સાથે રહ્યા પછી ખબર પડે કે એ બીંબ ના બીજા કોઇ લક્ષણો આ વાસ્તવિક પાત્રમાં નથી. ત્યારે પાછી દુનિયા બદલાઇ જાય છે. પછી ‘આપ તો ઐસે ન થે’ સર્જાય છે. આ પરિસ્થિતિ જોખમી છે. મોટાભાગના લવ મેરેજ નિષ્ફળ જવાનું કારણ આ હોય છે. તેથી જો મુગ્ઘાવસ્થાના સમયમાં વ્યવહારિક અભિગમ ધરાવતા વડીલોનું માર્ગદર્શન ન મળે તો સમસ્યાઓ ઊભી થઇ શકે છે. આ ઉંમરનો મહત્વનો સવાલ એ છે કે કેવો જીવનસાથી પસંદ કરવો? આપણે ત્યાં યુવક યુવતીઓ લાઇફ પાર્ટનર શોધતી વખતે ખરેખર કેટલા ગંભીર હોય છે એ જાણવું મૂશ્કેલ છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનીઓ સૂચવે છે કે આપણે ત્યાં મોટે ભાગે યુવક યુવતીઓ ચાર પ્રકારે જીવનસાથી પસંદ કરે છે;-

૧.પોતાના સ્વભાવને પૂરક
૨.માતા પિતાના અનુભવ પ્રમાણે
૩.પોતાના શોખ મુજબ
૪.પોતાની ફેન્ટસી મુજબ.

આપણે આને ઊંધેથી તપાસીએ.

4. પોતાની ફેન્ટસી મુજબ: મોટે ભાગે ટીનએજમાં યુવક યુવતીઓ ફિલ્મોથી પ્રભાવિત હોય છે. તેમના મનપસંદ કલાકારોની એક અલગ દુનિયા તેમણે ઊભી કરી દીધી હોય છે. પડદા ઉપર દર્શાવાતા પાત્રો કાલ્પનિક હોય છે. તેની દોર લેખક અને દિગ્દર્શકના હાથમાં હોય છે. તે પાત્રને વધુ ઉપસાવવા માટે ગમે તેવા તતકડાં કરતા હોય છે. પરંતુ એની અસર યુવામાનસ પર રહી જાય છે. તે સામેના પાત્રમાં પોતાના પ્રિય હિરો કે હીરોઇનની છાપ શોધતા હોય છે. આવા યુવાનો એક ખાલી ફ્રેમ લઇને ફરે છે જેમાં કોઇકને ‘ફીટ’ કરવાની તૈયારી હોય છે. ધરેલું વાતાવરણ દર્શાવતી ટીવી સીરિયલો તો આથીય આગળ વધી છે.

કિશોરવસ્થાના યુવક યુવતીઓ આ જુએ તો તેમને એ સાચું જ લાગે છે. એ તેને વાસ્તવિક માની બેસે છે. અહીંથી બધા ‘લોચા’ શરૂ થાય છે. કાલ્પનિક ફ્રેમ એટલી મોટી હોય કે તેના ઢાંચામાં વાસ્તવિક વ્યક્તિને બેસાડવું અધરું પડે છે. પછી એ પાત્રએ અપેક્ષા પૂરી કરવા માટે બેવડી ભૂમિકા નીભાવવી પડે. એક જે એ પોતે છે તે અને બીજું જે તેની ઉપર ફ્રેમ જડ્યા પછી જે ‘હીરોઇમેજ’ છે તે. જેમાં એક સમય બાદ પાત્ર હાંફી જાય અને પછી સંબંધોમાં પડે તિરાડો. એટલે ફેન્ટસી યોગ્ય છે. પણ તેનંવ સિલેક્શન યોગ્ય રીતે થવું જોઇએ. કમ સે કમ ફિલ્મી તો નહીં જ. કોઇ યુવતી વિવેકાનંદ જેવા વૈજ્ઞાનિક વિચારસરણી વાળા યુવકને પસંદ કરે તો યોગ્ય છે. સચીન જેવાની પસંદગી કરે, માર્ક ઝુકરબર્ગ જેવી ‘ઇનોવેટિવ’ વ્યકિતને શોધે.. એવી ફ્રેમ ક્યારેય નુકસાન નહીં કરે. કારણ કે આવા વ્યક્તિ એક જ હોઇ શકે. હા તમે એના જેવા એકાદ ગુણને જ શોધશો. આખા વ્યક્તિતત્વને નહીં. એ બાબતે યુવક કે યુવતી સ્પષ્ટ હશે. એટલે સામે મળનાર પાત્રને પણ કોઇ નવી ભૂમિકા નહીં ભજવવી પડે. બંને નેચરલ રહીને વાસ્તવિક દામ્પત્યની સીડી ચઢી શકશે.

3. પોતાના શોખ મુજબ:

તાજેતરમાં એક ક્રિકેટરે ટેનિસ પ્લેયર સાથે લગ્ન ર્ક્યા. બંનેના શોખ એક, વ્યવસાય એક અને સમય વીતાવવાની પધ્ધતિ એક સરખી. બંને પોતાની રમત માટે જરૂરી પોતાની ફિટનેસ તેમજ અન્ય બાબતો અંગે સાથીને સહેલાઇથી સમજાવી શકશે. તેજ રીતે એક એક્ટર કોઇ એકટ્રેસ સાથે લગ્ન કરે તો શુટિંગ શિડ્યુલ કે એ અંગેની મેનર્સ એક બીજા સરળતાથી સમસશે. ત્યાં નાની નાની બાબતોએ ધર્ષણ નહીં થાય એવું માની શકાય તેમ છે. એટલે બંને પાત્રોના રસના વિષય સરખા તો બંને એક બીજાના કાર્યક્ષેત્રમાં પ્રભાવ પાડી શકે, મદદ કરી શકે. સામાન્ય રીતે એક વર્ગ આવું પણ વિચારે છે. આમાં કેટલાક અપવાદો પણ છે.

એક શિક્ષક મારી પાસે કાઉન્સેલિંગ માટે આવ્યા હતા. મારી પાસે આવ્યા ત્યારે તે જીંદગીથી કંટાળેલા હતા. નવાઇની વાત એ હતી કે પાછું કંટાળાનું કોઇ કારણ તેમને ખબર નહોતું. બસ, કચવાટ વધતો જતો હતો જેને કારણે અનેક નાની મોટી બિમારીઓ શરૂ થઇ. ભાઇ ડિપ્રેશનમાં આવી ગયા. મેં બારીકાઇથી આખો કેસ તપાસ્યો તો ખબર પડી કે, તે પ્રાથમિક શાળામાં ભણાવતા હતા. તેની શાળામાં શિક્ષકની જગ્યા ખાલી પડી. સરકારી બદલીના કેમ્પમાં બીજા ગામ એટલે કે લગભગ ૧૫ કિમી દૂર નોકરી કરતી તેની પત્નીને તેણે આ જગ્યાએ ગોઠવી દીધી. બંને જણા ખુશ હતા. હવે એક સાથે નોકરી કરવાની, સાથે આવવાનું, જવાનું… પેટ્રોલ બચે, સમય બચે.. વગેરે. પણ આ ખુશી લાંબી નહીં ચાલી. તમે જ વિચારો એ બે જણા 24 કલાક સાથે ને સાથે. ઘરેય સાથે, સુવાનુ સાથે, નોકરી સાથે, જમવાનું સાથે.. થોડા સમયમાં કંટાળી ગયા. વાતે વાતે એકબીજાનું અપમાન કરતા થયા. છેલ્લા પાંચ વર્ષનું સરવૈયું કાઢ્યું તો માત્ર બળાપો અને અજંપો જ હાથ લાગ્યા. એટલે બંને પાત્રો વચ્ચે પ્રમની ઊર્જા વહેતી રહે તેવું કોઇ માધ્યમ હોય તો તે શિરોમાન્ય બને. પણ, અહીં શિક્ષણકાર્ય તેમનું આ માધ્યમ બની શક્યું નહીં. સરખા શોખ, સરખો વ્યવસાય કરનારા એક થાય એ સારી બાબત છે, પરંતુ એ દરમ્યાન પોતાનું અંગત સ્વાતંત્ર્ય ન ગુમાવે તો જ દામ્પત્યની સુગંધ પ્રસરી શકે. ક્રિકેટર ટેનિસ સ્ટારને બેટ પકડાવે તો શું હાલ થાય ?

2. માતા પિતાના અનુભવ પ્રમાણે :

સંસ્કૃતમાં એક શ્લોક ક્યાંક વાંચ્યો હતો. જેનો અર્થ કંઇક આવો થતો હતો: ‘લગ્ન વખતે વરરાજાની માતાને ધરેણાંમાં રસ હોય છે, પિતા કુળને જુએ છે, વર કન્યાની સુંદરતા જુએ છે અને જાનૈયાઓને જમવામાં રસ હોય છે.’ મને સંસ્કૃત આવડતું હોતતો આ સ્લોકમાં બીજી બે બાબતનો ઉમેરો કરત: ‘કન્યા ફોટોગ્રાફરને જુએ અને પંડીતજી ધડિયાળને!’ યુવતી માટે નાનપણથી એક પુરુષ આદર્શ રહ્યો છે. તે છે એના ‘પપ્પા’. તેથી તે ભાવિ પાત્રમાં પોતામાં પિતાના જેવા લક્ષણો જાણે અજાણે શોધશે. તે જ રીતે પુત્ર માટે સૌથી નજીકનું સ્ત્રી પાત્ર છે તેની માતા. તે એમ વિચારશે કે મારી માતા મને બરાબર સમજે છે. બસ તેના જેવા ગુણો વાળી કન્યા મળે તો તે પણ મને બરાબર સમજી શકશે. આમ યુવક યુવતીઓ પોતાના ઘરના પાત્રોના અનુભવ પ્રમાણે આમ કરશે. જે લક્ષણો તેઓ નાનપણથી જોતા આવ્યા છે, તે તેમના અર્ધજાગ્રત મનમાં ઘર કરી ગયા છે. આ સામાન્ય ધટના છે. પરંતુ કેટલીક વખત આનું ઉલટું પણ શક્ય છે. પિતા પોતાની માતા ને મારતો હોય તેવા દ્રશ્યો જોઇને જે યુવતી મોટી થઇ હોય તે બિલકુલ વિપરીત અપેક્ષા રાખશે. તે પોતાના પિતાથી જુદા જ પ્રકારની વ્યકિતને શોધશે. તેની ફ્રેમ પોતાના પિતાના સ્વભાવની એકદમ વિરૂધ્ધ હશે. છુટાછેડા બાદ જે સ્ત્રીએ પોતાની દિકરીને એક્લે હાથે ઉછેરી છે તે દિકરી પોતાના પિતાને કંઇક અંશે નફરત કરતી હશે. જે આગળ ચાલીને સમગ્ર પુરુષ જાત તરફ્ની થશે. આવી યુવતી વધુ પડતો ‘મેલ ઇગો’ ધરાવતા કે વધુ સિદ્ધિઓ મેળવી હોય તેવા પુરુષ પાત્રને ક્યારેય પસંદ નહી કરે.

1. પોતાના સ્વભાવને પૂરક:

આ સૌથી આદર્શ રીત છે. જે મારામાં નથી તે તું સાચવી લે જે અને જે તારામાં નથી તે હું સાચવી લઇશ. એક અંર્તમુખી હોય તો બીજું પાત્ર બર્હિમુખી હોય. એક સૈધ્ધાંતિક વિચારધારા વાળું હોય તો બીજું વ્યવહારિક. કેટલાક મુખ્ય ગુણોમાં ભિન્નતા સ્વીકાર્ય છે, આખા વ્યકિતત્વમાં નહીં. અને એ અંગે બંને સ્પષ્ટ હોવા જોઇએ. એક બોલે ત્યારે બીજુ સાંભળી લ્યે. બીજું બોલે ત્યારે પહેલું સાંભળી લ્યે. બંને બોલ બોલ કરનારા ભેગા થાય ત્યારે પડોશીઓ સાંભળે એવું બને. જે ગુણો પોતે વિકસાવી શક્યા નથી તે સામેવાળામાં દેખાય તો એ આવકાર્ય છે. તેથી કુટુંબમાં તમારી એ ખોટ બીજું પાત્ર ભરી દે છે. મામલો સરભર થઇ જાય છે. અને આ પ્રકારનું ‘બેલેન્સ’ જ તો દામ્પત્ય જીવનને જોઇએ. બીજુ બધું જાતે આવીને મળશે.

: કંકુથાપા :

બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
– મરીઝ –

લેખક : ચિરાગ પોપટ

શેર કરો તમારા ફેસબુક પર, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી