જાલતોલા અને મિસ્ટી માઉન્ટેન – હિમાલયના ઘૂંટડા ભરવા હોય, તેને શ્વાસોમાં ઉતારવો હોય અને તેને જીવવો હોય તો આ સ્થળે અવશ્ય જજો

કુમાઉ હિમાલયના સ્વર્ગીય સ્થળની સહેલગાહ

જાલતોલા અને મિસ્ટી માઉન્ટેન: સિર્ફ એહસાસ હૈ યહ રૂહ સે મહેસુસ કરો…!

હિમાલયના ઘૂંટડા ભરવા હોય, તેને શ્વાસોમાં ઉતારવો હોય અને તેને જીવવો હોય તો આ સ્થળે અવશ્ય જજો

-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર

પ્રવાસ કરવાનો બધાંનો ફન્ડા અલગઅલગ હોય. કોઈને સાઈટ સિઈંગમાં રસ હોય. સવારે હોટલના રૂમમાં ઉઠે કે તરત જ આખા દિવસનું પ્લાનિંગ અમલમાં આવે. આગલી રાતથી બધું નક્કી હોય. એક દિવસમાં શક્ય એટલું ઝાઝું જોઈ લેવું. સનરાઈઝ પોઇન્ટ્સથી માંડી ને સનસેટ પોઇન્ટ સુધીની સફર. બોટિંગ પણ કરી લેવું અને ઘોડેસવારી પણ કરી લેવાની. માર્કેટમાં ત્રણ કલાક કાઢવા અને ત્યાંથી એ જ વસ્તુ લેવી જે આપણાં શહેરમાં અર્ધા ભાવે મળી રહેતી હોય.

હિલ સ્ટેશન પર જઈને પણ ડોમિનોઝ કે મેકડોનાલ્ડસના આઉટલેટ્સ શોધવા અને બાળકો માટે ટોરાટોરાની રાઈડ્સ અને એવું બધું. હશે. પોતપોતાની સ્ટાઈલ હોય. મને આવી શૈલી રુચતી નથી. કોઈ એક સુંદર, આઈસોલેટેડ સ્થળ પર પાંચ-સાત દિવસ પડાવ નાંખવો અને ત્યાંથી અનુકૂળતા મુજબ રોજ એકાદ સ્થળ જોઈ આવવું, કશા જ કારણ વગર જંગલોમાં ભોમિયાને સાથે લઈ ભમવું એ મારા માટે પરમાનંદ.


હા! જ્યાં 5-7 દિવસનો પડાવ હોય એ જગ્યા પ્રથમ દરજ્જાની હોવી જોઈએ. આવી જ રીતે ફરતાં મને કેટલાંક અદ્દભૂત સ્થળોનો પરિચય થયો. હિમાલયના જાલતોલા નામના સ્થળે આવેલા ધ મિસ્ટી માઉન્ટેન રિસોર્ટમાં મને આવો જ અનુભવ હમણાં થયો. દૈવી અનુભવ. ઈંગ્લિશમાં કહીએ તો A Divine Experience!

આપણી આદત છે કે, આપણે હંમેશા પોપ્યુલર ડેસ્ટિનેશન્સ અને ભીડ-ગિરદી ધરાવતાં ઘોંઘાટીયા સ્થળો જ ફરવા માટે પસંદ કરીએ. પણ, નિરાંતવા અને દૂરસુદૂર સ્થળોનો એક આગવો આનંદ હોય. બાળકો તો પિઝા અને રાઈડ્સ માંગશે જ. પણ એમને કેળવવા પડે. વર્જિન પ્લેસીસનું મહત્વ, તેને માણવાની માનસિકતા પણ એક પ્રકારના સંસ્કાર જ ગણાય.

જાલતોલાની ગોદમાં આવેલું ધ મિસ્ટી માઉન્ટેન આવું જ એક વણખેડયું સ્થળ છે. કહો કે, એ ધરતી પરનું સ્વર્ગ છે. અહીં ચોમેર પ્રકૃતિનું સામ્રાજ્ય છે અને સાત્વિક વાતાવરણનું આધિપત્ય છે. અહીં પહોંચીએ કે, પ્રથમ વિચાર એ જ આવે: ‘આપણે રહીએ છીએ એ જગત કેટલું વામણું અને કેટલી હદે કૃત્રિમ છે! આપણે કેટકેટલું ગુમાવી ને એશોઆરામ ભોગવીએ છીએ!’

ધ મિસ્ટી માઉન્ટેન એક યાદગાર અનુભવ છે. અવિસ્મરણીય અને અદ્વિતીય. નૈનિતાલથી 160 કિલોમીટર દૂર આવેલું જાલતોલા એટલે એક જમાનાનું Tea Estate. અહીંની ચા દાર્જિલિંગની કરતાં પણ બહેતર ગણાતી. ભારતની શ્રેષ્ઠત્તમ ચા માટે આ એસ્ટેટને ગોલ્ડ મેડલ પણ મળી ચૂક્યો છે.

ટી એસ્ટેટના નિયમો આકરાં હોય. અહીં તમે હેતુફેર કરી ન શકો. ભૌગોલિક કારણોથી ચાની ખેતી બંધ થઈ પછી 1000 એકરમાં પથરાયેલું આ વૈભવી ખાનગી જંગલ એમ જ પડ્યું રહ્યું. જંગલ અને વૈભવી? હો સકતા હૈ. બિલકુલ હો સકતા હૈ. આ જંગલ 80℅ વન વિસ્તાર ધરાવે છે. અહીં ઓક અને ઉત્તરાંચલના વિશિષ્ટ ફૂલ એવાં બુરાંશના લાખો વૃક્ષો છે. હરણ અને શાહુડી તથા દિપડા છે તેમજ 300 કરતા વધુ પ્રકારના પક્ષીઓ પણ ખરા.

મિસ્ટી માઉન્ટેન રિસોર્ટ એવી રીતે બનાવાયું છે કે, તેના ઓલમોસ્ટ દરેક રૂમમાંથી હિમાલયના એક ડઝન કરતાં પણ વધુ હિમાચ્છાદિત ઉત્તુંગ શિખરો નિહાળી શકાય છે. હાથી પર્વત, ગૌરી પર્વત, નંદાઘૂંટી, ત્રિશુલ, મૃગતુંગી, નંદાદેવી ઈસ્ટ-વેસ્ટ, પંચાચૂલી જેવાં અનેક શિખરનો સ્તબ્ધ કરી દેતો વ્યૂ અહીંથી જોવા મળે છે.

ઉત્તરાંચલ અને કુમાઉનો ટુરિસ્ટ મેપ જોઈએ તો.જાલતોલાનો ઉલ્લેખ પણ તેમાં કદાચ નહીં હોય. મૂળે આ પ્રાઈવેટ જંગલ રાવત પરિવારની માલિકીનું છે. ઓગણીસમી સદીમાં ટ્રેકિંગ કરીને અનેક માર્ગો શોધનાર પંડિત કિશનસિંહ રાવત અને તેમના ભાઈ નૈનસિંહ રાવતની આ પ્રોપર્ટી. ગુગલે ગયાં વર્ષે નૈનસિંહ રાવતનું ડુડલ પણ મૂક્યું હતું. રાવત પરિવારના વંશજ હર્ષ રાવત આ જંગલની દેખભાળ કરે છે. જો કે, રિસોર્ટ માટેની પાંચ એકર જમીન મધુર છાબરા અને તેમના પત્ની અંબિકા છાબરાએ લીઝ પર લીધી છે.

હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા મધુર છાબરા એ સમયે એકદમ ઓફફ-બિટ રિસોર્ટ શરૂ કરવા માંગતા હતાં. બિલકુલ હટ કે. એવામાં તેમને પોતાનાં ભૂતપૂર્વ કલાસમેટ યશ રાવત ક્યાંક મળી ગયા. વાતમાંથી વાત નીકળી અને જાલતોલાની ચર્ચા છેડાઈ. મધુરને જગ્યા દેખાડવા હર્ષ જાલતોલા લઈ ગયા અને મિસ્ટી માઉન્ટેન નો જન્મ થયો. હર્ષના માતા ઇચ્છતા હતાં કે, અહીં ટિપિકલ ટુરિસ્ટ સ્પોટ જેવા દુષણો ન ફેલાવા જોઈએ. ઘોંઘાટ, શોરબકોર અને પ્લાસ્ટિક તથા પ્રદૂષણથી મુક્ત એવાં આ જંગલની પ્રાકૃતિક સમૃદ્ધિ અને સંપદા અકબંધ રાખવાની તેમની શરત હતી. એ મુજબ જ કરાર થયો. મુખ્ય રોડથી ચાર કિલોમીટર દૂરની જગ્યા પસંદ કરવામાં આવી. કાચો રોડ પણ ત્યાં સુધી ન હતો, પગપાળા જ જવું પડતું હતું. તેથી એક ફોર વ્હીલર ચાલી શકે તેવો કાચો રસ્તો બનાવાયો. મધુર પોતે ચુસ્ત પ્રકૃતિપ્રેમી. તેથી એકપણ વૃક્ષ કપાય નહીં તેનો ખાસ ખ્યાલ રખાયો અને ધીમેધીમે પૃથ્વી પરનું સ્વર્ગ, નામે *મિસ્ટી માઉન્ટેન* સર્જાયું.

અહીં અદ્દભુત કહી શકાય તેવા રૂમ્સ, કોટેજ અને સ્યૂટ્સ છે. એ બધામાં વ્યૂ માટે ખાસ ખ્યાલ રખાયો છે. ફૂડ માટે *લાજવાબ* સિવાય કોઈ શબ્દ નથી. જો તમે વેજિટેરિયન હો તો જલસો જ જલસો. ભોજનમાં ગ્રીન વેજીટેબલની એક ડિશ હોય, પનીરની તથા કોફતાની વરાઈટી હોય, કુલ ચારેક સબ્જી, દાળ-રાઈસ, સલાડ, રાયતું, ફુલકા રોટલી અને એકાદ ગરમાગરમ સ્વીટ. બોનસ તરીકે અંબિકાજીએ જાતે બનાવેલાં એક ડઝન કરતાં વધુ અથાણાં. લસણનું પણ ખરું અને લાલ-લીલા મરચાંનું પણ હોય. સ્થાનિક માલ્ટાનો જામ, મરચાંનો જામ તથા બીજું ઘણુંબધું. બ્રેકફાસ્ટમાં પણ અનેક વિકલ્પો મોજુદ. ભોજન માટે મસાલા તો અંબિકાજી જાતે જ તૈયાર કરે. હળદરની અને મરચાંની પોતે જ ખેતી કરે. રિંગણ તથા વટાણા, બટેટા વગેરે પણ ઉગાડે. બધું જ ઓર્ગેનિક. આ વિસ્તાર આમ પણ પીચ, એપ્રિકોટ, માલ્ટા વગેરેની શ્રેષ્ઠત્તમ ગુણવત્તાની ઉપજ માટે વિખ્યાત છે. અને સૌથી મૂલ્યવાન છે, અહીંનું શુદ્ધત્તમ મિનરલ વોટર. બે કિલોમીટર દૂર આવેલાં બે અલગઅલગ ઝરણાંમાંથી પમ્પિંગ કરી અસલી મિનરલ વોટર અહીં લાવવામાં આવે છે. એ પાણી એટલું શુદ્ધ અને ખનિજ તત્વોથી ભરપૂર છે કે, નિષ્ણાંતોએ કોઈ જ પ્રકારની છેડછાડ નહીં કરવાની સલાહ આપી. માત્ર વોટર ફિલ્ટર જ મૂકાયું જેથી તેનાં ઉપકારક તત્વો જળવાઈ રહે. અહીં જવાનું થાય તો ભૂલથી પણ કહેવાતાં મિનરલ વોટરની બોટલ મંગાવશો નહીં.

મિસ્ટી માઉન્ટેન જવું હોય તો એક-બે દિવસ પર્યાપ્ત નથી. અહીંયા ત્રણ-ચાર કે પાંચ નાઈટનો સ્ટે હોય તો આનંદ બેવડાઈ જાય. એટલાં દિવસ કરવું શું? વેલ, હિમાલયના દૈવી વાતાવરણના ઘૂંટડા ભરવા. અહીં, ગેમ ઝોન છે જેમાં બેડમિન્ટન, કેરમ, ચેસ, ટેબલ ટેનિસ રમી શકાય. એક નાની એવી લાયબ્રેરી પણ છે. અહીંથી ત્રણેક કિલોમીટરની સખ્ત ચઢાઈ કરીને લંકેશ્વર મંદિરે જઈ શકાય. ત્યાંથી હિમાલયનો 360 ડિગ્રી વ્યૂ મળે છે. એ એવી જગ્યા છે જેના વિશે તમે કલ્પના પણ ન કરી હોય. રીતસર કલ્પનાતિત. જઈ ને પરત આવતા 4-5 કલાક થાય પણ મહેનત વસૂલની ગેરેન્ટી. ઉપરાંત આ રિસોર્ટને બેઝ કેમ્પ બનાવી ને આસપાસ ઘણું જોઈ શકાય. પાતાલ ભુવનેશ્વર, હાટકાલી મંદિર, ચૌકોરી, સૂર્ય મંદિર, મુક્તેશ્વર, બિનસર જેવાં સ્થળોમાંથી રોજ એક-બે જગ્યાએ નિરાંતે જાઓ તો મજો જ પડે. મે-જૂન દરમિયાન રિસોર્ટ પર એડવેન્ચર એક્ટિવિટીઝ થાય. રેપલિંગ, હાઈકિંગ, ટ્રેકિંગ, વિલેજ વૉક વગેરેનો આનંદ સપરિવાર ઉઠાવી શકાય. બર્ડ વૉચિંગ પણ કરી શકાય છે. *મિસ્ટી માઉન્ટેન* સસ્તું નથી તો મોંઘુ પણ નથી. અમે જ્યાં રોકાયા એ ફેમિલી કોટેજમાં ત્રણ બેડરૂમ, એક કિડ્સ રૂમ અને વિશાળ હોલ હતો. ટેરિફ સાત હજાર જેવું હતું. ફૂડ થોડું મોંઘું છે પણ આ જગ્યાની સુંદરતા અને પ્રાકૃતિક ઐશ્વર્ય માટે બધું જ પરવડે.

-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર

મિસ્ટી માઉન્ટેન સંપર્કસૂત્ર: કવિતા ગોયલ, મોબાઈલ: +919910345220

ટીપ્પણી