મિસ યુ સસુમોમ – સાસુને ત્યારે જ સમજી શકીએ જયારે આપણે સાસુ બનીએ…

પ્રિય સાસુમોમ…

આજે દસ દસ વર્ષો થયા તમારે સ્વર્ગ સિધાવ્યા…પણ એક ક્ષણ એવી નથી ગઈ કે હું તમને યાદ ન કરતી હોઉં…તમે ભલે નથી છતાં તમે આપેલા સંસ્કારો, તમારી શીખ ને તમારા અનુભવોથી મારું જે ઘડતર તમે કર્યું એ આજે પણ મને ખુબ જ ઉપયોગી થઈ રહ્યું છે.

આજે તમારો જન્મદિવસ છે .આ દિવસને હું કેમ ભૂલી શકું ? હજી મને યાદ છે હું જ્યારે પરણીને સાસરે આવી ત્યારે માત્ર ને માત્ર સોળ જ વર્ષની હતી…ન નાની કહી શકાય કે ન મોટી એવી કાચી બુદ્ધીની હું અત્યારે જે કાઈ છું એ તમારા જ કારણે… મારી વહુ મને રોજ કહે, મમ્મી તમે દુનિયાના બેસ્ટ સાસુ છો..ત્યારે હું કહું ના હું તો હજી ક્યારેક તારા પર ગુસ્સે થઈ જાવ છું. હક્ક જમાવી બેસું છું..ને ક્યારેક ગણતરી પણ માંડી દઉં છું…હું બેસ્ટ નથી..તારા દાદી સાસુ સૌથી બેસ્ટ છે..


આ લેટર લખવાનું કારણ એટલું જ છે કે લોકો સાસુનાં પાત્રને બહુ ગંદી રીતે જોવે છે..સાસુ માટે સૌનો દ્રષ્ટિકોણ અલગ જ છે..પણ આજે હું સાસુ બની છું ત્યારે મને ખબર પડી કે સાસુ બનવું કેટલું કઠીન છે.

વર્ષોથી કેટલીય કરકસર કરીને એક એક પાઈ ભેગી કરીને ..પોતે ગરમીમાં સુવે પણ ફેન ચાલુ ન કરે..ખે કે હું જો ફેન ચાલુ કરીશ તો બીલ વધારે આવશે…એમ વિચારી ગરમી સહન કરી હોય…જો જમવામાં કશું ન બચે તો છેલ્લે હસતા મોઢે ખાલી ખીચડી જ જમીને પેટ ભરી લીધું હોય..આ દિવાળી પર હું એક સાડી નહી લઉં..છોકરાઓને સરસ કપડા અપાવીશું એવું વિચારી કેટલીય દિવાળી જેવા ત્યોહાર કબાટમાં પડેલી કલર ઉડી ગયેલી જૂની સાડીઓમાં જ પસાર કરી હોય…એ સાસુએ મકાનને ઘર ને ઘરને મહેલ બનાવવા પોતાની કેટલીય ઈચ્છાઓનાં બલીદાન આપ્યા હોય ત્યારે સમાજમાં પોતાનું સ્થાન બરોબર બનાવી શક્યા હોય…..ને જ્યારે વહુ આવે ત્યારે વહુને એ.સી વગર ન ચાલે, વહુને હોટેલમાં જમ્યા વગર ન ચાલે ને હસતા મોઢે કહે કે, જા બેટા તું બહાર જમી આવ..આજે સન્ડે છે..તમે બંને ફરો એમાં જ હું રાજી…આ સાસુનું પાત્ર..પોતાની આખી જિંદગી ઘરને સમર્પિત કરનાર છેલ્લે પણ હસતા મોઢે વહુનું જ સુખ જોવે..


મોમ જ્યારે મારી વહુ નવી નવી પરણીને આવી ત્યારે મારા દીકરા પર સંપૂર્ણ હક્ક એને જમાવી દીધો..રોજ મારા હાથથી જ દૂધ પીતો મારો લાડલો. લગ્નનાં બીજે જ દિવસે મને કહે, મમ્મી હું આજે ડોલીનાં હાથનું બનાવેલું દૂધ પીશ ! એ સરસ ટેસ્ટી બનાવે છે..ત્યારે મને એવું લાગ્યું કે મેં અત્યાર સુધી દૂધ બનાવી પીવડાવ્યું એ ટેસ્ટી ન લાગ્યું ને હજી નવી નવી આવેલી ડોલીનું બનાવેલ દૂધ એને ટેસ્ટી લાગે છે..વાહ..સાચુંકહું મોમ..મને તો ખોટું લાગી ગયું..પછી મેં તમને યાદ કર્યા…કે મારા સાસુએ સામેથી જ મને કહ્યું હતું કે, પ્રિયા આજથી આ ઘર તારું છે. તું જ વિશાલને તારા હાથની ચા બનાવી પિવડાવ..હવે મારો દીકરો તારી જવાબદારી…કેટલું પ્રેમથી તમે મને તમારો દીકરો, તમારું ઘર સોપી દીધેલું..તમારા જેવું મન મારું બિલકુલ નથી..હું મારી વહુ ડોલીને એમ આસાનીથી નથી બધું સોપી શકતી..ક્યારેય તો મને એવો વિચાર આવે કે આખી જિંદગી મેં આ ઘરનો બોજ ઉઠાવ્યો ને હવે આ છોકરીને મારું ઘર, મારો દીકરો એના વિશ્વાસે કેમ સોપી શકીશ ?


પછી મને તમે યાદ આવો..હું પણ વષો પહેલા ડોલીની જેમ જ આવેલી..મારા સાસુએ તો મારા જેવો કોઈ વિચાર નહોતો કર્યો…હસતા મોઢે મને કેટલું બધું શીખવ્યું…મને તો રસોઈ બનાવતા પણ નહોતી આવડતી…અરે માથું ધોતા પણ નહોતું આવડતું..મારા લગ્ન પછી તમે મને એક વર્ષ સુધી માથું ધોઈ આપ્યું હતું ને રોજ તેલ નાખી માથું પણ ઓળી આપતા હતા…તમને કેટલી તકલીફ થઇ હશે ? એ મને આજે સમજાય છે..સાસુને ત્યારે જ સમજી શકીએ જયારે આપણે સાસુ બનીએ…

મારી વહુ ડોલી તો હોંશિયાર છે…કુકિંગ ક્લાસ કરેલા છે એટલે રસોઈ તો બિલકુલ હોટેલના ટેસ્ટ જેવી જ ઘરે બને છે…સાથે ન્યુટ્રીશનની ડીગ્રી પણ હોવાથી બધાની હેલ્થનું ધ્યાન રાખીને રોજ સ્વાદિષ્ટ ને હેલ્ધી ફૂડ જ બનાવે છે. ઘર પણ સરસ ક્લીન રાખે છે…મારે તો કશું શીખવવું જ નથી પડ્યું..સાથે વ્યવહારિક પણ એટલી જ છે..


છતાં પણ ક્યારેક કોઈ વસ્તુનો બગાડ થાય તો તરત જ મને વિચાર આવે કે આ ઘર કેમ આગળ લાવશે ? નેગેટીવ વિચારો ઘણા આવી જાય ..પછી તરત જ હું તમને યાદ કરું ..

હજી મને યાદ છે…મારાથી ભીંડાનું શાક ખારું બની ગયેલું..તમે બિલકુલ ગુસ્સે થયા વગર ફટાફટ નવો ભીંડો લઇ આવ્યા ને ફટાફટ મને હેલ્પ કરી ભીંડાનું શાક નવું બનાવી નાખ્યું…બધા જમવા બેઠા શાકના બે મોઢે બધાએ વખાણ કર્યા…ત્યારે તમે એક જ શબ્દ બોલ્યા, હોય જ ને ટેસ્ટી શાક મારી લાડકી ને વ્હાલી વહુએ જો બનાવ્યું છે…

તમારો આ ગુણ મેં અપનાવ્યો…હું પણ એકદમ તમારા જેમ જ ધીરજવાન ને મીઠા સ્વભાવની બની ગઈ…મારી વહુથી પણ આવી જ ભૂલ થઇ તો મેં પણ તમારી જેમ જ મારી વહુની ભૂલ પર પડદો ઢાંકી રાખ્યો . ત્યારથી હું મારી વહુની ફેવરીટ બની ગઈ. અમે પહેલા સાસુ વહુ હતા…જેમ જેમ તમે મને રાખતા એવી જ રીતે હું મારી વહુને સાચવતી ગઈ….એમ એમ અમે સાસુ વહુ મટીને મા- દીકરી બનતા ગયા.


વાર તહેવારે તમેં મને સારામાં સારા કપડા અપાવતા…દાગીનાની ગીફ્ટ આપતા એમ હું પણ મારી વહુ માટે કોઈને કોઈ ગીફ્ટ આપીને એને સરપ્રાઈઝ કર્યા કરું..અમે બંને કોઈપણ ડીસીઝન લેવાનું હોય સાથે બેસીને ચર્ચા કરીને પછી જ લઈએ છીએ.

આજે હું સાસુ બની પણ મોમ તમને હું ક્યારેય નથી ભૂલી…એક દિવસ એવો નથી કે મેં તમારી કોઈપણ વાત ડોલી પાસે ન કરી હોય…વાતો ખૂટતી જ નથી…રોજ નવો દિવસ ને નવી વાત.. આજે તમારા કારણે અમારા ઘરમાં પ્રેમ ને હૂંફ વાળું વાતાવરણ બની રહ્યું..તમે નથી પણ તમે મને જીવનજીવવાની રીત શીખવી ગયા..તમારું જીવન જ એવું હતું કે એ જીવનમાંથી મેં પ્રેરણા લીધી ને મારું ને મારા ઘરનું વાતાવરણ મજબૂત થતું ગયું..

હજી મારા જીવનમાં જો કોઈ તકલીફ આવે તો એનો રસ્તો તમારી ને મારી લાઈફમાંથી જ મળી જાય છે. તમે મને એટલો પ્રેમ આપ્યો છે કે હું આખી ક્યારેય એ પ્રેમને નહી ભૂલી શકું. જેમ મને પણ તમારા વગર પિયર જવું નહોતું ગ્માતું…એવી જ રીતે ડોલીને પણ એના પિયર જવું નથી ગમતું…મારા પિયર હોય કે એના પિયર અમે સાસુ વહુ સાથે જ જઈએ..


લોકો તો અમને બંને ને એમ જ કહે કે, નવાઈની તમારે જ વહુ ને નવાઈની તારે જ સાસુ છે… એમ કરી બધા હસ્યા કરે !

ખરેખર…તમે મને સાસુ મટી મા બનીને પ્રેમ આપ્યો..એટલે મને મા ક્યારેય યાદ ન આવી… સુખ દુઃખમાં મારી સાથે ઉભા રહી મને એક સહેલી જેવો પ્રેમ આપ્યો , એટલે મને ક્યારેય મારી સહેલી યાદ જ ન આવી… હું ખુબ જ નસીબદાર છું કે મને તમારા જેવા પ્રેમાળ ને સમજણા સાસુ મળ્યાં..મને હું સાસરે આવી પછી ક્યારેય હું સાસરે છું એવો પારકા પણાનો અહેસાસ જ નહોતો થયો…

તમારા કારણે આજે હું પણ બેસ્ટ સાસુ બની શકી છું..જો એક સાસુ પોતાની વહુને દીકરી તરીકે અપનાવે તો ક્યારે એ વહુ સાસુ બનશે તો એની વહુને પણ એ દીકરી જેમ જ અપનાવશે…હું મારું સાસુપણું તમારા પાસેથી શીખી છું…એમ સાસુ પણું પણ વારસામાં જ મળતું હશે ને ?
માટે દરેક સાસુ બેસ્ટ બને એટલે વારસામાં આપોઆપ બેસ્ટ સાસુઓ જ મળશે ! સાચું ને સાસુ મોમ ? સાસુ વહુ જો પ્રેમથી રહે તો જીવનમાં કોઈ જ ટેન્શન નથી રહેતું….કેમકે સાસુ વહુ સિવાય હોય છે કોણ ઘરમાં ?


સાસુ મોમ તમે મને ભૂલી તો નથી ગયા ને ? હું તો ક્યારેય નહી ભૂલી શકું કેમકે મારી આ જિંદગી જ તમારા વિચારોથી ચાલે છે…મારી વહુ ડોલી ને હું રોજ તમારી પૂજા કરીએ છીએ…અમે ભગવાનને નથી જોયા પણ ભગવાન જેવો જીવ તમારા આત્મામાં જોયો છે..

મિસ યુ સાસુમોમ….

આજે દસ વર્ષ થયા પણ આવો જ લેટર રોજ લખીને પ્રિયા સાસુમોમનાં ફોટા પાસે મૂકે છે..કદાચ .એક લેટર પણ એની સાસુમોમ પાસે પહોચી જાય…

|| અસ્તુ ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરેક દિકરીને જયારે આવા સાસુ મળશે ત્યારે કોઈ દીકરી સાસરે દુઃખી નહિ થાય.