મિલન રાત્રી – પહેલા ગરબાએ તેને જોયો નજર મળતા જ તેની તરફ ખેંચાઈ, અનોખો પહેલી નજરનો પ્રેમ…

“ડોક્ટર અંજલી, મે વી કમ ઈન?” કાચનો દરવાજો ખોલતા ખૂબ જ સાદો તેમ છતાં મોર્ડન ફર્નિચરથી સજ્જ કેબિનમાં પ્રવેશતાં જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં આધેડ વયનાં ડોક્ટર અંજલી દેખાયાં. એમણે મૃદુ સ્મિતથી આવકાર આપ્યો અને બેસવા કહ્યું.

image source

“મેડમ, અમે તમને આમંત્રણ આપવા આવ્યા છીએ.” આશ્ચર્યનાં ભાવ ડોક્ટર અંજલીના ચહેરા પર જોતાં જ એ લોકો બોલ્યા; “મેડમ, અમે ક્ષય રોગ નાબૂદી અંગે એક સંસ્થા ચલાવીયે છીએ. ‘૨૪ માર્ચ, વિશ્વ ટીબી દિવસ’ તરીકે વર્ષોથી મનાવાય છે. તો આ નિમિત્તે આ વખતે, અમારે, તમારું સન્માન કરવુ છે.” “મારું સન્માન? શા માટે?” ડોક્ટર અંજલી સહજતાથી પૂછી બેઠાં.

image source

“મેડમ, આવું પૂછી અમને શરમાવો નહિ. તમારા આટલાં વર્ષોનાં યોગદાનને કોણ નથી જાણતું? છેલ્લાં ૨૫ વર્ષોથી તમે જ જાણે ક્ષય રોગથી પીડાતાં હોવ એમ ઝઝૂમી રહ્યાં છો. આ રોગને જડમૂળથી તમે કાઢી શકવામાં સક્ષમ બન્યા છો. દરેક દર્દીને નવી આશા આપવામાં સફળતા મેળવી છે. જીવન આખું સમર્પિત કર્યુ છે તમે તો. તો શું અમે આટલુંય ન કરી શકીએ આપના માટે?”

image source

ચમકતી એ તબીબી આંખોમાં જાણે કેટલુંય ફરી વળ્યું. રિવોલ્વીંગ ચેરને જરા ડોલાવીને પોતાને સ્વસ્થ કરીને ડોક્ટર અંજલી બોલ્યાં; “મેં બસ મારી ફરજ બજાવી છે અને ઈશ્વરે એમાં સાથ આપ્યો.” “મેડમ, એ તો તમારી મોટપ છે કે તમે આમ કહો છો.” “માફ કરજો. હું જાહેર કાર્યક્રમોમાં નથી જતી.” “પણ આ પ્રસંગમાં તો તમારે આવવું જ પડશે. અમારું આમંત્રણ સ્વીકારો જ.”

image source

આયોજક બોલ્યા અને બીજા એક જૈફવયના આગંતૂકે વાત મૂકી, “તમે આવીને ક્ષય વિશે થોડી જાણકારી અને સારવાની માહિતી આપશો તો કેટલાંય પરિવારોને સધિયારો મળશે, બેન.” “આમ, કહીને મને શરમાવો નહિ વડીલ. હું જરૂરથી પ્રયત્ન કરીશ.” નમ્ર જવાબ લઈને આયોજકોએ વિદાય લીધી. ચશ્માં લેપટોપ પર મૂકી ડોક્ટર અંજલી અવિસ્મરણીય સંસ્મર્ણોમાં ગરકાવ થઈ ગયાં.

image source

***

છેક પાર્કિંગ સુધી સંગીત સંભળાતું હતું. “પૂનમની પ્યારી પ્યારી રાત… મારી પ્રિતમ સાથે છે મુલાકાત… આજ તું નાજાતી….” રૂપાળો, આકર્ષક ચહેરો, રેશ્મી દોરાથી ભરત ભરેલું કાળું ચણિયાચોળી, કેડ સુધીનો લાંબો ચોટલો, રૂપેરી આભુષણ પહેરેલી અંજલી, ડોક્ટર અંજલીને દેખાઈ.

image source

એ બેનપણીઓની રાહ જોતી પાર્કીંગ પાસે ઊભી હતી. “અરે, હજુ તો બીજી જ રાત છે પણ તો પણ અહીં સારી એવી મેદની છે. આખી નવરાત્રી બાકી છે.” એ ચારેકોરની રોનક જોતી રહી. “મને આજે નથી આવવું; થાકી છું યાર.” “તું ફ્રેશ થઈ જઈશ, આઈ એમ સ્યોર યુ વીલ એંજોય.” બેનપણીના આવા આગ્રહથી પહોચીં તો આવી પણ હજુ એ જ નથી આવી. આવું વિચારી ઊભી જ હતી ત્યાં મવાલી લાગતા છોકરાઓનું એક ટોળું આવ્યું. અંજલી સતેજ થઈ. અચાનક એક યુવાન બાજુમાં આવી ઊભો રહી ગયો.

image source

એ છોકરાઓનુ ટોળું પસાર થઈ ગયું. પાછું વળીને એ યુવાનને આભાર માનવા બોલાવે તે પહેલાં તે ભીડમાં અલોપ થઈ ગયો. એને શોધવા આમતેમ નજર દોડાવી. એવામાં બેનપણીઓ પહોંચી આવી. એક બેનપણી બોલી; “અલી, ક્યાં ડાફોડિયાં મારે છે? અમે તો અહિં છીએ.”

image source

“સારૂં થયું તમે બધી આવી પહોંચી, હું ક્યારની તમારી વાટ જોઉં છું. ખબર શું થયું?” અંજલી પેલા યુવાન અને લોફર છોકરાઓના ટોળાંની વાત બેનપણીઓને કરતે કરતે ગરબી ચોકમાં પ્રવેશી. નવરાત્રીનું અદભૂત વાતાવરણ જામ્યું હતું. યુવાન હૈયાં થનગની રહ્યાં હતાં. અંજલી અને એની બેનપણીઓ પણ મેદાનમાં રમવા ઉતરી. અંદર – બહાર એમ બે મોટાં વર્તુળાકારમાં પંચિંયા રાસ રમાતા હતા. દરેકની સામે એક એક જોડીદાર બદલાય અને આમ જ ક્ષણિક નજર પણ મળે.

image source

એવામાં ફરી અંજલીની સામે પેલો યુવાન આવ્યો. હર્ષના ભાવ જાણે અંતરથી ઉદભવ્યા. બે નજરોનું મિલન થયું ને જાણે અંજલીના રૂંવેરૂવાં પુલકિત થયાં. બે ઘડી ઝૂમી ઊઠી એની સાથે. સમયાંતરે પેલા યુવાનનો સામનો થાય અને અંજલી એક ધબકાર ચૂકી જાય. કંઈક અનેરૂં તેજ હતું એની આંખોમાં. ઊંચો બાંધો ને પાતળી મૂછ. વાંકડિયા વાળ ગોરા ચહેરા પર શોભતા હતા. જાણે અંજલીના સ્વપ્નનાં રાજકુમારની મૂર્તિ પરિપૂર્ણ થઈ. આ શું અનુભૂતિ હતી? એ તે સમજી જ ન શકી. બસ સંગીતની ધૂને તાનમાં આવી નાચવા લાગી.

image source

મોડી રાત્રે ઘરે આવીને પણ તેનાં માનસપટ પર તેનાં જ વિચારો ફરી વળ્યા. “કાલે જો એ મળશે તો એનું નામ ચોક્કસ પૂછી લઈશ.” એવો સંકલ્પ કરી કેટલાય ઓરતાઓ આંખોમાં મીંચીને સૂતી. અને ઊઠતાંની સાથે જ એ ચહેરો વિચારપ્રદેશ પર ફરી છવાયો. દિવસે પણ આજ સ્થિતિ રહી અંજલીની. ન અભ્યાસમાં મન લાગ્યું કે ન ભૂખનુંય ભાન રહ્યું. બસ સાંજની તૈયારીમાં લાગી. સુંદર ચણીયાચોળી ભાડે લાવી. સખીઓને જાણ કરી દીધી કે આજે વહેલી આવજો.

image source

ફરી એક મિલન રાત્રી આવી પહોંચી. સંગીત અને યૌવનના જોમમાં સહુ મસ્ત હતાં. ફરી તેઓનો સામનો પણ થયો. પણ સંગીતના લય સાથે માત્ર નજરો જ મળી અને સ્મિતનું આદાનપ્રદાન થયું. ખેલૈયાઓના ટોળાને ઓળંગીને વાત કરવી અઘરી થઈ. દરરોજ આવું જ થતું. કદાચ એ પણ વાત કરવા આતુર હોય એવું એના વર્તનથી પણ લાગતું. આમને આમ પાંચમું નોરતું પણ પસાર થઈ ગયું.

image source

“આજે તો બહુ વે’લી એકલી જ નીકળી જઈશ.” એવુ વિચાર્યુ. અણ વેરી પરીક્ષા આડી આવી ઊભી હતી. “બસ, એક છેલ્લી ઔપચારીક પરીક્ષા બાકી હતી પછી તો ઈનટર્નશીપ કરી શકીશ.” મનને મનાવી લીધું એણે અને અભ્યાસમાં લાગી ગઈ.

image source

બે રાત્રીના વીરહ બાદ તે ફરીથી એ જ ગરબી ચોકમાં પહોંચી. આજે તો નવરાત્રીનો માહોલ સંપુર્ણ પરાકાષ્ટાએ હતો. મન અને આંખો તો પેલા યુવાનને જ શોધતી. એક રાઊન્ડ ફરી પણ એ ન દેખાયો. આમ જ રાત વીતી. બીજો દિ’ ઉગ્યો. આજે તો નોમ હતી એટલે મેગા ફાઈનલ. છેલ્લી રાત. કદાચ મિલન થાય એ આશા એ અંજલી ફરીથી પહોચી ગઈ. આજે પણ એકલી નહોતી. પહેલા દિવસની જેમ બેનપણીઓની ટોળકી સાથે સોળે શણગાર સજી ઉપડી. હૈયેહૈયું દળાતું હોય એટલી મેદની હતી.

image source

રાસની રમઝટ જામી હતી. પણ સંગીતનો સૂર આજે અંજલીને ઘોંઘાટ લાગતો હતો. તેનું મન વ્યાકુળ થતું જતું હતું. કોઈક અણધારી પરીસ્થિતિમાં મુકાઈ હોય એવો એને ભાસ થતો હતો. “આજે જો એ નહિ મળે તો?” “કોણ હશે એ?” “કંઈ થઈ તો નહિ ગયું હોયને એને?” “હુ શા માટે તેનાંથી આટલી આકર્ષાઈ છું?” “એને ફરી ક્યારેય મળી શકીશ?” એવા કેટલાય પ્રશ્નો સાથે તે શૂન્યમનસ્ક થઈ ઊભી હતી.

image source

અચાનક એનું વિચાર વમળ તૂટ્યું. માઈકમાંથી જાહેરાત થઈ; “કોઈ ડોક્ટર હાજર હોય તો સંપર્ક કરે. મેડિકલ ઇમર્જન્સી છે..” અંજલી અને તેની બીજી સખીઓ પોતાની નૈતિક ફરજ સમજી તરત જ ત્યાં પહોંચી ગઈ જ્યાં ટોળુ એકઠ્ઠું થયું હતું. “અમે ડોક્ટર છીએ. અમને અંદર આવવા દો.” એવું બોલતે એ લોકોનાં ટોળાની વચ્ચે પહોંચી. વૃંદને વિખેરતાં એ દર્દીને જોઈને અંજલી દિગ્મૂઢ થઈ ગઈ. ટોળાંનાં ધક્કાઓ સાથે સભાન થઈને જોયું તો પેલો યુવાન બેભાન અવસ્થામાં જમીન પરસ્ત હતો.

image source

અંજલીની એક સખીએ નાડ તપાસી અને એમબ્યુલન્સ બોલાવા આદેશ આપ્યો. આ શું ચાલી રહ્યું છે એ સંપૂર્ણ ખ્યાલ આવે એ પેલાં ટોળાંમાંથી જ કોઈ એને પોતાની કારમાં જ હોસ્પિટલ લઈ જવા તૈયાર થયું. અંજલી, એની સાથી સખી અને એ યુવાનના બે મિત્રો પણ કારમાં સાથે ગયા. સારવાર શરૂ થઈ. નિદાન આવ્યુ ટી.બી. અને એ પણ ફેફસાંનું.

image source

સંગીત સાથે થનગનતી અંજલી, ડોક્ટર અંજલીના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. તેણે એના ઉપરી ડોક્ટરોની સલાહ લીધી અને કેસ સમજવા પ્રયાસ કર્યો. સિનિયર ડોક્ટર સાહેબે સ્પષ્ટ પણે નિદાન આપી દીધું; “દરદ હવે અંતિમ ચરણે છે.” અંજલીના પગ તળેથી જમીન ખસી ગઈ.

image source

એ યુવાન હજુ ભાનમાં નહોતો આવ્યો. એનાં મિત્રો એ તેનાં માતા-પિતાને તેડાવી લીધાં હતાં. સાથી મિત્રો દ્વારા ખબર પડી કે તેની સારવાર ચાલુ જ હતી અને તેને એક જ દિવસ નવરાત્રી જોવા અને હવાફેર કરવા લઈ ગયાં પણ કોણ જાણે એને શું લગની લાગી એને રોજ આવવાની ઈચ્છા થઈ અને રમવાની પણ. બે-ત્રણ દિવસ પછી તબીયત પર અસર થઈ. એટલે ન લઈ ગયાં પણ આજે એણે જીદ કરી કે મને લઈ જાવ. આ જ મારી અંતિમ ઈચ્છા છે.

image source

અંજલી અને તેની સાથી સહેલીઓ આ સાંભળીને સીધી એ દર્દીના ઓરડા તરફ ધસી. તેની આસપાસ તેનાં વડીલો અને ભાઈ – બેન હતાં. એ જરા-તરા ભાનમાં આવતો હોય એવું લાગ્યું. એની આંખો ખુલી. ઓક્સિઝન માસ્ક અને સિરિંજ ટ્યુબથી ઘેરાયેલા શરીરમાં હવે થોડા શ્વાસ સિવાય કંઈ જ બાકી ન હતું. કુટુંબીજનોને જોઈ તે મલક્યો. સહુ ભારી સ્મિત આપી રહ્યાં હતાં. જરા નજર આમતેમ કરી તેણે અંજલીને ભાળી. તે નજીક દોડી. જાણે કેટલુંય કહેવું હતું, સાંભળવું હતું. હાથ પકડવા અંજલી આતુર થઈ પણ તેનાં વડીલો અને ઉપરી ડોક્ટરોની હાજરી નડી. આંખો અને શબ્દોની રમતમાં આંખો જીતી. બસ પછી તો થોડી ક્ષણની ઉણપ વર્તાણી અને કાર્ડિયાક એક્ટિવિટિ મોનિટરમાંનાં પલ્સ બીપ સ્થિર થઈ ગયાં.

***

image source

ઈન્ટર્કોમ ફોનની રીંગ વાગી. “મે’મ ઈમર્જન્સી; વોર્ડ નંબર ૩, પ્લીઝ.” એક લાંબી મુસાફરી કરીને પાછાં વળ્યાં હોય એવા થાક સાથે, સ્ટેથોસ્કોપ લઈ ડોક્ટર અંજલી તેમની ફરજ તરફ વળ્યાં.

વાર્તાકારઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

વાર્તાસંગ્રહઃ ‘જીવનોન્નયન’માંથી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ