મેથી ના ગોટા – દરેક ગુજરાતીની પહેલી પસંદ તમે આજે બનાવ્યા કે નહિ?

બધા ના ઘરે મેથી ના ગોટા બનતા જ હોય છે. છતાં સ્વાદ માં ફરક ચોક્કસ થી પડતો હોય છે.

આ વરસાદ માં ચોક્કસ થી ટ્રાય કરો સ્વાદિષ્ટ ગરમાગરમ મેથી ના ગોટા જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. કઇ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા મેથી ના ગોટા આજે જ બનાવો.

મેથી ના ગોટા માટે ની સામગ્રી

1 કપ સમારેલી લીલી મેથી

11/2 કપ ચણા નો લોટ

1-2 ચમચી રવો

3 -4 તીખા લીલાં મરચાં (ઝીણા સમારેલા)

8-10 નંગ આખા કાળા મરી

1/2 ચમચી અજમો

1 ચમચી સૂકા ધાણા

1 ચમચો તેલ

5-7 ચમચા પાણી

1 ચમચી ખાંડ

1/2 લીંબુ નો રસ

1/4 ચમચી ખાવાનો સોડા

મીઠું સ્વાદાનુસાર

ચપટી હિંગ

1/8 ચમચી હળદર

રીત:-

લીલી મેથી ને ધોઈને ઝીણી સમારી લો.


સૂકા ધાણા, અજમો , કાળા મરી ને ખલ-દસ્તા ની મદદ થી અધકચરા વાટી લો.


એક બાઉલ માં તેલ અને પાણી લો . ચમચા કે બિટર ની મદદ થી એકદમ ફેંટી લો. હવે તેમાં લીલાં મરચા, ધાણા અજમાં અને કાળા મરીનો ભુકો, હિંગ, હળદર, મીઠું ,ખાંડ, લીંબુ અને છેલ્લે સોડા ઉમેરી ને ફરી થી બરાબર ફેંટી લો.( આવું કરવાથી મેથી ના ગોટા ખૂબ જ પોચા ને સ્વાદિષ્ટ બને છે)હવે ઝીણી સમારેલી મેથી ઉમેરી મિક્સ કરો ત્યારબાદ ચણા નો લોટ અને રવો ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો . જરૂર પડે તો જ પાણી ઉમેરો કેમકે મેથી માંથી પાણી છૂટું પડશે.


હવે મિશ્રણ ને 20-30 મિનિટ નો રેસ્ટ આપો. જેથી ગોટા ખૂબ જ ટેસ્ટી બનશે.


હવે ગોટા ના મિશ્રણ ને હાથેથી ગરમ તેલ માં ઉપરથી પાડતા જાવ. તેજ આંચ પર ગોટા તેલ માં મુકો. પછી ગેસ ધીમા થી મધ્યમ આંચ પર રાખો. બધા ગોટા આછા ગુલાબી અને ક્રિસ્પી થાય એટલે તેલ માંથી પેપર નેપકિન પર નીકાળી લો.


આ ગરમાગરમ ગોટા ને સોસ, દહીં, ડુંગળી અને તળેલા મરચાં જોડે સર્વ કરો. કે પછી ચા જોડે આમ જ સર્વ કરો.


બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એવા મેથી ના ગોટા ચોક્કસ થી બનાવો.


નોંધ:-

જો તમને મેથી વધુ ભાવતી હોય તો ચણા નો લોટ ઓછો લઈ શકાય.. લીલાં મરચાં , ખાંડ, અને લીંબુ સ્વાદ મુજબ વધુ કે ઓછા લઇ શકાય.

એકવાર મેથી ના ગોટા તળી ને રાખી લો અને સર્વ કરતી વખતે ફરી થી તળો . આવું કરવાથી વધુ ક્રિસ્પી બને.

પાણી, તેલ અને મસાલા નું મિશ્રણ બરાબર ફેંટી લેવું જેથી ગોટા અંદર થી વધુ નરમ બને.

રવો ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ અને ક્રન્ચી બને છે.

ગોટા નું મિશ્રણ ઘટ્ટ જ હોય છે ભજીયા જેવું પાતળું ના રાખો.

તેલ માં ગોટા મુક્યાં બાદ ગેસ ધીમો કરો નહીં તો અંદર થઈ કાચા રહેશે.

તમે ઇચ્છો તો અંદર ડુંગળી અને આદુ મરચાં ની પેસ્ટ પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ