મેન્સ્ટ્રલ સાયકલ – એક ચર્ચવા જેવો વિષય

હાલાકી આ લખનાર એક પુરુષ લેખક છે પરંતુ, એ લેખકને લાગે છે કે આ વિષય એ કોઈ માત્ર સ્ત્રીને સ્પર્શતો જ વિષય નથી. ચર્ચા કરી જ શકાય અને તંદુરસ્તી, મનદુરસ્તીથી કરી શકાય એમાં શરમ કેવી ને વાત કેવી.
આજ-કાલ મુંબઈમાં જેને આપણે ટાબરિયાંઓમાં ખપાવી દઈએ તેવા જુવાનિયાઓ દ્વારા એક અનેરી પહેલનો આરંભ કરવામાં આવ્યો. જેને ઘણાં ખોટી ધાંધલ-ધમાલમાં પણ ખપાવી જ દેશે તેમાં ના નહીં.

આ ટાબરિયાંઓએ મુંબઈના મરીનડ્રાઈવ પર ભેગા મળી થોડી પોસ્ટરવાળી અને થોડી નારાબાજીવાળી કરી. ઈન સપોર્ટ ઓફ મેન્સ્ટ્રલ સાયકલ. જેને આપણે તળપદી ગુજરાતી ભાષામાં ‘માથે બેસવું’ કે ‘પીરિઅડમાં આવવું’ કે ‘માસિક આવવું’ પણ કહીએ છીએ. તો વળી એથી પણ થોડા જૂના સમયમાં જઈએ તો આભડ છેદમાં છે અથવા હમણાં કોરાણે ગઈ છે એમ પણ કહેવામાં આવતું હતું.

આ મેન્સ્ટ્રલ સાયકલ માટે ઘણાં લાંબા સમયથી મને એમ લાગતું રહ્યું છે કે, નાહકની શરમ, નાહકનો ભેદભાવ અને તેથીય વધુ અનેકાનેક રીતની ખોટી માન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ ચાલતી આવે છે જે અંગે ચર્ચાઓ થવી જોઈએ અને આ એક નિહાયતી કુદરતી પરિસ્થિતિને મનદુરસ્તીથી સ્વીકારવી જોઈએ.

કેટલીક જૂની ભદ્દી બાબતો પરથી આજે આપણે ગેરમાન્યતાનો ગંદો થઈ ગયેલો પડદો હટાવી, નવાનક્કોર વોશિંગ મશીનમાં ધોવા નાખવો છે. આપણાં ઘરમાં વર્ષોથી એવું માનવામાં આવ્યું છે કે છોકરી કે સ્ત્રી જે સમયે મેન્સ્ટ્રલ સાયકલમાં હોય તે સમયે તેનાથી રસોડામાં નહીં જવાય, કોઈપણ વસ્તુને હાથ નહીં અડકાડાય, ઈશ્વર પૂજા નહીં થાય કે તે છોકરી કે સ્ત્રીથી આ સમય દરમિયાન સેક્સમાં પણ પ્રવૃત નહીં જ થઈ શકાય વગેરે વગેરે. હવે આ પ્રકારની અનેક માન્યતાઓ વર્ષોથી ચાલતી આવે છે અને આપણે બધાં તેને તે જ રીતે કોઈપણ જાતના સવાલ પૂછ્યા વિના, તર્ક લડાવ્યા વિના કે દલીલો કર્યા વિના માનતા પણ આવ્યા છીએ. પરંતુ આ રીતની માન્યતાઓ શા માટે આવી? તેની પાછળના કારણો કયા હતાં શું એ ક્યારેય આપણે જાણવાનો પ્રયત્ન કર્યો છે? કદાચ નહીં.

આ સમયે આપણે એ વાત સ્વીકારવી પડશે કે આપણાં પૂર્વજો જેમણે આ રિવાજ, વ્યવસ્થા કે માન્યતાઓ ઊભી કરી હશે તે ખરેખર ખૂબ સંવેદનશીલ, દૂરંદેશી અને તાર્કિક બુધ્ધીવાળા હશે. પરંતુ, શરમની વાત છે કે કાળક્રમે આપણે તે સુંદર વ્યવસ્થાને એક ગેરમાન્યતાનું સ્વરૂપ આપી દીધું. પહેલાંના સમયમાં આ રીતે મેન્સ્ટ્રલ સાયકલમાંથી જે છોકરી કે ઘરની સ્ત્રી પસાર થઈ રહી હતી તેમને ઘરનું કોઈપણ કામ કરવાની કે રસોડામાં જવાની મનાઈ ફરમાવવામાં આવતી હતી. તેનું કારણ હતું. પહેલાંના સમયમાં આપણે સહકુટુંબ વ્યવસ્થામાં જીવતા હતાં અને ઘરની સ્ત્રી બિચારી આખોય સમય, ૩૬૫ દિવસ ઘરના બધાનું ગધ્ધાવૈતરૂં કર્યા કરતી. હવે આ પ્રકારનો સહિયારા કુટુંબ વ્યવસ્થાવાળો સમય એવો સમય હતો કે જ્યારે સ્ત્રીને એક પળનો પણ આરામ મળતો નહીં. સાથે જ સ્ત્રી જ્યારે પીરિઅડમાં હોય ત્યારે તે સમય તેના માટે એવો સમય છે કે જ્યારે તેના શરિરમાંથી લોહી વહી જવાની સાથે સાથે જ બીજા પણ અનેક શક્તિવર્ધક વિટામિનોનો વ્યય થઈ જાય.

કમરના દુખાવાથી લઈને માનસિક ત્રાસ પણ ઘણો વેઠવો પડે, કેટલીક સ્ત્રીઓ વળી મૂડસ્વીંગ જેવી પરિસ્થિતિઓનો પણ સામનો કરતી જ હોય છે. એવી તો અનેક વિટંબણાઓ છે જે આ સમય દરમિયાન સ્ત્રી શારિરીક રીતે નબળાઈ કહી શકાય તેવી મહેસૂસ કરતી હોય છે. તો હવે આ બાબતે ઈલાજ શું? આથી વડીલોએ એવી વ્યવસ્થા ઊભી કરી કે આ પાંચ દિવસ દરમિયાન સ્ત્રી પાસે કોઈ કામ કરાવવું નહીં. પરંતુ તેમને ખબર હતી કે આ વ્યવસ્થા ઊભી કરવા છતાં કેટલાંક જડ બુધ્ધિ તે નહીં માને. આથી તેમણે થોડાં વધુ સ્ટ્રીક્ટ થઈ ને કહેવું પડ્યું કે, આ સમય દરમિયાન સ્ત્રીને ઘરની કોઈપણ ચીજને જ અડકવાની મનાઈ ફરમાવી દેવામાં આવે તો કોઈપણ બહાના દેખાડી ઘરના માણસો તેની પાસે કામ નહીં કરાવે.
હવે તેમાં ઉમેરાયું જ્યોતિષાચાર્યનું જ્ઞાન અને ધાર્મિક માન્યતાઓનું તૂત. હવે આ તૂત તો એવું ઉપડ્યું કે, ઘણાં જ્યોતિષો કહેવા માંડ્યા કે તમારા ઘરમાં માસિક ધર્મ નથી પડાતો તેથી આ દશા થઈ છે. ગ્રહદોષ લાગ્યા છે. માસિક દરમિયાન સ્ત્રી રસોડે જતી હશે, પૂજા કરતી હશે આથી તમારા પરિવારની આ દશા થઈ છે.

અરે, ભલા માણસ. સાવ સામાન્ય બુધ્ધિવાળાને પણ સમજાય તેવી આ કુદરતી વ્યવસ્થા છે. ઈશ્વરે સ્ત્રીને મા બનવાનું વરદાન આપ્યું છે, જેથી તેને ગર્ભાશય આપ્યું છે અને ગર્ભસર્જન થાય તેવી શુભભાવનાથી જ દરમહિને તેના શરિરમાં એક પિંડની રચના થાય છે. પરંતુ તે પિંડને પુરુષ શુક્રાણુ નહીં મળે તેથી તે ગર્ભ તરીકે વિકસી શકે નહીં. હવે જો દરમહિને આ રીતના મૃત પિંડ શરિરમાં સચવાતા રહે તો વિચાર કરો, એક જ વર્ષમાં એટલે કે બાર મૃતપિંડને કારણે સ્ત્રીના શરિરની શું હાલત થાય. ડીઅર જેન્ટલમેન્સ, તમે એક દિવસ કુદરતી હાજતે નથી જઈ શકતા તો આકળવિકળ થઈ જાવ છો. તો આ પરિસ્થિતિ કેવી હોય શકે તેનો જસ્ટ એકવાર વિચાર કરી શકો? આથી કોઈપણ જાતની શારિરીક અડચણને નાથવાના આશયથી એ જ ઈશ્વરે એવી કુદરતી વ્યવસ્થા ઊભી કરી કે જેથી દર મહિને સ્ત્રીના શરિરમાં રચાતો તે પિંડ જે હવે બિનઉપયોગી છે કચરાનું સ્વરૂપ ધારણ કરી લોહી દ્વારા બહાર નીકળી જાય.

તો આ દ્રષ્ટિએ તો તે સ્ત્રી કે છોકરી હતી તેના કરતા વધુ શુધ્ધ થઈ કહેવાય, ત્યારે દોષ લાગવાની વાત ક્યાં આવી? હા, પૂજા કરવા પહેલાં ફૂલ લેવા જવું, મંદિરની સાફ-સફાઈ કરવી વગેરે શારિરીક શ્રમવાળા કામ નહીં કરવા પડે આથી પૂજા નહીં થાય તેવી વ્યવસ્થા ચોક્ક્સ ઉભી કરાઈ હોય જ શકે તેમાં નહીં.

દીપીકા પદૂકોણે અને તેના જેવી બીજી કેટલીક યુવાન સેલિબ્રીટીઝે હમણાં જ થોડાં સમય પહેલાં એક સુંદર વિડીઓ ક્લીપ બનાવી હતી. ‘આય એમ પ્રાઉડ ધેટ, આય બ્લીડ’ કંઈક આ જ રીતની ટેગ લાઈન હતી તે વિડીઓની. બરાબર છે, જરૂર છે જ આ રીતના વિડીઓની અને આ રીતની અવેરનેસ ક્રીએટ કરવાની. આપણે હજીય એટલાં કુપમંડુક સમાજમાં જીવવા ટેવાયેલા છીએ કે, છોકરી જ્યારે મેન્સ્ટ્રલ સાયકલમાં હોય ત્યારે મેડીકલ સ્ટોર પર જઈ દૂકનદાર પાસે સેનેટરી નેપકીન માગતા કે ખરીદતા પણ સંકોચ અનુભવે છે. જો કોઈ પુરુષ ગ્રાહક ત્યાં ઉભો હોય તો તે પોતાની ખરીદી પતાવીને દૂકાનની નીચે ઉતરે ત્યાંસુધી તે છોકરી રાહ જોતી ઊભી રહેશે. ત્યારબાદ ધીમા અવાજે તે દૂકાનદારને સેનેટરી નેપકીન માટે કહેશે અને દૂકાનદાર પણ પેપરના ટૂકડામાં તે સેનેટરી નેપકીનનું પેક બહાર દેખાય નહીં તે રીતે કવર કરીને છોકરીને થેલામાં મૂકી આપશે.

આપણાં ગુજરાતીઓમાં મેં એવા ઘણાં ઘર જોયા છે જ્યાં છોકરીની મેન્સ્ટ્રલ સાયકલ શરૂ થઈ એમ ખબર પડે તે સમયે તેની મા અને દીકરી બંને રડી પડતાં હોય છે જાણે કોઈ આભ તૂટી પડ્યું હોય. (એ રૂદન પાછળનું એક કારણ એ પણ છે કે હવે છોકરીએ યૌવન ચૂંથનારા માનસિક બિમારોથી વધુ બચીને તકેદારી રાખીને જીવવું પડશે. એ વાત અલગ છે.) પરંતુ શું આપણને એ વાતની ખબર છે કે, એક તરફ આપણે જ્યાં આ શારિરીક ફેરફાર કે આ પરિસ્થિતિને લોકોથી છૂપાવવા યોગ્ય અને શરમાવા યોગ્ય પરિસ્થિતિ માનીએ છીએ ત્યાં જ દક્ષિણના કેટલાંક રાજ્યોમાં આ પરિસ્થિતિ કે આ છોકરીમાં આવેલો આ શારિરીક ફેરફાર ઉજવણીનો વિષય છે. તેઓ તે છોકરીની રીતસર પૂજા કરે છે. તેને વધાવે છે, તેને નવી નવી ભેટો આપે છે. કેટલી સુંદર વિચારશરણી ગણાવી શકાય.

શું આ પરિસ્થિતિ એ છૂપાવવાની નહીં બલ્કે, ગૌરવ અનુભવવાની બાબત નથી કે, ‘યસ, આય એમ હેલ્ધી, કુદરતે મને જે સ્ત્રી શરીર આપ્યું છે તે ૧૦૦% તંદુરસ્ત હોવાની આ એક નિશાની છે. આ જ તો એ સમય છે કે જે તે સ્ત્રીને સૉરી, છોકરીને ખાતરી કરાવે છે કે, જી હાં, તું પણ ભવિષ્યમાં મા બની શકે છે. તું એક એ જીવ છે જે બીજા જીવને જન્મ આપવાની કાબેલિયત ધરાવે છે. સો, છોકરીઓ, નેક્સ્ટ ટાઇમ સેનેટરી નેપકીન કરીદતી વખતે નો શરમ, નો ધીમા ધીમા વોઈસ… બલ્કે દૂકાનદારને બેઝીઝક કહો, ‘૧ સ્ટેફ્રી પ્લીઝ.’ અને છોકરાઓ… પ્લીઝ બી અ મેન બોસ… આપણી મા મેન્સ્ટ્રલ સાયકલમાં આવવાની કાબેલિયત ધરાવતી હતી તો જ આપણે જન્મી શક્યા છે એ કેમ ભૂલાઈ. શરમ કેવી ને વાત કેવી.

લેખક : આશુતોષ દેસાઈ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી