જલ્સા કરોને જેંતીલાલ

મેંદુ વડા – ચેન્નાઈથી રૂચીબેન લાવ્યા છે મેંદુ વડા બનાવવાની સરળ રેસીપી…

દક્ષિણ ભારતીય આ વાનગી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એટલી જ લોકપ્રિય છે. અડદ માંથી બનતા આ વડા બનાવવા ખૂબ સરળ પણ થોડા ટ્રીકી છે. જો થોડું ધ્યાન આપી ને બનાવો તો હોટેલ થી પણ સરસ વડા આપ ઘરે બનાવી શકો છો. આ વડા સામાન્ય રીતે ટોપરા ની ચટણી , સાંભાર સાથે પીરસાય. દક્ષિણ માં વડા પોંગલ (એક જાત ની મગ ની દાળ ની ખીચડી )સાથે પીરસાય છે. આ રીત માં આજે આપણે જોઈશું દરેક ટ્રિક અને બનાવીશું એકદમ પેરફેકટ વડા..

સામગ્રી :

1. 2 વાડકા આખા સફેદ અડદ (અડદ ની દાળ પણ ચાલે)

2. 3 ચમચી ચોખા

3. મીઠું

4. 1/2 ચમચી હિંગ

5. 1 ચમચી આખા મરી

6. 1 ચમચી જીરું

7. 2 લીલા મરચા , સમારેલા

8. તળવા માટે તેલ

રીત :


સૌ પ્રથમ અડદ અને ચોખા ને બાઉલ માં લઇ 3 થી 4 પાણી એ ધોઈ લો. જ્યારે અડદ જેવા કઠોળ પલાળો ત્યારે પલાળતા પેહલા અને પછી બન્ને ટાઈમે 3 થી 4 વાર ધોવું. ધોયા બાદ પૂરતું પાણી ઉમેરી 6 થી 7 કલાક કે આખી રાત પલાળી રાખો. પલાળ્યા બાદ આપ જોઈ શકશો કે અડદ અને ચોખા સરસ ફૂલી જશે. આપ ચાહો તો 3 થી 4 કલાક માટે હુંફાળા પાણી માં પલાળી શકો. જેટલા સરસ પલળશે એટલા સરસ વડા થશે. ત્યારબાદ પલાળેલા ચોખા અને દાળ માંથી વધારા નું બધું જ પાની નિતારી લો. પાણી નિતાર્યા બાદ , આપણે મિક્સર માં વાટી લઈશું. મિક્સર માં વાટતી વખતે જરૂર મુજબ 1-1 ચમચી પાણી ઉમેરવું. બેટર જાડું રેહવું જોઈએ… થોડું થોડું વાટી , બધું જ બેટર એક મોટા તપેલા માં ભેગું કરો. હવે આ બેટર માં કંઈ પણ ઉમેર્યા વગર હાથ થી ખૂબ જ ફેંટો. જાણે બેટર ક્રીમ હોય એમ પોચુ થઈ ફુલશે. ત્યાર બાદ બેટર માં મીઠું, મરચા, હિંગ , મરી અને જીરું ઉમેરો. સરસ મિક્સ કરી લો. આપ ચાહો તો મીઠું ઉમેર્યા વગર નું બેટર ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો. મીઠું ઉમેર્યા બાદ સ્ટોર ના થઇ શકે. કડાય માં તેલ ગરમ કરો. વડા નો શેપ આપવા આપ મશીન નો ઉપયોગ પણ કરી શકો છો. જો મશીન ના હોય તો વાડકા ની પાછળ ના ભાગ માં પાણી લગાવો. હાથ થી એક લુવા જેટલું બેટર મુકો. નાની આંગળી ને પાણી માં ડુબાડી વચ્ચે કાણું કરો અને વાડકો ઊંધો કરી ગરમ તેલ માં વડું મૂકી દો. વડું તરત સરકી ને તેલ માં આવી જશે. આવી રીતે બધા વડા ગરમ તેલ માં કડક થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ પીરસો. સાથે ચટણી , સાંભર પીરસો . આશા છે પસંદ પડશે ..
નોંધ :

1. આપ બેટર માં ચાહો તો બારિક સમારેલી ડુંગળી અને બારીક સમારેલા લીમડા ના પાન પણ ઉમેરી શકો છો.

2. વડા નું બેટર એકદમ જાડું જ રહેવું જોઈએ નહીં તો વડા સારા ના બને અને તેલ ખૂબ જ રહેશે..

3. બેટર ને ફેટવું, ખૂબ જ important સ્ટેપ છે.

4. વડા માં ક્યારે પણ સોડા ઉમેરવા નહીં.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version