પ્રેમની વસંત બારેમાસ – મેળામાં જોયેલો ચહેરો ગમી ગયો નયનથી સીધો દિલમાં ઉતરી ગયો…

શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ચારે બાજુ હર હર મહાદેવનો જયઘોષ સંભળાઇ રહ્યો છે. ભક્તો શિવલીંગ પર ભાવથી દુધ, બીલીપત્ર ચડાવી રહ્યા છે અને જગતના તાત એવા ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી રહ્યા છે. આવા સમયે એક પચીસક વર્ષનો નવ યુવાન હાથમાં લોટો અને બીલીપત્ર, પુષ્પ લઇને શિવાલયમાં પ્રવેશ કરે છે અને ભક્તિભાવ પુર્વક ભગવાનને રીજવવા માટે પ્રયત્નો કરે છે. આ યુવકનું નામ રવિ. પણ રવિ કેવો સુરજ નારાયણની જેમ તેજસ્વી, ઓજસ્વી.

શિવાલયથી સીધો જ રવિ પોતાના ઘરે જાય છે અને કોલેજ જવાની તૈયારીઓ કરી રહ્યો હોય છે ત્યાં મિત્રનો અવાજ સંભળાય છે કે રવિ તું આજે કોલેજ જઇ આવજે, અમે તો મેળામાં જઇએ છીએ. રવિ તૈયાર થઇને કોલેજ જવા માટે નિકળે છે ત્યારે અનેક લોકોને મેળામાં જતા જોવે છે અને પોતે પણ મેળામાં જવાનું વિચારે છે. પરંતુ પાછો રવિ પોતાના મનને મનાવે છે કે પહેલા ભણવાનુ અને પછી મોજ શોખ કરવાના. રવિ જ્યારે કોલેજના ક્લાસરૂમમાં પહોચે છે ત્યારે ક્લાસરૂમમાં ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓ જ આવ્યા હોય છે.

થોડીવારમાં પ્રોફેસર પણ ક્લાસરૂમમાં આવે છે અને કહે છે કે તમારે બધાને મેળામાં નથી જવાનું કે શુ? ત્યારે રોહન નામનો બડબોલીયો વિદ્યાર્થી બોલી ઉઠ્યો કે સાહેબ મેળામાં તો જવુ છે પણ મેળ પડ્યો હોય તો જવાય ને. જે ગોઠવાઇ ગયા છે એ તો બધા મેળામાં ઉપડી ગયા છે અને પ્રિયતમાની સાથે મેળાની પણ મજા માણી રહ્યા છે. આ સાંભળીને ક્લાસરૂમમાં હાજર તમામ વિદ્યાર્થઓ અને પ્રોફેસર ખડખડાટ હસી પડે છે. પ્રોફેસરે કહ્યુ કે રોહન કોલજમાં તો તારો મેળ પડે તેમ લાગતો નથી. પ્રોફેસર બીજુ કંઇ પણ બોલે તે પહેલા રોહને કીધુ કે લ્યો તારે સાહેબ હું તો ઉપડ્યો મેળામાં અને રોહન ક્લાસમાંથી મેળામાં જવા નિકળી જાય છે.

પ્રોફેસર ભણાવવાનું શરૂ કરે છે તો બીજી બાજુ રોહન મેળામાં પહોચીને સતત તેના માટે પ્રીયતમાની શોધ શરૂ કરે છે અને એક સ્વરૂપવાન છોકરીનો પીછો કરીને તેની આગળ પાછળ ફર્યા કરે છે. પરંતુ થોડીવારમાં છોકરીનો પતિ આવી જતા રોહનને ખબર પડે છે કે આ છોકરી પરણીત છે અને રોહનનું દિલ તુટી જાય છે. સવાર થી સાંજ સુધી મેળામાં ફરવા છતાં નિરાશ હ્રદયે રોહન મેળાની બહાર નિકળે છે. રોહન જેવો રસ્તા પર આવે છે કે થોડે દુર સામેથી રવિને આવતો જુએ છે. રવિ નજીક આવતા રોહન કહે છે કે રવિ તું પાછો હાલ, મેળામાં તારો તો ક્યાંય મેળ પડે તેમ નથી.

હું સવારથી સાંજ પ્રેમની શોધમાં ફરીને પાછો આવી રહ્યો છું. રવિએ કહ્યુ કે હું મેળ પાડવા નહી પણ મોજ માણવા મેળામાં જઉ છું. પણ ધ્યાન રાખજે ભાઇ મોજ માણવાની સાથે કોઇ મનમાં ન વસી જાય તેમ રોહને કહ્યુ. તું મારૂ ધ્યાન રાખવા હાલ મારી સાથે મેળામાં તેમ રવિએ તેમ કહેતાની સાથે જ રોહન પાછો મેળામાં આવવા માટે તૈયાર થઇ જાય છે. રવિ અને રોહન મેળામાં પહોચે છે. રવિ જુએ છે કે દરેક વ્યક્તિઓ પોતાના રોજીંદા કામકાજથી સાવ અલગ, સુખ દુઃખ ભુલીને, મિત્રો, પરીવારની સાથે કે પછી એકલા, રંગબેરંગી વસ્ત્રોમાં પુરૂષ તથા સ્ત્રીઓ મેળાની મોજ માણી રહ્યા છે.

મોટરકાર તથા ચકડોળમાં બેસવા માટે ખાસ કરીને બાળકો ઉત્સાહ બતાવી રહ્યા છે. જ્યા જુઓ ત્યાં ખાણીપીણીની લારીઓ જોવા મળી રહી છે. એટલામાં જ રવિની નજર એક યુવતી પર પડે છે. ગુલાબી ગાલ, લાલ હોઠ, લાંબાને ખુલ્લા કેશ, નશીલી આંખો, નમણો ચહેરો ધરાવતી યુવતી સામે રવિ તલ્લીન થઇ જાય છે. નિકીતા નામની યુવતીની નજર પણ રવિ ઉપર પડે છે અને તે જાણી જાય છે કે આ છોકરો તેને સતત જોયા કરે છે. મેળામાં નિકીતાને જોતા જ રવિને નિકીતા ગમી જાય છે અને નયનથી ચહેરો સીધો દિલમાં ઉતરી જાય છે. નિકીતા કઇ પણ બોલ્યા વગર ત્યાંથી થોડે દુર જતી રહે છે. રવિ મુર્તિની જેમ સ્તબ્ધ બનીને નિકીતાના વિચારોમાં ખોવાઇ જાય છે ત્યારે રોહન કહે છે કે ભાઇ ધોળાદિવસે સપનાઓ જોવાનું બંધ કર, આ છોકરી તો મોટા ઘરની લાગે છે અને તું આપણા લાયક હોય તેવી છોકરી શોધ.

પ્રેમ કરીશ તો આ છોકરીને જ બાકી કોઇને નહિ તેમ રવિએ કહ્યુ. આમ વાતોના વડા કરવાનું બંધ કર અને તારી રૂપની રાણીને શોઘ, નહીતર પછી તે ગોતીયે હાથમાં નહી આવે તેમ રોહને કહ્યુ. રવિ નિકીતાને શોધવા માટે ચારેબાજુ મેળામાં ફર્યા કરે છે. રવિ આઇસ્ક્રિમની દુકાન પાસે, ભાજીપાઉની લારી પાસે, ચકડી કે ચગડોળ બાજુ જઇને નિકીતાને સતત શોધ્યા કરે છે પરંતુ તેને નિકીતા ક્યાંય દેખાતી નથી. આખરે રવિ મોતના કુવાનો ખેલ જોવા ઉપર ચડે છે. બધાની નજર કુવાની અંદર ચાલતા બાઇક પર હોય છે પરંતુ રવિ ઉપર ચડીને પણ ચારેબાજુ જોયા કરે છે. અચાનક જ રવિની નજર જાય છે કે નિકીતા પોતાની ગાડીમાં બેસી રહી છે. નીકીતા મેળાની બહાર નિકળે તે પહેલા જ રવિ તેની પાસે પહોચવા માટે રોહનને પણ કહ્યા વગર સડસડાટ નીચે ઉતરીનો દૌટ કાઢે છે. પરંતુ રવિ પહોચે તે પહેલા નિકીતા ગાડી લઇને ત્યાંથી નિકળી જાય છે.

રવિ ખુબ નિરાશ થાય છે અને આંખમાંથી વિરહના ટપ ટપ કરતા અશ્રુની ધારા વહી રહી છે. રવિ મેળામાંથી ઘરે આવીને કોઇની સાથે બોલતો નથી અને જમ્યા વગર સીધો પોતાના રૂમમાં જતો રહે છે. રવિ સુવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે અને સતત નિકીતાના વિચારોમાં ખોવાયેલો રહે છે. ઘણા દિવસો સુધી રવિએ નિકીતાના શોધવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે દરેક વખતે નિષ્ફળ જાય છે. એક દિવસ રવિ જ્યારે કોલજ જઇ રહ્યો હોય છે ત્યારે પુર ઝડપે કાર લઇને નિકીતા ત્યાંથી પસાર થાય છે. નિકીતાને જોતાની સાથે જ રવિ રસ્તા પર નિકીતાની કારની પાછળ દૌડવા લાગે છે. પરંતુ આ વખતે પણ રવિ નિકીતા સાથે કોઇ પણ પ્રકારનો સંવાદ કરી શકતો નથી.

રવિને પાગલની જેમ ગાડીની પાછળ દોડતો જોઇને તેનો એક શાળાનો મિત્ર કૌશિક કહે છે કે આમ શુ ગાડીની પાછળ દોડ્યા કરે છે. રવિએ કહ્યુ કે હું ગાંડીની પાછળ નહી મારા પ્રેમની પાછળ દોડુ છુ. હું તેને એક વાર મળીને મારા દિલની વાત કહેવા માંગુ છે. મારી કોલેજમાં આવી જા અને તારા દિલની વાત કહી જા તેમ કૌશિકે કહ્યુ. પણ હું શા માટે તારી કોલેજમાં આવુ તેમ રવિએ કહ્યુ. તારો પ્રેમ મારી કોલેજનું ઘરેણુ છે તેમ કૌશિકે કહેતાની સાથે જ રવિ ખુશીથી નાચવા લાગે છે. કૌશિક રવિને પોતાની સાથે કોલેજમાં લઇને આવે છે અને દુરથી નિકીતાને બતાવે છે.

નિકીતાને જોતાની સાથે જ રવિની ખુશીનો કોઇ પાર નથી રહેતો. રવિ નિકીતાની પાસે પહોચી જાય છે અને એક નજરે જોયા કરે છે. નિકીતાની નજર પણ રવિ ઉપર પડે છે અને બન્નેની એક નજર થઇ જાય છે. આંખોના ઇશારે સંવાદ થાય છે અને રવિ નિકીતાના પ્રેમનો સત્તાવાર પ્રારંભ થાય છે. આમ તમે બન્ને એક બીજાની સામે જ જોયા કરશો કે પછી પ્રેમનો એકરાર પણ કરશો તેમ કૌશિકે કહ્યુ ત્યારે રવિ તથા નિકીતા એક સાથે બોલી ઉઠ્યા કે જ્યાં આંખો જ પ્રેમનો એકરાર કરી લે ત્યાં શબ્દોની ક્યાં જરૂર છે.

લેખક : નીલકંઠ વાસુકીયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ