મેંહદી – મિત્રતાની વાર્તા પણ તેમાં દેખાશે આજના સમાજનું દ્રશ્ય…

મહેંદી

આરતી ના હાથો માં મહેંદી સજી રહી હતી. દુલ્હન ના વસ્ત્રો માં ખુબજ સુંદર દેખાઈ રહી હતી. આજુબાજુ થઇ રહેલ ચહલપહલ થી જાણે સભાન જ ન હોય એ રીતે એની દ્રષ્ટિ મહેંદી ના સ્તરો માં ખુબજ ઊંડે ઉતરી ચૂકી હતી. એ ઊંડા સ્તરો માં પ્રેમ ના રંગો ચારે તરફ વિખરાઈ રહ્યા હતા. એ વિખરાઈ રહેલ રંગો વચ્ચે આશિષ અને આરતી ની સ્નેહસભર ક્ષણો દ્રશ્યમાન થઇ રહી હતી . ” આશિષ આ કેવી પ્રેન્ક હતી તારી ? મને એવી મજાક જરાયે પસંદ નથી ? હું તારી જોડે ક્યારેય વાત ન કરીશ …” રિસાયેલી આરતી ને મનાવવા આશિષ એની પાછળ દોડ્યો :

” અરે હું તો ફક્ત મશ્કરી કરી રહ્યો હતો …હું ક્યાં સાચેજ મરી ગયો ? ઉભો છું ને જીવતો જાગતો સંપૂર્ણ તંદુરસ્ત તારી સામે …” આરતી ની આંખો પૂર સમી ઉભરાઈ આવી . આશિષ ની એક મશ્કરી થી એનું હૃદય એટલું દુઃખી થઇ ઉઠશે એવું આશિષે વિચાર્યું પણ ન હતું ! ” આશિષ તારા વિના હું મરીજ જઈશ , કહી દઉં છું …” આશિષે આરતી ના હોઠો પર પોતાનો હાથ હળવેથી મૂકી દીધો.

” આરતી પ્રેમ એવો કાચો નથી હોતો . એ તો પોતાના પ્રેમી ની અનન્ય શક્તિ બની રહે છે . કોઈ ના જવાથી જીવન કદી સમાપ્ત થતું નથી . આપણે જીવવું પડે છે એ લોકો માટે જે આપણને જોઈ જીવતા હોય , ખુશ રહેતા હોય . ને એમ પણ પ્રેમ એકજ વાર થાય એવું જરૂરી નથી . એ ક્યારે થઇ જાય, કઈ રીતે થઇ જાય , કોની જોડે થઇ જાય એની હૃદય ને પણ જાણ ન થાય અને જયારે જાણ થાય ત્યારે હ્દય ને પાછા વાળવામાં બહુ મોડું થઇ જતું હોય છે …………….” થોડા ક્ષણ ના ગંભીર મૌન પછી આશિષે આરતી ની આંખો માં આંખો પરોવી એક એરફોર્સ ઓફિસર ને શોભે એવા અંદાજ માં કહ્યું : ” લાઈફ મસ્ટ ગો ઓન …….”

આરતી ધબકતા હ્રદયે આશિષ ને વળગી પડી . ” મારુ હૃદય એક એરફોર્સ ઓફિસર જેવું સખત અને બહાદુર નથી. પ્રેમ વિના એક ક્ષણ જીવવા અંગે હું વિચારી પણ ન શકું . તારો પ્રેમ મારા શ્વાચ્છોશ્વાસ છે. તું છે તો હું છું ……..” પાછળ થી અચાનક આવી ચઢેલા આરવે બન્ને ને ચોંકાવ્યા. પોતાના બન્ને મિત્રો ને એક મોટા પ્રેમભર્યા આલિંગન માં સમાવી બન્ને ની પીસાની ચૂમી લીધી .

” ને તમે બન્ને છો તો હું છું …” મૈત્રી અને પ્રેમ ની એ હુંફાળી ક્ષણો નું દ્રશ્ય દુલ્હન બની સજેલી આરતી ના ચ્હેરા ઉપર એક મીઠું મધુર હાસ્ય ઉપસાવી રહ્યું. ” નામ શું લખવાનું છે ? ” મહેંદી મૂકી રહેલ યુવતી ના પ્રશ્ન નો વિચારો માં ઊંડે ખોવાયેલી આરતી એજ મીઠા મધુર હાસ્ય જોડે ઉત્તર આપી રહી : ” આશિષ…….”

મહેંદી મૂકનારી યુવતી એ મહેંદી નો કોન સરખો કરી ,મળેલા ઉત્તર પ્રમાણે હથેળી ની બરાબર મધ્ય માં મહેંદી થી ‘ આશિષ ‘ નામ શણગાર્યું . હેત ભરી આંખો વડે આશિષ નું નામ પોતાની હથેળી પર સજેલું જોયું જ કે મહેંદી ના સ્તરો માં ઊંડે ભૂતકાળ માં ઉતરેલી આરતી ની દ્રષ્ટિ એકજ ક્ષણમાં વર્તમાન ના પગથિયાં ચઢી ગઈ. થોડાજ દિવસો પહેલા નિહાળેલું શહીદ એર ફોર્સ ઓફિસર આશિષ નું પાર્થિવ શરીર સ્મૃતિ ઉપર તરી આવ્યું . આંખો માનું મીઠું મધુર હાસ્ય હૃદય દ્રાવક પીડા થી ભીંજાય રહ્યું .

મહેંદી મૂકનાર યુવતી ને ભૂલ સુધારી કહ્યું : ” આશિષ નહીં , આરવ !!!” યુવતી વિસ્મય અને મૂંઝવણ ભરી નજર થી આરતી ને તાકી રહી . પાસે પડેલા રૂમાલ થી એણે ‘ આશિષ ‘ નામ લૂછી ‘ આરવ ‘ નામ હથેલી ના મધ્ય માં શણગાર્યું . ‘ આરવ ‘ નામ ની સાથેજ મિત્ર આરવ ના શબ્દો સ્મૃતિ માં પડઘો પાડી રહ્યા :

” આરતી તારા પેટ માં આશિષ અને તારા પ્રેમ ની જે પવિત્ર નિશાની વિકસી રહી છે , એને આ સમાજ અપિવત્રતા નું શીર્ષક આપે એ હું સહન ન કરીશ . જો અહીં સાત ફેરા ફરી અને મંગળસૂત્ર પહેરી પ્રેમ ની પવિત્રતા ની ફરજીયાત સાબિતી આપવી પડતી હોય તો હું તૈયાર છું . હું ફરીશ તારી જોડે સાત ફેરા ને પહેરાવીશ તને મંગળસૂત્ર . એક મિત્ર તરીકે મારી ફરજ હું નિભાવીશ પણ તારા હૃદય માં વસેલા આશિષ ના પ્રેમ ને સ્પર્શવાની ન મારી હેસિયત છે ન મારો અધિકાર ! અને જો લગ્ન કર્યા વિનાજ તારે પવિત્રતા ના આ અંશ ને આ જગત માં લઈ આવવું હોય તો તારા એ નિર્ણય માં પણ હું તને સાથ આપીશ . તારો નિર્ણય જે કઈ પણ હોય હું તારા અને આશિષ ના પ્રેમ ને પડખે છું , હતો અને આજીવન રહીશ ……….”

અચાનક હથેળી ને જાણીતા હાથ નો સ્પર્શ થયો . એકવાર ફરીથી રૂમાલ દ્વારા ‘ આરવ ‘ નામ હથેળી પર થી લૂંછાઇ ગયું . યુવતી ના હાથમાંથી મહેંદી નો કોન લઇ આરવે ‘ આશિષ’ નામ ફરીથી એની જગ્યાએ પ્રેમપૂર્વક ભરી દીધું . બે મહિના ના ગર્ભવતી શરીર ને વધુ આરામદાયક સ્થિતિ માં ગોઠવવા બે તકિયા આરતી ની કમર પાછળ ટેકવી દીધા . મહેંદી વાળા વ્યસ્ત હાથો ને મદદ કરવા કોર્ટ ના ખિસ્સા માંથી દવા ની ટીકડીઓ નીકાળી આરતી ના મોઢા માં મૂકી . પોતાના હાથ વડે પાણી પીવડાવી સ્નેહ પૂર્વક આરતી ના માથે હાથ ફેરવ્યો :

” તુ ઠીક છે ને ? ”

ફક્ત આંખો ને પલકાવી આરતી એ હકાર માં જવાબ આપ્યો અને આરવ લગ્ન ની અન્ય તૈયારીઓ તરફ ઉપડી પડ્યો . પોતાના ભાવિ પતિ માં પોતાના આજીવન મિત્ર ને નિહાળતી આંખો માંથી આદર અને સન્માન રૂપી એક આંસુ આંખો માંથી ખરી હથેળી માં સજેલા આશિષ ના નામ ઉપર પડ્યું અને આશિષ ના નામ ને વધુ સુંદર ચમકાવી રહ્યું . એ ચમક માંથી હસતો આશિષ નો ચ્હેરો આરતી ને પૂછી રહ્યો , ” મેં કહ્યું હતું ને પ્રેમ ક્યારે , કઈ રીતે , કોની જોડે થઇ જાય એની હૃદય ને પણ જાણ ન થાય અને હ્નદય ને જયારે જાણ થાય ત્યારે એને પાછું વાળવામાં બહુ મોડું થઇ જાય ….થઇ ગયો ને પ્રેમ આરવ જોડે …..લાઈફ મસ્ટ ગો ઓન …………………..

લેખક : મરિયમ ધુપલી

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ