મેહ વરસે તો તન ભીંજાય,..પણ નેહ વરસે તો?… થોડા સમયનો સાથ એ જીવનભરનો સાથ બની જાય તો કેટલું સારું…

જમ્મુ-કાશ્મિર ! ધરતી પરનું સ્વર્ગ !

હું અનુજા ત્રિવેદી ગઇસાલ પાછોતરા ચોમાસે, દીવાળીની રજાઓમાં હું, મમ્મી અને પપ્પા ત્રણેય એક સાથે વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળ્યા જમ્મુ એકસપ્રેસે વહેલી સવારે પાંચ સાડા પાંચે જમ્મુ સ્ટેશને ઉતર્યા પણ ઠંડી કહે મારૂં કામ! વરસાદીય સિઝન ખરી. હજી તો ગઇકાલે જ વરસાદ પડી ગયો હોય એમ લાગતું હતું. ફ્રેશ થઇ, નહાઇ ધોઇ ચા નાસ્તો પતાવી કતરા જવા માટે સ્ટેન્ડે પહોંચ્યા ત્યાં જ વરસાદ પડવો શરૂ થયો….

અમે સ્ટેન્ડ પર પહોંચીએ એ પહેલા તો પૂરેપૂરા ભીંજાઇ ગયા…પણ- એક બસ કતરા જવા માટે જ ઉપડતી હતી એ હું જોઇ ગઇ. મમ્મી પપ્પાની હું બન્ને પુત્રોથી નાની એકની એક લાડકી દીકરી છું. મને એમની ચિંતા કારણકે પપ્પાની ઉંમર ફીફટી પ્લસ. અને મમ્મીય બિચારી એ સાઇઠ પાંસઠ કિલોમિટર બસમાં થોડી ઊભી રહી શકે ?

હિલીંગ એરીયા જ છે…એવું મોટાભાઇએ અને ભાભીએ મને કહેલું હું દોડી અને ઝડપથી બસ પાસે પહોંચી ગઇ અને ડ્રાઇવરને રિકવેસ્ટ કરીને આગળ થેલો મૂકીને જગ્યા ‘બુક’ કરી લીધી. ભલે બે તો બે. મમ્મી-પપ્પાની તો નિરાંત ! હું તો કયાંય શોધી લેત અથવા છેક સુધી ઊભુ ય રહેવુ પડે તો ય વાંધો નહી એવો નિર્ણય મનોમન કરી લીધેલો.

પણ એવું બન્યું નહી. ગિરદી હતી પણ બસેય લગભગ ખાલી જ મુકાઇ હતી. મમ્મી પપ્પાને તો ધક્કામૂકીમાં ચડાવી દીધા. હવે તો છેલ્લાપેલા એક-બે પેસેન્જરો હતા ‘અનુ, બેટા તું ક્યાં બેસીશ?’ પપ્પા બસમાં ચડયા પછીય મારી ચિંતા કરતા રહ્યા પણ મેં બહુ ધ્યાન ન આપ્યું. પણ મમ્મીએ હવે તેમને સમજાવી લીધા હતા. હું બસમાં ચડી ત્યારે તો બસ ફૂલ પેક થઇ ગઇ હતી. એક જગ્યા હતી-કંડકટરની સામે.

બે જણની સીટમાં એક ચોવીસ પચ્ચીસ વર્ષનો યુવાન એકલો જ બેઠો હતો. બાજુમાં જગ્યા જ ખાલી હતી. હું બેસી ગઇ. પેલા યુવાને કદાચ સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાથી મને પૂરેપૂરો અડધી સીટનો હિસ્સો મળી રહે એ માટે સંકોચાયો ને પછી હળવેકથી બોલ્યા : ‘અબ આરામ સે બૈઠિયે.’ પણ હું તેને જવાબ આપું એ પહેલા આગળથી પપ્પા ઊભા થતા બોલ્યા: ‘અનુ, બેટા જગ્યા મળી ગઇ? નહિંતર અહીં આવતી રહે. હું ઊભો રહીશ’  ‘નહી પપ્પા હું અહીં આરામથી ગોઠવાઇ ગઇ છું હવે ચિંતા નથી તમતમારે બેસી જાવ.’

હું બોલી, પપ્પાએ હળવાશભરી દ્રષ્ટિએ મને અને પછી મારી બાજુમાં બેઠેલા યુવાન તરફ સરસરી નજર નાખીને બેસી ગયા બસ હવે ઉપડી હતી.. કાચની બારી ખુલ્લી હતી…ઠંડી ઠંડી હવાની લહેરખીઓ વિઝાંતી હતી વરસાદ તો હવે પડતો બંધ થઇ ગયો હતો પણ શરીરમાં પેસી ગયેલી ઠંડી બહાર નીકળવાનું નામ નહોતી લેતી. એકતો હું પુરેપુરી ભીંજાઇ ગઇ હતી. એમાં પાછી ખુલ્લી બારી માંથી આવતી ઠંડી હવા…ધીરે ધીરે હું આછું આછું ધ્રુજવાય મંડી…. જયારે જયારે બારી માંથી ઠંડા પવનની લહેરખી આવતી ત્યારે ઠંડીનું લખલખું મારા શરીરમાંથી પસાર થઇ જતું. મેં ઓઢેલી મારી ઓઢણી સરખી કરી પરંતુ ઠંડી સામે તો હું બાથ ભીડી શકુ?

રસ્તો પણ આખો ચઢાણવાળો હતો. ડ્રાઇવરને ઘડીએ ઘડીએ ગિઅર ચેન્જ કરવો પડતો હતો. અને બસ ઝટકા સાથે ઊભી રહી જતી. સ્ટાર્ટ થઇ જતી…બારીનાં કાચ ખખડી ગયા હતા એટલે કેમેય કરીને પેક રહી શકતા નહોતા… અને હું ઠંડી સામે ઠંઠવાયા કરતી. પાંચ આઠ કિલોમીટરનું અંતર કાપ્યુ હશે, પણ ત્યાં સુધીમાં તો હું તોબા પામી ગઇ…

હવે કદાચ પેલા યુવાનને ખ્યાલ આવ્યો હશે એણે ખીસ્સા માંથી એક નક્કામો કાગળ કાઢયો અને એને બેવડ-ચોવડ વાળીને બન્ને કાચની વચ્ચે પડતી ખાલી જગ્યામાં ભરાવી દીધો.. કાચ બરાબર ફીટ થઇ ગયો હતો.મારાથી અનાયાસ તેના ભણી જોવાઇ ગયું… તેના કાળાભમ્મર ઝુલ્ફાં આમતેમ ઉડતા હતા. હસીને તેણે મને પૂછ્યું: ‘અબતો આપકા ટેન્શન દૂર હો ગયા ના?

“આપ કા શુક્રિયા.” ‘તો બસ, ફિર આરામ સે બેઠિયે…’ કહી, ઊભો થયો. અને ઉપર રાખેલો થેલો બહાર કાઢ્યો. અને એમાંથી એક કાઢી શાલ અને એક નેપકીન કાઢ્યો. મને નેપકીન લંબાવીને બોલ્યો: લીજીયે અનુ, આપ પુરી તરહ ભીગ ગઇ હો. યે આપકા હાથ સર ઔર ચેહરા પૌંછ લીજિયે. વરના સરદી લગ જાયેગી… ‘નહીં નહીં… થેન્ક સ.’ ‘આપકો ક્યા બુરા લગા?’

‘નહીં જી…’ ‘તો ફિર ક્યા? કહતા હું ન? વરના પછતા ઓગી. યે લિજીયે.’ કહી, કશાક લાગણીભર્યા અધિકારથી તેણે મને કહ્યું. હું ઇન્કાર ન કરી શકી. પણ આજુબાજુ જોઇ લીધું : અમારી પાછળ જ બે ની સીટમાં એક કપલ બેઠું હતું. રખેને જોઇ જાય! હું તો શરમથી પાણી પાણી થઇ ગઇ… આજુ બાજુ જોયું પણ કોઇ મુસાફરોનું ધ્યાન અમારા તરફ નહોતું. મેં ઝડપથી ચેહરો લૂછી તેને નેપકીન પાછો આપ્યો. તો એણે આપી મને શાલ કહે કે ‘યે ઓઢ લીજિયે. અભી ઇસમે ઇન્કાર મત કરના..’

કોણ હતો આ માણસ ? જે મારી તબિયતની ચિંતા કરતો હતો. મે આગળ જોયું. મમ્મી અને પપ્પા તો જમ્મુની સૌદર્ય મઢી પ્રકૃતિ જોવામાં મશગુલ થઇ ગયા હતા. હજી પેલા યુવાને શાલ મને ઓઢાડવા હાથમાં પકડી જ રાખી હતી. હવે મારાથી એને પહેલી નજરે તેની નજર ચૂકાવીને જોવાઇ ગયું : તો જોતી જ રહી ગઇ : તેના રેશમી ઝૂલ્ફાં, ગુલાબી ચેહરો, તીણું નાક, સુડોળ બાંધો, આછી દાઢી અને મૂછો, ઘેરા લીલા કલરનું જીન્સનું શર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સ!

સુંદર, પ્રભાવક વ્યકિતત્વ હતું એનું. હું એનું ચોરી છુપી નિરીક્ષણ કરતી હતી ત્યાં જ તેણે મને પકડી પાડી. એ હસીને બોલ્યો: ‘અબ તો ઠંડ નહી લગતી ના? ‘ના’ હું શરમાઇને હસી પડી બોલી તો એ હસી પડયો : ‘આપ મુશ્કુરાતી હૈ તો અચ્છી લગતી હો…’ ‘હવે મારે શું બોલવું’ અમદાવાદની હતી એટલે બ્રોડમાઇન્ડેડ હતી પણ આવા અજાણ્યા યુવક સાથે આમ વાતો કરવી? પણ તે મારી મુંઝવણ કળી ગયો હોય કે રામ જાણે ! પણ ખિસ્સા માંથી એક વિઝિટીંગ કાર્ડ કાઢીને બોલ્યો: આપકો કોઇ એતરાઝ ન હોતો-‘

‘નહીં નહીં… ઐસા વૈસા કુછ નહી હૈ…’ હવે હું બોલી. ‘તો ફિર યે મેરા કાર્ડ.’ કહી તેણે મને કાર્ડ આપતા કહ્યું.’ ‘અનુ, આપકા નામ’ તો મુઝે યાદ રહ ગયા ક્યોકિ અભી અભી આપકે પાપાને યે નામ સે આપકો પુકારાથા…ઔર મૈ આપકે બારેમે મે કૂછ નહી જાનતા. ફિર યે મૈરા કાર્ડ… કહી એણે મારી હથેળીઓને પકડી…

મારા શરીર માંથી કંપ પસાર થઇ ગયો. કોઇ અજાણ્યા પુરૂષનો પ્રથમ સ્પર્શ ! શરીર માંથી ઝણઝણાટી પસાર થઇ ગઇ. એણે એનું કાર્ડ મને આપતા કહ્યું : ગુજરાતી તો મુઝે ભી થોડા થોડા આતા હૈ અનુજા. પહેલે મેરે પાપા બડૌદા થે. રેલ્વે મેં થે. લેકિન મૈં તો ચાર પાંચ સાલ તક છોટી સી ઉમ્ર મેં બડૌદા રહા બાદ તો ગુજરાત છોડ દિયા… અબ તો પુના મેં રહેતે હૈ… સંદીપ દિક્ષીત મૈરા નામ. મહારાષ્ટ્ર્રીયન બ્રાહ્મિન પરિવાર સે આતા હું’ ઘૂમને કા બહુત શૌખ હૈ તો બસ ઐસે હી છુટ્ટીયો મેં નિકલ જાતા હું…પણ તેણે હજી મારી હથેળીઓ પકડી રાખી હતી.

મેં શરમાઇને કહ્યું ‘પ્લીઝ, યે હાથ છોડ દી જિયે તો – પણ તેની નિખાલસ વાતો મને ગમી. દિલનો ચોખ્ખો માણસ હતો. તેનો સ્પર્શમાં કોઇ કામુકતા કે વાસના નહોતી. નહિંતર તો એક ઝાટકે મેં મારો હાથ છોડાવી લીધો હોત ! હું તેની વાત કરવાની સ્ટાઇલમાં તણાઇ રહી…સાંઇઠ કિલોમીટર ક્યાં પુરા થઇ ગયા એની ખબર જ ન રહી. અમે બન્ને જાણે બચપણનાં દોસ્ત હોય એમ એકબીજાની નજીક આવી ગયા હતા. તેની વાતોમાં કુટુંબનાં સંસ્કાર દર્શિત થતા હતા… એનામાં કોઇ વ્યસન પણ નહોતું. એટલું હું જાણી શકી.

-કતરા આવી ગયું જમ્મુ જવા નીકળ્યા ત્યારે મનમાં મુંઝવણ થતી હતી કે હું એકલી હોત તો તો કંઇ વાંધો જ નહોતો. પણ મમ્મી પપ્પા સાથે હતા પછી એ લોકોને હું કઇ રીતે સંભાળી શકીશ? પણ હવે એ ચિંતા નહોતી. હવે તો સંદીપ સાથે હતો. મે મમ્મી પપ્પા સાથે તેનો પરિચય કરાવ્યો. અમને બન્નેને આમ છુટથી વાતો કરતા જોઇને પપ્પાને તાજજુબ તો થયું પણ એમણે તો પલકમાં પારખી લીધું કે… સંદીપ ઉંચા કુળ માંથી આવતો લાગે છે…તે કોઇ ચીલાચાલુ ચાલતા પૂર્જા જેવા યુવક નથી.

કતરા પહોંચ્યા પછી વૈષ્ણોદેવીના મંદિર તળેટી જવા માટે દોઢ-બે કી.મિ. જેટલું અંતર છે પણ એક સંદીપ સારા રીક્ષાવાળાને શોધી લાવ્યો. હું, મમ્મી, પપ્પા અને સંદીપ ચાર જણા તળેટી જવા ઉપડયા… ‘આ શાલ?’ પપ્પાએ મેં ઓઢેલી શાલ જોઇને પૂછી નાખ્યું. હું હસીને બોલી ઉઠી. ‘એ તો સંદીપની છે પપ્પા.’

સવારે દસ વાગ્યે વૈષ્ણોદેવી ચડવા લાગ્યા હતા તે સાંજે સાડા છ સાત વાગ્યે અમે નીચે ઉતરી ગયા. ગુજરાતી સમાજની ધર્મશાળા શોધીને સૂઇ ગયા. આખો દિવસની થકાન. રાત્રે ઘસઘસાટ ઉંઘ આવી ગઇ. બીજે દીવસે સવારમાં નહાઇ ધોઇ ચા-નાસ્તો પતાવી નીકળી ગયા. પપ્પાને હવે સંદીપ સાથે ફાવી ગયું હતું. જમ્મુ પાછા ફર્યા ત્યાં સુધી તો હું સંદીપની કંપનીમાં ખુશમિજાજમાં હતી. પણ આ મારી ખુશી જ દર્દનું કારણ બની જવાની હતી એ મને કયાં ખબર હતી? કે સંદીપ અને હું તો માત્ર એક ક્ષણિક સપનાં જેમ ઘડી બે ઘડી સાથે રહીશું અને પછી વિખુટા પડી જઇશું.

જમ્મુથી તેને જુદા પડવાનું હતું. એણે પપ્પાની રજા લીધી. મમ્મીની રજા માંગીને બન્નેને ચરણ સ્પર્શ કર્યા. પપ્પા તો એકદમ સેન્સેટિવ. તેણે તો સંદીપને ગળે લગાડી દીધો. જાણે પોતાના ત્રીજા પુત્રને વિદાય આપતા હોય એમ…! હું તો નજર નીચી ઢાળીને જ ભારે હૈયે ઊભી હતી.પપ્પાએ, સંદીપને કશુંક કહેવા માટે હોઠ ફફડાવ્યા પણ બોલી ન શક્યા. પપ્પાએ મારા તરફ જોયું. પણ આંખોની ભીનાશ મને તો ક્યાં કશું બોલવા દે એમ જ હતી?!!

સંદીપ, છેલ્લે મારી પાસે આવ્યો પપ્પા સમજીને દૂર ચાલ્યા ગયા કદાચ. સંદીપ નજીક આવ્યો અને મારી સામે ઊભો રહ્યો: ‘ચલે અનુ, હમ જા રહૈ હૈ… શાયદ ફિર મિલેના મિંલે. જી તો કહતા હૈ… મૈં તુમ્હારી સાથ એમેદાબાદ આ જાઉં… લેકિન ક્યાં કરૂં? ભૂલ હો ગઇ હો તો મુઝ કો માફ કર દેના…’

‘નહી’ હું ભીની આંખે બોલી ઉઠી. ને તેની તરફ તાકી રહી તે મારી સામે જોઇ રહ્યો. ને પછી પપ્પા મમ્મીની પરવા કર્યા વગર તેણે મારા આંસુ લૂછી કાઢ્યા ને બોલ્યો: તુમ્હારી યે સુંદર આંખો મેં યે આંસુ અચ્છે નહી લગતે અનું, થોડા હસલો, મૈં તુમ કો હંસતી દિખ કે જાન-ચાહતા હું… વરના તો મૈરા જીભર જાયેગા.’

હું પરાણે હસી. ને એ ખડખડાટ જતા જતા તે બોલ્યો : ‘ફિર કભી મીલેંગે…’ અને તે નીકળી ગયો. ને પછી તો હું ‘રડી પડી મમ્મીએ તો કહ્યું કે’ ગાંડી થઇ-ગઇ છોકે શું? પણ હું તેને કેમ સમજાવું કે હા મમ્મી તારી દીકરી એ દિવાનાની પાછળ દિવાની બની ગઇ છે…

-આ વાતને મહીનો વિતી ગયો પણ સંદીપ મારૂ હૈયું લૂંટી ગયો હતો. ક્યાંક કોઇ કામમાં ચેન નહોતું પડતું. આખો દિવસ જીવ ઉદાસ ઉદાસ રહ્યા કરે. મમ્મી તો આ વાત ભૂલી ગઇ પણ મારાથી કંઇ થોડી ભૂલાય? રાત પડતીને સંદીપ મારી આંખો આગળ આવીને જાણે અડપલાં કરી જતો હતો. હું વિહવળ બની આખી રાત પથારીમાં તરફડીયા મારતી રહેતી…પણ ભાભીએ કદાચ મારા આ વર્તનની નોંધ લીધી. હૌય એમ ચારપાંચ દિવસ પછી સવારના નાસ્તા સમયે, હું દરરોજ નાસ્તા ઉપર તૂટી પડતી એને બદલે માત્ર એક-બે બટર પાઉ ખાઇને ઊભી થઇ જતા ભાભીએ હસીને પપ્પાને પૂછ્યું :

‘પપ્પા, એવી તો કઇ વાત છે કે વૈષ્ણોદેવી જઇ આવ્યા પછી તો અનુબહેન તદ્દન બદલાઇ ગયા છે… શું કાઇ પ્રોબ્લેમ્બ છે? પપ્પાને કદાચ હવે યાદ આવી ગયો હશે સંદીપ! એણે માંડીને વાત કરી ને પછી તો શું કહું ? ભાભીય મુંબઇનાં પાક્કા મહારાષ્ટ્રીયન!… પંદર વીસ દિવસમાં તો એણે સંદીપને પકડ્યો અને પછી તો એમને એકબીજાને એકબીજાને એક કરાવ્યે જ છુટકો કર્યો…હું ભાભીને ગળે વગળી પડી; ‘ભાભી, તમે ન હોત તો?

ભાભીએ મીઠો છણકો કરીને મને આશ્લેષમાં લઇ લેતા કહ્યું : ‘તું એટલી કાચી નહિતર તો ત્યાં જ પાક્કું ન કરતા આવીએ? આજકાલ તો તારી જેવડી ઉંમરનાં છોકરા-છોકરી પોતાની મેળે જ પોતાનું નક્કી કરી નાખતા હોય છે… -ભાભીને એને મારી વચ્ચે તુંકારાના સંબંધો છે. મેં તેની કમર ઉપર ચૂંટણી ખણી. લીધી… ‘લુચ્ચી…’

આજે લાભપાંચમ છે. અમારા સહજીવનને તો એક વરસ પુરૂ થઇ ગયુ. જોત જોતામાં ! પણ આ એક વર્ષમાં મને જે સંદીપે પ્રેમ આપ્યો છે એ તો હું કઇ રીતે શબ્દમાં વર્ણવી શકુ ? ધરતી કદિ વરસાદનાં પાણીથી તૃપ્ત્ત થતી નથી. પણ હું અનુજા ત્રિવેદી, એક ધરતી નામે…સંદીપ નામના ઘનધોર અનરાધાર અષાઢનાં પ્રથમ મેધ જેવા પ્રેમનાં વરસાદથી તૃપ્ત્ત થઇ ગઇ છું. આજે પરણ્યા પછી અમે પહેલીવાર વૈષ્ણોદેવીની યાત્રાએ આવ્યા છીએ…

વૈષ્ણદેવીની દૈ દિપ્યમાન મૂર્તિ સામે સંદીપ મને હળવે’કથી આશ્લેષમાં લઇને આગળ કરતા પ્રેમથી કહ્યું : અનુ, માં કે પાસ જો માંગના હૈ વો માંગ લે…’ હું શું બોલુ ? મેં સંદીપના ખભે માથુ ઢાળી દેતા કહ્યું : ‘આનાથી વધુ હવે મારે શું જોઇએ? માંગ કે સાથ તુમ્હારા… મૈને માંગ લિયા સંસાર…’ હું બોલી ઉઠી… ને પછી માં ના ચરણ કમળ આગળ ભાવપૂર્વક ઝુકી પડી….!!!

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ