જલ્સા કરોને જેંતીલાલ

મેડીકલ અને ડેન્ટલની ૯૮૮ સીટો પેહલા રાઉન્ડ ના અંતે ખાલી પડી રહી..

ગયા વર્ષની માફક આ વર્ષે પણ મેડિકલ અને ડેન્ટલ કોલેજની એડમિશન પ્રોસેસ જુલાઈ 2019 એટલે કે હવે થોડા જ દિવસોમાં શરુ થશે. ત્યારે આજે વાંચો આપણા લેખક શૈશવ વોરાની એક સટીક અને સમજવા જેવી પોસ્ટ.. વાત ગયા વર્ષની છે પણ હવે સમય જ બતાવશે કે આ વર્ષે આવું થશે કે નહિ…

મેડીકલ અને ડેન્ટલની ૯૮૮ સીટો પેહલા રાઉન્ડ ના અંતે ખાલી પડી રહી.. અચરજ ની વાત છે, પણ ખાલી પડી રહી એ હકીકત છે ..કારણ શું ? લોકો ને પોતના છોકરા ડોક્ટર બનાવવામાં રસ ઉડી ગયો છે એવું છે ? ના .. તો પછી ..? છાપું લખે છે કે બોગસ ડોમીસાઈલ ને લીધે બોગસ લોકો એ એપ્લાઇ કરી મુકેલું પણ ફી ભરતા ફાટી ગઈ એટલે સીટો ખાલી પડી..

તો પછી એ “બોગસીયાઓ” એ ફી કેમ ના ભરી ? તો કહે ઝડપાય તો ફી પણ જાય અને કેરિયર પણ જાય એટલે બોગસીયા પાછા રાજ્સ્તાથાન ,યુપી અને એમપી ભેગા થઇ ગયા.. વાંક કોનો ..? પેહલો વાંક તો આપણી પોત્તાની રૂપાણી સાહેબ ની સરકાર નો .. આખું વર્ષ ઊંઘતા રહ્યા અને છેલ્લી મીનીટે હોબાળો મચ્યો એટલે ડોમીસાઈલ ફરજીયાત કર્યું..

જે લોકો ને આખો મામલો શું છે એની ખબર નથી એમણે ટુંકસાર આપું..

મેડીકલ અને ડેન્ટલ કોલેજ ના એડમીશન દરેક રાજ્ય સરકારને આધીન આવે છે અને એ એટલા માટે મેડીકલ અને ડેન્ટલ કોલેજોના નિભાવ નો ખરચો જે તે રાજ્ય પોતાના ખિસ્સામાંથી ભરે છે , એટલે “રાજ્યની જનતા ના રૂપિયે ઉભી થયેલી અને ચાલતી કોલેજોમાં પોતાના રાજયના છોકરાઓને પ્રેફરન્સ આપી અને એડમીશન આપવું..” આ એક સામાન્ય સિધ્ધાંત પ્રસ્થાપિત થયેલો છે સિધ્ધાંત ને બદલે તમે પરંપરા શબ્દ પણ વાપરી શકો..

આટલા વર્ષોથી આ જ રીતે એડમીશન થતા આવ્યા છે, હવે આ વર્ષે એમાં ડખો ઉભો કર્યો કે જેમની ટ્રાન્સફર થાય છે એમના છોકરા ક્યાં જાય .. આ સમસ્યાનું સમાધાન પેહલેથી છે જ ,એના માટે દરેક રાજ્યમાં ઓલ ઇન્ડિયા કવોટાની સીટો મુકેલી જ છે ભાઈ ..એટલે એ મુદ્દાની વાત જ નથી એવું નામદાર ગુજરાત હાઈકોર્ટે ચોખ્ખું કહી દીધું છે ..

તો પછી ..? હવે આખી દુનિયાને ખબર છે કે છેલ્લા બે વર્ષથી મેડીકલ અને ડેન્ટલના એડમીશન નીટ નામની પરીક્ષાથી કરવામાં આવે છે..અને આ નીટ નામનું `હલાડું` હજી હમણાં જ અસ્તિત્વમાં આવ્યું છે, ગુજરાતની અગિયારમાં અને બારમાં ધોરણની શિક્ષણ વાળી સીસ્ટમ અચાનક તોડી પાડવા માં આવી અને એટલે ગુજરાતના ટ્યુશનીયા છોકરા અને એમના ટયુશનીયા માસ્તરો બધા જ બઘવાઈ ગયા ..

અલ્યા આ શું ..? આવા સમયે ગુજરાતના છોકરાઓને “વહારે” થવા દિલ્લી અને રાજસ્થાન ના કોટા શેહરમાં ચાલતી મોટ્ટી બે ત્રણ ટ્યુશનની શિક્ષણ સંસ્થા વહારે આવી .. હવે આ બહારથી આવેલી સંસ્થાઓને એઈમ્સની પરીક્ષા અપાવવા નો અનુભવ હતો , અને નીટની પરીક્ષા લગભગ એઈમ્સ ની પરીક્ષાની રીતે લેવી એવું નક્કી થયેલું હતું..

“લગભગ” લખું છું એટલે તૂટી ના પડશો.. એટલે પેલી બહારથી આવેલી સંસ્થાઓ એ ગુજરાતમાં દુકાનો ખોલી નાખી અને ગુજરાતના ટ્યુશનીયા માસ્તરો ની દુકાનો ખાલી થઇ થઇ ગઈ.. બે ચાર પાંચ કરોડની લોનો લઈને દુકાન કરીને ઉભા થયેલા ગુજરાતી ટયુશનીયા માસ્તરોને `ફેણ` ચડી ગયા.. બધા ગુજરાતી ઘેટાં બકરા લગભગ પેલા બહારથી આવેલા કલાસીસમાં જતા રહ્યા..

હવે ખરો ખેલ થયો .. બહારથી આવેલા “વેપારીઓ” એ જોયું કે અહિયાં તો ઉજ્જડ ગામ છે કોઈ ને કશી થેક જ નથી લેતું .. અને એટલે ગુજરાતનું નીટમાં રીઝલ્ટ ઘણું નીચું છે અને ગુજરાતમાં કાયમી ધોરણે ગુજરાતી છોકરાને જ એડમીશન આપવું એવું નોટીફીકેશન નથી.. દર વર્ષે નવું બહાર પાડવામાં આવે છે..એટલે એમણે એમના “એરંડા” બહારથી લાવવાનું નક્કી કર્યું..

રૂપાણી સરકાર અહિયાં કઠેડામાં આવે છે..કેમ દર વર્ષે નોટીફીકેશન નવું બાહર પાડવામાં આવે છે ? એક પરમેનેન્ટ નોટીફીકેશન કેમ નહિ..? એટલે ટ્યુશન કલાસીસની બહારથી આવેલી સંસ્થાઓએ એમની ગુજરાત બહારની બ્રાન્ચોમાં જ્યાં મેડીકલમાં એડમીશન ખુબ ઊંચા માર્ક્સ પર જાય છે ત્યાં બધે કેહણ નાખ્યું .. ગુજરાત આવો…ગુજરાત આવો .. અહિયાં રામ કી ચીડિયા રામ કા ખેત છે ..ચરી જાવ ..

અને એમના કેહણ ને “સરસ” પ્રતિસાદ મળ્યો ધડાધડ ગુજરાતની “ડમી સ્કૂલોમાં” એડમીશન લેવાયા નોન-ગુજરાતીઓ ના , અને પછી ગુજરાતમાંથી નીટ આપવી દેવડાવી.. સરકારશ્રી માં પેહલા તો એમ કેહવાયું કે દસમું બારમું ગુજરાતમાંથી થયું હોય એટલે ચાલે એડમીશન આપો.. પછી હોબાળો મચ્યો ,બધું ફૂટી ગયું એટલે નિયમ બનાવ્યો કે દસ વર્ષથી ગુજરાતમાં રેહતા હોય તેમને જ ગુજરાતી ગણવા..અને ડોમીસાઈલ લાવવું ફરજીયાત. અહિયાં ઘેટી બરાબરની ભરાઈ છે..તો પણ ઘણા મોરલા કળા કરી ગયા અને ખોટા ડોમીસાઈલ બનાવડાવી અને એડમીશન પ્રક્રિયામાં ઘુસી ગયા..

પણ હવે ખરાખરીનો ખેલ છે,ગુજરાતના જાગૃત વાલીઓ એ બધું ખોદી કાઢ્યું કે આટલા છોકરા ખોટ્ટા ડોમીસાઈલથી એડમીશન પ્રક્રિયામાં ઘુસ્યા છે ..એટલે સરકાર અને ગૃહ ખાતું હરકતમાં આવ્યું .. હવે પેલા ખોટા ડોમીસાઈલ વાળા ની ફાટી પડી છે..એડમીશન લીધું અને ઝડપાયા તો એડમીશન ની ફી અને છોકરા ની કેરિયર બધું ય જાય એટલે એડમીશન પ્રોસેસમાં તો ઘુસી ગયા પણ એડમીશન લેતા અને ફી ભરતા ઘભરાય છે..

ગુજરાતી છોકરાઓ અને છોકરીઓ ધ્યાન હવે જ રાખવાનું છે ,તમારું એડમીશન થયા પછી પણ તમારા ક્લાસમાં જો કોઈ આવો શંકાસ્પદ દેખાય તરત જ તમારા ડીન ને જાણ કરજો , યાદ રાખજો એક મેડીકલ સ્ટુડન્ટ પાછળ એક કરોડ રૂપિયા નો ખર્ચો થાય છે અને એ તમારા પપ્પા ના ખિસ્સાના ટેક્ષ ના રૂપિયા છે માટે ગુજરાતના ટેક્ષના રૂપિયે ગુજરાતી જ ભણવો જોઈએ..

અને હવે જુનું ભૂલી જઈએ તો પણ સરકાર પણ હવે જાગી છે ત્યારે બે ચાર ઓફિસર મૂકી અને એક સેલ બનાવવા ની તાતી જરૂર છે.. લગભગ ૩૮૫૦ સીટો છે અને એક કરોડ નો ખર્ચો ગણીએ તો ચાર હજાર કરોડનો ખર્ચો થઇ રહ્યો છે મેડીકલ સ્ટુડન્ટ પાછળ ..તો પછી એ રૂપિયા યોગ્ય જગ્યાએ જાય એની ચકાસણી તો બેચાર વાર થવી જ જોઈએ..

અને રહી વાત ડમી સ્કૂલોની તો એ ફરી ક્યારેક .. આજે આ બ્લોગ ને બીજે ફોરવર્ડ કરો અને ગુજરાતી છોકરાંવ ને મેડીકલમાં એડમીશન અપાવો અને એક આખો ડોમીસાઈલ ચકાસવા સરકાર સેલ ઉભો કરે જેથી ગુજરાતના ચાર હજાર કરોડ રૂપિયા ગુજરાત માટે જ વપરાય.. (સ્વાર્થી વેડા ના કરશો હજી , સરકાર પર દબાણ રાખવું જ પડશે ..ખોટા ડોમીસાઈલવાળા ને પકડી ને બાહર કાઢો , મારા છોકરા તો કોમર્સમાં છે એમ કરીને ફોરવર્ડ કરતા અટકી ના જતા, ફોરવર્ડ કરશો તો જ આપણા કોઈક ગુજરાતીના ઘરમાં “અરુણું પરભાત” ઉગશે…)

જય જય ગરવી ગુજરાત

લેખક : શૈશવ વોરા

https://www.shaishavvora.com/

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version