બે હૃદયનો એક રંગ, પ્રેમનો સંબંધ – સાચા પ્રેમની અનુભૂતિ કરો અને તમારા પ્રિયપાત્રને પણ કરાવો…

બે હૃદયનો એક રંગ, પ્રેમનો સંબંધ

હવેના સમયનો પ્રેમ સમજણ શક્તિના, સહકારના અને સાચા સંબંધના ધોરણે નક્કી થતો હોય છે. જ્યાં એકબીજા પ્રત્યે સમજણ નથી ત્યાં પ્રેમ નથી. વ્યક્તિને પ્રિય પાત્રનો સહકાર નથી, તો તે પ્રેમ નથી અને જ્યાં સંબંધની સાચી ગરીમાં જળવાતી નથી, તો તે ખરેખરા અર્થમાં તો પ્રેમ છે જ નહીં.મનની વાતો અને વિચારોને સમજવા ખૂબ અઘરા છે. મન જ્યારે કોઇ વ્યક્તિ સાથે, તેની સાથેના હુંફભર્યા સંબંધ સાથે જોડાઇ જાય છે, ત્યારે સાતમાં આસમાને ઉડવા લાગે છે. હૃદયના સાતે કોઠે દિવાનું અજવાળું પથરાઇ જાય છે. મન-હૃદયની આ લાગણી પ્રિયજન સિવાય કોઇના માટે અનુભવી શકાતી નથી. કહેવાય છે કે પ્રેમ દરેક વ્યક્તિ માટે નથી હોતો, દરેક પાસે વ્યક્ત થઇ શકવાની વસ્તુ પણ નથી. પ્રેમની અભિવ્યક્તિ માટે બે વ્યક્તિઓ ફક્ત એકબીજા માટે જ બની હોય છે. બે હાથ એકબીજા સાથે જોડાઇને જીવનભરના સંગીસાથી બનીને રહે છે. જીવનભર પ્રેમ વચનો આપીને એકબીજાને વફાદાર રહેવાના વચનો આપે છે.પ્રેમને અનુભવવો અને પ્રેમનો અનુભવ કરાવવો એ અલગ બાબત છે. તમે જ્યારે કોઇને પ્રેમ કરતા હો, તો તે અનુભવ તમે જાતે જ કરતા હો છો, પણ જ્યારે તમે તમારા પ્રેમની અભિવ્યક્તિ સામેવાળી વ્યક્તિને કરાવો છો, તો તે પ્રેમની સંપૂર્ણતા કહેવાય છે. પોતાના સાથીને તેના પ્રત્યે પણ પ્રેમ હોવાની અનુભૂતિ હંમેશા કરાવતા રહેવી જોઇએ. તેનાથી સંબંધ હંમેશા ઉષ્મા ભર્યો રહે છે. સંબંધની સાચી વ્યાખ્યા આ પ્રકારના પ્રેમથી ખૂબ જ સરળતાથી સમજીને જીવન સહેલાઇથી જીવી જવાય છે.બે અજાણી વ્યક્તિને જોડતી કડી પ્રેમ છે. સંસારની શરૂઆત જ પ્રેમથી થઇ હતી. પ્રેમના કારણે જ સમગ્ર સંસારની રચના થઇ છે, તો પછી બે વ્યક્તિ શા માટે પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે સંકોચ અને શરમ અનુભવે છે. પ્રેમ તો પુષ્પોના રસ જેવો છે. જેનો રસ પીધા વિના ભમરાને પણ પોતાની અંદર છૂપાયેલી લાગણીની ખબર પડતી નથી. તો પછી તમારી અંદર તમારા પ્રિયપાત્ર માટે કેટલો પ્રેમ છે, તે જ્યાં સુધી વ્યક્તિ નહીં કરો, તો તેને કેવી રીતે ખબર પડશે કે તમે બંને એકબીજાની સાથે કેટલી લાગણીથી જોડાયેલા છો. પ્રેમ શબ્દ જ સાંભળીને મનમાં અનેક તરંગો ઉત્પન્ન થવા લાગે છે. પ્રિયપાત્ર ગમે તેટલું દૂર હોય તો પણ મન ઉડતું ઉડતું તેની પાસે પહોંચી જાય છે. ક્યારેક કોઇ પ્રેમગીત સાંભળીને પણ આ પ્રકારની જ લાગણીનો અનુભવ થવા લાગે છે. તો જ્યારે પ્રિયપાત્ર સામે જ હોય, સમીપ હોય, તો તેને પ્રેમની અભિવ્યક્તિ કરાવવામાં ક્ષોભ અનુભવવાની જરૂર નથી.તમે જ્યારે બે હૃદય એક સંબંધથી જોડાયા છો, તો જે હૃદય બે હતા, તે એક બનીને ધડકવા લાગ્યા છે. બંનેની ધડકનોનો, એકબીજા પ્રત્યેની લાગણીનો અનુભવ કરાવશો તો સંબંધમાં હંમેશા કંઇક નવીનતા હોવાનો અહેસાસ થશે. પ્રેમ ફક્ત ‘આઇ લવ યુ’ કહેવામાં જ નથી, કાળજી, સમજણ અને જતુ કરવાની ભાવનામાં પણ રહેલો છે. જોકે જેને પ્રેમ કરીએ તેની માટે તો બધુ જ કરી છૂટવાની ઇચ્છા થઇ આવે છે. તેને ક્યારેય નારાજ કે દુખી જોઇ શકતા નથી. પરિસ્થિતી કોઇપણ પ્રકારની હોય પણ તેની સાથે જો પ્રેમનું જોડાણ જળવાઇ રહ્યું હોય તો બાકી બધુ પર બની જાય છે. અહીં એક ફિલ્મની પંક્તિ યાદ આવે છે કે…..તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ, અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ……. ફિલ્મમાં નાયિકા તેના પતિને ખૂબ જ કફોડી પરિસ્થિતીમાં પણ તેનો સહકાર હશે, તો જીંદગી જીવી જશે તેની વાત કરે છે. ખરેખર પ્રેમમાં તો અદભૂત તાકાત રહેલી છે. કહેવાય છેને કે પ્રેમમાં તો લોકો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે.

લૈલા-મજનુ, હીર-રાંઝા જેવી પ્રેમકહાણી તો પ્રેમનો અહેસાસ કરાવવા માટે હતી. બે હૃદય એકબીજા માટે કેટલી તીવ્રતાની હદે ધડકી શકે છે અને કેટલી હદે એકબીજા માટે કુરબાન થઇ શકે તેના માટે તેમનો પ્રેમ હતો. પણ હવેના સમયનો પ્રેમ સમજણ શક્તિના, સહકારના અને સાચા સંબંધના ધોરણે નક્કી થતો હોય છે. જ્યાં એકબીજા માટે સમજણ નથી તે પ્રેમ નથી. જ્યાં વ્યક્તિનો જો પ્રેમી પાત્ર માટે સાથ અને સહકાર નથી, તો તે પ્રેમ નથી અને જ્યાં સંબંધની સાચી ગરીમાં જળવાતી નથી તો તે ખરેખરા અર્થમાં તો પ્રેમ છે જ નહીં.પ્રેમ સંબંધ જીવનભર જળવાઇ રહે તે માટે પોતાના મનમાં છૂપાયેલી લાગણીને પ્રિયપાત્રને વ્યક્ત કરવામાં ક્યારેય સંકોચ કે શરમ અનુભવશો નહીં. તમારું પ્રિયપાત્ર પણ તમારા સંબંધને મધુર બનાવવા માંગે છે. જ્યારે પ્રેમ સંબંધમાં પ્રેમની જ વ્યાખ્યા નહીં સમજી શકો તો, જીવનની તમામ જવાબદારીઓને કેવી રીતે સમજી શકશો? લોકો એકબીજાને માટે પ્રેમ વ્યક્ત કરવાનું, લાગણી દર્શાવવાનું ભૂલવા લાગ્યા છે. સંકોચ, શરમ અને ખાસ તો સમયનો અભાવ હવે બધાને નડવા લાગ્યો છે. તેથી ખાસ પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે પણ હવે દિવસ નક્કી કરવામાં આવ્યો છે. જે રીતે બે વ્યક્તિઓ જીવનભર સાથે રહેવા માટે વિવાહ અને પછી લગ્નથી જોડાતી હોય છે, તેમ એકબીજા માટે ક્યાંકને ક્યાંક પ્રેમ છૂપાયેલો છે, તેની અભિવ્યક્તિ કરવા માટે ખાસ વેલેન્ટાઇન ડેની રાહ જોવામાં આવે છે. આ દિવસે ફક્ત એક જ વાર પ્રેમ છે તેની અભિવ્યક્તિ થતી હોય છે. અહીં તમને એક વાત જરૂર જણાવીશ કે જે વ્યક્તિને તમે ફક્ત ‘વેલેન્ટાઇન ડે’ ના જ દિવસે પ્રેમની અભિવ્યક્તિ કરો છો, તે તો હરહંમેશ તમારી સાથે જ છે, તો વર્ષનો ફક્ત આ દિવસ જ કેમ, બાકીના 364 દિવસ પ્રેમને અભિવ્યક્ત કરવામાં સંકોચ કેમ અનુભવો છો?

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ આવી અનેક પ્રેમની વાતો અને સમજવા જેવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી