Me too : પુરુષો કેમ ફરિયાદ કરતા નથી અને સ્ત્રીઓ કેમ ફરિયાદ કરે છે?

સ્પષ્ટતા- આ પોસ્ટનો હેતુ માત્ર સાયકોલોજીકલ એનાલિસિસનો છે, કોઇ પણ વ્યકિતની પીડાને ઓછી આંકવાનો નથી. સ્વસ્થ પ્રતિભાવો આવકાર્ય છે.

———————————————————

મી ટુ મુવમેન્ટમાં જે હિંમતથી સ્ત્રીઓ જોડાઇ છે..વીસ-પચ્ચીસ વર્ષ પછી પણ નામો જાહેર કરી રહી છે એ હિંમતને સલામ.. સો સો સલામ. પણ આ મી ટુમાં પુરૂષો કેમ નથી જોડાયા? નોકરી મેળવવા, ઇન્ક્રીમેન્ટ વધારવા કે પ્રમોશન માટે પુરૂષોને સ્ત્રીઓનાં આમંત્રણો આવ્યા જ નહીં હોય? કેમ કોઇ પુરૂષે વીસ-પચ્ચીસ વર્ષ પછી એવું ના કહ્યું કે-એ વખતે મારી મજબૂરી હતી-આમંત્રણનો અસ્વીકાર ન્હોતો કરી શક્યો પણ હવે મજબૂરી નથી રહી એટલે હું એનું નામ જાહેરમાં લખી રહ્યો છું-જે મારા ખભાને સીડી બનાવીને કેરિયરની ટોચ પર બેઠી છે !! કેમ ઢગલેબંધ સ્ત્રીઓની જેમ પુરૂષો સોશિયલ મીડિયા પર મી ટુ એવું નથી લખી રહ્યા?
લગ્ન જીવનને જોખમમાં ન મૂકવા કે સામાજિક પ્રતિષ્ઠા દાવ પર ન લાગે એ માટે પુરૂષો મી ટુ કહેતા નથી એવી દલીલ કામની નથી. જો પરણેલી સ્ત્રીઓ મી ટુ કહી શકતી હોય તો પરણેલા પુરૂષો મી ટુ કહી જ શકે.

સ્ત્રી અને પુરૂષ બેઉ જુદા છે અને એમનું આ જુદાપણું જ પુરૂષોનું મી ટુમાં ન જોડાવાનું એક કારણ પણ છે.
પુરૂષોનો સ્વભાવ-એમની સાયકોલોજી સ્ત્રીઓ કરતા બહુ જુદી છે. એ વર્ષો પછી બોલતા નથી-એ જે તે પરિસ્થિતિને જે-તે સમયે જ ડિલ કરી લેવામાં માને છે. આમંત્રણનો સ્વીકાર કર્યા પછી એ પ્રમોશનો પણ આપે છે, ઇન્ક્રીમેન્ટ પણ વધારી આપે છે, આગળ વધવાનો રસ્તો પણ કરી આપે છે અને વર્ષો પછી જાહેરમાં મી ટુ કરતા નથી-કારણ કે એમણે લીધેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની ત્રેવડ મોટાભાગનાં પુરૂષોમાં હોય છે.
દરેક પુરૂષ પાસે પોતાનું એક વેન્ટ હોય છે અને એને કારણે એ આટલા લાંબા સમય પછી આવી કોઇ મુવમેન્ટ પકડતો નથી.

દૈનિક ભાસ્કરનાં ગ્રુપ એડિટર કલ્પેશ યાજ્ઞિકે એક છોકરીનાં મોલેસ્ટેશન સામે છત પરથી કૂદીને આપઘાત કરી લીધો. દેશભરમાં નેંવુ લાખ વાચકો ધરાવતા અખબારમાં સર્વોચ્ચ સ્થાને એ બેઠા હતા. ધાર્યું હોત તો સત્તાનો ઉપયોગ કરી પેલી છોકરી સામે મી ટુ કહી શક્યા હોત. કદાચ એમણે મી ટુની અસહાયતા દર્શાવવાના બદલે આત્મહત્યા કરવાનું વધુ પસંદ કર્યું. એમના મોત સાથે એમની આત્મહત્યા વખતની માનસિક સ્થિતિનું રહસ્ય આજે પણ વણઉકલ્યું જ રહ્યું છે.

એ તો મેં મારી ઇચ્છા વિરુધ્ધ સમાધાન કરેલું..આ વાક્ય સ્ત્રીઓ બહુ સરળતાથી જાહેરમાં બોલી શકે છે. પુરૂષો પોતે કરેલા સમાધાનોનો ઉલ્લેખ અરીસા સામે પણ કરતા નથી હોતા.

તમે જો જો ટોળામાં સ્ત્રીઓ વાતો કરતી હોય ત્યારે મોટેભાગે એમની વાતોનો વિષય પતિ, નણંદ, સાસુ, જેઠાણી જ હશે..એ તો બોલતાં જ નથી…એ તો બહુ મોડા આવે…એ તો ફોન પર જ લાગેલાં રહે-અમારે કહેવું પડે કે મોબાઇલ બાજુમાં મૂકો..એ તો પાસવર્ડ શેર જ ના કરે…શાંતિ કરાર વિશે બે દેશનાં વડાપ્રધાનો વચ્ચે થતી હોય એવી ગંભીર ચર્ચાઓ સ્ત્રીઓ વચ્ચે આવા મુદ્દાઓ પર થતી હોય. પુરૂષો ટોળામાં ઊભા હોય ત્યારે મારી પત્ની જાડી થઇ ગઇ છે…મારા સાસુની તો વાત જ શું કરું…મારો સાળો તો ખપત જેવો છે…આ એમની વાતોનાં વિષયો નથી હોતા. સ્ત્રી અને પુરૂષ બેઉ જુદા છે, એમનો મૂળભૂત સ્વભાવ જુદો છે અને એમની સાયકોલોજી પણ જુદી છે.

વાલિયા લૂંટારાની પૌરાણિક કથા આપણે બધાં એ સાંભળી છે. પરિવારનું પેટ ભરવા માટે લૂંટ ચલાવતો વાલિયો જે કંઇપણ લૂંટીને આવતો એમાં એની પત્ની હિસ્સો લેતી. પેટ ભરીને જમતી પણ જ્યારે વાલિયાએ એને એવું પૂછ્યું કે-લૂંટના આ પાપમાં તું મારી ભાગીદાર બનીશ? તો એની પત્નીએ ના પાડી દીધી. વાલિયાનું ઋષિ થવું એ એની અંદરની લૂંટારાની “આત્મહત્યા” પછીની ઘટના છે.

સામાન્યરીતે પુરૂષની જેમ મોટાભાગની સ્ત્રીઓ પોતે લીધેલા નિર્ણયની જવાબદારી સ્વીકારતી નથી હોતી. વર્ષો પહેલા નોકરીને કારણે ચૂપ રહેવાનું નક્કી કર્યું હોય-આ સમાધાન એને આખી જીંદગી ડંખ્યા કરે..એ તો એણે આવું કરેલું…મારે તો આવું કરવું જ ન્હોતું. એ તો એણે દારૂ પીવડાવ્યો એટલે મેં પી લીધો.. મેં તો એને ખુશ કરવા આવું કરેલું..મોટાભાગની સ્ત્રીઓનાં આ મૂળભૂત સંવાદો હોય.

અનેક સ્ત્રીઓ નોકરી બચાવવા માટે કે કામ મેળવવા મોલેસ્ટેશન સામે સમાધાન કરી લે. નોકરીનો સ્વાર્થ પૂરો થઇ ગયા પછી એ એવું માની લે કે સમાધાન પૂરું થઇ ગયું. અહીંયા સ્ત્રીએ એવું સ્વીકારવું જોઇએ કે જો મેં મારા સ્વાર્થ માટે મારી જાણમાં મારું મોલેસ્ટેશન થવા દીધું અને એનાં વળતરરૂપે નોકરી બચાવી લીધી. તમે એ વખતે ના પાડી હોત તો બહુ બહુ તો નોકરી જાત અને તમે સક્ષમ હોત તો તમને બીજી નોકરી મળી જ જાત અને તમને શોષણનો શિકાર ના થવું પડયું હોત. હા, જો સ્ત્રીને બળજબરી પૂર્વક ફરજ પડાઇ હોય તો એણે ગમે ત્યારે પણ અવાજ ઉઠાવવો જ જોઇએ. પહેલી તક મળતાં જ અવાજ ઉઠાવવો જોઇએ…. !!

સેકસનિષ્ણાત હેવલોકે કહ્યું છે કે, લગ્નની બહાર જેટલા રેપ થાય છે એના કરતાં લગ્નમાં વધુ રેપ થાય છે. કેટલી પરણીતાઓ મી ટૂ કહી શકશે?
સમાધાન એટલે બદલાની તકની રાહ જોવી એ નહીં. અણગમતી સ્થિતિને સ્વીકારનાર દરેક વ્યકિતએ નક્કી કરી લેવું જોઇએ કે એ સમાધાન કરી રહ્યો છે કે યોગ્ય તકની રાહ જોઇ ખંજરને ધાર કાઢી રહ્યો છે.

અત્યારે જે મી ટુ ચાલી રહ્યું છે એમાં જેન્યુઇન કિસ્સાઓને બાદ કરતા કેટલાંક કિસ્સાઓમાં મી ટુ એ માત્ર અન્યાય નથી-તક મળ્યે લેવાયેલો બદલો છે. સમજી વિચારીને-સમયની રાહ જોયા બાદ લેવાયેલો બદલો છે.

મને એવું લાગે છે કે સ્ત્રીઓએ હવે પોતાનાં તમામ નિર્ણયોની જવાબદારી લેવાનો સમય આવી ગયો છે. એણે ગિલ્ટ અને એનાં પ્રોઝ કે કોન્સની જવાબદારી પોતાનાં જ ખભા પર લેવી જોઇએ. શોષણ નહીં થવા દેવાનો નિર્ણય પણ બોલ્ડલી લેવો જોઇએ અને શોષણ થવા દઇને કંઇક મેળવ્યું હોય તો અરીસા સામે ઉભા રહીને જાત સામે પણ એનો બોલ્ડલી સ્વીકાર કરી લેવો જોઇએ.

બધી સ્ત્રીઓ આવી હોતી નથી. ઝાંસીની રાણીએ યુધ્ધ કર્યું પણ એની જવાબદારી એણે જાતે લીધી હતી. ઇંદિરા ગાંધીએ અમૃતસર વાળી આખી વાતની જવાબદારી પોતાનાં ખભે લીધી હતી. દ્રૌપદીએ એવું કયારેય કહ્યું નથી કે, એતો મય દાનવે એવી રચના કરી એટલે મારાથી દૂર્યોધનને એવું બોલાઇ ગયું..અને ટેકનિકલી પતિ એને હારી ગયો હોવા છતાં એ વસ્ત્રાહરણ સામે એ સમાધાન કરતી નથી અને બદલાની પ્રતિજ્ઞાને છૂપાવતી પણ નથી.

પુરુષોના મી ટુ નહીં કરવા બદલ અને સ્ત્રીઓના મી ટુ પાછળના માનસિક કારણો પર પણ ઉંડો અભ્યાસ થવો જોઇએ.-

લેખક : એશા દાદાવાળા