MDH મસાલાવાળા વૃદ્ધ વડિલ કેવી રીતે બન્યા એક ઘોડાગાડીવાળામાંથી મસાલા વેચવાવાળા કરોડોના વેપારી !

MDH મસાલાની જાહેર ખબરોમાં આવતા તેમના માલિકની ઘોડાગાડીવાળાથી માંડીને કરોડોના કારોબારી બન્યાની સંઘર્ષ ગાથા.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે આઝાદી વખતે અંગ્રેજો દ્વારા જે ભારતના ભાગલા કરવામાં આવ્યા ત્યારે બોર્ડર પરના લોકોએ ઘણું બધું સહન કરવાનું આવ્યું હતું. કેટલાક લોકોને તો પાકિસ્તાનની જમીનદારી છોડીને પોતાની સંપત્તિઓ ત્યાંની ત્યાં જ મુકીને ભારત આવવું પડ્યું હતું. તો વળી કેટલાએ કુટુંબોએ પોતાના લોકોને ખોયા હતા.

તેમ છતાં ઘણા લોકો આ સંઘર્ષમાંથી બહાર આવ્યા અને પોતાની મહેનતથી ફરી પાછું શૂન્યમાંથી સર્જન કર્યું અને સફળતાની ટોચ પર બીરાજ્યા. આવા લોકોમાં MDH મસાલાના માલિકનો પણ સમાવેશ થાય છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે MDH મસાલાની જાહેરાતમાં જે પેલા વૃદ્ધ વડિલ આવે છે તે જ તેના માલિક છે. પણ કદાચ તમે તેમનું નામ નહીં જાણતા હોવ તો જણાવી દઈએ કે તેમનું નામ છે મહાશય ધર્મપાલ ગુલાટી. પણ તમે તેમના સંઘર્ષ વિષે નહીં જાણતા હોવ તો ચાલો જાણીએ તે વિષે વિગતે.

તેમની કથા શરૂ થાય છે પાકિસ્તાનના સિયાલકોટ વિસ્તારથી. તેમનો જન્મ 1923માં 27 માર્ચના રોજ પાકિસ્તાનના સિયાલકોટ ખાતે થયો હતો. તેમનું કુટુંબ એક સામાન્ય કુટુંબ હતું. મૂળે તો તેઓ મસાલાના જ વેપારી હતા. તેમના પિતાનો પાકિસ્તાનમાં મસાલાનો નાનકડો એવો ધંધો હતો. દુકાનનું નામ હતું મહાશય દી હટ્ટી જેના પરથી જ MDH નામ રાખવામાં આવ્યું છે. M- મહાશય, D-દી H- હટ્ટી.

તેમણે 1933માં પાંચમાં ધોરણમાં નાપાસ થવાથી શાળા છોડી દીધી. અને તેમને તરત પિતા દ્વારા કામ પર ચડાવી દેવામાં આવ્યા જો કે તેમણે તેમના પિતાન સાથે દુકાને નહોતું બેસવાનું પણ તેમના પિતાએ તેમને સુથારી કામ શિખવા માટે એક સુથારને ત્યાં મોકલી દીધા. ત્યાં મન ન લાગતા તેમણે ત્યાં કામ કરવાનું છોડી દીધું.

ત્યાર બાદ તેમણે ઘણા બધા ધંધાઓ પર પોતાનો હાથ અજમાવ્યો, સાબુ વેચ્યા, કપડાં વેચ્યા, અનાજ વેચ્યું પણ ક્યાંય ટકી ન શક્યા. ત્યાર બાદ તેમણે પોતાનો વારસાગત ધંધો એટલે કે મસાલાનો વ્યવસાય અપનાવવાનું નક્કી કર્યું. તે હજુ તેમાં થોડા થોડા ગોઠવાયા હતા ત્યાં 1947માં દેશના ભાગલા પડ્યા અને બધું જ વિખેરાઈ ગયું.

તેઓ તરત જ પાકિસ્તાનથી દિલ્લી રહેવા આવી ગયા. પણ હજુ તો દેશ આઝાદ થયો હતો અને દેશનું અર્થતંત્ર પણ હજુ તો પાપા પગલી ભરી રહ્યું હતું તેવામાં કામ મળવું મુશ્કેલ હતું. તેમને પોતાના પિતા તરફથી વ્યવસાય શરૂ કરવા માટે 1500 રૂપિયા મળ્યા હતા જેમાંથી તેમણે 650 રૂપિયાની ઘોડાગાડી ખરીદી અને સેલ્વે સ્ટેશન પર ઘોડાગાડીઓના ફેરા શરુ કરી દીધા.

તેમાં તેમનું મન ન લાગતાં અને ધંધા માટે થોડા પૈસા ભેગા થઈ જતાં તેમણે પોતાની ઘોડાગાડી પોતાના ભાઈને આપી દીધી. અને દિલ્લીમાં જ અજમલ ખાં રોડ પર નાનકડી એવી હાટલી લગાવીને મસાલા વેચવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે તેમના મસાલાઓ વેચાવા લાગ્યા અને તેમને ધંધામાં સફળતા મળવા લાગી. ત્યાર બાદ થોડા જ વર્ષોમાં તેમણે દિલ્લીમાં જ ચાંદની ચોકમાં બીજી દુકાન ખોલી.

હવે તેમનો ધંધો મોટો થઈ રહ્યો હતો હવે તે પોતે જ પ્રોડક્શન હાથ પર લેવા માગતા હતા. તે હેતુથી તેમણે 1959માં દિલ્લીના કીર્તિ નગરમાં મસાલાની એક ફેક્ટ્રિ નાખી. અને પોતાની પ્રોડક્ટનું નામ રાખવામાં આવ્યું MDH મસાલા. આજે એમડીએચની સમગ્ર દેશમાં 15 ફેક્ટરીઓ છે.

ભારતના મસાલા બજારમાં તે 12% ભાગ ધરાવે છે અને તે દેશની બીજા નંબરની મસાલા કંપની છે. તમને જણાવી દઈએ કે એમડીએચના મસાલા માત્ર ભારતના જ લોકો નથી ખાતા પણ દુનિયાના 100થી પણ વધારે દેશોમાં તેને એક્સપોર્ટ કરવામા આવે છે. તેમજ તેની 60 કરતાં પણ વધારે પ્રોડક્ટ્સ છે.

તમને જણાવી દઈએ કે આજે આ કાકાની દર વર્ષની 21 કરોડ કરતાં પણ વધારે પગાર છે. આજે તેમનું 1500 કરોડ રૂપિયાનું એમ્પાયર છે. આ કંપની લગભગ દર વર્ષે 800થી 900 કરોડની આવક કરે છે. તેમજ તેમનો દર વર્ષનો નફો પણ 200 કરોડ રૂપિયાથી વધારે છે. તમને જણાવી દઈએ કે ધર્મપાલ ગુલાટી MDH મસાલામાં 80% ભાગીદારી ધરાવે છે.

ધર્મપાલ ગુલાટી પોતાની કરોડોની કમાણીનો સદઉપયોગ કરતાં પણ જાણે છે. તેમણે જરૂરિયાત મંદો માટે પોતાના ટ્રસ્ટ હેઠણ અનેક શાળાઓ તેમજ હોસ્પિટલ પણ બનાવડાવ્યા છે. તેમાં MDH ઇન્ટરનેશનલ સ્કૂલ, મહાશય ચુન્નીલાલ સરસ્વતી શિશુ મંદિર, માતા લીલાવતી કન્યા વિદ્યાલય, મહાશય ધરમપાલ વિદ્યા મંદિર વિગેરેનો સમાવેશ થાય છે.

તેમના નામે એક રેકોર્ડ પણ છે તેઓ 2017માં 94 વર્ષની ઉંમરે સૌથી વધારે કમાણી કરતા FMCG સીઈઓ બન્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ