તેરી યાદ સાથ હે – દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ , મોંઘામાં મોંઘી હોટેલમાં રહી આવો .પણ ‘આપણું ઘર’ તે ‘આપણું ઘર …

તેરી યાદ સાથ હે

એ અમારી ટ્રીપનો પ્રથમ દિવસ હતો. હોટેલ પહોંચ્તાજ બધાની ખુશી ચરમસીમાએ હતી . પાંચ દિવસ જીવનની અનંત દોડભાગ વચ્ચેથી પરિવારને સમર્પિત . બધાના હસતા , પ્રફુલ્લિત ચ્હેરાઓ મારા પરસેવાની રસીદ સમા દીસી રહ્યા હતા . હું ખુબજ સંતુષ્ટ હતો . માનસિક તાણ જાણે ધીરે ધીરે એ પર્વતોની ઠંડી હારમાળાઓમાં બાષ્પીભવન થઇ રહ્યો હતો . પ્રકૃત્તિ જાણે એક અનેરો ‘મસાજ ‘ આપી રહી હતી . ન પલાંઠી વાળી હતી , ન આંખો બળજબરીએ મીંચી હતી . આમછતાં જાણે કોઈ ઊંડા ધ્યાનમાં પહોંચી ગયો હોવ એમ હલકો ફૂલ થઇ રહ્યો હતો .

ડિનર મેન્યુ માટે નીચે ઉતરવાનું હતું . બધા પરિવારના સભ્યો હર્ષોઉલ્લાસમાં પોતપોતાની ટ્રાવેલિંગ બેગ વ્યવસ્થિત કરતા સાંજે ફરવા નીકળવા તૈયાર થઇ રહ્યા હતા . હું પણ મારો ટોવેલ અને કપડાં લઇ બાથરૂમ તરફ ઉપડ્યો . જગ્યા થોડી સાંકડી હતી પણ બધુજ સ્વચ્છ , વ્યવસ્થિત અને નિશ્ચિત માળખા આધારે ગોઠવાયું હતું . ઉફાળાં પાણીનો સ્પર્શ આખા દિવસનો થાક શાંતિથી પ્રેમપૂર્વક ઉતારી રહ્યો હતો . અચાનક મારી આંખો આગળ એનો ચ્હેરો ઉભો થઇ ગયો . હજી તો હોટેલ પહોંચવાનો પ્રથમ દિવસ હતો અને એની યાદોએ મારી ઇન્દ્રિયોને ઘેરવાનું શરૂ કરી દીધું હતું . મને જરા વિસ્મય થયું . આવું કેમ ? પણ મારી સંવેદનાઓ જાણે કશું સાંભળવા તૈયારજ ન હોય એમ એની ચિંતા , સુરક્ષા , સ્પર્શ અને સ્નેહ મારી આંખોને થોડું ભીંજવી ગયા . બસ એ સુરક્ષિત હોય , એનાથી વધુ શું જોઈએ ? પણ આમ એના વિના આટલા માઈલ દૂર આવી પહોંચવાનો આછો અપરાધભાવ મારી ખુશીઓ અને ઉત્સાહ ઉપર આછો પ્રભાવ પાડી રહ્યો . એ પ્રભાવ પ્રબળ બને એ પહેલા હું કપડાં ચઢાવી બહાર નીકળી આવ્યો . પરિવારના ચ્હેરાઓ ઉપરની તત્પરતા અને ઉતાવળ નિહાળી આખરે એ પ્રભાવ ટળ્યો ખરો .

સાંજે બધાએ ખુબજ સુંદર સમય વિતાવ્યો . બીજા દિવસની યોજનાઓ અને પ્રવૃત્તિઓના બુકિંગની ચર્ચા -વિચારણા પણ થઇ ચુકી . હોટેલનું જમણ તો એકદમ આંતરરાષ્ટ્રીય સ્તરનું હતું . બાળકોને તો ફ્યુઝન ફૂડ મળી ગયું એટલે પૃથ્વી ઉપર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું . જોકે મને તો મારા દાળભાત અને રોટલીજ વ્હાલા પણ ક્યારેક પોતાનાઓની ખુશી માટે થોડું જતું કરીએ , કંઈક નવો પ્રયાસ કરીએ એ પણ એક સુંદર એડવેન્ચર જ ને ?

રાત્રે હોટેલ રૂમ ઉપર પરત થયા ને ફરીથી એની યાદો મને વીંટળાઈ વળી . બીજા દિવસ માટેની બધી યોજનાઓ અને ટ્રીપના ઉત્સાહમાં બધાજ પથારી પર પડતાજ ઊંઘી ગયા . હોટેલના આછા લાઇટલેમ્પમાં હું દરેકનો ચ્હેરો ધ્યાનથી તાકી રહ્યો . દરેકે દરેક ઘોડા વેચી ઊંઘી ગયા હતા . મારા મનમાં એક લાગણીશીલ પ્રશ્ન ઉમટી આવ્યો . શું આમને એની યાદ જરાયે નથી આવતી ? શું હુંજ એની જોડે આમ લાગણીને તાંતણે બંધાયો છું ? એમની જોડે પણ તો એનો એકસરખો સંબંધ છે . પણ એની ગેરહાજરીથી એમના ઉત્સાહ અને આનંદ સંપૂર્ણ પણે કોરા છે . જયારે મારા માટે તો આવનારો દરેક દિવસ એના વિના વિતાવવો એ કેટલો મોટો પડકાર છે ! પણ શું કરી શકાય ? કશુંક મેળવવા માટે કશુંક ગુમાવવું પણ પડે , એજ જીવનનું સત્ય છે . મારું ચાલે તો એને ગોદમાં ઊંચકી સીધો અહીં લઇ આવ . પણ એ તો શક્ય જ નથી . એ અહીં કઈ રીતે આવી શકે ? જીવનની દરેક બાબતો ઉપર માનવી નિયંત્રણ ન રાખી શકે . કશેક , કંઈકને કંઈક જતું કરવુંજ પડે .

આખરે મનને ગમે તેમ કરી શાંત પાડ્યું . ફ્ક્ત ચાર દિવસ તો છે . પાંચમે દિવસે સીધો એની જોડે , એની નજીક , એના સ્નેહાળ જગતમાં . જેટલા આપી શકાય એટલા બધાજ આશ્વાસન હૃદયને આપી દીધા . એ સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ ક્યાં હતો ?લાંબી અતિમુલાયમ સફેદ પથારી અને ચાદર ઉપર મારુ શરીર થોડું વધુ પડતું અંદર ધસી ગયું હોય એવું લાગ્યું . આખરે લેમ્પને બંધ કરી એસીની હવા અને રૂમસ્પ્રેની વચ્ચે ભીંસાતા મારી આંખો બળજબરીએ મીંચી દીધી .

એ પછીના ચાર દિવસો તો અપેક્ષા પ્રમાણે
અત્યંત ઝડપથી પસાર થતા ગયા . પ્રવૃત્તિઓની લાંબી યાદી એક પછી એક સમાપ્ત થતી ગઈ . પેરાસેલિંગ , પેરાગ્લાઇડિંગ , સ્પીડ બોટ , ટ્રેકિંગ , ફોરેસ્ટ
વોકિંગ , સાઈડ સીન્સ , કાયાક . બાળકોના મનની દરેક ઈચ્છા પુરી થતી નિહાળી એક પિતા તરીકે મન સંતોષમાં ડૂબકી લગાવી રહ્યું હતું . પરિવાર જોડે વિતાવેલો સમય આજીવન યાદોમાં પોતાનું સ્થળ બનાવી લેતો હોય છે . બાળકો માટે પણ અને વાલી માટે પણ . તેથીજ કદાચ બાળપણથી એમને રમકડાંઓ કરતા વધુ અનુભવો અને પ્રવૃત્તિઓ ભેટમાં આપવાને હું પ્રાધાન્ય આપતો રહ્યો . પાંચ દિવસો માટેનું આ સહ- સાનિંધ્ય એમની યાદશક્તિ માંથી કદી ભુંસાશે નહીં , એની મનને પાક્કી ખાતરી હતી .

આ બધા આનંદ- ઉલ્લાસ ની મધ્યમાં દિવસોતો સહેલાઈથી પસાર થઇ ગયા . પરંતુ દરેક રાત્રિનો એકજ નિયત ક્રમ . હોટેલ પહોંચી આખા દિવસની શારીરિક પ્રવૃત્તિઓના થાકથી દોરાઇને ગાઢ નિંદ્રામાં સરી પડતા મારા પરિવારના દરેક સભ્યને નિહાળતો હું એજ નાઇટલેમ્પના આછા પ્રકાશમાં એકલો જાગતો રહેતો . થોડો વ્યાકુળ . થોડો ચિંતિત . ઘણો બધો ખોવાયેલો . એજ ઊંડી પથારીમાં મારા શરીરના વજનનું સંતોલન સાધતો . ક્યારેક આ પડખે તો ક્યારેક પેલે પડખે . વચ્ચે બાથરૂમના થોડા ચક્કર કાપી આવતો . બેચેન જીવ ઊંડી શ્વાસો વચ્ચે જકડાઈ રહેતું . એજ યાદો ને એજ તત્પરતા . આશ્વાસન પણ
એકસમાન જ .

હવે ફક્ત ચાર દિવસો જ તો રહ્યા છે . પછી
સીધો એની પાસે . હવે માત્ર ત્રણ દિવસો જ તો રહ્યા છે . પછી એના વ્હાલા સાનિંધ્યમાં . બસ બે દિવસની તો વાત છે . થોડી ધીરજ . એક માત્ર છેલ્લો દિવસ અને લાંબી આતુરતાનો અંત .

અંતિમ દિવસે હોટેલમાં સામાન પેક કરતા સમયે હું મનોમન ખુશીથી ઉછળી રહ્યો હતો . મારી નજર પરિવારના દરેક ચ્હેરાઓને ધ્યાનથી તાકી રહી હતી . પાંચ દિવસોની ઉજાણી અને હરવાફરવાનો સંતોષ બધાજ ચ્હેરાઓ ઉપર છલોછલ હતો .પણ એ દિવસે એ દરેક આંખોમાં એની યાદ હું સ્પષ્ટ નિહાળી રહ્યો . આખરે પાંચ દિવસને અંતે પણ એની સ્મૃતિ એમના હૃદયને ભાવુક કરી રહી હતી . એને મળવાની ઉત્કંઠા એમના શરીરના હાવભાવોમાં અરીસા સમી અભિવ્યક્ત થઇ રહી હતી . પણ એ લોકો કદી એ વાત સ્વીકારશે નહીં એ હું સારી રીતે જાણતો હતો .

પહાડોના સાંકડા રસ્તા ઉપરથી ધીરે ધીરે નીચે તરફ ઉતરી રહેલી બસની બારીઓમાંથી સૂર્યાસ્તની કિરણો દરેક મનને ધ્યાનમગ્ન કરી રહી હતી . બાળકોના કાન ઉપર ચઢેલા ઈયરફોન પાછળ એમના અજાગ્રત મનના ખૂણામાં એની યાદો સંપૂર્ણપણે જાગ્રત થઇ ઉઠી હતી . મારા હય્યામાં તો એ યાદો સમયના કોઈ પણ નિયંત્રણ વિના સદા જાગ્રત મનમાંજ રાજ કરતી હોય છે .

આખરે મુસાફરીનો અંત આવ્યો . મારી પત્નીએ ધીરે રહી તાળું ખોલ્યું . બધાજ પોતપોતાનો સામાન લઇ જુદા જુદા ખૂણાઓમાં વિખરાયા .
મારી શ્વાસોમાં હું એની શ્વાસોને એક લાંબી શ્વાસ દ્વારા ખેંચી રહ્યો . ચારે દિશાઓમાં હું એને એકીટશે અવિરત નિહાળી રહ્યો . પાંચ દિવસોના અંતર પછી આખરે હું એની પાસે પહોંચીજ ગયો . એના વિના વિતાવેલા દિવસો આમ તો ઘણા આનંદપ્રદ હતા . પણ એના વિના ભોગવવી પડતી અગવડતા અને બેચેની એટલીજ પીડાદાયક પણ હોય છે . બેઠકખંડના મધ્યમાં ગોઠવેલી મારી આરામ ખુરશી ઉપર હું આરામથી ગોઠવાયો . મન તો થઇ ઉઠ્યું એને મારા આલિંગનમાં સમાવી લઉં . પણ એ મારા સંકુચિત આલિંગનમાં ક્યાંથી સમાઈ શકે ? તો શું થયું ? હું તો એના વાત્સલ્યભર્યા આલિંગનમાં ઊંડો ઉતરી ચુક્યો હતો .

મારા પરિવારના સભ્યો એ શબ્દોથી ટેવાઈ ગયા હતા . અંદરોઅંદર મારી મશ્કરી ઉડાવવામાં આવશે . મારા દરેક શબ્દોને આગળથી સહઅભિનય એમના ખૂણાઓમાં ઉચ્ચારી પણ દેવામાં આવ્યા હશે . એકબીજા જોડે તાળીઓ ની અદલાબદલી થશે . એ બધું જાણતો હોવા છતાં આખરે આરામ ખુરશી ઉપરથી દર વખતની જેમ એના પ્રત્યેના પ્રેમને શબ્દોમાં અભિવ્યક્ત કરતો મારો અવાજ ઘરના દરેક ખૂણામાં ગુંજી ઉઠ્યો .

” દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ . કોઈ પણ શહેરમાં રખડી આવો . ગમે તેવા સુંદર સ્થળોની મુલાકાત લો . મોંઘામાં મોંઘી ને આરામદાયક હોટેલમાં રહી આવો . પણ ‘આપણું ઘર’ તે ‘આપણું ઘર ‘……”

લેખિકા – મરિયમ ધૂપલી