શ્રીમાન શાહનું કુંડુ – આ લક્ષ્યને યોગ્ય રીતે પાર પાડવા એ દરેક સ્થળે , દરેક સમયે પોતાનું કુંડુ જાતે ઉપાડી સાથે જ રાખે

શ્રીમાનશાહને પોતાનું કુંડુ ખુબજ પ્રિય . જ્યાં શ્રીમાનશાહ હોય ત્યાં એમની જોડે એમનું કુંડુ પણ અચૂક હોય . ઘરમાંથી બહાર પગ મુક્તી વખતે કે ઘરમાં પરત થતા સમયે , જાગ્યાની સાથેજ અને ઊંઘતી વેળા પણ . શ્રીમાનશાહને એમના કુંડા થી છુટા કરવા એતો તદ્દન અશક્ય જ!

કુંડામાં ઉછરી રહેલ છોડની કાળજી અને માવજત એજ એમના એકમાત્ર લક્ષ્ય . આ લક્ષ્યને યોગ્ય રીતે પાર પાડવા એ દરેક સ્થળે , દરેક સમયે પોતાનું કુંડુ જાતે ઉપાડી સાથેજ રાખે . કોઈ પણ બેદરકારી માટે કોઈ અવકાશજ ન રહે . કોઈના ઘરે ગયા હોય કે કોઈ ઘરે આવ્યું હોય , કોઈનો જન્મદિવસ હોય કે મરણ પ્રસંગ , લગ્ન સમારંભ હોય કે મરણ તિથિ , કોઈ પણ ઉત્સવ હોય કે કોઈ પણ ઉજવણી શ્રીમાન શાહનું કુંડુ એમની જોડેજ પડછાયા સમું . એમાં ઉછરી રહેલ છોડની ચિંતામાં દરેક પ્રસંગો એકસમાન બની રહેતા . ખુશીની ક્ષણ હોય કે દુઃખની ક્ષણ , મનના ઊંડાણોમાં દરેક ભાવ સૂન પડી રહેતા . પગમાં ચડતી ખાલી સમયે પગ જીવિત હોવા છતાં જેવો નિર્જીવ ભાસે , એવુજ એમનું સંવેદના જગત પણ કુંડામાં વિકસી રહેલ છોડના યોગ્ય ઉછેર અને વિકાસની ચિંતામાં એજ પ્રમાણે જીવિત હોવા છતાં મૃત , નિર્જીવ એક ખૂણામાં પડ્યું રહેતું.

આખો દિવસ , આખી રાત કુંડાને સતત સાથે લઇ ચાલતા એમનું શરીરજ નહીં એમનું મન પણ ચિંતા અને તાણથી સતત થાક્યું , પાક્યું રહેતું . ક્યારેક સ્નાયુઓ પીડા આપતા તો ક્યારેક મગજની ઇન્દ્રિયોનો અસહ્ય દુ:ખાવો . પણ શ્રીમાન શાહ ને એ પીડા , એ વેદના મંજુર હતી . કુંડુ આંખો સામે હોય તોજ એ પોતાની ફરજ નિભાવી રહ્યા હોય એવી કર્તવ્યપરાયણતાની ભ્રમણાઓ માં પોતાના જ શરીરનું જતન અને કાળજી એ ખુશી ખુશી ચુકી જતા .

ક્યારેક કુંડાની સુરક્ષા અંગેના વિચારો એમને આખી આખી રાત જાગતા રાખતા તો ક્યારેક આખો આખો દિવસ ભૂખ્યા , તરસ્યા એ કુંડાની માવજત પાછળ ધૂની બની પડ્યા રહેતા . શરીર પ્રત્યેની આ બધી બેદરકારી ક્યારેક છાતીનો દુખાવો બની ઉઠતી તો ક્યારેક અવનવી માંદગી સ્વરૂપે દર્શન આપતી . અતિ ચિંતા અને તાણ ભર્યા વલણને કારણે ઔષધિઓ અને દવાઓ એ એમને પોતાના શરણાર્થી બનાવી મુક્યા હતા . માથું દુઃખે કે હૃદય ધ્રૂજે , આંખો બળે કે એસીડીટી ઉપડે , ડિપ્રેશન હોય કે હાઈ બ્લડ પ્રેશર , દરેક પરિસ્થિતિનો સામનો કરવા જુદી જુદી તબીબી સારવારો નો સહારો મળી રહેતો .

તબિબોએ અગણિતવાર સમજાવવાનો પ્રયાસ કરી જોયો . જુઓ , શ્રીમાન શાહ , આમ આખો દિવસ , આખી રાત આ કુંડાને સાથે લઇ ન ચાલી શકાય . છોડના જતન અને માવજત માટે જેટલી મહેનત શક્ય હોય આપ કરી રહ્યા છો . હવે એ પરસેવાને એકાંતમાં એનું કાર્ય કરવા દો . આપનાથી બનતું બધુજ આપ કરી રહ્યા છો . પણ આમ દરેક સ્થળે , દરેક પ્રસંગે આ કુંડા નો ભાર સાથે લઇ ચાલશો તો કોઈ ગંભીર માંદગીમાં પટકાશો . આ છોડ એની મેળે આપોઆપ વિકસશે , એજ પ્રકૃત્તિનો નિયમ છે . એને માથે ઉપાડી ફરવાથી એના વિકાસની પ્રક્રિયાને કોઈ લાભ મળવાનો નથી .
એનાથી વિરુદ્ધ એની વ્યર્થ ચિંતા કરતા જો આપની તબિયત બગડી તો આ કુંડાની કાળજી અને દરકાર લેવા પણ કોઈ ન આવશે .

પણ આમ માની જાય એ શ્રીમાન શાહ નહીં . કોઈ કઈ પણ કહે એ પોતાની ફરજ ધૂની બની બજાવ્યેજ જાય . કુંડા નો ભાર એક ક્ષણ માટે પણ એમનાથી અળગો ન થાય તે નજ થાય .

દિવસો વીતતા ગયા અને સાથે સાથે કુંડા પ્રત્યેની એમની ચિંતાને તાણ પણ ક્રમશ: વધતીજ રહી . બીજી તરફ કુંડા નો ભાર એમના શરીરના થાકને ચરમસીમાએ પહોંચાડી રહ્યો . એક દિવસે શારીરિક અને માનસિક થાક એની પરાકાષ્ઠાએ પહોંચ્યો . જાતે કુંડાની અને છોડની યોગ્ય માવજત લઇ શક્યા નહીં એવો ભ્રમણાસભર અપરાધભાવ મનને રહેંસી રહ્યો . પોતાની જાતને સજા આપવા તેઓ કુંડા જોડે એક બહુમાળી ઇમારતની છત ઉપર પહોંચી ગયા અને આંખો મીંચી કુંડા જોડે છલાંગ લગાવી દીધી .

થોડી ક્ષણોમાંજ શ્રીમાન શાહનું મૃતદેહ એ બહુમાળી ઇમારત નીચેથી ઊંચકી લેવાયું . છોડ અને કુંડા નો દરેક અંશ કચરા પેટી ભેગો કરી દેવાયો .

શું શ્રીમાન શાહનું પગલું યથાર્થ હતું ? શું તેઓ પોતાના કુંડા અને છોડને સાચો પ્રેમ કરતા હતા ?

ઉત્તરતો આપણે જ આપવો પડશે . કારણકે શ્રીમાનશાહને આપણાથી વધુ કોણ ઓળખે છે ? એમના કુંડા અને છોડને આટલી નજીકથી આપણા સિવાય કોણે જોયા છે ?

કેમકે શ્રીમાન શાહ બીજું કોઈ નહીં આપણે જ છીએ અને આપણું કુંડુ એ આપણું જીવન……

લેખિકા : મરિયમ ધૂપલી